લોકડાઉનમાંથી છૂટીને ગાંડાતૂર બની સ્વતંત્રતા તો ઉજવી હવે પછી...શું!!

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Thursday 22nd July 2021 04:02 EDT
 

પૃથ્વી પર કાળમુખા કોરોના રૂપી રાક્ષસના ભયથી દુનિયા થરથર ધ્રુજતી હતી ત્યારે ધીરે ધીરે તમામ દેશોની જેમ આપણી બ્રિટીશ સરકારે પણ લોકડાઉન જાહેર કરી સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી હતી. સરકારી જાહેરાતને માન્ય કરી આપણે દોઢ વરસ સુધી ઘરમાં બેસી રહ્યા ને ખાધુ-પીધુ, શરીરે તાજામાજા થયા, આખડ્યા-બાખડ્યા અને મેન્ટલી ગાંડા થયા અને તૂ તારે રસ્તે, હું મારે રસ્તે એટલે કે ડીવોર્સ સુધી વાત પહોંચી. રોજ પાંચ-છ વાગ્યે અને આપણે ટી.વી. સામે બેસી જતા અને વડાપ્રધાન, હેલ્થ મિનિસ્ટર અને મેડીકલ એડવાઇઝર્સ શું જાહેરાતો કરે એની રાહ જોતા. છેવટે સરકારે જાહેરાત કરી કે ૧૯ જુલાઇના રોજ ઇંગ્લેન્ડમાં લોકડાઉન ઊઠાવી લેવાશે અને જનજીવન નોર્મલ થઇ જશે.
૧૮મી જુલાઇની મધરાતે ટી.વી પર સમાચારો જોતાં મને અંગ્રેજ હકૂમતમાથી આઝાદ થયેલા આપણા ભારતનો ૧૯૪૭, ૧૫ ઓગષ્ટનો ઇતિહાસ તાજો થયો. જો કે ત્યારે તો મારો જન્મ થયો ન હતો પણ એ શુભ ઘડીને કેમેરામાં ઝડપી લેનાર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મી દ્રશ્યો ઘણીવાર જોયાં છે. એ વખતે ગુલામીમાંથી છૂટી આઝાદીનો જશન મનાવવા આનંદ વિભોર હિન્દુસ્તાનીઓનાં ટોળે ટોળાં રસ્તા ઉપર ઉમટી આવ્યાં હતા એવું અમે ૧૮મી જુલાઇની રાતે જોયું. રાત્રે ઘડિયાળમાં ૧૨ના ટકોરા પછી ૧૯ જુલાઇનો "સ્વતંત્રતા દિવસ" ઉજવવા લોકોના ટોળેટોળાં વેસ્ટ એન્ડ વિસ્તારની રેસ્ટોરન્ટો, કલબોમાં ઉતરી આવ્યા હતા એટલું જ નહિ પણ મધ્ય લંડન અને વેસ્ટ એન્ડની નાઇટ કલબો બહાર લાંબી કતારો જોવા મળી. વીકેન્ડમાં રાતભર નાચગાન, ખાણી-પીણી અને દારૂની લહેજત માણનારા પાર્ટી પ્રેમીઓ જાણે દોઢ વરસના જેલવાસ પછી મુક્તમને એન્જોઇ કરવા આતુર બન્યા હતા. સ્થાનિક સમાચારો મુજબ એ ૧૭મીની મધરાતે લંડનમાં ૧૨૦૦૦ નાઇટ કલબોનાં બારણાં ખૂલ્યાં હતા અને એ રાતે જ ૧૦ મિલિયન પાઇન્ટ બીયર ગટગટાવી મસ્તીથી લંડનગરાઓએ 'સ્વતંત્રતા દિવસ" ઉજવ્યો. સરકારી આંકડા મુજબ કોરોનાના કેસ ગયા ડિસેમ્બર જેટલા ઝડપથી વધી ૫૦,૦૦૦ નજીક પહોંચી રહ્યા હોવાનો "રેડ સિગ્નલ" હોવા છતાં ડેલ્ટા કોરોનાની ઐસીતૈસી...!
મજાની કહો કે દુ:ખની વાત કહો.. એ સ્વતંત્રતા દિવસે જ હમણાં 'તાજા તાજા' નિયુક્ત થયેલા આપણા હેલ્થ સેક્રેટરી સાજીદભાઇને કયાંથી કોરોના વળગ્યો એની ખબર જ ના પડી. તાજેતરમાં આપણા વડાપ્રધાન બોરિશ સાહેબ અને આપણા ભારતીયોના ગૌરવ સમા ચાન્સેલર ઓફ એક્સ ચેકર ઋષિભાઇ શુનાક આ સાજીદભાઇ સાથે હાથમિલાવીને રાજકીય વિષયક ચર્ચા કરવા બેઠા હશે ત્યારે માસ્ક વગરના સાજીદભાઇએ થોડું ગળું સાફ કરતા કદાચ ખોંખારો ખાધો હશે અથવા એમનું નાક લીક થયું હશે કે કદાચ છીંક ખાધી હશે એ વખતે વડાપ્રધાન બોરિશ સાહેબ કે ઋષિભાઇને એમ કે વેકસીન લેનાર સ્વાસ્થ્ય મંત્રી (હેલ્થ સેક્રેટરી)ને કોરોના થોડો ઝપટમાં લે...! મિટીંગ પત્યા પછી ખબર મળ્યા કે સાજીદભાઇને કોરોના વળગ્યો છે...! બિચારા બોરિશ સાહેબને કોરોના સાથે ઝાઝું લેણદેણ નથી, એમણે વારે ઘડીએ ઝપટમાં લેવા કોરોના લાગ જ શોધતો ફરે છે એટલે ગજબની ગોલ્ડી હેર સ્ટાઇલ ધરાવતા બોરિશ સાહેબને કોરોના ફરી ભેટવા માગતો હતો પણ વેળાસર ચેત્યા પણ એમની સાથે ઋષિભાઇને ય કવોરન્ટીનમાં જવું પડ્યું...!
બ્રિટનમાં નવા નવા કોરોના વાયરસ લઇને આવનારા પ્રવાસીઓને કારણે બ્રાઝીલ, સાઉથ આફ્રિકા એથી ખતરનાક ઇન્ડિયાથી ડેલ્ટા આવ્યો. આ નિત નવા ફૂટી નીકળતા વાયરસને પગલે અમેરિકાએ બ્રિટનથી જનારા પ્રવાસીઓ ઉપર પાબંદી મૂકી દીધી. અમેરિકામાં એન્ટ્રી લેવા જે એસ્ટા વીઝા એપ્લીકેશન હોય છે એ જ અત્યારે બ્રિટીશ પ્રવાસીઓના અમેરિકન વીઝા થ્રુ થવા દેતું નથી..! પણ તાજેતરમાં મળેલા સમાચારો મુજબ અમેરિકામાં વકરી રહેલા કોરોનાના કેસમાં ૮૦% તો ઇન્ડિયન ડેલ્ટા વાયરસ છે...! અમેરિકા જવા તમારી પાસે ગ્રીનકાર્ડ હોય કે તમે સિટીઝન હોય તો બાયડન સરકાર તમને એન્ટ્રી આપે... એમાં ઇન્ડિયાથી ઘણા પ્રવાસીઓ હજુય ટ્રાવેલ કરીને જઇ શકે છે...!! તો બબ્બે વેકસીન લીધેલા બ્રિટીશ નાગરિકો પ્રત્યે બાયડનભાઇને શું વાંધો પડ્યો...!
ચીનના વુહાનથી જન્મેલા અને ટી.વી સ્ક્રીન પર કોઇ ફૂલ જેવા રૂપાળા દડા જેવો દેખાતા કોરોનામાંથી નિત નવા વાયરસ પેદા થતા જાય છે. એ દડા જેવો દેખાતા કોરોનામાંથી પ્રોટીન લીક થાય એટલે નવો વાયરસ જન્મે છે. બ્રિટનમાં સ્થાયી થવા મોટાભાગના દેશોના લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ કે એસાયલમ સીકર બનીને ઘૂસી જતા હોય છે એમ આ કોરોના પણ બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકાથી ઘૂસ્યો એ પછી ડેલ્ટા નામના વાયરસે ઇન્ડિયાથી પગપેસારો કર્યો, ફરી પાછો નેપાળથી નવો જન્મીને અહીં આવ્યો અને હવે ખતરનાક નોરો નામનો વાયરસ પ્રગટ્યો છે. આવા વાયરસને લીધે દોઢ વર્ષ જે લોકડાઉન કરી સરકારે કંટ્રોલ કર્યું હતું એ ધોવાઇને લગભગ ૪૮૦૦૦થી વધુ નવા કેસો નોંધાયા છે. એમાંનું એક કારણ ફૂટબોલ યુરો ૨૦૨૦ મેચ પણ જવાબદાર ખરી... વેમ્બલીમાં ડેન્માર્ક સામે ઇંગ્લેન્ડ જીત્યું એ વખતે અને ત્યાર પછી સેમી ફાઇનલમાં ઇટાલી સામે મેચ રમાઇ ત્યારે વેમ્બલી સ્ટેડિયમમાં ૬૦ હજાર અને સ્ટેડિયમ બહાર અને ટ્રફાલ્ગર સ્કવેર ખાતે લાખ્ખોની સંખ્યામાં મેદની ઉમટેલી એમાં હરખપદુડા મોટા ભાગ લોકોને મોંઢે માસ્ક દેખાતા ન હતા. જો કે ઇંગ્લેન્ડ માટે પ્રસંગ જ એવો હતો એટલે સરકારેય છૂટ્ટો દોર મૂક્યો હોય એવું લાગ્યું.
ફૂટબોલની મેચ છોડો...... હમણાં આપણા ગુજરાતી લગ્ન સમારંભો શરૂ થયા એની વાત કરું. સરકારે લિમિટેડ આમંત્રિતો વચ્ચે ડિસ્ટન્સ રાખીને લગ્ન કે સત્કાર સમારંભો યોજવાની છૂટ આપી છે. ત્યાં એક લગ્નમાં ૪૦૦ જેટલા આમંત્રિતો ઉમટેલા. પહેલાંના વખતમાં જેમ માંડવે પધારનારા આમંત્રિત મહેમાનોને ચાંદીની ફૂલદાની વડે અત્તર છાંટવામાં આવતું, કયારેક તાજા ગુલાબનું સરસ મીની બૂકે જેવું અપાતું એમ આ લગ્નના હોલના બારણે આવનાર આમંત્રતોનું ટેમ્પ્રેચર માપવા સજ્જ ધજ્જ લેડીઝ ઉભેલાં, એથી આગળ સેનેટાઇઝવાળા બહેન અને એમના પછી માસ્કની ટ્રે લઇને બે યુવતીઓ ઉભેલી. ફેસ ફાઉન્ડેશન, પાવડર અને હોઠ પર લિપ્સટીક લગાવીને આવેલી કેટલીક બહેનોએ માસ્ક તો લીધા પણ બે સાઇડે દોરીઓ ખેંચી મોંઢાથી બે ઇંચ દૂર રાખીને ખાલી શો કરતી દેખાઇ. જો કે આ ફેસ માસ્કને લીધે લીપ્સટીક કંપનીઓના વેચાણમાં પણ ભારે ફટકો પડ્યો છે.
સરકારી લોકડાઉનમાંથી આપણને ભલે હરવા ફરવા ને મળવામાં સ્વતંત્રતા મળી હોય પણ આપણે આ કોરોનાની ઝપટમાં ના આવી જઇએ એની તકેદારી રાખવી જરૂરી છે. આપણે વેકસીન લીધું છે એટલે રાજા... એવું માનીને મુક્તમને ફરવા જઇએ ત્યારે માસ્કને તો સાથે રાખવો એ આપણો કાયમી સાથી અને રક્ષક છે. જો કે સરકારે વેકસીનની પ્રક્રિયા ઝડપી કરતાં મરણાંક બહુ ઓછો છે પણ આપણે સૌએ જાગૃત રહેવાની ખૂબ જરૂરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter