છેલ્લાં થોડાં દિવસોમાં આ સપ્તાહની કોલમ માટે શું લખવું તેની માનસિક ચર્ચામાં સમય વીત્યો છે. કોરોના મહામારી વિશે તો લખ્યું અને ફરીથી આપણા બધાના દુર્ભાગ્ય વિશે લખવું તે મને વિષયના વળગણ જેવું લાગતું હતું. યુકેમાં NHSને ભારે મુશ્કેલીમાં મૂકી દેવાની ધમકી આપતી ઝડપથી પ્રસરતી આગ અથવા સાઉથ આફ્રિકાને પુનઃ લોકડાઉનમાં ધકેલવાની ફરજ પાડનારી બાબત અથવા તો કોરોના વાઈરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે તેવા અહેવાલોથી આપણે બધા કેવી રીતે વણસ્પર્શ્યા રહી શકીએ તેની મને જરા પણ સમજ પડતી નથી.
ગત થોડા દિવસોમાં વોશિંગ્ટનમાં જોવા મળેલી ઘટનાઓ હેડલાઈન્સમાં ચમકી છે. અસામાજિક તત્વોના નિરંકુશ ટોળાં દ્વારા લોકશાહીની પ્રકાશ સમાન ઈમારત પર કરાયેલો હુમલો, એકથી વધુ વ્યક્તિના મોત તરફ દોરી જતી હિંસાની આગ, ઊચ્ચ હોદ્દાઓની ગરિમા અને પ્રાઈવસી પર વરવું આક્રમણ સહિત માની ન શકાય તેવી ઘટનાઓ અને દૃશ્યોનો વિસ્ફોટ ૬ જાન્યુઆરીથી મીડિયા દ્વારા કરાયો છે જેણે સમગ્ર વિશ્વને આઘાતથી સ્તબ્ધ બનાવી દીધું છે. આ ટોળું તાજેતરમાં યુએસએમાં યોજાએલી ચૂંટણીમાં લોકચુકાદાને ઉલટાવવા માગતું હતું. આ લખાય છે ત્યારે, ડેમોક્રેટ્સ જેમની નિગેહબાની હેઠળ આ ઘટનાઓ ઘટી તેવા પ્રમુખ ટ્રમ્પના બીજા મહાભિયોગની તૈયારી કરી રહ્યા છે. જો આ હિંસાના અપરાધીઓ વિરુદ્ધ ઝડપી અને યોગ્ય કાર્યવાહી થશે તો પણ યુએસની પ્રતિષ્ઠા અને અસ્તિત્વના આધારને દીર્ઘકાલીન નુકસાન થશે એ હકીકત છે જેને પુનઃ પ્રાપ્ત કરવા અથાગ મહેનત કરવી પડશે.
યુએસએ દ્વારા દાયકાઓની મહેનત અને પ્રતિબદ્ધતા થકી તેના લોકશાહી મૂલ્યોની સ્થાપના કરી શકાઈ છે. આપણે બધાં જ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન દ્વારા અપાયેલી લોકશાહીની– લોકોની, લોકો દ્વારા અને લોકો માટેની સરકારની વ્યાખ્યા –પરિભાષા વિશે બરાબર જાણે છીએ. લોકશાહીનો અર્થ સમજાવવા માટે આનાથી વધુ સરળ માર્ગ કોઈ હોઈ શકે નહિ.
ભારત વિશ્વની સૌથી વિશાળ લોકશાહી છે. નવી દિલ્હીમાં નવા સંસદભવનનો શિલાન્યાસ કરતી વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં લોકશાહીને ‘રાષ્ટ્રના જીવનના મૂલ્યો, જીવનના માર્ગ અને આત્મા’ તરીકે વણવી હતી. યુએસએને ઘણી વખત તેના લેખિત બંધારણ અને ૨૦૦ કરતાં વધુ વર્ષની સાતત્યપૂર્ણ સૌથી પ્રાચીન લોકશાહી તરીકે કહેવાય છે.
વિશ્વની સૌથી પ્રાચીન લોકશાહી તરીકે યુકેનો દાવો વધુ વિશ્વસનીય છે. આજે આપણે જાણીએ છીએ તેવા ઘણા લોકશાહી સિદ્ધાંતો અને વિશેષતઃ મેગ્ના કાર્ટા સહિતના સિદ્ધાંતોની સ્થાપના માટે તે કારણભૂત છે. આઈલ ઓફ મેન, સાન મારીનો અને આઈસલેન્ડ પણ પ્રાચીન અને પ્રસ્થાપિત લોકશાહી દેશો તરીકે જાણીતા છે.
લોકશાહી કે ડેમોક્રસી શબ્દના મૂળ પ્રાચીન ગ્રીક પ્રજા સુધી લઈ જાય છે. ગ્રીક શબ્દ ‘demos’નો અર્થ ‘લોકો’ અને ‘kratos’નો અર્થ ‘શક્તિ’ થાય છે. ભારતમાં પણ સ્વતંત્ર ‘પ્રજાસત્તાક કે ગણતંત્ર’, ‘સંઘ’ અને ‘ગણ’ શબ્દો થકી લોકશાહીના આદર્શનું અસ્તિત્વ ઈસવી સન અગાઉની છઠ્ઠી સદી (B.C) જેટલું પ્રાચીન છે. આ સહુમાં લિચ્છવી ગણતંત્ર સૌથી પ્રખ્યાત છે.
હું સ્વામી વિવેકાનંદજીને તેમના ૧૨ જાન્યુઆરીના જન્મદિને શ્રદ્ધાસભર આદરાંજલિ અર્પણ કરું છું. તેમણે પાશ્ચાત્ય સમાજોને હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિનો સુભગ પરિચય કરાવ્યો હતો. આ નિમિત્તે લંડનમાં નેહરુ સેન્ટર દ્વારા લેખક, ઈતિહાસવિદ અને જર્નાલિસ્ટ હિન્દોલ સેનગુપ્તા સાથે ઓનલાઈન વાર્તાલાપનું ૧૨ જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું હતુ. લોકોએ ‘The Universal Appeal of Swami Vivekananda’ વાર્તાલાપને https://youtu.be/ BnYAwVxOd54v પર નિહાળ્યો હતો.
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)