રથયાત્રાઃ જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે છે

પર્વવિશેષઃ અષાઢી બીજ (7 જુલાઇ)

Tuesday 02nd July 2024 08:25 EDT
 
 

ભારત સહિત દેશ વિદેશમાં અષાઢી બીજ (આ વર્ષે 7 જુલાઇ)ના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ, ભગવાન બલરામ અને માતા સુભદ્રાને સુંદર રીતે શણગારેલા રથમાં વિરાજમાન કરીને રથયાત્રા નગરભ્રમણ માટે નીકળે છે. ભારતમાં આમ તો ઓડિશાના જગન્નાથ પુરીની રથયાત્રા મુખ્ય ગણાય છે, પણ અમદાવાદની રથયાત્રા પણ દેશવિદેશમાં ઓછી પ્રખ્યાત નથી. અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા અને સુરત સહિતના અન્ય નગરોમાં પણ આ પર્વે રંગેચંગે રથયાત્રાનું આયોજન કરાય છે. કહેવાય છે કે હરિભક્તો હંમેશાં ભગવાનનાં દર્શન માટે મંદિરે આવે છે જ્યારે રથયાત્રાના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સામે ચાલીને ભક્તોને મળવા આવે છે. લોકોના ખબરઅંતર જાણવા નગરયાત્રા કરે છે.

પૌરાણિક કથા
ભારતમાં દરેક તહેવારો સાથે પૌરાણિક કથા જોડાયેલી હોય છે તેવી રીતે રથયાત્રા સાથે પણ પૌરાણિક કથા અને ઘણી દંતકથાઓ જોડાયેલી છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ મોટાભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. તે સમયે શ્રીકૃષ્ણની 16,108 રાણીઓએ બલરામ ભગવાનનાં માતા રોહિણીને પૂછ્યું કે, અમે શ્રીકૃષ્ણની આટલી બધી સેવા કરીએ છીએ છતાં શ્રીકૃષ્ણ રાધાનું નામ જ કેમ જપ્યા કરે છે? રોહિણી બોલ્યાં કે, કૃષ્ણ અને બલરામ ન સાંભળે તેમ તમને કહી શકું. શ્રીકૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન આવી શકે એ માટે રાણીઓએ સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા કહ્યું. એ પછી રોહિણી માતાએ રાણીઓને આ પાછળનું રહસ્ય કહેવાનું શરૂ કર્યું. સુભદ્રા દરવાજે કાન દઈને બધું સાંભળે. ત્યાં જ શ્રીકૃષ્ણ અને બલરામ પણ આવ્યા. એમણે જોયું કે બહેન સુભદ્રા દરવાજે કાન દઈને કંઈક સાંભળે છે.
બન્ને ભાઈઓએ સુભદ્રાને પૂછ્યું કે અહીં શું કરે છે? અમને અંદર જવા દે. સુભદ્રાએ બંનેને મહેલમાં જતા રોક્યા કે માતા રાણીઓને કંઈક કહી કહી રહ્યાં છે તો શ્રીકૃષ્ણ અને બલરામ પણ દરવાજે કાન રાખીને રોહિણીમાતા જે કહેતાં હતાં એ સાંભળવા લાગ્યા. દરવાજે ઊભા રહેતા રહેતા ત્રણેયના હાથ અને પગ સંકોચાવા માંડ્યા. આંખો પણ મોટી થવા માંડી. આ સમયે જ નારદ મુનિ શ્રીકૃષ્ણને મળવા આવ્યા. નારદ મુનિએ ત્રણેયનું આ રૂપ જોઈને શ્રીકૃષ્ણને કહ્યું કે, તમારાં આ સ્વરૂપનાં વિશ્વને દર્શન કરાવો પ્રભુ... તો શ્રીકૃષ્ણે નારદ મુનિને કહ્યું કે, હું તમને વચન આપું છું કે, ત્રેતાયુગમાં જગતને અમારાં આ સ્વરૂપનાં દર્શન થશે. એ પછી ભગવાને વચન મુજબ ત્રેતાયુગમાં આ સ્વરૂપનાં દર્શન પણ આપ્યાં અને તેમનાં સ્વરૂપનાં દર્શન ભક્તોને થાય એ માટે રથયાત્રા નીકળે છે.

જમાલપુરના જગન્નાથ મંદિરનો ઇતિહાસ
અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરનો ઇતિહાસ પણ અનોખો છે. અંદાજે સાડા ચારસો વરસ પહેલાં એક હનુમાન ભક્ત રામાનંદી સંપ્રદાયના સાધુ સાબરમતી નદીના કિનારે એક મઢુલી બનાવીને રહેતા હતા. તેઓ પ્રભુભક્તિ સાથે દુઃખિયાઓની સેવા કરતા હતા. મહાત્માની ભક્તિ અને દુખીઓ પ્રત્યેના સેવાભાવના કારણે ગામલોકોએ તેમને અહીં જ વસી જવા કહ્યું. સાધુએ પોતે રહેતા હતા ત્યાં હનુમાનજીની ભક્તિ પણ થઈ શકે તે માટે હનુમાનજીનું નાનકડું મંદિર બનાવ્યું. સાધુના શિષ્ય સારંગદાસજીએ પણ ગુરુનાં પગલે ચાલતાં લોકસેવામાં કસર ના રાખી. આ વિસ્તારમાં ગૌશાળા શરૂ કરી. આજે પણ આ જગ્યા એટલે કે જગન્નાથ મંદિરમાં સદાવ્રતમાં રોજ આશરે બે હજારથી વધુ ભક્તો ભોજન લે છે.
સારંગદાસજી પછી સાદગીપૂર્ણ જીવન જીવતા નરસિંહદાસજી મહારાજ પણ હનુમાન મંદિર પરિસરમાં વસવાટ સાથે લોકસેવા કરવા લાગ્યા. આજનું જગન્નાથમંદિર નરસિંહદાસજી મહંતને જ આભારી છે. કહેવાય છે કે એક દિવસ નરસિંહદાસજીને ભગવાન જગન્નાથજી સપનામાં આવ્યા અને કહ્યું કે, ભાઇ બળદેવ તથા બહેન સુભદ્રા સાથે અહીં મારી સ્થાપના કરીને જગન્નાથ મંદિર બનાવો.
નરસિંહદાસજીએ આ વાત ગામલોકોને કહી અને ગામલોકો દ્વારા વર્ષ 1878માં ભાવભક્તિપૂર્વક પુરીના ભગવાન જગન્નાથની અમદાવાદમાં પધરામણી અને સ્થાપના થઈ. મંદિરમાં જે પીઠ પર ભગવાન જગન્નાથ ભાઈબહેન સાથે શોભાયમાન છે તેને ‘રત્નવેદી’ કહેવાય છે. પુરી જગન્નાથથી ભગવાનની પધરામણી થઈ હોવાથી પુરીની જેમ જ અષાઢી બીજે જ વર્ષ 1878થી અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. 1878માં અમદાવાદ કોટબંધ શહેર હતું એટલે રથયાત્રા આખા શહેરને આવરી લે તેમ રથયાત્રાનો રસ્તો નક્કી થયો. રથયાત્રાના વિશ્રામ સ્થળ તરીકે મહંતશ્રીના ગુરુભાઈના સરસપુર સ્થિત રણછોડરાય મંદિરને પસંદ કરાયું હતું. જે પરંપરા મુજબ જ આજે પણ રથયાત્રા નીકળે છે.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં પૂજાવિધાન માટે પુરીના જગન્નાથજી મંદિરનાં જ વિધિવિધાન અપનાવાયાં છે અને મંદિરના સંચાલન અને દૈનિક કાર્યોની વ્યવસ્થા શ્રી રામાનંદ વિરક્ત વૈષ્ણવ સંપ્રદાયની પ્રણાલિકા પ્રમાણે ચાલે છે. આ સંપ્રદાયનાં શ્રી દિગમ્બર, નિર્વાણી અને નિર્મોહી એમ મુખ્ય ત્રણ અખાડા છે. અમદાવાદનું જગન્નાથજી મંદિર શ્રી દિગમ્બર અખાડા હસ્તકનું છે. મંદિરનાં શિખર પર પણ શ્રી દિગમ્બર અખાડાના પ્રતીકસમાન પંચરંગી ધજા લહેરાતી જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter