ફરીથી લોકડાઉન લાગી ગયું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરીથી ઘરમાંથી નીકળવાનું મર્યાદિત થઇ જશે અને વધારે સમય ઘરની અંદર જ રહેવાનું થશે. સાવચેતી રાખજો અને તબિયત સાચવજો. પરંતુ એક વાત મહત્ત્વની છે અને તે નોંધવા જેવી છે. જયારે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ત્રીજા લોકડાઉનની જાહેરાત કરી ત્યારે કેટલાક કારણોસર લોકોને ઘરની બહાર નીકળવાની છૂટછાટ આપવામાં આવી હતી અને તે પૈકી છેલ્લું કારણ હતું ઘરેલુ હિંસા કે ત્રાસથી બચવા માટે. આ બાબત આપણા સૌનું ધ્યાન દોરે છે કે કોરોનાના સમયમાં જયારે લોકો ઘરે રહ્યા ત્યારે કેટલાક ઘરેલુ હિંસાના કેસ આવ્યા જે એ બાબતની સૂચક છે કે ઘરમાં રહીને, લોકડાઉન દરમિયાન લોકોના ઘર અને પરિવારમાં માત્ર પ્રેમ વધ્યો તેવું નથી. પતિ-પત્ની વચ્ચે જૂનો પ્રેમ પ્રફુલ્લિત થઇ જશે અને તેઓ યુવાન પ્રેમી-પંખીડાની જેમ રોમાન્ટિક સમય વિતાવશે તેવી માન્યતા કેટલાક કિસ્સાઓમાં ખોટી ઠરી છે.
એકંદરે જોઈએ તો લોકડાઉનના સમયમાં લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને હવે લગભગ એક વર્ષ પછી આપણે ફરીથી તેવી જ સ્થિતિમાં છીએ જેવી માર્ચ ૨૦૧૯માં હતા. જોકે એક વાતનો આશરો છે કે હવે વેક્સિન મળી ગઈ છે પરંતુ તેની સામે આ નવો સ્ટ્રેઇન પણ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ચિંતા છે.
ઘરેલુ વિવાદ અને ઝગડાઓથી બચવાના કોઈ તો ઉપાય શોધવા જોઈએ અને જેમ જીવન સામાન્ય રીતે ચાલતું હોય તેવું કૈંક કરવું જોઈએ. એક-બીજા સાથે રહીને કંટાળી જતા યુગલો બીજા મિત્રો સાથે કોઈ પ્લાન બનાવી શકે. જો પતિ અને પત્ની અલગ અલગ રીતે વર્ચ્યુઅલ કોલ કે ઇવેન્ટમાં જાય તો તેમાં તો તણાવ વધવાનો જ છે. બંને સાથે રહે અને મિત્રોને મળે તેવું થઇ શકે તો વધારે સારું.
જો વર્ચ્યુઅલ લંચ કે ડિનર હોસ્ટ કરીએ તો? એટલે કે જે લોકો ઘરે બનાવીને જમાડતા હોય તેઓ પોતાના ઘરે જ જમવાનું બનાવીને પેક કરીને ત્રણ-ચાર મિત્રોના ઘરે મોકલે અને પછી સૌ સાથે મળીને વર્ચ્યુઅલ ભોજન કરે તો કેવું રહે? અથવા તો રેસ્ટોરન્ટમાંથી ત્રણ-ચાર પરિવારને ત્યાં ડિલિવર થાય અને પછી તેઓ સાથે લોગીન કરીને ભોજન કરતા કરતા વાતો કરે તેવું આયોજન થાય તો કેવું રહે? વર્ચ્યુઅલ બર્થડે થયા અને વર્ચ્યુઅલ લગ્ન પણ થયા. પરંતુ હવે વર્ચ્યુઅલ વિકેન્ડ ડિનર કે લંચ થાય તો કદાચ વધારે મજા પડી જાય. કેટલાક લોકોએ તો આવું કર્યું જ હશે.
આપણે કેટલાય લોકોને એક વર્ષથી નહિ મળ્યા હોઈએ. હવે કેટલી રાહ જોવાની? પરિવાર સાથે આવો વર્ચ્યુઅલ કોલ કરીને સાથે બેસીને જમવાથી કદાચ આ સ્થિતિને હળવી બનાવી શકાય. માત્ર કોલ પર વાત કરવાથી પણ હવે લોકો કંટાળ્યા છે એટલે બીજી કોઈ પ્રવૃત્તિ કરવી વધારે યોગ્ય છે. તેમાં પણ જો આપણે કોઈને માટે ફૂડ ઓર્ડર કર્યું હોય અને તેમના ઘરે ડિલિવર કરાવ્યું હોય તો પછી તો વાત જ શું કરવી? શક્ય છે કોઈ ટેક્ષી દ્વારા પોતાના ઘરે બનાવેલું ભોજન પણ ડિલિવર કરાવી શકે. તેવી સુવિધા પણ હવે તો ઉપલબ્ધ છે.
આ તો માત્ર એક સૂચન છે. પરંતુ વાત એ છે કે પતિ-પત્ની બંને જેમાં સામેલ હોય તેવું કૈંક કરવું જોઈએ. વળી બંને એકલા જ નહિ પરંતુ તેમના મિત્રો પણ સાથે હોવા જોઈએ. આ સારો એવો સ્ટ્રેસ-બસ્ટર આઈડિયા બની શકે છે. જે લોકો ટ્રાય કરે તેઓ પોતાનો અનુભવ પણ જણાવે તો બીજાને મદદરૂપ થાય. સૌ પોતપોતાના અભિપ્રાયો આપીને લોકડાઉનની એક્ટિવિટીનું લિસ્ટ મોકલે અને જો ‘ગુજરાત સમાચાર’ તેને આવતા અંકમાં પ્રસિદ્ધ કરે તો પણ સારું થાય. બીજા લોકોને પણ આઈડિયા મળે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)