લંડનઃ FTAdviser ના ડેપ્યુટી ન્યૂઝ એડિટર સોનિયા રાચ્છ દ્વારા બાળકો માટે નવા પુસ્તક ‘લૂઝ ચેઈન્જઃ ટીના લર્ન્સ ટુ સેવ’નું સત્તાવાર લોન્ચિંગ ફોનિક્સ ગ્રૂપના પાર્ટ સ્ટાન્ડર્ડ લાઈફના યજમાનપદે 15 નવેમ્બરે બેરિંગ્સ ખાતે કરાયું હતું. પુસ્તકની કથા મુખ્ય પાત્ર ટીનાની આસપાસ વણાયેલી છે જે તેના પેરન્ટ્સ સાથે સુપરમાર્કેટની મુલાકાતે જાય છે અને પોતાના પોકેટ મનીને કેવી રીતે વાપરવા તેની પસંદગી કરે છે. બાળકોને કથામાં પરોવી રાખવા તેમાં વિશિષ્ટ ચિત્રો મૂકાયેલા છે. લૂઝ ચેઈન્જ નાણાનું મૂલ્ય, ખર્ચ, બચત અને આઈટમ્સની કિંમત બાબતે મૂલ્યવાન શીખામણ આપે છે.
પ્રથમ વખતની લેખિકા સોનિયા રાચ્છ કહે છે કે,‘હું નાની વયથી જ નાણાકીય શિક્ષણ બાબતે ઘણી ઉત્સાહી છું પરંતુ, ઘણા તેમની કિશોરાવસ્થાનો સમય નાણાકીય વિશ્વની પાયાની પૂરતી સમજ વિના વીતાવી દે છે. નાણાકીય આદતો 7 વર્ષની વયથી જ સ્થાપિત કરી શકાય તેવા એક સર્વેથી મને આ પુસ્તકનો વિચાર મળ્યો હતો. આ મુદ્દો આંખ ખોલી નાખનારો હતો. હું મારી ભત્રીજીની બર્થડે માટે નાણા સંબંધિત બાળપુસ્તક ખરીદવા ગઈ ત્યારે મને સમજાયું કે આવા ઘણા ઓછાં પુસ્તક હતાં. મને આશા છે કે લૂઝ ચેઈન્જ બાળકોને નાણા અને બચતના વિશ્વમાં પ્રવેશ કરાવતા પુસ્તકોની શ્રેણીમાં પ્રથમ બની રહેવા સાથે તેમના પેરન્ટ્સને પણ સમજાવવું મુશ્કેલ પડે તેવા કેટલાક વિષયોની સમજ આપશે.’
FTAdviser ના એડિટર સિમોને ક્રીઆકોઉએ કહ્યું હતું કે,‘પેરન્ટ્ અને ફાઈનાન્સિયલ જર્નાલિસ્ટ તરીકે મને આ પુસ્તક પેરન્ટ્સ, એજ્યુકેટર્સ અને બાળકોને સમાન રીતે મહત્ત્વપૂર્ણ અને દમદાર બની રહે તેમ લાગે છે. ઉપયોગી ગણિત અને મજેદાર સ્ટોરીલાઈન સાથે રંગબેરંગી અને આકર્ષક ઈમેજીસ બાળકો માટે આવશ્યક રહે છે અને તેનો ઉપયોગ PSHE અભ્યાસક્રમના ભાગરૂપે નાણા સંબંધિત જ્ઞાન વધારવા માટે થવો જોઈએ.
ફોનિક્સ ગ્રૂપના હિસ્સા સ્ટાન્ડર્ડ લાઈફ ખાતે ફાઈનાન્સિયલ એજ્યુકેશનના વડા એન્ડ્રયુ પીઅર્સને જણાવ્યું હતું કે,‘બાળપણથી પુખ્તાવસ્થામાં પ્રવેશ દરમિયાન નાણા અને તેનો તેનો વહીવટ કેવી રીતે કરવો તે શીખવું મહત્ત્વનો હિસ્સો છે અને નાની વયથી જ સારી આદતો પડે તે ભાવિ ફાયનાન્સીસ પર મોટી રચનાત્મક અસર ઉભી કરી શકે છે. કમનસીબે, દરેક જણ યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને આદતો સાથે શાળા છોડતા નથી. સોનિયાએ બાળકોને તેમના નાણા વિશે જ્ઞાન અને સમજ સુધારવાનું યોગ્ય પગલું ભર્યું છે.’
રેડસ્ટાર્ટ એજ્યુકેટ ખાતે ચીફ એક્ઝિક્યુટિવ સારાહ માર્ક્સે જણાવ્યું હતું કે,‘ બાળકોમાં સાત વર્ષની વયથી આદતો પડવા લાગે છે. આથી, બાળકો નાનાં હોય ત્યારે જ તેમની સાથે નાણા વિષયે વાત કરવાનું ખરેખર મહત્ત્વનું છે. આ પુસ્તક પેરન્ટ્સ અને કેરર્સને બાળકોને બચત અને નાણાને સમજપૂર્વક ખર્ચવાના મહત્ત્વના મેસેજીસ આપવામાં મદદરૂપ બનશે.’