લંડન
25 જાન્યુઆરી 1971ના રોજ યુગાન્ડામાં થયેલા સત્તાપરિવર્તને દેશમાં દાયકાઓથી વસવાટ કરી રહેલા એશિયનોનું ભયાનક ભાવી નિર્ધારિત કરી દીધું હતું. બ્રિટિશર અને તેમના દ્વારા લવાયેલા ભારતીયો સહિતના એશિયન લઘુમતી સમુદાયો પ્રત્યે ભારોભાર નફરત ધરાવતા ઇદી અમીને એક લશ્કરી બળવો કરીને મિલ્ટન ઓબોટેની સરકાર ઉથલાવી નાખી હતી. સેનામાં ભ્રષ્ટાચાર માટે ઓબોટે ઇદી અમીનને કમાન્ડર પદેથી બરતરફ કરે તે પહેલાં જ અમીને સત્તા છીનવી લીધી હતી. ખુદ ભ્રષ્ટાચારી અને ક્રુર ઇદી અમીન ભારતીયો સહિતના એશિયનોને બિનવફાદાર ગણાવતો અને તેમના પર ભ્રષ્ટાચાર આચરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના આરોપ મઢી રહ્યો હતો. બનાવટી રાષ્ટ્રવાદનો આંચળો ઓઢીને ઇદી અમીને 4 ઓગસ્ટ 1972ના રોજ જાહેરાત કરી હતી કે બ્રિટન યુગાન્ડામાં તેના દ્વારા વસાવાયેલા એશિયનોની જવાબદારી સ્વીકારે. તેણે બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા એશિયનોને 90 દિવસમાં એટલે કે 8 નવેમ્બર 1972 સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ જારી કર્યો હતો. 9 ઓગસ્ટ 1972ના રોજ જારી કરાયેલા બીજા આદેશમાં ઇદી અમીને ભારત, પાકિસ્તાન અને બાગ્લાદેશની નાગરિકતા ધરાવતા એશિયનોને પણ દેશ છોડવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. પાછળથી તેમાં યુગાન્ડાની નાગરિકતા મેળવનારા એશિયનોનો પણ સમાવેશ કરાયો હતો.
4 ઓગસ્ટ 2022ના રોજ બુચર ઓફ યુગાન્ડા તરીક કુખ્યાત ઇદી અમીનના એ ભયાનક આદેશને 50 વર્ષ પૂરાં થઇ રહ્યાં છે. યુગાન્ડામાં સર્વસ્વ ગુમાવીને બ્રિટન અને અન્ય દેશોમાં પલાયન કરી ગયેલા ગુજરાતી સહિતના ભારતીયો અને એશિયનોની એ પેઢી કદાચ સમાપ્ત થવાના આરે છે પરંતુ જેઓ જિવિત છે તેમના મનમાં એ ભયાનક યાદો આજે પણ એટલી જ જીવંત છે. આજની પેઢીને એ ભયાવહતાનો અંદાજ નહીં આવે. તે સમયે યુગાન્ડામાં ભારતીય મૂળના આશરે 80,000 લોકો વસવાટ કરતાં હતાં જેમાં મોટાભાગના ગુજરાતીઓનો સમાવેશ થતો હતો. તેમાંથી ફક્ત 27,000ને બ્રિટનમાં રાજ્યાશ્રય અપાયો હતો.
બ્રિટિશરો દ્વારા ભારતીયોને યુગાન્ડામાં કામ કરવા લવાયા હતા. ત્યારબાદ ગુજરાતીઓ સહિતના ભારતીયોએ પોતાની કોઠાસૂઝ અને વિદ્વતાથી યુગાન્ડામાં વિવિધ સેક્ટર અને બેંકિંગ બિઝનેસમાં પગદડો જમાવ્યો. આપબળે સ્થાયી થયેલા ભારતીયો સ્થાનિક સમુદાયો કરતા સમૃદ્ધ બની રહ્યાં હતાં. યુગાન્ડાની કુલ વસતીમાં એશિયનોની વસતી ફક્ત એક ટકો હતી પરંતુ તેઓ દેશની કુલ આવકમાં 20 ટકાનો હિસ્સો ધરાવતાં હતાં. ભારતીયો સહિતના એશિયનોની આ સમૃદ્ધિથી ઇદી અમીનના પેટમાં તેલ રેડાયું હતું અને તેણે 1971માં સત્તા કબજે કર્યા પછી એશિયનોની વસતી ગણતરી કરાવી અને તેમના પર જાહેરમાં આર્થિક ગેરરિતીઓના આરોપો મૂક્યાં હતાં. 1972માં તેણે તમામ એશિયનોને દેશનિકાલ કરી તેમની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. તેણે આ સંપત્તિ દેશના આફ્રિકન સમુદાયમાં વહેંચી દીધી હતી.
યુગાન્ડામાંથી હાંકી કઢાયેલામાંથી 50,000 એશિયનો બ્રિટિશ પાસપોર્ટ ધરાવતા હતાં. તે ઉપરાંત અન્ય દેશોએ ઇનકાર કર્યો હોય તેવા 27,200ને બ્રિટનમાં રાજ્યાશ્રય અપાયો હતો. બ્રિટિશ સરકારે યુગાન્ડા રિસેટલમેન્ટ બોર્ડ દ્વારા 27000 લોકોને બ્રિટન આવવાની પરવાનગી આપી હતી.
ઇદી અમીનના 90 દિવસના અલ્ટીમેટમ દરમિયાન સેંકડો ફ્લાઇટ એશિયનોને લઇને બ્રિટન પહોંચી હતી. સૌથી પહેલી ફ્લાઇટ 18 સપ્ટેમ્બર 1972ના રોજ સવારે 9.30 કલાકે સ્ટાન્સ્ટેડ એરપોર્ટ ખાતે 193 નિરાશ્રીતો સાથે લેન્ડ થઇ હતી. બ્રિટન આવેલા કેટલાક પરિવારોએ રહેવાની પોતાની વ્યવસ્થા કરી હતી જ્યારે અન્યોને સફફ્લોકમાં સ્ટ્રાડિશેલ ખાતે તૈયાર કરાયેલા આરએએફ કેમ્પમાં આશ્રય અપાયો હતો.
હું ઇદી અમીનની ડેથ સ્ક્વોડના હીટ લિસ્ટમાં હતો – મંઝૂર મોઘલ
ઇદી અમીનના કટ્ટર આલોચક એવા મંઝૂર મોઘલ હાલ લિસેસ્ટરમાં વસવાટ કરે છે. તેઓ યુગાન્ડાના મસાકા ટાઉનના ડેપ્યુટી મેયર અને એશિયન સમુદાયના લોકપ્રિય નેતા હતા. મોઘલ કહે છે કે, સંખ્યાબંધ મહત્વના મુદ્દા પર મેં ઇદી અમીન સામે વિરોધ નોંધાવ્યો હતો. એક રાત્રે મને જાણ થઇ કે હું ઇદી અમીનની ડેથ સ્ક્વોડના હીટ લિસ્ટમાં છું અને હું મારા પરિવાર સાથે મધરાતે જ દેશ છોડીને નાસી છૂટ્યો હતો. ઇંગ્લેન્ડમાં પહોંચ્યા પછી મને જાણ થઇ હતી કે મસાકામાં મારા મિત્રોને ઇદી અમીનની ડેથ સ્ક્વોડે ક્રુરતા પુર્વક હણી નાખ્યા હતા જેનું વર્ણન થઇ શકે તેમ નથી.
પ્રતિભાબેન અને હિરેનભાઇએ બે બેડરૂમના મકાનમાં 40 લોકોને આશ્રય આપ્યો હતો
હિરેનલાલ કટારિયા અને તેમના પત્ની પ્રતિભાબેન કટારિયા 1970માં લિસેસ્ટરમાં સ્થાયી થયા હતા. બે વર્ષ બાદ યુગાન્ડામાથી પલાયન શરૂ થયું ત્યારે તેમના 40 જેટલાં સગાએ તેમની પાસે મદદ માગી હતી. બંને તેમને મદદ કરવા સહમત થયાં અને પોતાના બે બેડરૂમ એક બાથરૂમના મકાનમાં 40 લોકોને આશ્રય આપ્યો હતો.
બ્રિટનમાં સ્થાનિકો દ્વારા પણ યુગાન્ડાથી આવેલા ભારતીયોને હડધૂત કરાતા હતા
યુગાન્ડાથી બ્રિટન આવેલા ભારતીયો સહિતના એશિયનો માટે સ્થિતિ સામાન્ય નહોતી. લિસેસ્ટર સિટી કાઉન્સિલે તો યુગાન્ડાના અખબારમાં જાહેરાત છપાવી હતી કે એશિયનોએ લિસેસ્ટર આવવું નહીં. લિસેસ્ટર આવી પહોંચેલા ઘણા ભારતીયોને મૌખિક અને શારીરિક સતાવણીનો ભોગ બનવું પડ્યું હતું. નિશા રાયચૂરા કહે છે કે તે સમયે હું ફક્ત 9 વર્ષની હતી. અમે સડક પર નીકળતા ત્યારે અહીંના લોકો અમને એરપોર્ટ તરફ ઇશારા કરતા હતા. અમારી પાસે રહેવા માટે ઘર નહોતા. અમે યુગાન્ડામાં પ્લેનમાં બેઠાં ત્યારે અમારા જીવનો બચ્યાં બહતાં. હવે બ્રિટિશરો અમને પ્લેન તરફ ઇશારા કરતા હતા. અમે ક્યાં જઇએ? 8 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ આવેલા અતુલ પટ્ટણી કહે છે કે મારા માતાપિતા ઇચ્છતા હતા કે હું ઝડપથી શાળામાં જતો થાઉં. પરંતુ શાળામાં સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા મને માર મારવામાં આવતો. એમ લાગતું કે તેમના વાલીઓ એવું શીખવીને મોકલતા કે હું તેમના દેશનો નથી.
હું ખિસ્સામાં ફક્ત 10 પાઉન્ડ સાથે બ્રિટન આવ્યો હતો – લોર્ડ ડોલર પોપટ
લોર્ડ ડોલર પોપટ કહે છે કે, ઇદી અમીનની ક્રુરતાનો પંજો પડે તે પહેલાં જ મે 1971માં હું પરિવાર સાથે બ્રિટન આવી પહોંચ્યો હતો. તે સમયે મારા ખિસ્સામાં ફક્ત 10 પાઉન્ડ હતા. મેં લાંબાસમય સુધી વિમ્પી બારમાં કામ કર્યું. ત્યારબાદ એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યા બાદ બિઝનેસમાં ઝંપલાવ્યું અને સાથે સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય તરીકે પણ જોડાયો. અંતે હું હાઉસ ઓફ લોર્ડ્સ સુધી પહોંચી શક્યો. યુગાન્ડાથી આવેલા એશિયનોએ બ્રિટનમાં મોટું યોગદાન આપ્યું છે અને તેમને બ્રિટિશ નાગરિક હોવાનું ગૌરવ પણ છે. અમને અપાયેલા નવા જીવનને અમે ક્યારેય વિસરી શકીશું નહીં.
લિસેસ્ટરમાં યુગાન્ડાની ભયાવહતા વર્ણવતું પ્રદર્શન આયોજિત કરાયું
લિસેસ્ટરના મ્યુઝિયમ એન્ડ ગેલેરિઝ ખાતે યુગાન્ડાની ભયાવહતાના 50 વર્ષ નિમિત્તે રિબિલ્ડિંગ લાઇવ્ઝ, 50 યર્સ ઓફ યુગાન્ડન એશિયન્સ ઇન લિસેસ્ટર નામનું પ્રદર્શન આયોજિત કરાયું છે. આ પ્રદર્શન 23 ડિસેમ્બર સુધી જારી રહેશે. યુગાન્ડાની ભયાનક સ્થિતિનો અનુભવ કરનારા પરિવારોના લોકોએ આ પ્રદર્શન માટે સેંકડો કલાકૃતિઓ, સ્મૃતિચિહ્નો અને તસવીરો ભેટમાં આપી છે. લિસેસ્ટરમાં 11,000 યુગાન્ડન એશિયનો સ્થાયી થયાં છે. લિસેસ્ટરના મેયર સર પીટર સાઉલબીએ જણાવ્યું હતું કે, મ્યુઝિયમે લોકોએ વેઠેલી ભયાવહતાને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો તેનાથી હું ઘણો ખુશ છું.
યુગાન્ડાથી આવેલા એશિયનોએ બ્રિટિશ સમાજના દરેક ક્ષેત્રમાં અદ્દભૂત યોગદાન આપ્યું છે – લોર્ડ બિલિમોરિયા
ભારતીય સેના તરફથી મારા પિતા લેફ્ટનન્ટ જનરલ એફ એન બિલિમોરિયાની બ્રિટનમાં નિયુક્તિ થઇ તે સમયે કિશોરવયે હું બ્રિટન આવ્યો હતો. તે વખતે યુગાન્ડામાંથી નિરાશ્રીત બનેલા એશિયનો બ્રિટનમાં આવવાનો પ્રારંભ થયો હતો. તેઓ જેને પોતાના વતન તરીકે અપનાવીને બેઠા હતા તેવા આફ્રિકન દેશમાંથી ક્રુર સરમુખત્યાર ઇદી અમીન દ્વારા તેમને રાતોરાત દેશમાથી બહાર હાંકી કઢાયાં હતા. મેં એવા ઘણા સમૃદ્ધ લોકો અંગે સાંભળ્યું હતું જેમને પોતાના સર્વસ્વનો ત્યાગ કરી ખિસ્સામાં થોડા પાઉન્ડ સાથે ઇંગ્લેન્ડમાં આશ્રય લેવા આવવું પડ્યું હતું. દાયકાઓ પહેલા 1980ના દાયકાના પ્રારભે એક વિદ્યાર્થી તરીકે હું બ્રિટન આવ્યો ત્યારથી બ્રિટનમાં મેં યુગાન્ડાથી આવેલા એશિયનોની સફળતા જોઇ છે અને તેમણે બ્રિટિશ સમાજના દરેક ક્ષેત્રમાં અદ્દભૂત યોગદાન આપ્યું છે. તેમાંના ઘણા મારા અંગત મિત્રો છે. તેઓ આકરી મહેનત કરનારા, પરિવારને મહત્વ આપનારા, શિક્ષણને મહત્વ આપનારા અને ઉદ્યોગસાહસિક છે. તેમના સંતાનો તેમનાથી પણ આગળ વધીને બ્રિટનમાં ઉદ્યોગજગત, સરકારમા ઉચ્ચ હોદ્દાઓ શોભાવી રહ્યાં છે જેમાં પ્રીતિ પટેલ જેવા કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. હું આવા બે જવલંત ઉદાહરણો આપી શકું તેમ છું તેમાથી એક છે લોર્ડ પોપટ જેઓ યુગાન્ડા, રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વિશેષ વેપાર રાજદૂત નિયુક્ત થયાં છે. એવા જ મારા બીજા એક મિત્ર અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મારા સહાધ્યાયી લોર્ડ ગઢિયા. યુગાન્ડાથી આવ્યા ત્યારે તેઓ ફક્ત બે વર્ષના હતા અને હવે તેઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં મારા સાથી સાંસદ અને રોલ્સ રોયસ કંપનીના બોર્ડ મેમ્બર છે.