મોર્યા રે બાપ્પા મોર્યા રે...

ગણેશ ચતુર્થી

Wednesday 08th September 2021 07:13 EDT
 
 

ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે. તેથી તેઓ વિનાયક છે. ગણેશજી વિદ્યા-બુદ્ધિના અથાગ સાગર તથા વિધાતા છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના પતિ અને શુભ-લાભના પિતા છે. ભારતીય સંસ્કૃતિમાં દરેક શુભ કાર્યની શરૂઆત પહેલાં ભગવાન શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. તેથી કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ તેને શ્રીગણેશ કર્યાં એમ કહેવામાં આવે છે. દરેક શુભ કાર્ય કે અનુષ્ઠાન કરતાં પહેલાં શ્રી ગણેશાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ભાદરવા સુદ ચતુર્થી (આ વર્ષે ૧૦ સપ્ટેમ્બર) તિથિ આ દૂંદાળા દેવની જન્મજયંતી તરીકે ઉજવાય છે. દેશવિદેશમાં વસતાં ધર્મપ્રેમી હિન્દુઓ દ્વારા વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવે છે અને ધામધૂમભેર દસ દિવસનો ગણેશ મહોત્સવ ઉજવાય છે.

પૌરાણિક કથા જોઇએ તો, ભગવાન શિવની અનુપસ્થિતિમાં માતા પાર્વતીએ વિચાર કર્યો કે તેમનો પોતાનો એક સેવક હોવો જોઈએ, જે પરમ શુભ કાર્યકુશળ તથા આજ્ઞાાનું સતત પાલન કરવામાં ક્યારેય વિચલિત ન થાય. આમ વિચારીને માતા પાર્વતીએ પોતાના મંગલમય પાવન શરીરના મેલથી પોતાની માયાશક્તિથી બાળગણેશને ઉત્પન્ન કર્યા. એક વાર માતા પાર્વતી માનસરોવરમાં સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે તેમણે સ્નાનસ્થળે કોઈ આવી ન શકે તે માટે બાળગણેશને ત્યાં પહેરો ભરવા અને આજ્ઞા વગર કોઈને પ્રવેશ ન કરવા દેવા જણાવ્યું. ગણેશજી પહેરો ભરી રહ્યા હતા તે દરમિયાન શિવજી ત્યાં આવ્યા. ગણેશજીએ તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે આગળ નહીં જઈ શકો. અનેક વાર સમજાવવા છતાં પણ ગણેશજીએ શિવજીને રોક્યા, તેથી ક્રોધિત થઈને શિવજીએ બાળગણેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું. જ્યારે આ વાતની જાણ માતા પાર્વતીજીને થઈ ત્યારે તેઓ વિલાપ અને ક્રોધથી પ્રલયનું સર્જન કરતા કહેવાં લાગ્યાં કે તમે મારા પુત્રનો વધ કર્યો.
પાર્વતીજીને ક્રોધિત અને દુઃખી જોઈને શિવજીએ પોતાના ગણોને આદેશ આપતાં કહ્યું કે, રસ્તામાં તમને જે સૌથી પહેલો જીવ જોવા મળે તેનું માથું કાપીને બાળકના ધડ પર લગાવી દો, તેનાથી આ બાળક જીવિત થશે. ગણોને સૌથી પહેલાં હાથીનું બચ્ચું મળ્યું, તેથી તેમણે તેનું માથું કાપીને બાળક ગણેશના ધડ પર લગાવી દીધું અને તેઓ જીવિત થયા.

વિઘ્નહર્તા એકદંતાય શા માટે?
એક વાર મર્હિષ પરશુરામ ભગવાન શંકરનાં દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર પહોંચ્યા. ત્યાં દ્વાર પર શ્રીગણેશજી ઊભા હતા. મહર્ષિ પરશુરામે ભગવાન શંકરનાં દર્શન કરવા માટે અંદર જવાની ઇચ્છા જણાવી, પરંતુ ગણેશજીએ તેમને રોકતાં કહ્યું કે ભગવાન શંકર નિદ્રામગ્ન છે, તેથી તેઓ જાગે ત્યાં સુધી રાહ જોવી પડશે. જોકે પરશુરામ ન માન્યા અને તેમની વચ્ચે વાક્યુદ્ધ શરૂ થયું. વાક્યુદ્ધ ધીરે ધીરે સંપૂર્ણ યુદ્ધમાં પરિર્વિતત થઈ ગયું. ગણેશજી પરશુરામને પોતાની સૂંઢમાં લપેટીને ગોળ ગોળ ફેરવવા લાગ્યા, તેથી ક્રોધિત થઈને પરશુરામે પોતાના અમોઘ શસ્ત્ર ફરશુ દ્વારા ગણેશજી પર પ્રહાર કર્યો અને ગણેશજીનો એક દાંત તૂટીને પડી ગયો. તેથી તેમને એક દંત છે અને તેઓ એકદંતના નામથી પ્રચલિત છે.

