લંડનઃ વિશ્વના સૌથી મોટા એન્ટ્રેપ્રીન્યોરશિપ ફેસ્ટિવલનો સોમવાર 18 નવેમ્બરથી આરંભ થઈ ચૂક્યો છે. 18-24 નવેમ્બર 2024ના ગાળામાં 17મા ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ વીક (GEW)માં 200થી વધુ દેશના લાખો લોકો ભાગ લઈ રહ્યા છે. આ સપ્તાહ દરમિયાન. યુકેના દરેક વિસ્તારોમાં સેંકડો ઈવેન્ટ્સ યોજાશે જેને બ્રિટિશ લાઈબ્રેરી, સ્કૂલ્સ અને અગ્રણી યુનિવર્સિટીઓ સહિત પાર્ટનર્સનો સપોર્ટ છે. સમગ્ર યુકેમાં એન્ટ્રેપ્રીન્યોરશિપ ફૂલીફાલી રહેલ છે તેવા સંદેશા સાથેના આ ઈવેન્ટ્સમાં યુકેના અર્થતંત્ર માટે સ્ટાર્ટઅપ્સ અને લઘુ બિઝનેસીસના મહત્ત્વને હાઈલાઈટ કરાશે.
ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ નેટવર્કના સપોર્ટ સાથે ગ્લોબલ કન્સલ્ટન્સી સ્ટાર્ટઅપ જેનોમના નવા રિપોર્ટમાં દર્શાવાયું છે કે G20 માં સ્ટાર્ટ-અપ્સ માટે વિશ્વમાં યુકે બીજા ક્રમનું શ્રેષ્ઠ સ્થળ છે. તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉન અને યુએસસ્થિત કાઉફમેન ફાઉન્ડેશન દ્વારા સૌપ્રથમ 2007માં લોન્ચ કરાયેલું ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ વીક ઉદ્યોગસાહસિકતાને ઉજવવા અને આગળ વધારવાનું ગ્લોબલ કેમ્પેઈન બની ગયું છે. ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ વીકના લોન્ચિંગ અગાઉ યુકેના 20થી વધુ અગ્રણી એન્ટ્રેપ્રીન્યોર્સે આ કેમ્પેઈનને સપોર્ટ જાહેર કર્યો છે.
મિનિસ્ટર ફોર સ્મોલ બિઝનેસીસ ગેરેથ થોમસ MP એ કહ્યું હતું કે,‘ નવા આઈડિયાઝ વધારવા, નવી નોકરીઓ ઉભી કરવા અને દેશભરમાં સફળ બિઝનેસીસ વધારવા અમે બ્રિટિશ એન્ટ્રેપ્રીન્યોર્સની નવી પેઢીને ઉત્તેજન આપવા મક્કમ છીએ. અમે યુકે અને વિશ્વભરમાં એન્ટ્રેપ્રીન્યોર્સને એ દર્શાવવા માગીએ છીએ કે બ્રિટન બિઝનેસ અને ઈન્વેસ્ટ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે.’ લંડનના મેયર સાદિક ખાને પણ ગ્લોબલ એન્ટ્રેપ્રીન્યોરશિપ વીકના આરંભે ખુશી વ્યક્ત કરી હતી.