ભારતમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે અને તેને ઉજવવા પાછળ સામાજિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું હોય છે. શ્રાવણ સુદ પૂનમ (આ વર્ષે 11 ઓગસ્ટ)ના રોજ આવતો ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. રક્ષાબંધનને બળેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે દરિયાછોરુઓ નાળિયેરી પૂનમ પણ ઊજવે છે. જ્યારે બ્રાહ્મણો આ તિથિએ પોતાનું યજ્ઞોપવિત એટલે કે જનોઇ બદલે છે.
શ્રાવણી પૂર્ણિમાએ ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર બહેનના ભાઇ પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઇઓની કલાઇ પર રાખડી બાંધે છે અને તેમના દીર્ઘાયુ તથા રક્ષણ અને ખુશીઓ માટે પ્રાર્થના કરે છે. જેથી વિપત્તિઓ દરમિયાન તેઓ પોતાની બહેનની રક્ષા કરી શકે. તેના બદલામાં ભાઇ પોતાની બહેનની દરેક પ્રકારના અહિત સામે રક્ષણ કરવાનું વચન ઉપહાર સ્વરૂપે આપે છે. આ રાખડી અને ઉપહાર વચ્ચે શુભ અને પવિત્ર ભાવનાઓ રહેલી છે.
રક્ષાબંધનના પ્રારંભ પાછળ ઘણી પૌરાણિક અને આધુનિક કિંવદંતીઓ પ્રચલિત છે, પરંતુ આ સિવાય પણ શ્રાવણ પૂર્ણિમાને દિવસ બીજા ઘણાં કારણોસર મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જેમ કે...
પશ્ચિમ ભારતના સમુદ્ર તટીય પ્રદેશો જેમ કે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત વગેરે જગ્યાએ આ દિવસ નાળિયેરી પૂર્ણિમાના સ્વરૂપે પણ મનાવવામાં આવે છે. વેદોમાં આ દિવસે વરુણદેવને પૂજન કરીને નાળિયેર અર્પણ કરવાનું જણાવાયું છે. આથી પૂર્ણિમાના દિવસે ત્યાંના લોકો (ખાસ કરીને માછીમારો) એક નાળિયેર જળના દેવતા ભગવાન વરુણની પૂજાના રૂપમાં સમુદ્ર દેવને અર્પણ કરે છે. આવું કરવા પાછળ એવો વિશ્વાસ છે કે સમુદ્ર દળના દેવતા સ્વરૂપ છે. તેઓ પોતાના ભક્તો પર ક્યારેય કોપાયમાન ન થાય અને તેમની અમીદૃષ્ટિ તેમના પર વરસાવતા રહે. આ જ ધારણા અને વિશ્વાસ સાથે સમુદ્ર દેવતાને પૂર્ણિમાના દિવસે એક નાળિયેરની ભેટ અપાય છે.
કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને ઓડિસા જેવા દક્ષિણ ભારતનાં રાજ્યોમાં બ્રાહ્મણ સમુદાય દ્વારા આ દિવસ ‘અવનિ અવિત્તમ’ના રૂપમાં મનાવાય છે. કર્ણાટકમાં યજુર્વેદના અધ્યેતાઓ (વિદ્યાર્થીઓ) દ્વારા આ દિવસને ‘ઉપકર્મ’ તરીકે ઉજવાય છે. ઉપકર્મને વૈદિક શિક્ષણના આરંભનો દિવસ ગણાય છે. વૈદિક શિક્ષણનું અધ્યયન શરૂ કરતાં પહેલાં યજુર્વેદના અધ્યેતાઓ દ્વારા એકબીજા સાથે પોતાનું યજ્ઞોપવિત (જનોઇ) બદલવાની પરંપરા આ રાજ્યોમાં જોવા મળે છે.
મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારમાં આ તહેવાર ‘કજરી પૂર્ણમા’ તરીકે ઉજવાય છે. આ રાજ્યોમાં જે પરિવારોમાં પુત્રો હોય છે, તેઓ દ્વારા આ તહેવાર ઉજવાય છે. શ્રાવણ માસની અમાસ પછી નવમા દિવસથી કજરી પૂર્ણિમા ઉત્સવને મનાવવાની તૈયારીઓ શરૂ થઇ જાય છે. આ નવમા દિવસને જ કજરી નવમી કહેવામાં આવે છે. આ દિવસથી લઇને પૂર્ણિમાના દિવસ સુધી ઘણા પ્રકારની જુદી-જુદી પૂજાઓનું આયોજન થતું રહે છે.
રક્ષાબંધન સાથે સંકળાયેલી કથાઓ
પૌરાણિક માન્યતાઓ મુજબ દેવતાઓની રક્ષા માટે ઇન્દ્ર અસુરો સાથે યુદ્ધ કરવા ગયા ત્યારે યુદ્ધ દરમિયાન દાનવો દેવતાઓ પર હાવી થઇ ગયા. ઇન્દ્ર ગભરાઇને ગુરુ બૃહસ્પતિ પાસે ગયા. ત્યાં ઇન્દ્રની પત્ની આ બધું સાંભળી રહ્યાં હતાં. ઇન્દ્રાણીએ તેમની રક્ષા માટે તેમના હાથ પર પવિત્ર મંત્રોચ્ચાર સાથે રક્ષાસૂત્ર બાંધ્યું હતું. દેવતાઓના ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ અને ઇન્દ્રાણીની રક્ષાને કારણે દેવતાઓ આ યુદ્ધ જીતી ગયા અને આ વિજયની ખુશીમાં આ તહેવાર મનાવાય છે. આ દિવસે મૃત્યુના દેવતા યમને તેમની બહેન યમુનાએ રાખડી બાંધીને અમર બનવાનું વરદાન આપ્યું હતું. યમ રાજાએ આ પવિત્ર દિવસને મહત્ત્વ આપીને જણાવ્યું કે જે ભાઇ આ દિવસે પોતાની બહેન પાસે રાખડી બંધાવશે અને તેની રક્ષાનું વચન આપશે... તે અમર રહેશે.
મહાભારતમાં પણ ઉલ્લેખ છે કે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછયું કે હું બધાં જ સંકટોને પાર કેવી રીતે કરી શકું? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમની તથા તેમના સૈન્યની રક્ષા માટે રક્ષાબંધનનો તહેવાર મનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે રાખડીના આ રેશમી દોરામાં એટલી શક્તિ છે કે એ તમને અનેક મુશ્કેલીઓમાંથી ઉગારી શકે છે. જ્યારે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ લડવા માટે જાય છે ત્યારે તેના દાદી કુંતાજી અભિમન્યુને રક્ષા માટે રાખડી બાંધે છે. દાદી હોવા છતાં કુંતા રાખડી બાંધે છે, કેમ કે રાખડીનું મૂળ કામ રક્ષણ કરવાનું છે.
બીજો પ્રસંગ એવો છે કે શ્રીકૃષ્ણ શીશુપાલનો સુદર્શન ચક્ર વડે વધ કરે છે એ સમયે તેમની તર્જની આંગળીમાં ઘા લાગવાને કારણે લોહી વહેવા લાગે છે. તે સમયે દ્રૌપદીએ સાડીનો છેડો ફાડીને તેમની આંગળી પર પટ્ટી બાંધી જેથી લોહી ના વહે. તે દિવસે શ્રાવણ પૂર્ણિમા હતી. ભગવાન શ્રીકૃષ્ણે ઉપકારનો બદલો ચીરહરણ વેળા ચૂકવ્યો હતો. આમ પરસ્પર રક્ષા અને મદદની ભાવના રક્ષાબંધનમાં સમાયેલી છે.
