રૂબિયાકાંડમાં આતંકવાદીઓને છોડવાનો ફારુકનો સાફ નન્નો

ઈતિહાસના નીરક્ષીર

ડો. હરિ દેસાઈ Monday 28th August 2017 09:51 EDT
 
 

જમ્મુ-કાશ્મીરમાં ૧૯૮૯ પછી ત્રાસવાદ અને અપહરણોની ભારે બોલબાલા રહી. એ માટેનું નિર્ણાયક પરિબળ એ વેળા ભારતની વિશ્વનાથ પ્રતાપ સિંહ સરકારમાં ગૃહ પ્રધાનના હોદ્દે રહેલા મુફ્તી મહંમદ સઈદની ૨૪ વર્ષની તાલીમી તબીબ રૂબિયાનું ૮ ડિસેમ્બર ૧૯૮૭ના રોજ અપહરણ સાબિત થયું. ૧૯૮૬માં શાહબાનો કેસ અંગેના સુપ્રીમ કોર્ટના વાજબી ચુકાદાને પલટવા માટે એ વેળાના વડા પ્રધાન રાજીવ ગાંધીની સરકારમાં પ્રધાનપદેથી રાજીનામું આપીને મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા મેદાને પડેલા આરીફ મોહમ્મદ ખાને હમણાં આ લેખક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું રૂબિયા મુફ્તીને મુક્ત કરવાના સાટામાં પાંચ ત્રાસવાદીઓને છોડવાના વિરોધમાં વી. પી. સિંહની સરકારનું પ્રધાનપદું પણ છોડવા તૈયાર થયો હતો!

ઈતિહાસનો ઘણો ઘટનાક્રમ પ્રજાની નજરથી ઓઝલ રહેતો હોય છે. તાજેતરમાં ભારતની સર્વોચ્ચ અદાલતે એક સાથે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ગણાવીને મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવાનું પગલું ભર્યું એ પ્રક્રિયાની શરૂઆત આરીફ મોહમ્મદ ખાને છેક ૧૯૮૬માં કરી હતી. ૧૯૮૯માં આરીફ અને સાથી પ્રધાન ઈન્દર કુમાર ગુજરાલ બેઉને તત્કાલીન વડા પ્રધાન વી. પી. સિંહે શ્રીનગર પાઠવ્યા હતા. રૂબિયાની મુક્તિ સાટે પાંચ ત્રાસવાદીઓને છોડવાની જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (જેકેએલએફ) નામના ત્રાસવાદી સંગઠનની માગણીને સ્વીકારવા એ વેળાના મુખ્ય પ્રધાન ડો. ફારુક અબદુલ્લાને મનાવવાની જવાબદારી ગુજરાલ અને આરીફભાઈને શિરે હતી.
જોકે, આરીફખાં વ્યક્તિગત રીતે કેન્દ્રના ગૃહ પ્રધાન મુફ્તી મહંમદ સઈદની દીકરીનું અપહરણ થયું ત્યારે એમને રાજીનામું આપવા સમજાવતા હતા, પણ મુફ્તી રાજીનામું આપવા તૈયાર નહોતા. વડા પ્રધાન વી. પી. સિંહે ગુજરાલને ડો. અબદુલ્લા માટેનો જે સંદેશ આપ્યો હતો એ સાંભળી આરીફખાં ખૂબ જ ખિન્ન થયા હતા. રૂબિયાને છોડાવવા માટે પાંચ ત્રાસવાદીઓને નહીં છોડવાની મુખ્ય પ્રધાન ડો. અબદુલ્લાની ભૂમિકા સાથે આરીફભાઈ સંમત હતા. એમનો બહુ સ્પષ્ટ મત હતો કે આવી રીતે તો ખોટી પરંપરા પડશે અને ત્રાસવાદી બેપાંદડે થશે. થયું પણ એવું જ.

વડા પ્રધાને ડો. અબદુલ્લાને ધમકી આપી

કેન્દ્રમાં ભાજપ અને ડાબેરી મોરચાના ટેકે ચાલતી વી. પી. સિંહ સરકાર પોતાના ગૃહ પ્રધાન મુફ્તીની દીકરી રૂબિયાના અપહરણથી રીતસર ઘાંઘી થઈ હતી. રૂબિયાનું અપહરણ કરનાર જેકેએલએફ થકી એને છોડવા સાટે જે પાંચ ત્રાસવાદીઓને જેલમુક્ત કરવાની શરત મૂકી હતી તેમાં તેના એરિયા કમાન્ડર અબ્દુલ હમીદ શેખ, ગુલામ નબી બટ્ટ, નૂર મોહમ્મદ કલવાલ, મોહમ્મદ અલ્તાફ અને અબ્દુલ વહદ વાઝા હતા.

