ફરીવાર યુસીસી અર્થાત કોમન સિવિલ કોડની ઇધર ઉધરની ચર્ચા ચાલી છે. પોતાને સાર્વજનિક જીવનના મસીહા માનનારાઓનો શોર ચાલ્યો છે તો બીજી તરફ સમજદાર વર્ગે પણ સૂચનો કર્યા છે. ખરી વાત એ છે કે આપણો દેશ વિવિધ ભાષા, આસ્થા, સંપ્રદાય અને વર્ગમાં વહેંચાયેલો છે એટ્લે વિવિધતા તો રહેવાની. એટ્લે તો આ સંસ્કૃતિ વિવિધાતામાં એકતાની વિશેષતા ધરાવે છે. આવી ઉદાર લોકશાહીનો ગેરલાભ કેટલાક ગઠિયાઓ પણ ઉઠાવી જાય અને તેને જાતભાતના લેબલ લગાવી ડેટા હોય છે. જેમ કે વિચારોની સ્વતંત્રતા, આસ્થા ઉપાસનાની સ્વતંત્રતા, માનવધિકારની સુરક્ષા વગેરે. હવે આ તો અસ્તિત્વમાં છે જ. પણ કથિત “લિબરલ્સ”ને ઉહાપોહ વિના જમવાનું પચતું નથી તેનું શું?
વિવિધતા તો ફ્રાંસમાં પણ છે, અમેરીકામાં યે છે, યુરોપ અને રશિયા-ચીન જેવા એકાધિકારવાદી દેશો તેમાથી બાકાત નથી. પણ ત્યાં કાનૂન એકસરખો છે. આરબ રાષ્ટ્રોમાં પણ મોટેભાગે એવું છે તો ભારતમાં , આવા સામાજિક રીતે વિકસિત દેશમાં સમાન નાગરિક સંહિતા કેમ ના હોવી જોઈએ? છેવટે તો સમાન કાયદાઓ જ લોકશાહી નાગરિકોનું ઘડતર કરે છે, દેશની ગરિમા વધે છે. એક સમાન ન્યાય થાય છે.
અત્યાર સુધી તીન તલાકની પ્રથા હતી. શરિયતમાં આવો નિયમ છે એમ કહીને નિકાહ પછી પુરુષ સમાજ સ્વછંદી નિર્ણય લઈને બીબીને તલાક આપવા ત્રણ વાર તલાક બોલે તેવી પ્રથા! આને કારણે મુસ્લિમ મહિલાને ઘોર અન્યાય અને શોષણ થતાં રહ્યા. હવે તેમાથી મુક્તિ મળી છે તો કેટલાકને તે લઘુમતી પરનો અન્યાય લાગે, સરઘસો નીકળે, આવું બધુ થયું. પણ કાનૂન તો આવ્યો જ. ગલત લોકોના વિરોધ પછી પણ દ્રઢતાથી કામ કરે તેવા રાજકર્તાઓની આજે છે એવી જરૂરત ક્યારેય નહોતી.
સમાન નાગરિક સંહિતાનો મુદ્દો પણ આવો જ છે. એ સાચું કે ઈસાઈ કાનૂન અલગ છે, ઇસ્લામ શરિયતમા માને છે. ભારતીય વનવાસી ગિરિવાસી -સામાન્ય અર્થમાં આદિવાસી-ના સમુદાયોમાં પણ વિવિધ રીત રિવાજો છે જ. પણ વિસંગતિ દૂર કરવાના સદાશય થી નિહાળવામાં આવે તો આ રિવાજો કોમન સિવિલ કોડ બનાવવામાં અને લાગુ પાડવામાં ક્યાંય અવરોધક બને તેવા નથી. માત્ર વયની એક પરિસીમા બંધવામાં આવે તે મહત્વનુ છે. રાજસ્થાન અને ગુજરાતનાં કેટલાક સમાજોમાં હજુ બાલ વિવાહની પ્રથા છે, તેને નાગરિક સ્વતંત્રતા કહી શકાય ખરી?
આ અને આવા પ્રશ્નો તો છે જ. અને ક્યાં નથી હોતા? તુર્કીમાં ખલીફા જેવી હકૂમતને પ્રગતિશીલ કમાલ અલ તુર્ક પાશાએ ઉખેડી નાખી તેનાથી દુનિયાભરના મુસ્લિમ સંપ્રદાયમાં વિરોધ ઉઠ્યો પણ કમાલ પાશાએ દૃઢતાથી કામ લીધું. ભારતમાં ભલે, બધાની સાથે ચર્ચા કરીને, વિશ્વાસમાં લઈને આ કોમન સિવિલ કોડ સ્થાપિત કરવામાં આવે તે જરૂરી જ નહીં ઐતિહાસિક પણ છે. દરેક નાગરિકને માટે કાયદો એકસરખો લાગુ પડે છે એમ આપણે કહીએ તો છીએ પણ લાગુ પાડતા નથી.
બંધારણમાં 1950માં આની તરફેણ કરવામાં આવી હતી અને સ્વાતત્રતાને માંડ ત્રણ જ વર્ષ થયા હતા એટ્લે આવો કાયદો (કારણ માત્ર એક જ હતું કે ભારતના ભાગલા જ મુસ્લિમોએ અલગ દેશ માગ્યો તેના પર થયા હતા, હત્યાઓ અને હિજરતોના પ્રશ્નો પૂરેપૂરા ઉકેલાયા નહોતા એવા સંજોગોમાં આદર્શ બંધારણ છ્તા સમાન નાગરિક સંહિતાનું ભારે મહત્વ હોવા છતાં બધાને વિશ્વાસમાં લઈને ધીરે ધીરે તેનો વિચાર કરવામાં આવે તેવું કહેવાયું, જુઓ, હિન્દુ સિવિલ કોડ તો પસાર થયો જ, કેમ કે હિન્દુ પ્રજા વધુ સહિષ્ણુ અને સમજદાર છે એવું કાનૂન નિર્માતાઓ માનતા હશે અને તે વાત સાચી પણ પડી. અત્યારે કોમન સિવિલ કોડની સામે સૌથી વધુ વિરોધ મૌલવી, મુલ્લાઓનો જ છે તેમાં પોતાની રોટી શેકી લેવા રાજકીય નેતાઓ અને પક્ષો ભળેલા છે.
હજુ તો માત્ર જાહેર ચર્ચા સુધી વાત પહોંચી છે અને આવું વાતાવરણ છે તો નિર્ણય લેવાય ત્યારે શું થશે? સરકારે દૃઢતાથી જ કામ લેવું પડે. આ જ નિર્ણય ખરેખર તો 1950 માં બંધારણને માન્યતા આપવામાં આવી ત્યારેજ થવું જોઈતું હતું જે આજ સુધી લટકી રહ્યું છે, તાજેતરમાં ગોવાના ધારાશાસ્ત્રી અલબેર્ટીના અલમીદાએ ગોવાના ઇસાઇઓના 2012ના સિવિલ કોડની ચર્ચા કૃ છે. તેમાં લગ્ન, પીટીઆઇ પત્ની સંતાનોના સંપત્તિ અધિકાર વગેરેની ચર્ચા કરી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખીને નાગરિક સંહિતા વિષે વધુ વિચારમંથન કરવાનું સૂચન કર્યું છે.
દેશમાં સમાનતા, બંધુતા, સહભાગિતા, અને સાર્વભૌમત્વનો એક રસ્તો સામાજિક છે, બીજો કાનૂની છે, બંનેમાં કેટલું અમલીકરણ થાય છે તે સૌથી મહત્વનુ!