એક ઐતિહાસિક કથા અનુસાર રાજપૂત લડાઇ કરવા જતા ત્યારે મહિલાઓ તેમના માથે તિલક કરીને રેશમી ધાગો એટલે કે રાખડી બાંધીને તેમના વિજયની કામના કરતી હતી. મેવાડના મહારાણી કર્માવતીને બહાદુરશાહ દ્વારા મેવાડ પર ચઢાઇ કરવા સૂચના મળી. રાણી લડવા માટે અસમર્થ હતાં. તેણે મુગલ રાજા હુમાયુને રાખડી મોકલી પોતાની રક્ષા કરવાની મદદ માગી. હુમાયુએ મુસ્લિમ હોવા છતાં પણ રાખડીની લાજ રાખી અને મેવાડ પહોંચીને બહાદુરશાહ વિરુદ્ધ મેવાડ તરફથી યુદ્ધ લડીને કર્માવતી અને તેના રાજ્યની રક્ષા કરી. એવું પણ કહેવાય છે કે સિકંદરની પત્નીએ પોતાના પતિને હિન્દુ શત્રુ પુરુવાસને રાખડી બાંધીને પોતાનો માનીતો ભાઇ બનાવ્યો હતો અને યુદ્ધના સમયે સિકંદરને ન મારવાનું વચન લીધું હતું. પુરુવાસે યુદ્ધ દરમિયાન હાથમાં બાંધેલી પોતાની બહેનની રાખડી અને વચનને યાદ કરીને તેનું સન્માન કરતા સિકંદરને જીવતદાન આપ્યું હતું.
શા માટે બળેવ કહેવાય છે?
રક્ષાબંધનના તહેવારની ઉજવણી પૌરાણિક કથા અનુસાર બલિરાજા સાથે જોડાયેલી હોવાથી તેને બળેવ કહેવાય છે. કથા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુએ બલિરાજાને વામન અવતાર ધારણ કરીને નમાવ્યા હતા. બલિરાજા ખૂબ જ દાનવીર અને ધર્મનિષ્ઠ હતા. એક સમયે તેઓ યજ્ઞ કરી રહ્યાં હતા ત્યારે વિષ્ણુ ભગવાન વામનરૂપ ધરીને આવ્યા. બલિરાજાએ સ્વાગત કર્યું ને જે જોઇએ તે માગવા કહ્યું. ત્યારે વામનરૂપમાં આવેલા વિષ્ણુજીએ ત્રણ પગલાં જમીન માગી. આમ ત્રણ પગલાં દાન આપવાનું બલિરાજાએ સ્વીકાર્યું. વામને એક પગલામાં સમગ્ર પૃથ્વીને, બીજા પગલામાં સ્વર્ગને આવરી લીધું. પછી બલિરાજાને પૂછયું કે ત્રીજું પગલું ક્યાં મૂકું? તો બલિરાજાએ મસ્તક નમાવ્યું. ભગવાન ત્રીજું પગલું તેના માથા પર મૂકે છે અને તે પાતાળમાં પહોંચી જાય છે. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિરાજાનું અભિમાન નષ્ટ થવાથી આ પર્વ ‘બળેવ’ નામથી ઓળખાય છે. ભગવાન બલિરાજા પર પ્રસન્ન થઇને તેને વરદાન માગવા કહે છે, ત્યારે બલિરાજા ભગવાન પોતાની પાસે દિવસ-રાત રહે તેવું માગે છે. આથી ભગવાન દ્વારપાળ બનીને ત્યાં જ રોકાઇ જાય છે. બીજી તરફ, ભગવાનના ઘરે ન આવવાથી લક્ષ્મીજીને ભગવાનની ખોટ સાલતી હતી. નારદજીએ ભગવાનના સમાચાર લક્ષ્મીજીને આપ્યા અને ભગવાનની મુક્તિનો ઉપાય જણાવ્યો. લક્ષ્મીજી બલિરાજા પાસે ગયાં ને બલિરાજાને રાખડી બાંધીને ભગવાનની મુક્તિની માગ કરી. આમ આ પ્રસંગ લક્ષ્મીજી અને બલિરાજા સાથે સંકળાયેલો છે.
રક્ષાબંધન જીવનની પ્રગતિ અને મૈત્રી તરફ લઇ જતો પવિત્ર તહેવાર છે. રક્ષાનો અર્થ છે રક્ષણ અને મધ્યકાલીન ભારતમાં કેટલાંક સ્થાનોમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત અનુભવતી, ત્યારે તે પુરુષોને પોતાનો ભાઇ બનાવીને તેમના કાંડા પર રાખડી બાંધતી હતી. આ રીતે રાખડી ભાઇ-બહેન વચ્ચે પ્રેમના બંધનને મજબૂત બનાવે છે તથા આ ભાવનાને પુનર્જિવિત કરે છે.