નવેમ્બરના બીજા સપ્તાહમાં દયાળ માવજીભાઇ પરમાર, એટ્લે કે મુનિ દયાળે 88 વર્ષે વિદાય લીધી.
કોણ હતા આ મુનિ? શા માટે મુનિ કહેવાયા? પ્રાથમિક શિક્ષણ અને પિતાજીએ સોંપેલું દરજી કામ કરતાં કરતાં અધ્યયન, અભ્યાસ અને લેખનના વળાંકે કઈ રીતે પહોંચ્યા? ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત સાહિત્ય અકાદમી, અને સિદ્ધિના શિખર જેવુ રાષ્ટ્રીય સન્માન “પદ્મ શ્રી” પ્રાપ્ત થયું તેવું વ્યક્તિત્વ કેટલું સીધું સાદું અને અકિંચન હતું? કઈ રીતે તેમણે સંસ્કૃતને કેન્દ્રમાં રાખીને 50 પુસ્તકો લખ્યા? આટલું ઓછું શિક્ષણ હોવા છતાં જે પુરુષાર્થ કર્યો તેના કેટલા પડાવો હશે?
2008ના જાન્યુઆરીની એક બપોરે તેમને સાવ અચાનક મળવાનું બન્યું. હું અને આરતી નીકળ્યા હતા સૌરાષ્ટ્રના પ્રવાસે, નિમિત્ત જુદાજુદા સ્થાને સ્વતંત્રતાનું આંદોલન કેવું ચાલ્યું હતું તેની માહિતીનું. એકલી માહિતી નહીં, જે તે જગ્યાએ તેની સ્મૃતિ, તેમનો નિવાસ, લોકોમાં તેમની જાણકારી, લોકગીતોમાં વણાઈ ગયેલી તેવા વીરોની જિંદગી, ફાંસી, ગોળી, આંદામાનની યાતનાઓ, સત્યાગ્રહો… આ બધુ આત્મસાત કરીને લખવું હતું. ઇતિહાસ એ દસ્તાવેજો સાથેની મનુષ્ય-યાત્રા છે એવી દ્રઢ માન્યતા. એટ્લે એક યાદી તૈયાર કરી, ગુજરાત,સૌરાષ્ટ્ર, કચ્છના 101 સ્થાનોની. તેમાં વ્યક્તિઓ અને ઘટનાઓનો અંદાજ મેળવવો હતો. (પછીથી એ પુસ્તક “ગુજરાતનાં ક્રાંતિ તીર્થો” નામે પ્રકાશિત થયું. તેનું લોકાર્પણ ગુજરાત સમાચાર-એસિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શ્રી સી.બી. પટેલે અમદાવાદમા યોજયું, તેમાં મુખ્ય અતિથિઓ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને આદરણીય મોરારીબાપુ હતા.)
ટંકારા એટ્લે સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ. સ્વામીજીએ 1857માં નાનાસાહેબ. તાત્યા ટોપે, ઝાંસી રાણી લક્ષ્મીબાઈને બ્રિટિશ સત્તાની સામે લડાઈ માટે પ્રેરિત કર્યા હતા તેવી આછી-પાતળી વિગતો નોંધાયેલી છે એટ્લે તે વિષે વધુ જાણવું હતું. ટંકારામા સ્વામી દયાનંદ સ્મારક હોવાથી ત્યાં કૈંક વિગતો મળે તેવી આશાથી અમે ત્યાં પહોંચ્યા. તેમનાથી સંબંધિત સ્થાનોની મુલાકાત લીધી. અને જાણવા મળ્યું કે સ્વામીનું જીવનચરિત્ર લખનારા એક અભ્યાસી વિદ્વાન અહી રહે છે, તેઓ આર્યસમાજથી દીક્ષિત મુનિ દયાળ છે. ટંકારાની એક ગલીમાં એક નાનકડું મકાન. તેઓ અને તેમના પત્ની વર્ષોથી અહી રહેતા હતા. ઘણી ચર્ચા થઈ ત્યારે જ કેએચબીઆર પડી કે અરે, આમણે તો આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠ ધરોહર જેવા વેદના ચારે મહા-ગ્રન્થોનો અનુવાદ કર્યો છે. સુશ્રુતની ચરક સંહિતા ગુજરાતીમાં અવતરિત કરી છે. વેદના આઠ ગ્રંથો, અને તેના 20397 મંત્રો ગુજરાતીમાં અનુવાદિત કરીને પ્રસ્તુત કરવા એ નાનુસરખું કામ નથી. આ ગ્રન્થો સહિત બીજા 50 પુસ્તકો, તેમાના અઢાર તો આયુર્વેદ યુનિવર્સિટીના સંદર્ભ પાઠ્યપુસ્તકો છે! સિત્તેર વર્ષની સીમા પાર કરીને આ દેખીતી રીતે સામાન્ય માણસની કેવી અસામાન્ય વિદ્યા સાધના હતી તેની અમારા મનમાં કાયમ માટે એક આદરની છાપ અંકિત થઈ ગઈ.
