લેબર પાર્ટીના દિલોદિમાગમાં છવાયેલી હિન્દુવિરોધી ઘૃણા કે તિરસ્કારને છુપાવવા ધૂમાડા અને અરીસાની જે વ્યૂહરચના-રણનીતિ અપનાવાતી રહી છે તેનો ફરી એક વખત પર્દાફાશ થઈ ગયો છે. ગત દાયકા અથવા તેનાથી વધુ સમયગાળામાં લેબર સાંસદો અને કાઉન્સિલરો હિન્દુવિરોધી અપ્રામાણિક વાકપટુતામાં રચ્યાપચ્યા રહેતા હોવાના અસંખ્ય ઉદાહરણો જોવાં મળેલાં છે. તેમનું એકમાત્ર લક્ષ્ય ઈસ્લામિક અને ખાલિસ્તાની કટ્ટરવાદ તરફથી ધ્યાન અન્યત્ર વાળવાનું જ રહ્યું હોવાનું જણાય છે.
હોમ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ઓફ સ્ટેટ ઈવેટ કૂપરે આપણા દેશમાં કટ્ટરવાદી અને આતંકવાદી તત્વોનું ચોક્કસ પ્રમાણ તપાસવા જેને ‘રેપિડ એનાલિટિકલ સ્પ્રિન્ટ’ કહી શકાય તેની શરૂઆત કરી હતી. તાજેતરમાં જ આ ગુપ્ત રિપોર્ટ ‘લીક-જાહેર’ થઈ ગયો છે અને તેમાં કોઈ સપોર્ટ કરી શકે તેવાં મુદ્દા પણ છે પરંતુ, આશ્ચર્ય અને આઘાતજનક બાબત એ છે કે આ રિપોર્ટમાં સમગ્ર હિન્દુ કોમ્યુનિટીની છબીને કેવી રીતે ખરડવામાં આવી છે. તેમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને તેમની રાષ્ટ્રવિરોધી કામગીરીઓ પરત્વે આપણે જેના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ તેને અન્યત્ર વાળી દેવાયું છે. આમ છતાં, મુસ્લિમ સમુદાયને સંતુષ્ટ કરવા માટે જ કૂપરે એવો નિર્ણય લીધાનું જણાય છે કે તેઓ અન્ય તત્વોને પણ આ ખીચડીમાં ભેગાં કરી દેશે. તેમાં ‘ડાબેરી, અરાજકતાવાદી અને એક મુદ્દા - left-wing, anarchist and single issue (LASI) કટ્ટરતાવાદ’ અને ‘પર્યાવરણીય કટ્ટરતાવાદ’ને ચિંતાના કારણ તરીકે સ્વીકારાયા છે. મને ખાતરી છે કે આપણે બધા જ આ બાબતે સહમત હોઈશું. આમ છતાં, આગળ વધીને તેમાં હિન્દુ કટ્ટરતાવાદને વિશિષ્ટ કે ઉલ્લેખનીય પરિઘટના તરીકે સમાવી લેવાયો છે જેને કટ્ટરવાદિતા વિરોધી નીતિએ હલ કરવો જોઈએ.
ઈવેટ કૂપર અને કેર સ્ટાર્મર માટે ખાસ જાણવાની આવશ્યકતા છે કે હિન્દુ કટ્ટરતાવાદ જેવી કોઈ વસ્તુ જ નથી. આ બે શબ્દ કદી કોઈ પણ વાક્યમાં સાથે બેસી શકે અથવા સાથે મૂકી શકાય તેમ નથી. આનાથી વિપરીત, ગત થોડા દાયકાઓના અભૂતપૂર્વ પુરાવાઓ દર્શાવે છે કેઃ
a. ઓળખી શકાય તેવા 7 અતિ જમણેરી કટ્ટરવાદી હુમલાઓ થયા છે જેના પરિણામે ઓછામાં ઓછાં 6 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને આશરે 150 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોટા ભાગના હુમલાઓને એકલ હુમલાખોરો દ્વારા અંજામ અપાયો હતો.
b. ઓળખી શકાય તેવા 19ઈસ્લામવાદી હુમલાઓ થયા છે જેના પરિણામે ઓછામાં ઓછાં 96 વ્યક્તિના મોત નીપજ્યા હતા અને 1000થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલાઓને એકલ હુમલાખોરો તેમજ હુમલાખોરોના જૂથો દ્વારા અંજામ અપાયો હતો.
કોઈ પણ હિન્દુ તત્વો દ્વારા કોઈના પર પણ કદી કટ્ટરવાદી અથવા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો નથી. આમ છતાં, આ રિપોર્ટમાં કૂપર એવાં નિર્ણય પર આવ્યાં છે કે મુસ્લિમ મતબેન્કને સંતુષ્ટ રાખવાના હેતુસર સૌથી વધુ કાયદાપાલક નાગરિકો હિન્દુઓને કટ્ટરવાદના આવા વાહિયાત આક્ષેપ થકી કલંકિત કરવાનું પગલું વ્યૂહાત્મક બની રહેશે.
હું તમને યાદ કરાવવા ઈચ્છું છું કે 2022માં જ્યારે ઈસ્લામિક કટ્ટરવાદીઓએ લેસ્ટરમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલા કર્યા હતા ત્યારે લેબર રાજકારણીઓ અને લેબર પાર્ટીના મેયર જ હતા જેમણે હિન્દુ પીડિતો પર દોષારોપણ કર્યું હતું. તેમણે તો મુખ્ય અપરાધીઓમાં એક, મુસ્લિમ ‘એક્ટિવિસ્ટ’ માજિદ ફ્રીમાનને તેમનો હીરો બનાવી દીધો હતો. પાછળથી ફ્રીમાનને સજા જાહેર કરાઈ હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો હતો!
હું તો અનેક વાર લખી ચૂક્યો છું કે લેબર પાર્ટી ઈસ્લામિક કટ્ટરવાદીઓની કઠપૂતળી છે, તેમના હાથમાં રમે છે. કેર સ્ટાર્મર તેમની મતબેન્કના ઈશારાઓ પર નાચે છે. આ એ જ પાર્ટી છે જેણે ‘ઈસ્લામોફોબિયા’ની સૌથી ભ્રષ્ટ વ્યાખ્યાને અનુમોદન આપ્યું છે, સ્વીકારી છે. આ વ્યાખ્યાને સામાન્ય બુદ્ધિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ દ્વારા ફગાવી દેવાઈ છે.
ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ સાથે તેમનું સંમોહન સૂચવે છે કે તેમની સમસ્યા ઘણી વ્યાપક છે. મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષોના હાથે હજારો શ્વેત બાળાઓનું સેક્સ્યુઅલ અને હિંસકપણે શોષણ કરાયું હતું અને હજી પણ કરાઈ રહ્યું છે. લેબર સરકારની પ્રકૃતિ અને પ્રવૃત્તિ તો વિક્ટિમ્સને નજરઅંદાજ કરવાની અને શેતાની કાવતરાખોરોને રક્ષણ આપવાની હોવાનું જ દેખાય છે. આપણા દેશમાં લાખો લોકો એવા છે કે જેમને આ અપરાધોમાં લેબર પાર્ટીની મિલીભગત સ્પષ્ટપણે જણાય છે. ગ્રૂમિંગ ગેંગ્સ મુદ્દે યોગ્ય વૈધાનિક પબ્લિક ઈન્ક્વાયરી શરૂ કરાવવાનો તેમનો ઈનકાર આપણે જાણવા ઈચ્છતા હોઈએ એ બધું જ કહી દે છે કે તેઓ કોને બચાવવા ઈચ્છુક છે.
ઈલેક્શન પછીના સમયગાળામાં પ્રાઈમ મિનિસ્ટર અને લેબર પાર્ટી માટે સમર્થનમાં જે જબરદસ્ત ધોવાણ થયું છે તેને નિહાળતા એ સ્પષ્ટ છે કે કેર સ્ટાર્મરને હવે કોઈ પણ હિસાબે અને જોખમે મુસ્લિમ મતબેન્ક પર જ આધાર રાખવો પડશે.
હું હિન્દુઝ ફોર લેબરના અધ્યક્ષ ડો. નીરજ પાટીલ, લેબર ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રાજેશ અગ્રવાલ અને લેબર ઈન્ડિયન્સના અધ્યક્ષ ક્રિશ રાવલ જેવા લોકોને પૂછું છું કે શું તમારામાંથી કોઈએ પણ હિન્દુ કોમ્યુનિટીની છબી ખરડવાના મામલે તમારી નારાજગી કે રોષ સત્તાવારપણે કેર સ્ટાર્મર સમક્ષ વ્યક્ત કર્યો છે ખરો? જો તમે આમ કર્યું હોય તો તેના દસ્તાવેજી પૂરાવા મને મોકલી આપવાનું આમંત્રણ પાઠવું છું. જો તમે આમ કર્યું ન હોય તો મારો સીધોસાદો સવાલ એ છે કે તો પછી તમે કરો છો શું? ચોક્કસપણે માત્ર સન્માનો અને વિશેષાધિકારો હાંસલ કરવા જ તમે ત્યાં નહિ પહોંચ્યા હો.