29 ઓક્ટોબરે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીનું આયોજન કરનારા રાક્ષસોનો પર્દાફાશ કરવા સિવાયનો કોઈ વિકલ્પ મારી પાસે રહ્યો નથી. નંબર 10 ખાતે દિવાળીની પરંપરા હવે લાંબા સમયથી ચાલતી આવે છે. જોકે, આટલાં વર્ષોમાં મહેમાનોને કદી બિનશાકાહારી ભોજન પીરસાયું નથી. નવી લેબર સરકારના વહીવટ અને 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નવા પ્રાઈમ મિનિસ્ટર રહે છે ત્યારે બિલિયન્સ હિન્દુઓની આસ્થા પ્રત્યે આદર દર્શાવવાના દિવસો હવે રહ્યા નથી તેમ લાગે છે.
મને જાણ છે કે હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, BAPS, ISKCON તેમજ અન્ય ઘણી સંસ્થાઓના નેતાઓને આમંત્રણ અપાયું હતું અને તેઓ ઉપસ્થિત રહ્યા હતા. મને જાણકારી પણ છે કે વેદિક શ્લોકો અને સ્તોત્રોનું પઠન કરવામાં આવ્યું હતું. પરંતુ, દેખીતો યક્ષપ્રશ્ન એ ઉભો થાય છે કે બિનશાકાહારી ભોજન ઓફર કરવાની શરૂઆત કરવાનું સ્વીકાર્ય બનશે તેવો વિચાર નંબર 10 ખાતે કોઈને પણ કેવી રીતે આવી શકે? મેં જ્યૂઈશ અને મુસ્લિમ કોમ્યુનિટીઓના મારા કેટલાક મિત્રો સાથે વાત કરી ત્યારે તેમને પણ ભારે આઘાત લાગ્યો હતો. તેમના જ શબ્દોમાં કહું તો 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઈદ અથવા હનુક્કાહની ઊજવણી દરમિયાન પોર્ક ઓફર કરવામાં આવે તેના જેવું આ છે. આમ થઈ શકે જ નહિ અને જો તેમ થાય તો ચોતરફ ભારે ઉહાપોહ અને કાગારોળ જ મચી જાય.
હા, બરાબર છે આપણા પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર મંચ પર ઉભા રહ્યા હતા, દીવડા પ્રગટાવ્યા પછી ઉપસ્થિત હિન્દુઓ સમક્ષ અંધકાર પર પ્રકાશના વિજયના મહત્ત્વ વિશે લેક્ચર પણ આપ્યું હતું. કદાચ લેબર પાર્ટી અને નંબર 10માં ફેલાઈ રહેલા અંધકારને જ સૌપહેલા દૂર કરવાની આવશ્યકતા છે.
બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોની સામાજિક ચળવળ INSIGHT UKએ X પર જણાવ્યું હતું કે,‘ખુદ પ્રાઈમ મિનિસ્ટરની યજમાની હેઠળ દિવાળી ઊજવણીમાં મેનુની પસંદગી સમજણના ભયાવહ અભાવ અથવા દિવાળીના ઉત્સવ સાથે સંકળાયેલી ધાર્મિક પરંપરાઓ પ્રત્યે આદરના અભાવનું પ્રદર્શન કરે છે.’
હિન્દુ કાઉન્સિલ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી અનિલ ભનોતે જણાવ્યું હતું કે,‘ અમારા HCUKના અધ્યક્ષ કૃષ્ણ ભાણે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટને પત્ર લખી પૂછ્યું છે કે અમને શા માટે આમંત્રણ જ અપાયું ન હતું?’
હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રેસિડેન્ટ શ્રીમતી તૃપ્તિ પટેલ ઈવેન્ટમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને જ્યારે તેમને માંસાહારી ભોજનની પ્લેટ ધરવામાં આવી ત્યારે તેઓ ભારે નારાજ થયાં હતાં. તેઓ ગુસ્સા સાથે ઈવેન્ટને છોડી ગયાં હતાં અને તે પછી પ્રાઈમ મિનિસ્ટરને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે,‘હિન્દુ ફોરમ ઓફ બ્રિટનની તમામ સભ્ય સંસ્થાઓ વતી મારે આ વર્ષે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે કેવી રીતે દિવાળીની ઊજવણી કરાઈ તે બાબતે સંપૂર્ણ અસંતોષ વ્યક્ત કરવાનું જરૂરી લાગે છે. આ ઊજવણીમાં જેઓ ઉપસ્થિત હતા અને માંસાહારી ભોજન ઓફર કરાતું નિહાળ્યું હતું તેમાંથી ઘણાની અસંખ્ય ફરિયાદો મને મળી છે. આ બાબતે મને લેખિત ફરિયાદો પણ અપાઈ છે.’
પોતાને ગૌરવશાળી બ્રિટિશ ભારતીય અને હિન્દુ ગણાવનારા મિ. એન.સી. ગુરાગોલે પણ ભારતના વિદેશી બાબતોના મિનિસ્ટર ડો. સુબ્રમણ્યમ જયશંકરને પણ આ મુદ્દે પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ‘બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટરના નિવાસસ્થાને આ મહત્ત્વપૂર્ણ દિવાળી ઈવેન્ટ પર અંગત દેખરેખ રાખવાના બદલે મિ. વિક્રમ દોરાઈસ્વામીએ આ જવાબદારી ખાનગી સંસ્થાને સુપરત કરી દીધી હતી’ સહિત કેટલીક રસપ્રદ ટીપ્પણીઓ પણ કરી છે. જો આ સાચું હોય તો એમ લાગે છે કે નંબર 10 અને ભારતીય હાઈ કમિશન (HCIL) સંયુક્તપણે દિવાળી ઈવેન્ટ માટે જવાબદાર ગણાય. આના પરિણામે, વધુ મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે વિવેકશૂન્યતાની આવી અનર્થકારી ભૂલ પર તેમણે સંયુક્તપણે કેવી રીતે નજર રાખી હશે?
મેં સીમા મલ્હોત્રા MP અને હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીને આ મુદ્દે સ્પષ્ટતા ઈચ્છતા પત્રો લખ્યા છે. નંબર 10 તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી પરંતુ, મને જણાવતા આનંદ થાય છે કે હાઈ કમિશને મને નીચે મુજબનું સ્ટેટમેન્ટ મોકલી આપ્યું છેઃ
‘મિ. દૂદકીઆ, તમારા ઈમેઈલ માટે આભાર જેની નકલ અમને મોકલી અપાઈ હતી. આ ઈવેન્ટની યજમાની HMG (સરકાર) દ્વારા કરવામાં આવી હતી ત્યારે વિદેશી ડોમેસ્ટિક મિશન તરીકે હાઈ કમિશન ઓફ ઈન્ડિયાની આ ઈવેન્ટ સાથે સ્વાભાવિકપણે જ કોઈ રીતે ભૂમિકા ન હતી. યજમાન સરકાર દ્વારા આયોજિત ઈવેન્ટ્સ માટે અપાતા આમંત્રણોની માફક જ અમે અન્ય કોઈ મહેમાનની માફક તેમાં હાજરી આપીએ છીએ.’---દીપક ચૌધરી, મિનિસ્ટર (કોઓર્ડિનેશન).
લેબર પાર્ટીમાં હિન્દુઓ કેર સ્ટાર્મર વિશે અને નવી લેબર પાર્ટી કેવી રીતે ભારત, ભારતીયો અને હિન્દુઓ માટે રચનાત્મકપણે કામ કરી રહી છે તેવી બડાશો મારતા રહે છે. આપણે જે પુરાવાઓ નિહાળીએ છીએ તેના આધારે તો એમ જ કહી શકાય કે આ તો જૂનીપુરાણી લેબર પાર્ટી જ છે. તેના હિન્દુવિરોધી સિદ્ધાંતો તેમના DNAમાં દોડી રહ્યા હોવાનું જણાય છે.
હું પ્રાઈમ મિનિસ્ટરને કોઈ પણ જાતના બહાનાં કે ખચકાટ વિના સંપૂર્ણ માફી જારી કરવાનો પડકાર ફેંકું છું. હું તેમને રૂબરૂમાં મળવાની પણ ઓફર કરું છું જેથી તેઓ ભારતીયો અને હિન્દુઓ માટે તેમની અભિલાષાઓ-સ્વપ્ના વિશે જણાવી શકે. આજની તારીખ સુધી તો તેમણે સારા હિન્દુઓની સલાહ નકારી કાઢી હોવાનું જણાય છે. એમ લાગે છે કે તેમની પાસે સલાહકારો તરીકે તડજોડકારી હિન્દુઓનું આંતરિક વર્તુળ છે.
હવે તો તેમને મુશ્કેલીથી પણ સમજાઈ ગયું હશે કે તેવી વ્યક્તિઓ કે સંસ્થાઓ આપણું પ્રતિનિધિત્વ કરતી નથી કે તેમની પાસે સાચી સલાહ આપવાનું પૂરતું ડહાપણ પણ નથી. મને આશા છે કે સરકાર તરફથી સંપૂર્ણ બીનશરતી માફી ન મગાય ત્યાં સુધી આપણા ‘ધર્મ’ને ખાતર આપણી બધી જ હિન્દુ સંસ્થાઓ/ સંગઠનો અને સંપ્રદાયો તમામ સરકારી ઈવેન્ટ્સનો બહિષ્કાર કરશે. જો હિન્દુઓ પોતાના ધર્મના ખાતર ઉભા થઈ શકતા ન હોય તો આ લોકો અને સંસ્થાઓ કયા આધારે પોતાને આપણી આસ્થાની પરંપરાઓના રખેવાળ હોવાનું કહે છે?
ભગવાન કૃષ્ણે કહ્યું છેઃ ‘પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે’
અર્થાત, સાચા માનવીઓના રક્ષણ અને દુષ્ટોના વિનાશ કરવા, ધર્મની પુનઃ સ્થાપના કરવા હું યુગે યુગે અવતાર ધારણ કરું છું.
ચોક્કસપણે આપણે યુગાવતારની રાહ જોઈએ ત્યાં સુધી તો ધર્મનું રક્ષણ કરવાની તમારી અને મારી પણ ફરજ છે.
(નોંધઃ વારંવાર રિમાઈન્ડર કરાયા છતાં ધ ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા તેમની પોઝિશન વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી – કપિલ દૂદકીઆ).