તેનું એક પરિણામ બરાબર બાર વર્ષે સરજાયું. ગુજરાત સાહિત્ય અકાદમીનો હું 2017થી અધ્યક્ષ બન્યો. તેમાં ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, સિંધી. કચ્છી ભાષાઓનું કાર્ય પણ ખરું. દરેક ભાષામાં એક લાખનો ગૌરવ પુરસ્કાર, યુવા લેખક પુરસ્કાર, દરેક ભાષાના તે વર્ષે પ્રકાશિત નવલકથા, નવલિકા, વિવેચા, નાટક, કાવ્યના અનુક્રમે ત્રણ પુસ્તકોને પારિતોષિક આવી યોજનાઓ હતી. અમે નક્કી એવું કર્યું કે અત્યંત ખ્યાત હોય તેવા લેખકોની ઉપરાંત જેમણે કોઈ નાના ખૂણે બેસીને તેવું જ મોટું કામ કર્યું હોય તેને પણ આ ગૌરવ સન્માન આપવું. તેની સાથે દરેક નવોદિતને તેના પ્રથમ પુસ્તક માટે આર્થિક સહયોગ આપવો, તેની રકમ વધારી. અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તકો ઉત્તમ હોવા છતાં વાચક સુધી ઓછી સંખ્યામાં પહોંચતા. કારણ એ હતું કે નિયમ મુજબ દસ ટકા વળતર હતું, ને ગાંધીનગર કાર્યાલયમાં જ પુસ્તક મેળવવા આવવું પડે. આ વ્યાવહારિક મુશ્કેલી હતી. અમે 10 ને બદલે 50 ટકા વળતર આપવાનું શરૂ કર્યું તો 2017થી 2022 ના પાંચ વર્ષોમાં કરોડો રૂપિયાના પુસ્તકો લોકો સુધી પહોંચ્યા.
સાહિત્ય સંસ્થાની યોગ્ય માવજત થવી જોઈએ. તેનું એક વિઝન હોવું જોઈએ. સરકારી ગ્રાન્ટ તમે સારી બાબતમાં ખર્ચી શકો તો બીજી તરફ તેનો બગાડ થાય એવી રીતે પણ ખર્ચ કરી શકાય. અંતરિયાળ ગામડા સુધી મારો ગુજરાતી, સિંધી, સંસ્કૃત, કચ્છી હિન્દી લેખક પડ્યો છે, તેનો હાથ ઝાલવાનો સંકલ્પ અને પ્રતિબદ્ધતા હોવી જોઈએ.
આના જ એક ઉમેરણ તરીકે નક્કી કર્યું કે છેક ટંકારામા બેઠેલા આઅકિંચન વિદ્વાનને સન્માનિત કરવા જોઈએ. સંસ્કૃત સમિતિએ આ સૂચનને વધાવી લીધું. કાર્યક્રમ નક્કી થયો. એ દરમિયાન રાજભવનમાં એક ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ યોજાયો. કાશી વિશ્વવિદ્યાલયમાં મદન મોહન માલવિયા અને બાબુ શિવપ્રસાદ ગુપ્તાની પ્રેરણાથી રામદાસ ગૌડ નામના અધ્યાપકે “હિંદુત્વ” ગ્રંથ લખ્યો તે છપાયો હતો. 80-90 વર્ષ પહેલાનો, ખરા અર્થમાં સંદર્ભ ગ્રંથ કહી શકાય તેવું આ પ્રકાશન આજે પણ મહત્વનુ હતું. પણ તેની કોઈ પ્રત ક્યાંય મળતી નહોતી. એકવાર મુંબઈ જવાનું થતાં ચર્ચગેટ પાસે ફૂટપાથ પર જૂના પુસ્તકોનું વેંચાણ થતું હતું ત્યાં આ ગ્રંથ મળી આવ્યો! તે મારી પાસે 12 વર્ષથી સંચવાયેલો હતો તે કામ લાગ્યો અને સંસ્કૃત અકાદમી હેઠળ પ્રકાશિત કર્યો, તેનું લોકાર્પણ ગુજરાતના રાજયપાલના હસ્તે રાજભવનમાં યોજાયું. કાર્યક્રમ પછી વાતચીત દરમિયાન મે દયાળજી પરમારને ગુજરાત સંસ્કૃત અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય કહ્યો તો એકદમ ખુશ થઈને કહે: હું એ કાર્યક્રમમાં જરૂર આવીશ.
દયાળ મુનિ અસ્વસ્થ હતા તો અકાદમીએ ટંકારા જઈને તેમને સન્માન આપવાનું નક્કી કર્યું. બાઈબલમાં કહેવત છે ને કે મોહમ્મદ પર્વતની પાસે જઇ ના શકે તો પર્વતે મોહમ્મદ પાસે જવું! એવું તો થયું, સાથે ઓન લાઇન સમાપનમાં રાજયપાલ શ્રી દેવદત્ત આચાર્યએ કહ્યું કે જો અકાદમી આવાં વિદ્વાનનું સન્માન કરતી હોય તો રાજભવન કેમ પાછળ રહે? અકાદમીના એક લાખમાં રાજભવન બીજા બે લાખ ઉમેરશે!