વસંત પંચમીઃ ભારતમાં ઉજવાતો પ્રાકૃતિક વેલેન્ટાઇન ડે

આરોહણ

તુષાર જોષી Tuesday 16th February 2021 09:06 EST
 

મંગળવારે વસંત પંચમી હતી. સ્વાભાવિક છે કે વસંત પંચમી વિષે ઘણા લોકો નહિ જાણતા હોય. ખાસ કરીને નવી પેઢીના લોકો અને તેમાંય જે લોકો ભારતની બહાર રહ્યા છે તેઓ. વસંત પંચમી વસંત ઋતુ - બહાર - સ્પ્રિંગનું આગમન સૂચવે છે. બીજી રીતે કહીએ તો હોળીની તૈયારી શરૂ થવાનો સમય એટલે વસંત ઋતુ. વસંત પંચમીના ચાલીસ દિવસ પછી હોળી આવે. આ ચાલીસ દિવસમાં તો વસંત પૂર બહારમાં ખીલી ઉઠે છે. કેસુડાના ફૂલો અને રાઈના પીળા ખેતરો મહેકી ઉઠે છે. વૃક્ષને નવા પર્ણ અંકુરિત થાય છે. બધે જ હરિયાળી છવાય છે અને લોકોમાં ઉત્સાહનો માહોલ સર્જાય છે. વસંત પંચમીના દિવસે ઉત્તર ભારતમાં હજી શિયાળાની અસર હોય છે જયારે મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ધીમે ધીમે દિવસો લાંબા થવા લાગ્યા હોય છે.

પ્રકૃતિ સાથે સંકળાયેલો આ તહેવાર ભારતીય દ્વીપસમૂહના વિસ્તારોમાં સારી રીતે ઉજવાય છે. યુકે અને ભારતના અક્ષાંશ અને રેખાંશ (પૃથ્વીના ગોળામાં યુકે અને ભારતનું સ્થાન) જુદા હોવાથી યુકેમાં બરાબર આ સમયે જ વસંત - સ્પ્રિંગ બેસે તે જરૂરી નથી. ભારતમાં પણ દર વર્ષે વસંત પંચમી અલગ અલગ દિવસે હોય છે. વર્ષ ૨૦૨૦માં વસંત પંચમી ૨૯મી જાન્યુઆરીના રોજ હતી જયારે વર્ષ ૨૦૨૧માં તે ૧૬મી ફેબ્રુઆરીએ આવી છે.
વસંત પંચમીનો દિવસ ભારતમાં સરસ્વતી પૂજા કરવામાં આવે છે અને તે રીતે કલા, સંસ્કૃતિ, જ્ઞાન, ભાષા અને સંગીતની દેવીને વંદન કરીને રચનાત્મક ઉર્જાનો સંચાર કરવાની પરંપરા છે. આ દિવસે લોકો પીળા રંગના કપડાં પહેરે છે, પીળા રંગનો આહાર લે છે અને પીળા રંગની ભેટ આપે છે. કેટલાય લોકો ભોજનમાં કેસરનો ઉપયોગ કરે છે. વસંત પંચમી પ્રણય અને શૃંગારનો પણ સૂચક તહેવાર છે. વસંત પંચમીને પ્રેમી યુગલોના મિલન સાથે સરખાવવામાં આવે છે. એક રીતે કહીએ તો વસંત પંચમી એટલે પ્રાકૃતિક વેલેન્ટાઈન ડે કહેવાય. કેટલાય કવિઓએ વસંત પંચમીના અવસરને વર્ણવતા પ્રણય ગીતો લખ્યા છે.
કેટલીક માન્યતા અનુસાર વસંત પંચમીને મદન પંચમી પણ કહેવામાં આવે છે. કામ દેવ આ દિવસે પૃથ્વીને ઉમંગ, ઉત્સાહ અને ઉત્કટતાથી ભરી દે છે અને મનુષ્ય તેમજ પ્રકૃતિમાં નવા જોશનો સંચાર કરીને પ્રણય અને નવસર્જન પ્રગટાવે છે. આ રીતે પ્રણયરાગી ઋતુની શરૂઆત થાય છે. તેની પાછળની વાત એવી છે કે બધા ઋષિઓએ ભેગા મળીને કામદેવને પ્રાર્થના કરેલી કે તેઓ શિવજીને યોગિક મુદ્રા અને તપશ્ચર્યાથી જગાવીને તેમનામાં કામાગ્નિ જન્માવે જેથી તેઓ પાર્વતી સાથે લગ્ન કરીને પ્રજોત્પતિ કરે. કામદેવ આ વિનંતીનો સ્વીકાર કરીને તપસ્વી મુદ્રામાં બેઠલા ભગવાન શિવને પોતાના શેરડીના બનેલા બાણથી ફૂલો અને મધમાખીઓના તીર મારે છે. આ ચેષ્ટાથી ભગવાન શિવ જાગે છે અને તેમનું ત્રીજું નેત્ર ખુલે છે જેમાંથી નીકળતી અગ્નિ કામદેવને ભસ્મીભૂત કરી દે છે. પરંતુ કામદેવના તીર પોતાની અસર કરી ચૂક્યા છે અને શિવજી પાર્વતીથી મોહિત થાય છે અને તેમની સાથે પ્રણયચેષ્ટા કરે છે. આ સુંદર કથા વસંત પંચમી સાથે સંકળાયેલી છે.
સૌ લોકોને વસંત પંચમી - ભારતમાં ઉજવાતા પ્રાકૃતિક વેલેન્ટાઈન ડેના પર્વની ખુબ ખુબ શુભકામનાઓ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter