રવિશંકર મહારાજઃ સેવા કરવા માટે સત્તા જરૂરી છે તેવું ન માનતા મૂકસેવક

પર્વવિશેષઃ ગુજરાત દિન

- દેવેન્દ્ર પટેલ Tuesday 23rd April 2024 10:30 EDT
 
 

પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલી મેના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ હતી. રવિશંકર મહારાજનો જન્મ હિંદુ તિથિ પ્રમાણે મહાશિવરાત્રિના દિવસે અને ઈસુના કેલેન્ડર પ્રમાણે 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો.
માત્ર છ ચોપડી જ ભણેલા મહારાજનું જીવન એક દંતકથા જેવું છે. રવિશંકર મહારાજ સેવાના ભેખધારી હતા. માત્ર પૈસા જ બનાવવા રાજકારણમાં પ્રવેશતા ધંધાદારી રાજકારણીઓથી સાવ જુદા જ એવા આ મહારાજ આજીવન અકિંચન હતા. મહારાજ સાવ બાળક જેવા વિનમ્ર હતા. મહારાજે પોતાની પાસે પોતીકું ઘર પણ રહેવા દીધું નહોતું.
અમદાવાદના કોચરબ આશ્રામમાં સૌપ્રથમ વાર ગાંધીજીને મળ્યા અને લોહચુંબકની જેમ તેઓ બાપુ પ્રત્યે આકર્ષાયા હતા. ગાંધીજીએ રવિશંકર મહારાજને ખેડા જિલ્લાના બહારવટિયાની જિંદગી સુધારવાનું કામ સોંપ્યું હતું. ખેડા જિલ્લામાં 60 ગામોમાં એક કોમના સ્ત્રી-પુરુષોને રોજ રાત્રે ચોરામાં હાજરી પુરાવવા જવું પડતું. મહારાજને આ વાત ખૂંચતા ખુદ જ્ઞાતિના લોકોના ઘેર જઈ રહેવા લાગ્યા હતા. તેમને ત્યાં જ જમતા અને તેમને ત્યાં જ સૂતા. એ જમાનામાં લોકો દારૂડિયા, ચોર અને ખૂની સમજી સામાજિક ધિક્કાર મળતો હતો. તેમને તેમણે પ્રેમ અને આદર આપી કુટેવો છોડાવી હતી.
એક વાર મહારાજને ખેડા જિલ્લાના મહીના કોતરોમાં દસ-બાર બુકાનીધારી બહારવટિયાઓ જ ભેટી ગયા.
બહારવટિયાએ હોંકારો પાડી કહ્યું કે
‘કોણ છે લ્યા?’
મહારાજએ કહ્યું: ‘હું પણ બહારવટિયો છું.’
‘કઈ ટોળકીનો?’
મહારાજે કહ્યું: ‘ગાંધીની ટોળીનો.’
બહારવટિયાઓએ પૂછયુંઃ ‘એ વળી કોણ છે?’
મહારાજે કહ્યું: ‘આપણા દેશને અંગ્રેજો લૂંટે છે અને આપણી પર રાજ કરે છે. તેમની સામે મોહનદાસ કરમચંદ ગાંધી નામનો એક
માણસ બહારવટે ચડયો છે. હું તેની ટોળીનો બહારવટિયો છું, તમે પણ મારી સાથે અંગ્રેજો સામે બહારવટું ખેલો.’
અને બહારવટિયાઓ મૌન થઈ ચાલ્યા ગયા.
મહારાજે આ વાત ગાંધીજીને કહી તે પછી બાપુએ મહારાજને બહારવટિયાઓની વચ્ચે જઈ કામ કરવા કહ્યું હતું. દાદાએ ગુજરાતથી મધ્ય પ્રદેશ સુધી નિર્ભય થઈ આ કામ કર્યું હતું.
રવિશંકર મહારાજે 1921માં પોતાનું ઘર છોડી દીધું હતું. પોતાના ઘર અને મિલકત પરથી પોતાનો અધિકાર પણ ત્યજી દીધો હતો. તે પછી પોતાની જરૂરિયાતો પણ ઘટાડી નાખી. અકિંચન બની ગયા. સમાજને ઓછામાં ઓછા ભારરૂપ થઈ વધુ ને વધુ ઘસાવું એ તેમનો જીવનમંત્ર બની ગયો હતો. ઘર અને કુટુંબની મમતાનો પણ ત્યાગ કર્યો હતો. તેઓ વર્ષમાં 80થી 90 મીટર ખાદી થાય તેટલું કાંતતા. તેમાંથી પોતાના માટે બે જોડ કપડાં થાય તેટલી 13 મીટર ખાદી રાખીને બાકીની ખાદી જરૂરિયાતવાળાને આપી દેતા.
સવારે મળે તો દૂધ અને બે ટંક ભોજન સિવાય વચ્ચે કાંઈ લેતા નહોતા. મોઢામાં ભૂલથી ઇલાયચીનો દાણો પડી જાય તો 24 કલાકના ઉપવાસ કરી નાખતા હતા. એ પછીના 25 વર્ષ માત્ર એક ટંક ખાઈને લોકોની સેવા કરતા રહ્યા. 40 વર્ષ સુધી એમણે પગમાં જોડાં પહેર્યાં નહોતા. સખત તાપમાં કાંટા-કાંકરાવાળી જમીન પર તેઓ ખુલ્લા પગે માઇલો સુધી ચાલતા. પગના તળિયા તેમણે એવાં તો મજબૂત બનાવી દીધાં હતાં કે, પગને કાંટો વાગે તો કાંટો ભાંગી જાય. ટાઢ, તાપ કે વરસાદની તેમને પરવા નહોતી. તેઓ કહેતા: ‘દરેક ચીજ ઘસાવાથી ઊજળી થાય છે.’