શ્રીગણેશનું વાહન મૂષક શા માટે?
સુમેરુ પર્વત પર સૌભરિ ઋષિનો આશ્રમ હતો. તેમના સ્વરૂપવાન તથા પતિવ્રતા પત્નીનું નામ મનોમયી હતું. એક દિવસ ઋષિ બળતણ માટે લાકડાં લેવા માટે વનમાં ગયા. તેમના ગયા પછી મનોમયી ગૃહકાર્યમાં વ્યસ્ત થઈ ગયાં. તે જ સમયે કૌંચ નામનો એક ગંધર્વ ત્યાં આવ્યો. જ્યારે કૌંચે લાવણ્યમયી મનોમયીને જોયાં, તો તેની અંદર કામ જાગ્રત થયો અને તે વ્યાકુળ થઈ ગયો. તેણે મનોમયીનો હાથ પકડી લીધો. મનોમયી હાથ છોડવા આજીજી કરવા લાગ્યાં. તે જ સમયે ત્યાં સૌભરિ ઋષિ આવ્યા. તેમણે ગંધર્વને શાપ આપતાં કહ્યું, ‘તેં ચોરની જેમ મારી પત્નીનો હાથ પકડયો છે, તેથી તું હવે મૂષક બનીને ધરતી પર જઈને ચોરી કરીને તારું પેટ ભરીશ.’ વ્યથિત ગંધર્વે ઋષિને પ્રાર્થના કરી કે, ‘હે ઋષિવર! અવિવેકને કારણે મેં તમારી પત્નીના હાથનો સ્પર્શ કર્યો છે. મને ક્ષમા આપો.’ ઋષિએ કહ્યું ‘કૌંચ, મારો શાપ વ્યર્થ નહીં થાય, પરંતુ તું દ્વાપર યુગમાં મહર્ષિ પારાશરને ત્યાં ગણપતિ દેવ ગજરૂપમાં પ્રગટ થશે. ત્યારે તું તેમનું વાહન બની જઈશ. ત્યારબાદ તારું કલ્યાણ થશે તથા દેવગણ પણ તારું સન્માન કરશે.’ ગાંધર્વ મૂષક તરીકે જન્મ લઈને ઋષિ પારાશરના સ્થાને ગયો. ત્યાં ભગવાન ગણેશનો અવતાર ગજાનન રહી રહ્યાં હતા. મૂષક ત્યાં આજુબાજુ રહેનારા લોકોને હેરાન-પરેશાન કરતો હતો. ઋષિ પારાશરે ગજાનને કહ્યું કે, ‘મૂષકની સમસ્યામાંથી છુટકારો અપાવો.’ ગજાનને મૂષકને પકડયો અને કહ્યું કે મારે તારી પાસે કંઈ નથી જોઈતું. હું તારા પર સવારી કરીશ અને હું જ્યાં જાઊં ત્યાં તારે મારી સાથે આવવું પડશે.’ આમ મૂષક હંમેશાં ગણેશજીનાં ચરણોમાં રહે છે.

ગણેશજી અને મહાભારત
મહાભારત નામનું મહાકાવ્ય લખવાનો સમય આવ્યો ત્યારે સવાલ એ ઊભો થયો કે આટલી મહાન રચનાને કોણ લખી શકશે? કારણ કે ભગવાન વેદવ્યાસની ગતિ બહુ ઝડપી હતી. તેમને માત્ર ગણેશજી પર જ ભરોસો હતો, પરંતુ ભગવાન ગણેશ પણ એક શરતે લખવા માટે રાજી થયા કે તમારે બોલતાં-બોલતાં વચ્ચે અટકવાનું નહીં. જો વચ્ચે ક્યાંય પણ રોકાયા તો આ મહાકાવ્ય ક્યારેય પૂરું થઈ શકશે નહીં. ત્યારબાદ વેદવ્યાસજીએ પણ ચતુરાઈથી ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ કંઈ પણ સમજ્યા વગર લખશે નહીં. ગણેશજી લહિયા બન્યા અને વેદવ્યાસ બોલે તેમ મહાભારતનું કાવ્ય લખવાનું શરૂ થયું. વ્યાસજીને કોઈ મુશ્કેલી થાય ત્યારે તેઓ કોઈને કોઈ શ્લોક એવો બોલે કે તેને સમજવામાં ગણેશજીને સમય લાગે અને આ રીતે મહાભારતનું મહાકાવ્ય લખવાનું પૂર્ણ થયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter