મોદીજીને માથે ઠીંકરૂ ફોડવાની મેલી રમત

રમૂજ ગઠરિયાં

કોકિલા પટેલ Wednesday 19th May 2021 07:46 EDT
 
 

કોરોના નામના ભયાનક વાયરસે આખા વિશ્વને ભરડામાં લીધું છે. અત્યારે આપણો દેશ ભારત આ મહામારી સામે સતત ઝઝૂમી રહ્યો છે ત્યારે કેટલાક અસુખ આત્માઓ નકારાત્મક વિચારો દ્વારા ભારતની આ વિકટ પરિસ્થિતિને જે રીતે પ્રદર્શિત કરી રહ્યા છે એ જોઇ, જાણી આ રમૂજ ગઠરિયામાં “મોદીને માથે ઠીંકરું ફોડવાની મેલીરમત” લખવાનું મન રોકી શકાતું નથી. સૌ પહેલાં આપણે દુનિયાની વસ્તીનું ચિત્ર જોઇએ. અમેરિકા ૩૩.૧ કરોડ, રશિયા ૧૪.૬ કરોડ, જર્મની ૮.૫, ટર્કી ૮.૪, યુ.કે. ૬.૮, ફ્રાન્સ ૬.૫, ઇટાલી ૬.૧, સ્પેન ૪.૭, પોલેન્ડ ૩.૮, રોમાનિયા ૧.૯, નેધરલેન્ડ ૧.૭, ગ્રીસ ૧.૭, બેલ્જીયમ ૧.૨, પોર્ટુગલ ૧.૧, સ્વીડન ૧.૦, સ્વીટઝર્લેન્ડ ૦.૯, બલ્ગેરિયા ૦.૭, ડેનમાર્ક ૦.૬ આ બધા મળી કુલ ૧૦૫.૩ કરોડ થાય. બાકીના નાના યુરોપિયન દેશો ૬.૦ કરોડ થાય. હવે અમેરિકા અને યુરોપના ૧૦૫.૩+૬.૦ કરોડ યુરોપના નાના દેશના કુલ મળી ૧૧૧.૩ કરોડ થયા. એમાં બ્રાઝિલના ૨૧.૨ કરોડ+ આર્જેન્ટીનાના ૪.૪૫ કરોડ. હવે આ બધાનો સરવાળો કરો ૧૧૧..૩+૨૫.૬૫= ૧૩૬.૯૫ કરોડ થાય. આ જોતાં અત્યારની ભારતની વસ્તી જેટલી વસ્તી ઉપરના બધાય દેશોની કુલ વસ્તી જેટલી થાય છે!! તમે સમજ્યા કે !! ગૂંચવાયા?!! ઉપર જણાવેલા દેશોની વસ્તી લગભગ ૧૩૬.૯૫ કરોડ જેટલી છે તો એના કરતાં વધુ વસ્તી એકલા આપણા દેશમાં કુલ ૧૩૯.૦૦ કરોડ છે. જો દુનિયાના ૪૬ દેશો કોરોના સામે હાંફી ગયા છે તો પછી જરાક તો વિચાર કરો કે ભારત આ ૪૬ દેશોની તુલનામાં મેડિકલ અને ટેકનોલોજી ક્ષેત્રે પાછળ હોવા છતાં આ મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.
અત્યારે ભારતીય પ્રચાર માધ્યમો ખાસ કરીને ટી.વી. ન્યુઝ ચેનલો જ ભારતની મથાવટી મેલી કરવા બેઠા છે એમાં જોઇતુંતું ને વૈદે કહ્યા જેવું આપણા બીબીસી ન્યુઝવાળાને મળી ગયું. કોરોના નામનો અજગર મ્હોં ફાડીને બેઠો થયો એમાં કેટલાક વડાપ્રધાન મોદીને માથે ઠીંકરાં ફોડવા બેઠા છે. એમાં કેટલાક પૂરું જાણ્યા સમજ્યા વગર “અડધે રોટલે દાળ લઇને” અઠંગ રાજકારણી હોય એમ એમના સ્ટેટમેન્ટ રજૂ કરતા હોય છે. ભારતમાં ઝડપભેર કોરોના ફેલાયો એમાં કેટલાક વિરોધી તત્ત્વોએ દોષનો ટોપલો મોદીજીને માથે મૂક્યો છે. દર રવિવારે ફોન પર યોજાતી અમારી વડીલ પરિષદમાં સોશ્યલ વર્કર રમાબહેનનું કહેવું હતું કે, “આ મોદીએ કુંભમેળા કર્યા અને બંગાળ સહિત બીજા રાજ્યોમાં ચૂંટણીઓ યોજીને દેશવાસીઓની દશા બગાડી નાખી !! ત્યાં તો એમની વાત સાંભળી ભલાકાકા ભડકી ઊઠ્યા. ભલાકાકા સ્વભાવે મૂળ સૂરતી એટલે ખોટું થાય કે બોલાય એ એમને ગમે નહિ. ભલાકાકા ભલે આફ્રિકાથી અહીં આવ્યા છે પણ એમનામાં વતનપરસ્તી, રાષ્ટ્રપ્રેમ નખશિખ ભરેલો છે. એમણે રમાબહેનને ચપડાવ્યુ, “ટમે હું વાટ કરો.. મોડી (મોડી એટલે આપણા મોદીજી) બઢાને કેવા ગ્યાટા કે કુંભમેરામાં આવો ને ગંગાજીમાં ડૂબકીઓ ખાવ!! આ ટો આપણા હાધુબાવાઓ અને અખાડાવાળા કાં ઝંપે, ઇમણે મોડીને પેલ્લેથી જ ઢમકી ડીધેલી કે ના પાડહો તો જોવા જેવી કરહૂં અને ચૂંટણીઓ ના રાખે ટો હહરીના મોડીના વિરોધીઓ... એમાં ટો પેલો અક્કલનો ઓઠમીર રાહુલીઓ મંડી પડત. આ બઢૂં મેલો પણ લોકો ઠોડાને મૂરખ છે, શું મોડી બધાને ઘેર ઘેર પ્રગટ ઠઇને ઠોડા કહેવા જાય કે માસ્ક પે’રો ને ડિસ્ટન્સ રાખો. એમાં તો મોડીજીનો કોઇ વાંક ની મલે!!!”
જો કે ભલાકાકા આટલા ભૂરાયા થાય એમાં એમનો વાંક જ નથી. કોઇ પક્ષાપક્ષીમાં પડ્યા વગર તમે જુઓ તો ભારતની ગીચોચીચ વસ્તી, સ્વચ્છતા કે શિસ્તનો અભાવ સાથે અજ્ઞાનતા.... ઉપરાંત ત્યાંના આપણા જુવાનિયાઓમાં વધારે પડતી ગેરજવાબદારી, બિનધાસ્તપણું એ પણ મહામારીમાં કારણરૂપ ખરી. અસંતુષ્ટોએ વિરોધ નોંધાવ્યો હતો છતાં ગત વર્ષે મોદીજીએ અગમચેતી વાપરી ભારતભરમાં લોકડાઉન કર્યું હતું જેને કારણે કોરોનાને ઉગ્ર બનતો અટકાવ્યો હતો. એ વખતે સૌએ માસ્ક પહેરવો, ડીસ્ટન્સ રાખવું, લગ્નોમાં ૧૦૦-૧૫૦થી વધુ આમંત્રિતોની હાજરી હોવી ના જોઇએ એવા અનેક નિયમો લાગુ કર્યા હતા પણ આપણી ભારતીય પ્રજાને ઘરમાં શાંતિ કયાં હોય?! આપણે સૌ અહીં સરકારી લોકડાઉનને અનુસરીને ઘરમાં પૂરાઇને બેઠા, ઘરે બેઠાં ઓફિસ વર્ક કર્યું, ઝૂમ મિટીંગો દ્વારા સમારંભો, ભક્તિ સંગીત અને મનોરંજન માણ્યું એ ભારતમાં અશક્ય છે. અમારા વતનમાં એક મિત્રને ફોન કર્યો તો તેઓ કોઇના બેસણામાં જઇને આવ્યા હતા. મેં પૂછયું, “કોણ, કેવી રીતે ગયું?! ત્યારે મિત્રએ મને જવાબ આપ્યો ત્યારે ઘડીભર હેરત થઇ. એમનું કહેવું હતું કે,” એમના પાડોશી કોરોનાગ્રસ્ત થતાં મોતને ભેટ્યા, હોસ્પિટલમાંથી જ સીધું બોડી સ્મશાનમાં લઇ જાય એટલે જવાનું હતું નહિ પણ એમનું બેસણું રાખ્યું હતું એમાં હાજરી આપી આવ્યા!!! બોલો.... શું કહેવું!!!! આમાં મોદીજી કેટલાને સાચવે?! આણંદ જિલ્લામાંથી બીજેપી સાંસદ ચૂંટાઇ આવેલા યુવા સાંસદ મિતેશભાઇ પટેલે ગત માર્ચમાં એમના કર્મચારીઓને ગામડાઓમાં ઘરેઘર મોકલી વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરાવ્યું હતું ત્યારે મારા ગામના એક સ્વજને મને ફોનમાં ખુશ થતાં કહ્યું કે, અમને તો ઘેર આવીને મફત માસ્ક આપ્યા. કોકીબેન.. પણ મેં તો દશ-બાર લઇ લીધા ને તિજોરીમાં મૂકી દીધા!!... હવે અહીં મારે શું કહેવું?! આ બહેનને મોદીજી કહેવા આવ્યા હતા કે, “બહેન તમે જોઈએ એટલા માસ્ક લો પણ તિજોરીમાં જ મૂકજો..!! કોણ કોને સમજાવે?!! અત્યારે હોસ્પિટલોમાં ઓકસ્ીજનની ભારે ખોટ વર્તાઇ રહી છે, ટીવી પર લોકોને ઓકસ્ીજનના સીલેન્ડર લેવા ભાગદોડ કરતા દેખાડાય છે ત્યારે મને સમજાતું નથી કે લોકો કેમ ગાડીઓ ને સ્કૂટરો લઇને ઓકસ્ીજનના સીલેન્ડર લેવા ભાગંભાગ કરે છે!! એનું કારણ મને એક મિત્ર સાથે વાત કર્યા પછી થોડું સમજાયું... એ મિત્રએ કહ્યું કે, “અહીં બધે જ ઓકસ્ીજનની ખેંચ વર્તાય છે... મને થાય છે કે હું ય એક સીલેન્ડર મળે તો ઘરમાં રાખી મૂકું... ભવિષ્યમાં જરુર પડે કામ તો આવે!!! બોલો.. સલામ છે ને આપણી સંગ્રહખોરવૃત્તિને!!!
અમારા એક મિત્ર મોદીજી વડાપ્રધાન બન્યા ત્યારથી એમણે “ફેંકુ”થી જ સંબોધે છે સ્વાભાવિક છે કે તેઓ કોંગ્રેસી વિચારસરણી ધરાવતા હશે અથવા તેઓને ઇટાલીના ભાણાભાઇ રાહુલજી અત્યંત પ્રિય હશે! તેઓનું કહેવું છે કે આ ફેંકુ કશું કરતો નથી ભારતમાં જે રોડ-રસ્તા બન્યા એ તો વર્ષો પહેલાં કોંગ્રેસે તૈયાર કરેલા પ્લાન મુજબના પ્રોજેકટ છે..!! એમનું કહેવું છે કે અમદાવાદમાં મોદીના નામે આટલું મોટું સ્ટેડીયમ કરવાની શી જરૂર...! એમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના બેડ મૂકવા જોઇએ...! એમની વણમાગી સલાહ મોદીસાહેબ કદાચ લઇ લે પણ એટલા ડોકટરો ને નર્સોનો સ્ટાફ આ વિચક્ષણ સલાહકાર મોદીજીને પૂરો પાડી શકે ખરા !?
અહીં બેઠેલા કેટલાક લોકો ભારતની ટી.વી. ન્યુઝ ચેનલો પર આખો દિવસ ન્યુઝ જોયા કરતા હોય છે એમાં માત્ર મેલા રાજકારણનું દંગલ પ્રસ્તુત કરી, મચ્છીબજારની જેમ રાડારાડ કરી રાજકીય પક્ષના લોકો એકબીજા પર આક્ષેપબાજી કરી ભારતીય રાજકારણની નકારાત્મકતા રજૂ કરતા જણાય છે એ આપણે બંધ કરવાની જરૂર છે. આ નેગેટીવ રજૂઆત જ દેશની પ્રગતિ, વિકાસને અવરોધે છે. આપણે જે કરવાનું છે તે નથી કરતા. તાજેતરમાં બીબીસી ટીવીની એક પ્રવક્તા કાનપુરના એક ગ્રામ્યવિસ્તારમાં જઇ પહોંચી. ત્યાં જઇને એણે એક મહિલાને રડતી દર્શાવી સરકાર કોઇ સવલત કે કોઇ મેડિકલ સારવાર કે ઓકસીજન આપી શકતી નથી.
આ બ્રિટીશ પ્રવક્તાએ રજૂઆત કરી કે ભારત સરકાર ઓકસ્ીજન પૂરો પાડવામાં નિષ્ફળ ગઇ છે. આ બ્રિટીશ બહેનને ખબર નહિ હોય કે ગયા વર્ષે બ્રિટનની હોસ્પિટલોમાં કેવી હાલત હતી?! દર્દીઓની સંખ્યા એટલી ઝડપથી વધી હતી કે અહીંની હોસ્પિટલો કો-ઓપ થઇ શકતી નહતી અને એમ્બ્યુલન્સોમાં દર્દીઓને આઠ આઠ કલાક સુવાડી રાખવા પડતા હતા. કરોડોની ગરીબી અને અપૂરતી સવલતો વચ્ચે પણ ઝઝૂમી રહેલા મોદીજીના "માથે ધોવાય એટલા માછલાં ધોવો" અને દેશને ફરી ૨૦ વર્ષ પાછળ લઇ જઇએ. આપણે કયાં કશું લેવાનું કે દેવાનું છે!?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter