અત્યારે વિશ્વને કોરોનાનો ભય થરથર ધ્રુજાવી અથવા ડરાવી રહ્યો છે ત્યારે આપણા કેટલાક જણ કુદરતનો કોપ પ્રગટયો કહે છે, કેટલાક કળીયુગના અંતની શરૂઆત થઇ છે એવી મનઘડત આગાહીઓ વાયરે વહેતી કરવા લાગ્યા છે. ભારતમાં તો કેટલાયે બાધાઓ-આખડીઓ રાખી બળીયાદેવ બાપજી અને શીતળામાને રીઝવવામાં પડી ગયા છે. કેટલાક કળીયુગના કોપથી બચવા યજ્ઞયાગાદિમાં લાગી પડ્યા છે. કોરોનામાં મોતને શરણ થયેલાંને સ્મશાનમાં જગ્યા નહિ મળતાં સગાં સહોદરોએ એમનાં સ્વજનોેને બારોબાર ગંગાજીમાં જ પધરાવી દીધાં જેથી મરનાર બિચારો સીધો જ કૈલાસ પહોંચે...!!
માનવ સમાજમાં શ્રધ્ધા સાથે અંધશ્રધ્ધાએ ભારે વર્ચસ્વ જમાવેલું છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા છે. જ્યારે શ્રધ્ધા પૂરી થાય ત્યારે અંધશ્રધ્ધાનો જન્મ થાય છે. આ અંધશ્રધ્ધા એકલા આપણા ઇન્ડિયનોમાં એકલી નથી હોં.. જુદાજુદા દેશોમાં વસતા જાત જાતના લોકો વૈવિધ્યપૂર્ણ અંધશ્રધ્ધા ધરાવતા હોય છે. આપણા સમાજે ધર્મ અને ભક્તિને બહુ ઉચ્ચ સ્થાન આપેલું છે એ બધી રીતે યથાર્થ છે પણ ધર્મને, એની પરંપરાને સાચી રીતે અપનાવવી જોઇએ. આજે આ લખવા પાછળનો હેતુ કોઇ સમાજ, ધર્મ, સંપ્રદાય, પરંપરા કે પ્રથા વિરુધ્ધ લખવા કે દિલ દુભાવવાનો નથી. શ્રધ્ધા એક એવો મલમ છે જેનાથી ઘણી બધી માનસિક પીડાઓનું નિવારણ થાય છે, હરેક મનુષ્યમાં કોઇને કોઇ પ્રકારે શ્રધ્ધા વસેલી હોય છે, કોઇનામાં થોડા અંશે તો કોઇમાં મોટા સ્વરૂપે...! પણ વહેમ અને વ્યાધિ બે એવા રોગ છે જેનો ઇલાજ બહુ કઠિન છે અને એનાથી વધુ કઠિન છે અંધશ્રધ્ધા...!
આપણે મોટાભાગના અહીં આફ્રિકાથી આવીને વસ્યા છીએ. પશ્ચિમની ધરતી પર ઘણા લોકોએ અડધી સદી વટાવી દીધી છે તેમછતાં કેટલાક આપણા વડીલો એમની અંધશ્રધ્ધા અને વહેમથી વિમુક્ત થયાં નથી. આફ્રિકામાં જ જન્મેલાં, ઉછરેલાં અને પરણીને યુ.કે.માં ૫૦ વર્ષથી સડબરી વિસ્તારમાં સ્થાયી થયેલાં એક ૭૦ વર્ષનાં બહેન અમે ચાલવા નીકળ્યાં ત્યાં ભેટી ગયાં. મેં એમણે પૂછ્યું કેમ રમાબહેન આ લાંબો ચોટલો વાળતાં હતાં... તે... હવે તમારા વાળને શું થયું..?! એ બહેને નણંદ ઉપર ક્રોધ ઠાલવતાં કહ્યું કે, “અરે...જુઓને ગઇ સાલ મારી નણંદ મારે ઘરે આવી હતી એ તંત્રમંત્ર બહુ કરે છે... મારા માથે જ્યારથી હાથ ફેરવી ગઇ છે ને ત્યારથી મારા બધા વાળ ખરતા ગયા છે..! અહીં પોતાનામાં વિટામીન્સ કે મીનરલની ઉણપને નેવે મૂકી રમાબહેને નણંદને માથે દોષનો ટોપલો નાખ્યો... આ રમાબહેનના બારણે સદાય લીંબુ-મરચાંનું ઝુમખું ઝુલતુ જ હોય.
રમાબહેનની હેરતભરી વાત સાંભળી મને વેમ્બલીમાં રહેતાં કાન્તાબેન યાદ આવી ગયાં.... મોટાભાગની બહેનોને સાસરીયાં ઓછા ગમતાં હોય છે એમ આ બહેનને પતિના ઘરનું કોઇ પણ આવે તો એમના વહેમનો કીડો સળવળી ઊઠે.. એ બહેનનું રોદણું એવું હતું કે, “મારી સાસુ આફ્રિકાથી જ મેલીવિદ્યા કરે છે.. અમે હમણાં જ ૮૦૦ પાઉન્ડનું ડબલ ડોરવાળું નવું જ ફ્રીજ લીધું છે અને એકાએક આ ડોસી આવીને મારા ફ્રીજે અડીને ઉભી રહી તે ફ્રીજ પર એના હાથના પંજાની છાપ છોડી ગઇ.. ત્યારથી મારા ઘરમાં કશું ક થયા જ કરે છે..! મેં કહ્યું કાન્તાબહેન દીકરાને ઘેર જનેતા આવું કાંઇ ના કરે આવા વહેમમાંથી બહાર નીકળો.... પણ વહેમનું ઓસડ કાંઇ નહિ...!
અમેરિકામાં અમે એકવાર શીતળા સાતમ પર ગયાં હતાં.. ત્યાં અમારા એક નિકટના સ્નેહીએ અમને શીતળા સાતમના આગલા દિવસે કેટલીક પૂજાવિધિ વિશે પ્રેરણા આપતાં કહ્યું કે, “બહેન રાતે સૂતા પહેલાં ગેસનો ચૂલો સાફ કરી, સાથિયો, કંકુના પાંચ ચાંલ્લા કરી દીવો પ્રગટાવી લેજો.. રાતે શીતળામા આળોટવા આવે...! એ... પણ... ગેસના ચૂલે..બર્નર ઉપર ?! શું કામ....?! પૌરાણિક દંતકથા મુજબ લાકડાંનો અગ્નિ પેટાવી ચૂલામાં જે રાખ ઠરી હોય ત્યાં માતાજી આળોટી શીતળતા મેળવતા હોય છે.....એ આપણી ધાર્મિક પરંપરામાં હું પણ શ્રધ્ધા ધરાવું છું પરંતુ પરદેશની પારકી ધરતી પર બાજરીના આટામાંથી શીતળામા બનાવવાં, તુવેરની દાળ ચોંટાડી આંખો બનાવવી, કાંટાળા કૈડાંનું ઝાડ બનાવી શીતળામાને બેસાડવાં, એના ઉપર દૂધ-પાણી, ફળ-ફૂલ ચડાવવાં ત્યારપછી બાજરીનો પીંડ નદીએ જઇ પધરાવવો... એ પણ અમેરિકા જેવા દેશની નદીમાં પધરાવા જઇએ.... ને અમેરિકન પોલીસને ધક્કે ચડી જઇએ તો શું થાય..!! મારું માનવું છે કે અહીં આ બધું કર્યા વગર શીતળામાની માનસિક પૂજા થઇ શકે..
આવું અહીં દિવાળી પર્વે કાળીચૌદસ પર જોવા મળે. એ દિવસે તમે લંડનમાં ગુજરાતીઓની વસતીવાળા એરિયામાં જાવ તો ચાર રસ્તાના "ચકલે" વડાં (ઢેબરાં) ઠેબે ચડતાં દેખાય. આ પ્રથા કદાચ કાઠિયાવાડમાં વધારે પ્રચલિત હોય એવું લાગે. આ ચાર રસ્તે વડાં નાખવા પાછળનું પ્રયોજન "ઘરમાંથી કકળાટ" કાઢવાનું હોય છે પણ વડાં ચાર રસ્તે ફેંકી આવ્યા પછી ઘરમાં કોઇ કકળાટ થતો નથી...! મળતી માહિતી મુજબ રાજકોટમાં ભારત જનવિજ્ઞાન સંસ્થાના સ્થાપક જયંત પંડ્યા કાળી ચૌદશની રાતે ચાર રસ્તાના ચકલે જાય છે અને ત્યાં બહેનોએ કકળાટ કાઢવા નાંખેલાં વડાં ત્યાં જ બેસીને ખાય છે....! જયંતભાઇને સારું બધાય ઘરનાં જુદા જુદા સ્વાદનાં વડાં ખાવાનાં મળે.....!
કેટલાક તો સારા કામે બહાર જતા હોય ને છીંક આવે તો ઘરમાં પાછા વળી પાણી પીવે પછી જ જાય.. બ્રિટીશ પ્રજા પશુપ્રેમી છે એટલે મોટા ભાગે કૂતરાં, બિલાડાં તો શેરીઓમાં ફરતાં દેખાતાં હોય. એમાં જો કાળી બિલાડી રસ્તે આડી ઉતરે તો આપણા મનમાં વહેમનો ચકરાવો ચાલુ જ થઇ જાય...ઇન્ડિયામાં અમે ગ્રામ્ય સંસ્કૃિત વચ્ચે ખૂબ રહ્યા છીએ. એ વખતે વડીલોમાં જે વહેમ પ્રવર્તતા એ કોઇ અર્થ વગરના હતા. પાપડ કે મઠિયાં વણાતાં કે તળાતાં હોય અને ત્યાં અજાણ્યે જ કોઇ રજસ્વલા (પીરીયડમાં બેઠેલી) સ્ત્રી આવી હોય તો એવું મનાતું કે એ સ્ત્રીનો પડછાયો પડવાથી પાપડ કે મઠિયાં લાલ થઇ ગયાં.... અરરર....!! એવી રીતે કોઇ પુરુષ સારા-શુભ કાર્ય માટે બહાર જતા ત્યારે કુંવારિકાને સામેથી આવતી હોય એવા શુકન કરાતા પણ જો કોઇ વિધવા સામે આવે તો મોં મચકોડી પાછા ઘરમાં જઇ પાંચેક મિનિટ બેસી, પાણી પીને બહાર જતા. આની પાછળનું વિજ્ઞાન કે તર્ક હજુ સમજાતું નથી.
આ વહેમ અને અંધશ્રધ્ધાનું વળગણ એકલા ઇન્ડિયનોને જ વળગ્યું છે એવું નથી.... દુનિયાની તમામ માનવજાતિને વહેમ, અંધશ્રધ્ધા આભડેલા છે. હરનિશ જાની નામના એક લેખકે લખે છે કે, “પશ્ચિમના વિકાસશીલ દેશો અને વિજ્ઞાનની વાતો કરીએ છીએ પરંતુ ધ્યાનથી જુઓ તો અમેરિકામાં અંધશ્રધ્ધા, વહેમનો રાફડો ફાટ્યો છે..! એમાં અમેરિકનો એકલા નહિ પણ એમના પોલીટીશ્યનો પણ અંધશ્રધ્ધાળુ હોય છે. આ લેખક એક કલર કંપનીમાં કામ કરતા એનો પ્રેસિડેન્ટ બોબ બોર્ડ મિટીંગ હોય ત્યારે અચૂક લાલ ટાય પહેરીને જ આવતો. લાલ ટાય એણે શુકનિયાળ લાગતી. બીજાની વાત છોડો... ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ ઓબામા સાહેબ પણ બહુ વહેમીલા હતા....હોં ! એમના ગજવામાં જાતજાતનાં લટકણિયાંવાળી લકી (શુકનિયાળ) ચેઇન લટકાવતા હતા. જો કે ઓબામાને ઇશ્વર પ્રત્યે અતૂટ શ્રધ્ધા પણ ખરી... દિલ્હીથી ઓબામાને ભેટમાં મળેલી શ્રી હનુમાનજીની દોઢ ઇંચની ચાંદીની મૂર્તિ હંમેશા તેમના ખિસ્સામાં રાખતા. રક્ષક તરીકે પવનપુત્ર ઉપર તેમણે ખૂબ શ્રધ્ધા હતી. તેઓ ઇલેકશન હોય તે દિવસે એ અચૂક બાસ્કેટ બોલ રમતા. એ માનતા કે જયારે જયારે તેઓ બાસ્કેટ બોલ રમીને મત આપે છે ત્યારે એમનો કેન્ડીડેટ જીતે છે...! લ્યો કરો વાત....!! આપણે સૌએ ઇશ્વરીય શ્રધ્ધામાં અતૂટ વિશ્વાસ રાખવો પણ વહેમ કે અંધશ્રધ્ધાના કૂંડાળામાંથી બહાર નીકળવાની જરૂર છે. સાચુ કહીએ તો કોઇને કાંઇ અડતું નથી ને નડતુંય નથી.... અસ્તુ.