મહારાજ જેના ઘેર ઊતરે તે યજમાનને ઓછામાં ઓછી તકલીફ પડે તેનો ખ્યાલ રાખતા. દિવસે કદી આરામ કરતા નહીં. દર અગિયારસે ઉપવાસ કરતાં, ઉપવાસના દિવસે પણ ત્રણ આંટી કાંતી નાખતાં. દાદા છ ફૂટથી પણ ઊંચા હતા. તેમના માપનો ખાટલો ના મળે તો નાના ખાટલામાં ટૂંટિયું વાળીને સૂઈ જતાં. ઊંઘ પણ ઘસઘસાટ આવતી.
વરસતા વરસાદમાં કે કડકડતી ઠંડીમાં પણ તેઓ 40-45 માઇલ ચાલી નાંખતા. કોઈ ગરીબના ઘેર લુખ્ખી ખીચડી ખાઈને ઊંઘી
જતા. સાથે દૂધ, દહીં કે અથાણા જેવું કાંઇ જ નહીં. એક વાર અજમેરથી અમદાવાદ સુધી ચાલીને આવ્યા હતા.
એ પછી ગુજરાતમાં કે દેશમાં ક્યાંય પણ કુદરતી આફત આવી હોય તો રાહતકાર્યો માટે મહારાજ પહોંચી જતા. 1947થી 1952 સુધી રાધનપુર, સમી, હારીજ તાલુકાઓની પાણીની સમસ્યા જોઈ 48 કૂવા અને 51 પાણીના બોર કરાવ્યા હતા. લોકો તેમને ‘બોરિંગવાળા મહારાજ’ તરીકે પણ ઓળખતા. એ પછી બિહારના દુષ્કાળ, ઓરિસાના જળપ્રલય, અને બાંગ્લાદેશની કુદરતી આપત્તિઓ વખતે ત્યાં જઈ રાહતકામો કર્યા. અમદાવાદમાં કોમી તોફાનો બાદ લાવારિસ એવા 87 મૃતદેહોના તેમણે જાતે અગ્નિસંસ્કાર કર્યો.
 મહારાજે વિનોબાજીની ભૂદાનની પ્રવૃત્તિ ઉપાડી લીધી હતી. એક વાર મહારાજના પ્રવચન પછી કવિ દુલા ભાયા કાગે 51 એકર જમીન, 10 કૂવા, 10 બળદ, 10 ઘર, 10 હળ, 40 ગાડાં અને 90 મણ અનાજ જરૂરિયાતવાળાઓને આપી દેવાનો સંકલ્પ જાહેર કર્યો હતો.
દાદાની આ બધી પ્રવૃત્તિના કારણે અમદાવાદના બડા બડા શેઠિયાઓ પણ દાદા પર અસાધારણ વિશ્વાસ મૂકી રાહતકાર્યો માટે છૂટથી પૈસા આપતા. બિહારમાં દુષ્કાળ આવ્યો ત્યારે શેઠ અમૃતલાલ હરગોવનદાસે દાદાને મોટી રકમનું દાન કર્યું હતું. રાહતકાર્યોમાં પૈસા વાપર્યા બાદ તેમાંથી કેટલીક રકમ બચી હતી, દાદા બિહારથી પાછા ર્ફ્યા, પણ ગંભીર માંદગી સાથે, પોતે જીવશે કે કેમ તેની તેમને આશા નહોતી. તેથી દાનમાં મળેલી રકમ અને વાપર્યા બાદ વધેલી રકમ દાતાને પાછી પહોંચશે કે નહીં તેની તેમને ચિંતા હતી. એ વખતે મહારાજ વૈદ્ય રસિકલાલ પરીખની સંજીવની હોસ્પિટલમાં હતા. તેમણે ધીમા અવાજે પોતાના એક સાથીને કહ્યું, ‘શેઠ અમૃતલાલને બોલાવો.’
દાદાનો સંદેશો મળતા જ અમૃતલાલ શેઠ હોસ્પિટલમાં આવ્યા, માંદગીના બિછાનેથી દાદાએ બિહારના રાહતકાર્યો કર્યા પછી
વધેલી દાનની રકમ હિસાબ સાથે જ શેઠને પરત કરી દીધી.
રવિશંકર મહારાજની સાર્વજનિક ધન પ્રત્યેની આવી પ્રમાણિક્તા જોઈ શેઠ અમૃતલાલ પણ વિચારમાં પડી ગયા.
આવા રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું, પણ તેમણે ટિકિટ લઈ ધારાસભામાં જવાની કદીયે ઈચ્છા વ્યક્ત કરી નહોતી. સેવા કરવા માટે સત્તાની જ જરૂર છે તેવું તેઓ કદીયે માનતા નહોતા.
‘દાદા’ અને ‘મહારાજ’ના હુલામણા નામે ઓેળખાતા રવિશંકર મહારાજના જીવનના અનેક પ્રસંગો છે. તેમાંથી અહીં તો માત્ર નમૂના જ પેશ કર્યા છે. નવી પેઢી મહારાજના જીવનથી પરિચિત થાય અને આવતીકાલ માટે અકિંચન, અપરિગ્રહી, નિરાભિમાની, સ્વચ્છ અને નિર્ભય લોકસેવકો પણ પેદા થાય તે જરૂરી છે. ‘ગુજરાત’ની અસલી અસ્મિતા પુનઃ પ્રગટ કરવા આપણે સહુ રવિશંકર મહારાજના જીવનથી બાળકોને પરિચિત કરાવીએ તે આજના સમયની માગ છે.

•••

1 મે 1960ઃ ઐતિહાસિક દિવસનો ઘટનાક્રમ

ગુજરાતના સ્થાપના દિને ઉમંગ-ઉલ્લાસનો દરિયો હિલોળા લેતો હતો. આ દિવસે મહાનગર અમદાવાદમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેના ઘટનાક્રમ પર એક નજર...
• સવારે 4-30 વાગ્યે ગાંધી આશ્રમ, ટાઉન હોલ, ભદ્ર, દિલ્હી દરવાજા, રાયપુર મજૂર કલ્યાણ કેન્દ્ર અને રાજભવનમાં શહેનાઈવાદન થયું.
• સવારે 5-00 વાગ્યે સાબરમતી આશ્રમમાં પ્રાર્થના અને ઉદ્ઘાટન સમારંભ. ઉદ્ઘાટક ‘મૂકસેવક’ રવિશંકર મહારાજે રાજમંત્ર આપ્યો. ઐતિહાસિક ઉદ્ઘાટન સમારોહમાં વિદેશના 12 કાઉન્સિલરોની ઉપસ્થિતિ.
• સવારે 7-00 વાગ્યે ગવર્નર અને પ્રધાનોની સોગંધવિધિ થઈ.
• સવારે 7-30 વાગ્યે પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ આકાશવાણી-અમદાવાદથી રાજ્યની પ્રજાને સંબોધન.
• સવારે 8-30 વાગ્યે કાંકરિયા ફૂટબોલ મેદાનમાં યોજાયેલી પરેડની ગવર્નરે સલામી ઝીલી.
• સવારે 9-00 વાગ્યે શોભાયાત્રા યોજાઇ, જેમાં વિવિધ વેશભૂષા અને ટેબ્લો સાથે ટ્રકો શહેરના મુખ્ય માર્ગો પર ફરી.
• કોંગ્રેસ ભવન પાછળ ઠાકોરભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન થયું. X કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે 3000 બાળકોની રેલીમાં સમૂહ વ્યાયામના પ્રયોગો રજૂ થયા.
• 10,000 બાળકોએ હર્ષના પ્રતીક તરીકે ફુગ્ગા ઊડાડ્યા.
• સવારે 10-30 વાગ્યે મુખ્યમંત્રી જીવરાજ મહેતાનું સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓને સંબોધન.
• સાંજે 4.00 વાગ્યે અમદાવાદની એચ.કે. આર્ટ્સ કોલેજમાં ગુજરાતનું યુગદર્શન પ્રદર્શન.
• સાંજે 5-30 વાગ્યે લો કોલેજ ગાર્ડનમાં ઉદ્યાન સમારંભ.
• રાત્રે 8-00 વાગ્યે કાંકરિયા, સ્ટેડિયમ, નદીની રેતીમાં આતશબાજી સાથે રોશની અને સુશોભન કાર્યક્રમો યોજાયા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter