મૃત્યુ પછી પણ કોષોને પુનર્જિવિત કરી શકાશેઃ અંગદાનમાં વધારો શક્ય

મૃત ડુક્કરોના શરીરમાં કૃત્રિમ લોહીના વહનથી કોષોને બચાવવામાં સફળતા

Friday 19th August 2022 02:15 EDT
 
 

લંડનઃ મૃત્યુના પરિણામે નષ્ટપ્રાય થતાં કોષોને પુનઃ સજીવન કરવામાં મળેલી સફળતાથી અવયવોના દાન માટેની સંભાવનાઓ વધી જશે. એક કલાકથી મોતને ભેટેલા ડુક્કરોના અવયવોને નવજીવન આપવાની નવી ટેકનિકમાં વિજ્ઞાનીઓએ તેમના શરીરમાં કૃત્રિમ પ્રકારના લોહીનું પમ્પિંગ કર્યું હતું. આ પ્રયોગની સફળતાથી હૃદય બંધ પડવાની ગણતરીની મિનિટોમાં તમામ સસ્તનીય પ્રાણીઓના કોષોને બચાવી ન શકાય તેવું નુકસાન પહોંચતું હોવાની માન્યતાને પડકાર મળ્યો છે. આ ટેકનિક જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખાને ભૂંસી શકે છે.

નેચર જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસના મુખ્ય આલેખક અને યેલ સ્કૂલ ઓફ મેડિસીનના ડો. ડેવિડ આન્દ્રેજેવિકના કહેવા મુજબ તમામ કોષ તત્કાળ મરી જતા નથી, શ્રેણીબદ્ધ લાંબી પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી શકાય છે. હૃદયના આખરી ધબકારાની ગણતરીની મિનિટોમાં સામાન્ય રીતે અવયવો ફૂલવા લાગે છે અને રક્તવાહિનીઓ તૂટે છે જેના કારણે રુધિરાભિસરણને અવરોધ સર્જાય છે અને કોષોને ઓક્સિજન મળતો નથી. વિરોધાભાસ તો એ છે કે આ સ્થિતિમાં કોષોને અચાનક ઓક્સિજનનો પુરવઠો અપાય તો પણ નુકસાન પહોંચે છે જેને રીપરફ્યુઝન અથવા રીઓક્સિજનેશન ઈજા કહે છે.

OrganEx નામે ઓળખાવાયેલી નવી ટેકનિકમાં સર્ક્યુલેટરી સિસ્ટમ મારફત ક્રાયોપ્રોટેક્ટિવ પરફ્યુસેટ- cryoprotective perfusate તરીકે ઓળખાતું વિશેષ પ્રવાહી અવયવો અને ટિસ્યુઝને પહોંચાડાય છે. આ પ્રવાહીમાં રેડ બલ્ડ સેલ્સમાં ઓક્સિજનનું વહન કરનારું કૃત્રિમ પ્રોટિન હિમોગ્લોબિન તેમજ કોષોના રક્ષણ કરવા અને ક્લોટિંગને અટકાવવા માટે અન્ય ઘટકો પણ હોય છે. મૃત પ્રાણી પર સારવારના 6 કલાક પછી વિજ્ઞાનીઓને જણાયું હતું કે ચાવીરુપ સેલ્યુલર-કોષીય પ્રક્રિયાઓ પુનઃ સક્રિય થઈ હતી અને કેટલાક અવયવોની કામગીરી પુનઃસ્થાપિત થઈ હતી. હૃદયમાં ઈલેક્ટ્રિકલ કામગીરી શરૂ થતાં તેની સંકોચન પ્રક્રિયા થતી જોવાં મળી હતી. સમગ્ર શરીરમાં રુધિરાભિસરણ પુનઃ શરૂ કરી શકાયું હતું.

જો આ ટેકનિક સુધારાવધારા સાથે માનવીઓ પર લાગુ કરાય તો તેનો સૌથી સારો ઉપયોગ અંગદાન માટે કરી શકાશે. અત્યારે મોટા ભાગના અંગદાન બ્રેઈન ડેથ પછી જ થાય છે જ્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે પરંતુ, શરીર કામ કરતું રહે છે જેનાથી અવયવો તંદુરસ્ત રહે છે. હૃદયની કામગીરી બંધ થાય તેવા સર્ક્યુલેટરી ડેથના કિસ્સામાં OrganEx ટેકનિકનો ઉપયોગ અવયવોને બચાવવામાં થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter