યુગાન્ડન એશિયનોની યુકેના તમામ ક્ષેત્રે આશ્ચર્યજનક આગેકૂચ

સુભાષ વી. ઠકરાર Wednesday 08th July 2020 06:10 EDT
 
 

હોંગ કોંગના ૩ મિલિયન રહેવાસીઓને યુકે આવવા અને સ્થિર થવાની પરવાનગી આપવાની જાહેરાત કરીને બ્રિટને તેના મનની મોટાઈ-ઉદારતા અને સંવેદના દર્શાવી છે. તમે હોંગ કોંગની કુલ ૭.૫ મિલિયનની વસ્તીને ધ્યાન લેશો તો આ સંખ્યા ગણનાપાત્ર હોવાનું જણાઈ જશે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે બહુમતી બ્રિટિશરો ખરેખર દિલના ઊંડાણથી પરવા કરે છે અને બ્રિટન વિશ્વમાં પોતાના નૈતિક ઉત્તરદાયિત્વને સંપૂર્ણપણે સ્વીકારે છે.
યુકેના નાગરિક તરીકે મને બ્રિટિશ હોવાનું ગૌરવ છે! બ્રિટિશ મૂલ્યો વિશ્વમાં શ્રેષ્ઠતાનો પર્યાય છે.
યુકેમાં ઠરીઠામ થયેલા પૂર્વ યુગાન્ડન શરણાર્થી તરીકે સરકારની આ જાહેરાતે ૬૦,૦૦૦ યુગાન્ડન એશિયનોની દુર્દશાનો ચિતાર આપતા સ્મરણોને જીવંત કરી દીધાં. તેઓ જેમને પોતાનું વતન માનતા હતા તેવા દેશમાંથી તેમની ફરજિયાત હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમાંના ઘણા યુગાન્ડાના નાગરિક હતા પરંતુ, તેને ધ્યાનમાં લેવાયું જ નહિ. તમામે દેશ છોડી જવાનો હતો. આમાંથી ૨૮,૦૦૦ જેટલા લોકો પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો તેઓ ૧૯૭૨ના ઓટમ-પાનખરમાં યુકે આવી પહોંચ્યા હતા.
યુગાન્ડાના તત્કાલીન પ્રેસિડેન્ટ ઈદી અમીને આ લોકોને ‘અર્થતંત્રના રક્તપિપાસુ - બ્લડ સકર્સ’ એટલે કે શોષણખોર કહ્યા ત્યારે તેમના પેરન્ટ્સે જે આઘાત, વ્યથા અને ગભરાટનો સામનો કરવો પડ્યો હતો તેનાથી તો યુવાન પેઢીઓના ઘણા લોકો માહિતગાર નહિ હોય.
ઈદીએ તેમને માત્ર ૯૦ દિવસમાં દેશ છોડી જવાનો આદેશ ફરમાવ્યો હતો. મોટા ભાગના એશિયનો પહેલા ૩૦ દિવસ સુધી તો ઈદી અમીનને સાચો માની જ શક્યા નહિ.
આ પછી, યુકેની સરકાર આ ચિત્રમાં આવી અને ઈદી અમીનને તેનું વલણ બદલવાનું ભારે દબાણ પણ કર્યું. જોકે, તેમાં નિષ્ફળતા સાંપડી અને બીજા ૩૦ દિવસ વીતી ગયા. વાસ્તવમાં આ લોકો પાસે પોતાનો સંપૂર્ણ ઈતિહાસ, વારસો અને અંગત માલમત્તાને પાછળ છોડી જઈ માત્ર એક બેગ અને થોડા નાણા સાથે દેશમાંથી રવાના થવા માટે માત્ર એક મહિના જેટલો સમય રહ્યો હતો.
યુગાન્ડન એશિયનોને યુકેમાં સ્થિર વસવાટની પરવાનગી આપવાના નિર્ણય બાબતે ઘણી ચર્ચાઓ થઈ હતી. ગણનાપાત્ર લઘુમતી આ નિર્ણયની વિરુદ્ધ હતી પરંતુ, યુકેના બહુમતી લોકોએ નવા ઈમિગ્રન્ટ્સ સાથે સહાનુભૂતિ દાખવી સંવેદનાપૂર્ણ વ્યવહાર કર્યો હતો. યુગાન્ડન એશિયનો યુકેમાં સ્થિર થયા તેને ૪૮ વર્ષ વીતી ગયા છે.
યુકેના યુગાન્ડા માટેના ટ્રેડ રાજદૂત લોર્ડ ડોલર પોપટે ઉલ્લેખ કર્યો છે તેમ યુગાન્ડન એશિયનો યુકેના ઈમિગ્રેશન ઈતિહાસમાં આદર્શ વસાહતી સમૂહ તરીકે વ્યાપક માન્યતા ધરાવે છે.
યુગાન્ડન એશિયનોએ યુકેના અર્થતંત્ર અને સામાજિક જીવનના તમામ પાસામાં આશ્ચર્યજનક આગેકૂચ કરી છે. હું માનું છું કે હું ખુદ અને મારા ઘણા મિત્રોનો સમાવેશ થાય છે તેવી યુગાન્ડન એશિયનોની યુવાન પેઢી - જનરેશને અનેક ક્ષેત્રોમાં ઝળહળતી સફળતા હાંસલ કરીને અન્યોને ઢાંકી દીધા છે. મારા મંતવ્ય અનુસાર તેમણે ત્રણ નોંધપાત્ર અને અનોખા કાર્યના માપદંડ સ્થાપિત કર્યા છે.
આ પેઢીએ ઉમદા પ્રકારે પોતાના પેરન્ટસની સારસંભાળ અને કાળજી લીધી છે. તેમના ઘણા પેરન્ટ્સને વૃદ્ધ વયે યુકેમાં આવી સ્થિર થવા અને જીવનનિર્વાહ માટે કમાણી કરવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ દર્શાવે છે કે નવી પેઢીએ સંપૂર્ણપણે જવાબદારી સંભાળી લીધી છે.
બીજી મહત્ત્વની બાબત એ છે કે તેમણે આર્થિક પ્રગતિ હાંસલ કરવા તનતોડ પરિશ્રમ કર્યો હતો. હું મારું જ ઉદાહરણ આપું તો, મારા A લેવલ્સ માટે સંપૂર્ણ સમયનો અભ્યાસ કરતો હતો પરંતુ, શુક્રવાર અને શનિવારની સાંજે લેસ્ટરની નાઈટ ક્લબમાં ગ્લાસીસ એકઠા કરવા અને ધોવાનું કામ કરતો હતો. શનિવારની સવારે મેન્સવેર શોપમાં કામ કરતો અને રવિવારે પેટ્રોલ સ્ટેશન પર ગાડીઓની ટાંકીમાં પેટ્રોલ ભરવાનું કામ કરતો હતો. મારી બહેન ઈન્સ્યુરન્સ કંપનીમાં કામ કરતી હતી અને આ પછી સાંજની શિફ્ટમાં બિસ્કિટ ફેક્ટરીમાં કામ કરવા માટે જતી હતી. મારો ભાઈ દિવસમાં એપ્રેન્ટિસ કાર મિકેનિકની કામગીરી બજાવતો અને રોજ સાંજે અને વીકએન્ડ્સમાં પેટ્રોલ સ્ટેશને કામ કરતો હતો.
અમારા જનરેશનમાં ઘણા માટે આ સામાન્ય પરિસ્થિતિ હતી. અમે સાથે રહેતા, સખત મહેનત કરતા અને સાથે મળીને બચત કરતા હતા. અમે સરકાર પાસે મદદ માગવા દોડી જતા નહિ. અમે તો બસ પરિસ્થિતિને અનુકૂળ બનીને રહેતા હતા. અમારે પણ તમામ પ્રકારના ભેદભાવ અને રંગભેદનો સામનો કરવો પડતો હતો પરંતુ, તેનાથી અમે અટકી ગયા નહિ.
સખત પરિશ્રમ અને કોઈ પણ પડકારના સામનાની તૈયારીના આ લક્ષણો ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ સંબંધિત ચર્ચાને મજબૂત સંદેશો પૂરો પાડે છે. આ દર્શાવે છે કે રંગભેદ અને ભેદભાવપૂર્ણ વ્યવહારને ધ્યાનમાં લીધા વિના પણ કેવી રીતે સફળ થઈ શકાય. તમે નિહાળી શકશો કે તેમણે યુગાન્ડામાં બધું ગુમાવી દીધું અને ખાલી ગજવે યુકેમાં આવવાં છતાં, યુગાન્ડન એશિયનોએ કેટલી આર્થિક પ્રગતિ હાંસલ કરી છે.
યુગાન્ડન એશિયનો દ્વારા ત્રીજા મૂલ્યનું સર્જન તેમના યુકેમાં જન્મેલા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાવવાનું થયું છે. આ સરળ કાર્ય ન હતું, તેમાં ઘણાં બલિદાનો આપવા પડ્યા છે. આજે જોવા મળે છે કે એશિયન બાળકોએ શિક્ષણમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરી છે અને અતિ સફળ કારકિર્દીઓ તરફ આગેકૂચ કરી રહ્યા છે.
યુકેસ્થિત યુગાન્ડન એશિયનોનું ઉદાહરણ સમાજને અનેરો વિશ્વાસ પૂરો પાડે છે કે ઈમિગ્રન્ટ્સ સમાજને યોગદાન આપી શકે છે અને સફળતા પણ પ્રાપ્ત કરે છે. ચીન દ્વારા દુર્ભાગ્યપૂર્ણ આક્રમણથી ચિંતામાં ડૂબેલા હોંગ કોંગના નિવાસીઓ જો યુકેમાં આવવાનો નિર્ણય કરશે તો તેઓ પણ સફળતાને વરી શકશે. જો ૨૮,૦૦૦ યુગાન્ડન એશિયનો આટલી પ્રચંડ સફળતા મેળવી શક્યા હોય તો ૩ મિલિયન હોંગ કોંગવાસી શા માટે નહિ મેળવી શકે?

(લેખક સુભાષ ઠકરાર B com FCA FRSA, લંડન ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ અને પૂર્વ ચેરમેન છે. તેઓ ચેરિટી ક્લેરિટી (www.charityclarity.org.uk) સંસ્થાના સ્થાપક ચેરમેન તેમજ કમિશનર, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પણ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter