વર્ષ દરમિયાન વાગોળેલા વિચારોને સમેટીએ અને નૂતન વર્ષને ઉમંગભેર આવકારીએ

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 22nd December 2021 14:06 EST
 

આ વર્ષનો આ અંતિમ લેખ. આખું વર્ષ વીત્યું અને આપણે શબ્દોના સથવારે એકબીજા સાથે વાતચીત કરતા રહ્યા. સમયે સમયે આવેલા વિચારોની અભિવ્યક્તિ થતી રહી અને તેની સાથે કેટલાય વાચકોના મનમાં પણ નવા વિચારોના બીજ રોપાયા હશે અથવા તો તેઓની માન્યતા અને ધારણા સાથે સરખાવાયા હશે. જે રીતે લેખક અને વાચક બંને એકબીજાને સમય સાથે ઓળખાતા અને સમજતા જાય છે તે રીતે શબ્દોનો સેતુ મજબૂત થતો જાય છે. જીવનમાં આપણી સામે અનેક માર્ગ હોય છે અને તે પૈકી આપણે કોઈ એકાદ માર્ગે ચાલવાનું પસંદ કરીયે છીએ તેવી જ રીતે વાચકની સામે આવતી વાંચન સામગ્રીમાંથી કઈ મનમાં રાખવી અને કઈ ત્યજી દેવી તે નક્કી કરે છે. લેખક પણ દરેક અઠવાડિયે તેના મનમાં આવેલા અનેક વિચારો પૈકી ક્યાં વિચારને પ્રાધાન્ય આપીને તેના પણ આર્ટિકલ લખવો અને બીજા વિચારોને જતા કરવા તે નક્કી કરવા મથતો હોય છે.

દરેક લેખકના આર્ટિકલમાં પ્રસ્તુત વિચારો ક્યારેક સમકાલીન હોય છે તો ક્યારેક દાર્શનિક કે ઐતિહાસિક. ખાસ કરીને જેની સામે વિષયની મર્યાદા છે તેવા કટારલેખકો માટે એ કપરું કામ બની જાય છે કે તેઓ ક્યાં જનસામાન્ય વિષયને પસંદ કરે જે લોકોના જીવન સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલો તો હોય તેમ છતાં પણ તે પુનરાવર્તન કોઈ રીતે કંટાળાજનક ન બને. આખરે દરેક વ્યક્તિ પાસે અનેક દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા માહિતી અને મનોરંજન પહોંચી રહ્યું હોય છે તો પછી શા માટે એક જ વાતને વારંવાર વાંચે? સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આજ સુધી જે વિષયો અંગે વાત થઇ હશે તે કેટલીય વાર પુનરાવર્તિત થયા હશે, એક જ લેખકે પણ કોઈ વિષય પર અનેકવખત લખ્યું હશે, એક જ વાચકે કોઈ મુદ્દા પર અનેક પુસ્તકો વાંચ્યા હોય તેવું બને પરંતુ તેમ છતાં પણ લેખક અને વાચક ફરી ફરીને લખતા-વાંચતા રહે છે તેનું કારણ વ્યક્તિગત નાવીન્ય છે. લેખક એક જ વિષયને અલગ અલગ વખત ભિન્ન ભિન્ન રીતે રજુ કરે છે, વાચક પણ તેનું દરેક વખતે જુદું જુદું અર્થઘટન કરે છે. લખેલા શબ્દો લેખક અને વાચકને એ સ્વતંત્રતા આપે છે કે બંને પોતાના મનમાં ચાલતા ભાવોને વ્યક્ત કરી શકે અને પોતાની સ્થિતિ, અનુભવ અને મૂડ અનુસાર સમજી શકે.
આ વાત કરવાનું તાત્પર્ય એ છે કે આખા વર્ષ દરમિયાન વાગોળેલા વિચારોને હવે સમેટવાનો વખત આવ્યો છે અને એ જોવાનું રહ્યું કે આવતા વર્ષે શું સ્થિતિ હશે? આપણી આસપાસ બનતી ઘટનાઓના આધારે આપણે કેવા મુદ્દાઓ વિષે વાત કરીશું? તત્કાલીન કે પછી દાર્શનિક, આધ્યાત્મિક કે ઐતિહાસિક - ક્યાં વિષયો આપણને વર્ષ દરમિયાન વ્યસ્ત રાખશે? આમ તો જે રીતે છેલ્લી બે ક્રિસમસ અને નવા વર્ષમાં આપણે મહામારીના ભયમાં જીવીએ છીએ તે જોતાં એવું લાગે છે કે થોડીઘણી સાવચેતી આવનારા વર્ષમાં પણ રાખવી પડશે પરંતુ તેની સામે માનવ રોગ પ્રતિકારકતા તથા તબીબી મદદ કેટલી અસરકારક રહેશે તે સમય જ બતાવશે. ઉત્સાહની વાત એ છે કે આ સ્થિતિમાં પણ આપણો વિશ્વાસ જળવાઈ રહ્યો છે, જુસ્સો મક્કમ રહ્યો છે અને આપણે ભવિષ્ય તરફ આશાવાદી નજર રાખી શક્ય છીએ.
નવા વર્ષને આવકારતા પહેલા જે આખરી સપ્તાહ આ વર્ષનું બચ્યું છે તેને ખુબ સારી રીતે વીતાવીયે, આખા વર્ષનું સરવૈયું કાઢીયે અને આવનારા વર્ષ માટે માનસિક તૈયારી કરીએ. નવા વિચારો અને ઉમ્મીદોથી આવનારું વર્ષ વધારે માહિતીપૂર્ણ, રસપ્રદ અને મનોરંજક બનાવીએ. વૈવિધ્ય કેળવીએ અને માનસિક તેમજ વૈચારિક ક્ષમતાનો વિકાસ કરીએ તેવી શુભેચ્છા સાથે - મેરી ક્રિસ્મસ અને હેપી ન્યુ યર. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter