હસમુખો ચહેરો, બીજાને મદદ કરવાની સદા તત્પરતા અને વાણીની મીઠાશ આ ત્રણેય ભેગાં થયાં છે સલિલ શાહમાં. એમને જોનાર અને મળનારને પ્રથમ મુલાકાતે એમની બીજી વિગતો જાણ્યા વિના મૈત્રી કરવાનું મન થાય એવું તેમનું વ્યક્તિત્વ. આ સલીલ શાહ થાઈલેન્ડના પાટનગર બેંગકોકમાં ડાયમંડ જ્વેલરીના ઉત્પાદન અને વેચાણમાં પ્રથમ નંબરે છે. યુરોપના દેશો, ભારત, અખાતી દેશો કે આફ્રિકામાં ધનકુબેરો વૈવિધ્યપૂર્ણ, આધુનિક ફેશન, ગુણવત્તા અને ભરોસાપાત્ર કિંમત ધરાવતા અલંકારો માટે સલીલ શાહની કંપની ડાયમેરુસા પસંદ કરે છે.
કંપની ૫૦૦થી ૧૦૦૦ અમેરિકન ડોલરના અલંકાર બનાવે છે. જોકે, મોટી સંખ્યામાં તો ૧૦ હજાર ડોલરથી વધારે કિંમતના અલંકારો બનાવે અને વેચે છે. મોટી કિંમતના સેટ ખાસ ઓર્ડરથી બનાવે છે, જેની કિંમત પાંચ લાખથી પંદર લાખ અમેરિકન ડોલર હોય છે. ભારત, જાપાન, સિંગાપોર, તાઈવાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ વગેરેની સમૃદ્ધિ વધારવામાં વેપાર કારણભૂત છે. તેલનો ખેલ પતી જતાં આરબ દેશોની ઘરાકી અગાઉ કરતાં ઓછી છે.
સલીલભાઈના દાદા મુંબઈમાં કોઈ વેપારીને ત્યાં નોકરી કરતા. પિતા સેવંતીલાલ મુંબઈમાં હાઈસ્કૂલમાં ચિત્રકળાના શિક્ષક. વણિકની સ્વભાવજન્ય નમ્રતા અને શિક્ષક તરીકેની શાલિનતાએ સેવંતીલાલના ચાહકોનો પથારો મોટો. સલીલભાઈ ૧૯૫૯માં મુંબઈમાં જન્મ્યા. અભ્યાસમાં તેજસ્વી અને ભારે ગ્રહણશક્તિ ધરાવતા આ વણિકપુત્ર ઈન્ટર સાયન્સ પછી ડાયમંડનું એસોર્ટિંગ એટલે કે વર્ગીકરણ શીખ્યા. ડાયમંડના વેપારમાં એસોર્ટિંગ આવડે તે જીતે. ગુણવત્તા પ્રમાણે હીરાની કિંમત આંકવાનું એસોર્ટિંગથી થાય. આ ના જાણે તો માત્ર ચમક જોઈને કોઈ હીરો ખરીદે કે વેચે તો છેતરાઈ જાય. સલીલભાઈ હીરાના અલંકારોના વ્યવસાયમાં ટોચે છે એનું કારણ છે એસોર્ટિંગ એટલે હીરાની પરખ.
૧૯૮૧-૮૨માં તેમણે આફ્રિકાના સિયેરા લિયોનમાં એક વર્ષ હીરાના વ્યવસાયમાં કામ કર્યું. આ પછી ગીતાંજલિ કંપનીએ તેમની નિપુણતા અને નિષ્ઠા પર વિશ્વાસ મૂકીને હીરાની ખરીદી માટે કંપની વતી કામ કરવા સુરત મૂક્યા. ખરીદીમાં જરા પણ ભૂલ થાય તો કંપનીને ભારે ખોટ જાય. ખરીદનાર અપ્રામાણિક હોય તો માલદાર થઈ જાય. સલીલભાઈના કારણે કંપનીને ફાયદો થયો અને સલીલભાઈની હિંમત, અનુભવ અને આત્મવિશ્વાસ વધ્યાં.
પિતા સેવંતીલાલના સંબંધે બેંગકોકમાં હીરાના વ્યવસાયી યહૂદી વેપારીને ત્યાં ૧૯૮૩માં નોકરી મળી. બેંગકોકમાં ફાવ્યું પણ જેને ત્યાં કામ કરતાં તે કંપનીના માલિકો જુદા પડતાં નોકરી ગુમાવી. પાછા મુંબઈ આવ્યા. આ પછી ફરીથી બેંગકોક આવીને ૧૯૮૬માં ડામયેરુસા કંપની કરી. આમાં આત્મીય મિત્ર બનેલા કિરીટભાઈ શાહનો સથવારો અને હૂંફ સાંપડતાં કંપની વિક્સી.
સલીલભાઈ કૃતજ્ઞ સ્વભાવથી ભરેલા છે. જેમણે પણ તેમને મદદ કરી હોય તેમને એ ક્યારેય ભૂલતા નથી. આ રીતે મુંબઈની ગીતાંજલિ કંપનીનો ચોક્સી પરિવાર, કનુભાઈ પરીખ અને કિરીટભાઈ શાહને તે યાદ કર્યા કરે છે. સલીલભાઈ રાજકોટની લાઈફ નામની સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થા માનવીના જીવનનો આધાર બને, મદદ કરે તેવી બધી જ પ્રવૃત્તિઓ કરે છે જેમાં શિક્ષણ, આરોગ્ય, આકસ્મિક મદદ વગેરે છે. આઈટીડીસી એટલે કે ઈન્ડિયા થાઈલેન્ડ કલરસ્ટોન એસોસિએશનની સ્થાપનામાં તે આગેવાન હતા. જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનમાં સક્રિય છે.
મા-બાપ પ્રત્યે તેમની શ્રવણનિષ્ઠા છે. પિતાની હયાતિમાં તેમની ખૂબ સેવા કરી અને તેમને પ્રસન્ન રાખવા મથ્યા. પિતા સેવંતીલાલના નામે ત્રણ જેટલાં હાઈસ્કૂલોના મકાનો માટે તેમણે દાન કર્યું છે. વિવિધ પ્રવૃત્તિઓમાં પડદા પાછળ રહીને તે આર્થિક સહાય કરે છે. તેમનું વાંચન વિશાળ છે. આમાંથી તેમનું જ્ઞાન વધ્યું છે. તેમના જ્ઞાનનો તે બીજાને લાભ થાય તેવો ઉપયોગ કરે છે.
મુંબઈસ્થિત મોટા ભાઈ સમીરભાઈનો પુત્ર સાહિલ તેમની સાથે રહીને ઘડાયો છે. બા ગીતાબહેન બેંગકોકમાં પુત્ર સાથે રહીને પ્રસન્ન રીતે જીવે છે. સલીલભાઈમાં સમૃદ્ધિ અને સેવાનો સંગમ છે.