મોઝામ્બિકના પાટનગર મપુટુથી ૨૨૫ કિલોમીટર દૂર શશાઈ નગર જેને ગુજરાતીઓ ચંચાઈના નામે ઓળખે છે. અહીં સો જેટલા ગુજરાતી પરિવારમાં વિશિષ્ટ પરિવાર તે ખીમજી પીતાંબરનો. આ પરિવાર તેની ઉદારતા, ખાનદાની, નમ્રતા અને ધર્મપ્રિયતા માટે જાણીતા છે. પરિવાર સંપ અને ભારતીય સંસ્કારિતાથી ભરેલો છે.
પરિવારમાં વડા ખીમજીભાઈ અને તેમનાં પત્ની નિર્મળાબહેન, એક જ ઘરમાં ત્રણ પરણેલા પુત્રો. વળી દરેકને સંતાન. ખીમજીભાઈએ એક દિવસ ત્રણેય પુત્રોને પાસે બેસાડીને દિલની વાત કરી. કહ્યું, ‘તમે બધા મોટા છો. સૌના બાળકો છે. કુટુંબ છે. ઈશ્વરકૃપાથી ધંધો ય સારો ચાલે છે. મારી ઉંમર વધતી જાય છે. મારી ગેરહાજરીમાં તમને મુશ્કેલી ના પડે માટે મારી હાજરીમાં તમારા સૌનો ભાગ નક્કી થાય તેવું કરવું છે. તમારાં બાળકો ય હવે મોટાં થાય છે ત્યારે સૌ પ્રેમભાવથી રહો અને જીવો તેવું કરવું છે.’
દીકરાઓએ કહ્યું, ‘બાપુજી! તમને અમારામાં કંઈ ખામી દેખાય છે? આવો વિચાર કેમ આવ્યો? અમારે તો ભેગા જ રહેવું છે માટે ફરી આવી વાત ના કરો તો સારું.’ સંતાનોનો પરસ્પર હેતભાવ જોતાં ખીમજીભાઈની વાત અધૂરી રહી ગઈ!
ખીમજીભાઈને ત્રણ પુત્ર. અનુક્રમે રાકેશ, દીપેશ અને નિકેશ. ત્રણેયની પત્નીઓ અનુક્રમે મિતા, ભાવના અને પ્રિયંકા. બધાં એક જ ઘરમાં રહે છે. સંપીને સૌ સૌની રીતે કામ કરે છે. બહારથી આવનારને ખબર પણ ના પડે કે ઘરમાં આટલા બધા માણસ રહે છે.
ઘરમાં રોજ ભગવાનની પૂજા-આરતી થાય. હિંદુ તહેવારોની ઊજવણી થાય અને પ્રસંગે ઉપવાસ પણ થાય. તહેવારને અનુરૂપ રસોઈ થાય છે. ભગવાન શંકરની પૂજા થાય છે. આ બધાની અસર ઘરનાં બાળકો પર પડી છે. ચારેક વર્ષનો ઋષિલ, જે નિકેશનો પુત્ર છે. તે ઘરમંદિરમાં રોજ શંકર ભગવાનને દંડવત્ કરે છે. હું હતો ત્યારે એક દિવસ તેણે શંકર ભગવાનને દંડવત્ પ્રણામ કર્યા પછી દાદીમા નિર્મળાબહેનને કહ્યું, ‘શંકર ભગવાને કહ્યું છે કે બા પાસે ચોકલેટ માગજે, તે રાજી થઈને આપશે.’ દાદીમાએ ખુશ થઈને માથે ફેરવ્યો અને ચોકલેટ આપી. ઘરમાં ભક્તિના સંસ્કાર ભારતીય આચાર-વિચાર અને શાકાહાર જળવાયા છે. બધાના શબ્દોમાં વિવેક અને આદરભાવ વર્તાય છે. પરસ્પર સ્નેહ છલકાય છે અને શોધી શોધીને મહેમાનને બોલાવીને આગ્રહભેર જમાડે છે. બાળકોમાં મારાપણાને બદલે અમારાપણાની ભાવના અને સંપ છે. આથી તો બાળકો માટે દાદા-દાદી, પપ્પા-મમ્મી કંઈ ખરીદે તો બાળકો તરત જ ભારતમાં અભ્યાસ માટે રહેતાં પિતરાઈ ભાઈ કે બહેન માટે પણ તે વસ્તુ લીધી કે નહીં તે પૂછે.
સંયુક્ત કુટુંબમાં જેમ પરસ્પર સ્નેહ છે તેમ સમાજ માટે ઘસાવાની અને જોખમ ઊઠાવવાની ભાવના છે.
૨૦૦૦માં ચંચાઈમાં ભયંકર પૂર આવ્યું. નજીકના દક્ષિણ આફ્રિકા કે મલાવીમાં ભારે વરસાદ કે પૂર આવતાં એ રાજ્યો પોતાના બંધના દરવાજા ખોલી નાખે અને એ પાણી સાગરમાં સમાવા મોઝામ્બિકનો રસ્તો પકડે. ચંચાઈ શહેરના નીચાણવાળા ભાગમાં દુકાનો છે અને વેપારીઓ ત્યાં વસે છે. ૨૦૦૦માં પૂર વખતે સરકારે નીચાણવાળા ભાગના લોકોને ત્યાંથી ખસીને બીજે જવા કહ્યું પણ ખીમજીભાઈની દુકાન માલથી ભરાયેલી તેથી બધું છોડીને જવા દીકરાઓનો જીવ ના ચાલે. તેમણે આગ્રહભેર મા-બાપ, બાળકો, સ્ત્રીઓ અને મોટાભાઈ રાકેશભાઈને ઉપરવાસમાં મોકલ્યાં.
દીપેશ તેમની નજીકના એપાર્ટમેન્ટમાં બીજા માળે રોકાયો. નિકેશ દુકાનમાં રહ્યો, પણ નદી તટે બાંધેલી પાણી રોકતી દીવાલ તૂટતાં નદીએ સાગરરૂપ ધારણ કરીને જોશભેર આગળ વધવા માંડ્યું. મકાનો-દુકાનોમાં ભોંયતળિયે પાણી ભરાવા માંડ્યું. દીપેશને દુકાનમાં રહેલા ભાઈની ચિંતા થઈ. રસ્તા પરનાં મકાનોના વરંડાની દીવાલો પર ચાલીને દુકાને પહોંચ્યો. મહામુસીબતે, જીવના જોખમે બંને નીકળ્યા. આસપાસના ફસાયેલા લોકોને દુકાનના ઉપલા માળે ભેગા કર્યાં. આવી સંખ્યા ૨૭ થઈ. ખીમજીભાઈના એક મુસ્લિમ મિત્રની મદદથી બચાવમાં હેલિકોપ્ટર આવ્યું. હેલિકોપ્ટરમાં માત્ર ત્રણ જ બેસી શકે. તેમણે પોતે બેસવાને બદલે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો બેસાડવા માંડ્યા. હેલિકોપ્ટરે ફેરા શરૂ કર્યાં. છેલ્લા ફેરામાં બંને ભાઈ બેઠાં. પોતાના જીવના જોખમે ઉદારતાપૂર્વક તેમણે બીજાને બચાવ્યાં. આના સમાચાર ત્યારે સ્થાનિક છાપાં અને ટી.વી.માં આવેલા.
ખીમજીભાઈને જીવનની ચઢતી-પડતીના ભાતભાતના અનુભવ થયાં છે. દાદા પીતાંબર તન્ના પોરબંદર નજીક બરખલા ગામમાં નાનકડી હાટડી ચલાવે. તેમના દીકરા નાનજી ૧૯૨૭માં મોઝામ્બિક આવ્યા. ૧૯૪૧માં નાનજીભાઈના ત્રીજા નંબરના દીકરા ખીમજીભાઈ જન્મ્યા. ૧૯૪૮માં નાનજીભાઈ પરિવાર સાથે ભારત ગયા. ખીમજીભાઈને ૧૯૫૭માં કાકા લાલજીભાઈએ મોઝામ્બિક તેડાવ્યા. અહીં ચાર વર્ષ નોકરી કરી. ૨૧ વર્ષની વયે ૧૯૬૧માં પોર્ટુગીઝ કાયદા મુજબ લશ્કરમાં જોડાવું પડ્યું. પછી નોકરી-દુકાન વગેરેનો અનુભવ કરીને ૧૯૭૫માં તેઓ બધું છોડીને ભારત આવ્યા. આઝાદી પછી મોઝામ્બિકમાં સામ્યવાદી સરકારમાં દુકાન, કાર, મિલકત, બેંક એકાઉન્ટ વગેરે જપ્ત થતાં જીવવું મુશ્કેલ હતું.
મોઝામ્બિકમાં સામ્યવાદી શાસન દૂર થતાં ૧૯૯૦માં તેઓ નવેસરથી મોઝામ્બિક આવીને એકડે એકથી શરૂઆત કરી. ૧૯૯૨માં દુકાન કરી. જીભની મીઠાશ, પ્રામાણિકતા વગેરેથી ધંધો જામ્યો. ૧૯૯૫માં પૂરમાં દુકાન અને તેમાંના માલ-સામાનને ભારે નુકસાન થયું. ૧૯૯૭માં મોટો પુત્ર રાકેશ પિતાના ધંધામાં આવ્યો. નવેસરથી ધંધામાં મહેનત કરી. ૨૦૦૦માં ફરીથી પૂરમાં સપડાયા અને બેઠાં થયાં.
ત્રણેય યુવાન પુત્રોની મહેનત અને સંપથી ખીમજીભાઈ ધંધામાં ફરીથી જામ્યા છે. એમની પાસે હાલ કપલાના (મોઝામ્બિકમાં વપરાતું લૂંગી જેવું પહેરવાનું કાપડ)નો મોટો ધંધો છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની અનેક નાનીમોટી વપરાશી ચીજવસ્તુઓ, ફોન, ક્રોકરી, હાર્ડવેર, રમકડાં વગેરે વેચે છે. તેમની પાસે ૫૦૦ એકરનું ફાર્મ છે. ખીમજીભાઈ ચંચાઈમાં જાણીતા વેપારી છે. ગુજરાતીઓ તેમને વડીલ તરીકે માન આપે છે. સંપ, સખાવત, ઉદારતા અને આદર્શ પરિવારના વડા તરીકે ખીમજીભાઈ જાણીતા છે.