કોરોનાને કારણે લોકોને ઘરમાં રહેવાનો આદેશ મળી ગયો છે. ભારતમાં અને યુકેમાં બંને જગ્યાએ. ગુજરાત પણ ૩૧ માર્ચ સુધી બંધ કરી દેવાયું છે. ભારતમાં પ્રથમ વખત રેલવે બંધ કરાઈ છે. વિદેશથી ભારત આવતા વિમાનોને અટકાવી દેવાયા છે. અહીં યુકેમાં પણ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સને લોકોને ચાર કારણો સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો. આ ચાર કારણો છે: પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા; કોઈ એક પ્રકારનો વ્યાયામ કરવા; મેડિકલ સેવા આપવા; જો અત્યંત આવશ્યક હોય તો કામ પર જવા. આ ચાર કારણો સિવાય કોઈ બહાર નીકળશે તો તેમની સામે પોલીસ પગલાં લઇ શકે છે.
ઓલમ્પિક રમતો આ વખતે તેના સમય પર યોજાવાની શક્યતાઓ ઓછી છે તેવું જાપાનના વડા પ્રધાને કહી દીધું છે. મોટા ભાગના દેશો કોરોના વાઇરસના ચેપમાં આવી ગયા છે. ૧૯૫ દેશો અને ડાયમંડ પ્રિન્સેસ નામનું એક ક્રુઝ શિપ કોરોનાગ્રસ્ત બન્યા છે. આ આકરો સમય છે. વિશ્વયુદ્ધ કરતા પણ આકરો. જે લોકોની દલીલ હતી કે કોરોનામાં મૃત્યુદર બીજા રોગચાળા કરતા ઓછો છે તેમને હવે સમજાવા માંડ્યું છે કે કોરોનાનો ફેલાવાનો દર અન્ય રોગચાળા કરતા ઘણો વધારે છે. એટલા માટે તે વધારે ખતરનાક છે.
લોકો માટે આવશ્યક છે કે તેઓ ગંભીરતાને સમજે અને કોઈ પણ પ્રકારે કોરોનાના સંવાહક ન બને અને કોઈના મૃત્યુનું કારણ ન બને. જે લોકોએ નાદાની કરીને સરકારી સૂચનાઓની અવગણના કરી છે તેમણે મોટી ભૂલ કરી છે. યુકેથી ભારત ગયેલી એક બોલીવુડ ગાયિકા કનિકા કપૂરે ઘરમાં રહેવાને બદલે પાર્ટી અટેન્ડ કરી. ત્યાં ૫૦૦ લોકો જમા થયેલા અને તેમાં કેટલાક સાંસદ પણ હતા. શક્ય છે તેણે કેટલાય લોકોને ચેપ લગાડ્યો હોય. આ સાંસદોએ અન્ય સાંસદોને ચેપ લગાવ્યો હોઈ શકે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને જ લોકોને ૨૨ માર્ચ રવિવારના દિવસે જનતા કર્ફ્યુ એટલે કે જનતા પોતાની સ્વેચ્છાએ જ ઘરમાં રહે તેવી વિનંતી કરી હતી. સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી લોકોએ ઘરમાં જ રહેવાનું હતું. સાંજે પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી તાળી કે થાળી વગાડીને ડોક્ટર, નર્સ અને અન્ય સેવાકર્મીઓનો આભાર માનવાની પણ વાત કરેલી. આ વિનંતીને લોકોએ કેવી રીતે વધાવી? ખુબ વોટ્સએપ મેસેજ ફેલાવ્યા, ફેસબુક પર પોસ્ટ મૂકી. બધા લોકોએ વડા પ્રધાનના આહવાનને ઝીલ્યું. આખો દેશ એકસંપ થઈને તેનું પાલન કરવા આગળ આવ્યો.
છતાંય કેટલીક ભૂલો કરી. એક તો એ કે ઘરમાં પણ લોકોએ એકબીજા સાથે થોડી દુરી બનાવીને રહેવાનું હતું. તેના બદલે ભેગા મળીને પાર્ટી કરી. ઠીક છે, સાથે હોવાનો ઉત્સવ માનવી શકાય. પરંતુ આવી રીતે વધારે લોકોનો મેળાવડો અટકાવવાનો તો મુખ્ય ઉદેશ્ય હતો. તેના પર તો પાણી ન ફેરવાયને? બીજી ભૂલ એ કરી કે કેટલાક લોકો આ સમયે પણ ચક્કર મારવા બહાર નીકળવા લાગ્યા અને પરિણામે પોલીસે સક્રિય બનવું પડ્યું. ત્રીજી ભૂલ એ કરી કે પાંચ મિનિટ તાળી કે થાળી વગાડવાને બદલે લોકોએ તો અડધો અડધો કલાક જોર જોરથી થાળીઓ વાસણો વગાડીને ધ્વનિ પ્રદુષણ સર્જી દીધું. ચોથી અને સૌથી ભયંકર ભૂલ એ હતી કે રાત્રે ૯ વાગ્યા પછી લોકો એવા તો બહાર નીકળ્યા કે જાણે સરઘસ કે રેલી કાઢી હોય. તદ્દન ખોટું પગલું હતું આ.
ખુશીની વાત એ છે કે ભારતમાં સરકાર ખુબ સક્રિય બનીને સાવચેતીના સારા પગલાં લઇ રહી છે. લોકોને ક્વોરન્ટાઇન કરાવી રહી છે. શાળા, કોલેજો અને અન્ય મેળાવડા પર પ્રતિબંધ લગાવી રહી છે, પરંતુ જનતા હજુ સિરિયસ થઇ નથી. તેમને લાગે છે કે કોરોના ભારતમાં નહિ ટકી શકે. લોકોએ જલ્દી આ બાબતને ગંભીરતાથી લેવાની આવશ્યકતા છે. એક પણ જીવ ખોવો માનવજાતની હાર છે. વાઇરસ અને માનવ વચ્ચે ચાલતા યુદ્ધમાં વાઇરસને હરાવવો આપણા હાથમાં છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)