વડા પ્રધાન સિંહ થકી એવી ધમકી મુખ્ય પ્રધાન ડો. અબદુલ્લાને પહોંચાડવાનો કારસો ઘડાયો કે પાંચ ત્રાસવાદીઓને છોડી નહીં મૂકવામાં આવે તો અબદુલ્લા સરકારને બરખાસ્ત કરાશે. પાંચ જણામાં મકબૂલ બટના ભાઈનો પણ સમાવેશ હતો.
રૂબિયાનું અપહરણ થયું ત્યારે મુખ્ય પ્રધાન ડો. ફારુક અબદુલ્લા લંડનમાં હતા અને એમની સરકારના મુખ્ય સચિવ મૂસા રઝા (ગુજરાતમાં માધવસિંહ સોલંકીના શાસનમાં એમના ખાસ અધિકારી રહેલા) દિલ્હી ગયેલા હતા. જમ્મુથી સનદી અધિકારી અશોક જેટલીએ રૂબિયા અપહરણ પ્રકરણ પર નજર રાખતાં ડો. અબદુલ્લાને લંડન ફોન કરીને મારતે વિમાને સ્વદેશ પાછા ફરવા જણાવ્યું, પણ મુખ્ય પ્રધાને સાફ નન્નો ભણ્યો. જેટલીએ એમને વિષયની ગંભીરતા સમજાવવાનો પ્રયાસ કર્યો અને દિલ્હીમાં વડા પ્રધાન વી. પી. સિંહ અને ગૃહ પ્રધાન મુફ્તીને મળીને શ્રીનગર પાછા ફરવા રીતસર દુરાગ્રહ કર્યો. આખરે ડો. અબદુલ્લા માન્યા અને વાયા દિલ્હી પાછા ફરવા તૈયાર થયા. વડા પ્રધાન સિંહને મળ્યા ત્યારે વી.પી.એ ત્રાસવાદીઓને છોડવાનો આગ્રહ કર્યો, પણ ડો. અબદુલ્લાએ રાજ્યમાં જઈને સાથીઓને મળી, ચર્ચા કરીને યોગ્ય તે નિર્ણય લેવાની ખાતરી આપી.

‘ભ્રષ્ટ’ ન્યાયાધીશને મંત્રણામાં જોતર્યાં

ડો. અબદુલ્લા શ્રીનગર આવ્યા. મુખ્ય સચિવ રઝા અને રાજ્યના ગુપ્તચર વિભાગના જે અધિકારી મંત્રણા ચલાવી રહ્યા હતા એમની સાથેની વાતચીતથી જાણ્યું કે અપહરણકારોએ ૯ ડિસેમ્બરે ધમકી આપી છે કે ૧૧ ડિસેમ્બરે સાંજના સાત સુધીમાં તેમની માગણીઓ નહીં સંતોષાય તો રૂબિયાની હત્યા કરી દેવાશે. પ્રધાનપરિષદ સાથે મુખ્ય પ્રધાને ચર્ચા કરી. એવા નિર્ણય પર આવ્યા કે કોઈને છોડવાની જરૂર નથી. સામે પક્ષે વિરોધીઓ વાત ચલાવવા માંડ્યા કે મુફ્તી સાથેની દુશ્મનીને કારણે અબદુલ્લા આવું કરે છે. ડો. ફારુકનું માનવું હતું કે કાશ્મીરી મુસ્લિમ કન્યાનું અપહરણ એ ઈસ્લામની વિરુદ્ધ છે અને અંતે એમણે રૂબિયાને છોડી દેવી પડશે. 

દરમિયાન અપહરણકારો પાછળ જે ભેજું કામ કરી રહ્યું હતું એ અશફાક વાનીના પિતા અને સરકારી કર્મચારી અબ્દુલ મજીદ વાનીએ ‘કાશ્મીર ટાઈમ્સ’ના ઝફર મેહરાજના માધ્યમથી મંત્રણા આદરી. એણે શરતો મૂકતાં છેવટે કહ્યું પણ ખરું કે ‘તમે કોઈ (ત્રાસવાદી)ને નહીં છોડો તો પણ તેઓ આ છોકરીને છોડી મૂકશે.’ ડો. અબદુલ્લા વિજય અનુભવી રહ્યા હતા. જે ત્રાસવાદીઓમાં એક જણને સારવાર માટે એઆઈઆઈએમએસ-દિલ્હી લઈ જવાની જરૂર પડે તો તે માટે કે છેવટે પરદેશ સારવાર માટે લઈ જવાની પોતાની તૈયારી હોવાનું જણાવ્યું. જોકે, ગૃહ પ્રધાન મુફ્તી સન્નિપાતમાં હતા. તેમણે અલ્લાહાબાદના હાઈ કોર્ટના ન્યાયાધીશ એમ. એલ. ભટને આ મંત્રણામાં જોતર્યાં. ડો. અબદુલ્લા ખેલ સમજી ગયા કે આ ‘ભ્રષ્ટ’ ન્યાયાધીશને જમ્મુ-કાશ્મીર હાઈ કોર્ટમાંથી રાજીવ ગાંધીને કહીને પોતે બહાર મોકલ્યો હતો એને કેમ સામેલ કરાયો છે.
જમ્મુ-કાશ્મીર સરકાર જમાત-એ-ઈસ્લામીના લોકોને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે જેટલી વાર પકડીને કોર્ટમાં રજૂ કરે કે આ ન્યાયાધીશ એમને છોડી મૂકતો હતો. એ મુફ્તીનો મળતિયો હતો. વરિષ્ઠ પત્રકાર આદિત્ય સિંહા લિખિત ‘ફારુક અબ્દુલ્લાઃ કશ્મીર્સ પ્રોડિગલ સન’ નામક જીવનકથામાં એના વિશે વિસ્તારથી લખાયું છે.

અડધી રાતે ત્રિપુટી શ્રીનગર પહોંચી

૧૩ ડિસેમ્બરે રાતે એક વાગ્યે ડો. અબદુલ્લાને વડા પ્રધાન વી.પી.નો ફોન આવ્યો કે હમણાં જ કેબિનેટની બેઠક પૂરી થઈ છે‘તમે એ પાંચેયને છોડી મૂકો તો હું આભારી થઈશ.’ ફારુક ડગ્યા નહીં. ‘વડા પ્રધાન આદેશ આપે અને દેશ સમક્ષ એનો ખુલાસો કરે તો જ હું એ પાંચને છોડું, અન્યથા નહીં.’ મુખ્ય પ્રધાનનું કહેવું હતું. આ પાંચને છોડાય તો જે સ્થિતિ દેશમાં સર્જાશે એનો વિચાર કરવાનું વી.પી.ને જણાવ્યું. પછી ડો. અબદુલ્લા સૂઈ ગયા. સવારના ૪ વાગ્યામાં એમને ઊઠાડવામાં આવ્યા. કહેવાયું કે કેન્દ્રના બે પ્રધાન આરીફ મોહમ્મદ ખાન અને આઈ. કે. ગુજરાલ (વિદેશ પ્રધાન) અને આઈબીના વડા એમ. કે. નારાયણન્ એમને મળવા આવી રહ્યા છે. ૫-૩૦ વાગ્યે એ આવ્યા. કડકડતી ઠંડીમાં ત્રણેય ધ્રુજતા હતા. ડો. અબદુલ્લાએ પોતાની વાત કહી. આરીફે કહ્યું કે આ હકીકતો તો અમને જણાવાઈ નથી. ગુજરાલે વડા પ્રધાનનો આદેશ ડો. અબદુલ્લાને સુણાવ્યો કે પાંચેય ત્રાસવાદીઓને છોડવાના છે, અન્યથા તમારી સરકારને ડિસમિસ કરાશે. 

અબદુલ્લા પાસે વિકલ્પ નહોતો. પણ રઝાએ ૧૪ પાનાંની નોંધ તૈયાર કરીને બધી વિગતો સ્પષ્ટ કરી. વડા પ્રધાનના આદેશાનુસાર આ પાંચને છોડવામાં આવે છે એ રાજ્યપાલ કે. વી. કૃષ્ણરાવથી લઈને રાષ્ટ્રપતિ આર. વેંકટરામન્ સુધીનાને જણાવ્યું. ૧૪ ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે પાંચ ત્રાસવાદી છૂટ્યા. ૫-૩૦ વાગ્યે રૂબિયા છૂટી અને ૭-૩૦ વાગ્યે ઘરે પહોંચી.

જેકેએલએફે શ્રીનગરમાં દિવાળી મનાવી

રૂબિયાને શ્રીનગર પરિસરમાં એક સરકારી કર્મચારીના ક્વાર્ટરમાં જ રખાઈ હતી. પાંચ ત્રાસવાદી છૂટ્યા એટલે શ્રીનગરમાં જેકેએલએફ માટે તો મોટી ઊજવણી હતી. દિવાળી મનાવાઈ જાણે, સાકર વહેંચાઈ. પાંચેયના હારતોરા થયા. આદિત્ય સિંહાએ નોંધ્યુંઃ ‘ભારતનો ત્રાસવાદ સંબંધી આ પ્રથમ અપહરણનો અનુભવ હતો. એને જે રીતે હાથ ધરાયો એનાથી માત્ર જમ્મુ-કાશ્મીરમાં જ નહીં, ઊભા ભારતમાં અપહરણનો યુગ શરૂ થયો.’ પંજાબ અને આસામમાં પણ અપહરણો થવા માંડ્યા. જમ્મુ-કાશ્મીરની સ્થિતિને કથળાવવા માટે રૂબિયા અપહરણકાંડ જવાબદાર હતું.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 2nd September 2017 અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2vkg2gC)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter