રાજકીય પરિવર્તનનાં સંકેતો શું છે?

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 14th February 2024 04:30 EST
 
 

મહારાષ્ટ્રમાં એક સામેના મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું, અહી ઘરઆંગણે ગુજરાતમાં ધારાસભ્ય ડો. સી. જે ચાવડાએ કોંગ્રેસ છોડી અને ભાજપનો ખેશ ધારણ કર્યો. એ પહેલા આમ આદમી , અપક્ષ અને કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ એવું જ કર્યું.
ઉત્તર પ્રદેશમાં પ્રમોદ કૃષ્ણમ એક આદરપાત્ર સાધુ ગણાય છે, કોંગ્રેસમાંથી બે વાર ચુંટણી લડ્યા હતા, હારી ગયેલા પણ ટીવી ચેનલો પર કોંગ્રેસ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મજબૂત તરફેણ માટે પંકાટા હતા, પણ છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મ પરની કોંગ્રેસમાં થતી ટીકા અને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠાના મુદ્દે કોંગ્રેસની વર્તણૂક તેમણે જાહેરમાં વખોડી હતી. મંદિર પ્રતિષ્ઠાનું આમંત્રણ રાહુલ સહિત સૌ નેતાઓએ સ્વીકારવું જોઈતું હતું, એવું કહેનાર એકમાત્ર કોંગ્રેસ નેતા હતા. પણ સર્વોચ્ચ નેતાગીરીએ તેની ઉપેક્ષા કરી. હવે “નીતિશ કુમાર ભાજપમાં ગયા તે ઘટનાને કોંગ્રેસના અંતિમ સંસ્કાર જેવી ઘટના કહી ત્યારે કોંગ્રેસે તેમણે છ વર્ષ સુધી બરતરફ કર્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ વડાપ્રધાન મોદીને મળી આવ્યા ત્યારે કહ્યું કે રાહુલ ગાંધી મુલાકાત આપતા નથી, પણ વડાપ્રધાન આટલા વ્યસ્ત હોવા છતાં મળી શકે છે!
દરમિયાન ઉત્તર પ્રદેશ-હરિયાણાની ચૌધરી ચરણસિંહની પાર્ટીની ત્રીજી પેઢીના જયંત ચૌધરી પણ અખિલેશ યાદવથી ફંટાઈ ગયા અને એન. ડી. એ માં ગયા. એ યાદ રહે કે 1977 માં કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ખિલાફ જનતા પક્ષ રચાયો તેમ ચૌધરી ચરણસિંહનું લોક દળ સામેલ હતું અને 1977 ની લોકસભા ચુંટણી જનસંઘ, સંસ્થા કોંગ્રેસ, સમાજવાદી સૌએ તેમના ચુંટણી ચિહ્ન પર લડ્યા હતા અને ભારતના જાહેરજીવનમાં પહેલીવાર કોંગ્રેસને કેન્દ્રમાં પરાસ્ત થવું પડ્યું હતું. એ વળી બીજી વિડંબના છે કે જનતા પક્ષ વિજિત થયો અને જયપ્રકાશ નારાયણની સલાહથી મોરારજી દેસાઇ વડાપ્રધાન થયા ત્યારે બીજા બે દાવેદારો જગજીવનરામ અને ચરણસિંહ ભારે નારાજ હતા. ચરણસિંહે બળવો કર્યો અને કોંગ્રેસના ટેકાથી સરકાર રાંચી હતી. એવું જ યંગ તુરક તરીકે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા અને જનતા પક્ષ સંગઠનના પ્રમુખ બનેલા ચંદ્રશેખરે પણ દાવ અજમાવ્યો, રાજીવ ગાંધીની કોંગ્રેસે ટેકો આપ્યો, જેલવાસી ઈન્દિરાજીને ફૂલહાર કરવા રાજનારાયણ દોડી ગયા, મધુ લીમયેએ પક્ષ અને આર. એસ. એસ. એમ બેવડા સભ્યપદનો વાંધો ઉઠાવ્યો, આ કમઠાણથી જેપી રચિત પક્ષની આબરૂ ધૂળધાણી થઈ. શરૂઆતથી પક્ષોની એકતા માટે સક્રિય ભારતીય જન સંઘે છેડો ફાડવો પડ્યો અને નવો પક્ષ ભારતીય જનતા પક્ષ રચ્યો. ઘણા મોડેથી ભારતીય મતદારે તેને વધાવ્યો અને પહેલા એન. ડી. એ તરીકે ને પછી સંપૂર્ણ બહુમત સાથે શાસન માટે સ્વીકાર્યો.
આજે પૂર્વ એન. ડી. એ. ના કેટલાક ઘટકો તેની સાથે છે અને કેટલાક નથી. જ્યોર્જ ફર્નાન્ડીઝ સાથે સમતા પક્ષ વાજપેયી સરકારમાં હતો. નીતિશ કુમાર તેમાં રેલ મંત્રી બન્યા હતા. થોડા સમય માટે વિખૂટા પડ્યા, બિહાર સરકાર રચી પણ બીમાર અને આરોપી લાલુ પ્રસાદ તો પોતાના પુત્રને ગાદી પર બેસાડવા માંગતા હતા અને નીતિશ ઈન્ડિયા ગઠબંધનમાં સક્રિય બને તેવું ઇચ્છતા હતા. ભાવિ વડા પ્રધાન બને તેવો દાવ પણ ફેંક્યો કેમ કે લાલુ જાણતા હતા કે મોદીની તુલનામાં તેને એવી સફળતા મળવાની નથી. કોંગ્રેસને નીતિશ સર્વેસર્વા બને તે પસંદ નહોતું. “મૂળ તો આ બધા રામ મનોહર લોહિયાના ચેલાઓ છે, જેઓ જીવનભર કોંગ્રેસના કટ્ટર વિરોધી રહ્યા છે.”આ વિધાન કોંગ્રેસના નેતાનું છે. અને તે સાચું પણ છે. એટલે નીતિશ એન. ડી. એ. માં ગયા તેનાથી સૌથી વધુ સુખી કોંગ્રેસ છે. તેજસ્વીને સરકાર રચવાની તક મળી હોત તો તેને ભાજપની હાર માનીને કોંગ્રેસ રાજી થઈ હોત પણ એ યાદ રાખવા જેવુ છે કે કોંગ્રેસને વધુ ખુશ તો ત્યારે થાય , જ્યારે પોતે શાસન કરે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવા પ્રદેશો છે કે જય ભાજપ ઉપરાંત આપ, સમાજવાદી, બહુજન સમાજ જેવા પ્રાદેશિક પક્ષો પણ નડતર રૂપ છે. બંગાળમાં મમતા બેનરજીનો પક્ષ તૃણ મૂળ પક્ષ આમ તો કોંગ્રેસનો જ એક ફાંટો છે, પણ દક્ષિણમાં બંગરપ્પા સહિત કેટલાકે જેમ અલગ કોંગ્રેસ બનાવ્યા પછી વળી પાછા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા, તેવું તૃણ મૂળે નથી કર્યું, તેનું એક કારણ મમતા બેનરજીનું “શક્તિ સ્વરૂપ” છે, તે કોંગ્રસમાં સોનિયા કે પ્રિયંકા જેવા મહિલા નેતૃત્વની નીચે કઈ રીતે કામ કરે? રાજકારણમાં અહમ પણ એક મોટું પરિબળ છે તેનો અભ્યાસ હજુ થયો નથી.
 સવાલ મહત્વનો એ છે કે અત્યારે જે રીતે જુદાજુદા પક્ષોના મોભીઓ અને કાર્યકર્તાઓ ભાજપમાં જય રહ્યા છે, અથવા તો એન. ડી. એ માં ફરીવાર જોડાઈ રહ્યા છે તેનું કારણ શું છે? શું ભારતીય રાજકારણ કરવટ બદલી રહ્યું છે? શું 1950 પછી જે રીતે કોંગ્રેસનો દબદબો હતો અને વિપક્ષ નબળી હાલત ધરાવતો હતો તેવું બની રહ્યું છે? શું ભાજપમાં આવનારાઓનો ઇરાદો રાષ્ટ્રવાદી રાજનીતિ માટેનો છે? શું તેઓ માત્ર સત્તાના સિમેન્ટ બનીને આવ્યા છે? શું તેઓ મોદી-નેતૃત્વને પસંદ કરીને હ્રદયથી સ્વીકાર કરીને જોડાઈ રહ્યા છે? છે શું?
જવાબ આંશિક તો મળી શકે, પણ તેમ ક્રિયા પ્રતિક્રિયા જ વધુ હશે. કોંગ્રેસ અને તેના તરફદારો તો કહેવાના કે ભાજપ જુદાજુદા ડર બતાવીને લઈ જાય છે, ઇડી સીબીઆઇ વગેરેનો ઉપયોગ કરે છે. ધારો કે એવું હોય તો પણ એ તો ખરું ને કે તેઓ કોંગ્રેસમાં હતા કે બીજે, તેમના આર્થિક પરાક્રમો તો હતા ને? એટલે આ પરિવર્તનની રાજનીતિનો અંદાજ ચોવીસની ચુંટણી પછી પણ તુરત મળી શકે તેવું માનશો નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter