ગત છ મહિનામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS -સંઘ)ના નેતાઓ દ્વારા વિવિધ નિવેદનો રહસ્ટસ્ફોટ કરનારા અને ચિંતાજનક લાગ્યા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ પક્ષનું માળખું નક્કર બન્યું હોવાનું સૂચવવા સાથે ટીપ્પણી કરી હતી કે, ‘શરૂઆતમાં અમે કદાચ નાના અને ઓછી ક્ષમતા ધરાવતા હોઈશું અને આરએસએસની જરૂર રહેતી હતી. આજે અમે મજબૂત બની ગયા છીએ અને આત્મનિર્ભર પણ છીએ. ભાજપ સ્વતંત્ર રીતે કામ કરે છે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંઘ હવે ‘વૈચારિક આવરણ- ફ્રન્ટ’ તરીકે કામ કરે છે.
ચૂંટણી પછી, આરએસએસના વડા મોહન ભાગવતે ભાજપ અને શાસક સરકારના નેતાઓ દ્વારા પ્રદર્શિત અહંકાર વિશે ખુલ્લેઆમ ચિંતા દર્શાવી હતી. કેટલાક અંશે સંઘની પ્રતિક્રિયા વાજબી હોવાનું કહેવાય છે.
ફીઝિશિયન અને હિન્દુત્વવાદી કેશવ બલિરામ હેડગેવાર દ્વારા 1925માં નાગપુર ખાતે RSSની સ્થાપના કરવામાં આવી હતી. ડોક્ટરજીના હુલામણા નામે ઓળખાતા હેડગેવાર કોલકાતામાંથી મેડિકલ ડોક્ટર તરીકે ક્વોલિફાઈડ થયા હતા.
પ્રથમ વિશ્વ યુદ્ધના સમયગાળા પછી ભારતીયોમાં અસંતોષ સર્જાયેલો હતો અને જલિયાવાલા બાગ હત્યાકાંડ, દમનકારી રોલેટ એક્ટ અને તર્કિશ ખલીફા સાથે બ્રિટિશ સામ્રાજ્યના ખરાબ વ્યવહાર જેવી ઘટનાઓથી તેમાં વધારો થયો હતો. આ ઘટનાઓએ બ્રિટિશ શાસન વિરુદ્ધ વ્યાપક સામૂહિક ચળવળ માટેનો તખ્તો તૈયાર કર્યો હતો.
આ સંદર્ભમાં ખિલાફતના મુદ્દાએ વિશાળ સંસ્થાનવાદી સામ્રાજ્ય વિરુદ્ધની લડતમાં હિન્દુ અને મુસ્લિમોને એકસંપ કરવા મહાત્મા ગાંધી માટે તક પૂરી પાડી હતી. 1919માં મહાત્મા ગાંધીની અસહકાર ચળવળની સાથોસાથ અલી ભાઈઓના વડપણ હેઠળની ખિલાફત ચળવળથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામનો નવો તબક્કો શરૂ થયો હતો.
મલબાર તટપ્રદેશમાં મોપલા બળવાને દાબી દેવાના પ્રયાસોના ભાગરૂપે બ્રિટિશ સંસ્થાનવાદી સરકારે 1921માં હજારો હિન્દુઓને ઘૃણાસ્પદ રીતે મોતને ઘાટ ઉતાર્યા, ઘણા હિન્દુઓેનું બળજબરીથી ઈસ્લામમાં ધર્માન્તરણ કરાવાયું હતું. પાછળથી કોલકાતામાં પણ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે હિન્દુઓ પર આ જ પ્રકારે અત્યાચાર ગુજાર્યો હતો જેને ‘ધ ગ્રેટ કલકત્તા કિલિંગ્સ’ તરીકે ઓળખાવાય છે.
આ બધી ઘટનાઓથી ડો. હેડગેવાર ભારે વિચલિત થયા હશે તેના કારણે RSSની સ્થાપનામાં ભાગ ભજવ્યો હોવાની શક્યતા છે. આરંભે સામાજિક-સાંસ્કૃતિક સંગઠન તરીકે સ્થાપિત RSS ગત 99 વર્ષો દરમિયાન ભારત અને વિદેશમાં પણ સૌથી વધુ સુગઠિત જૂથોમાં એક તરીકે વિકસ્યું છે.
ભારતની આઝાદી પછી, શ્યામા પ્રસાદ મુખરજીએ હિન્દુઓની ચિંતાની હિમાયત કરવા હિન્દુ મહાસભાનું નેતૃત્વ સંભાળ્યું હતું. કમનસીબે, જમ્મુ અને કાશ્મીરમાં વિવાદાસ્પદ સંજોગોમાં શ્યામા પ્રસાદ મુખરજીનું અવસાન થયું હતું.
RSSસાથે સંખ્યાબંધ સંગઠનો જોડાયેલા છે જેમાંનો એક તેની રાજકીય શાખા ભારતીય જન સંઘ હતો. 1977માં મોરારજી દેસાઈના વડપણ હેઠળ જનતા પાર્ટી સરકાર સરકારમાં જન સંઘે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, જનતા પાર્ટી ગઠબંધનના વિસર્જન પછી 1980ના દાયકાના પૂર્વાર્ધમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ કક્ષાના રાજકીય સંગઠન તરીકે બહાર આવી હતી જે સંઘ સાથે ગાઢપણે સંકળાયેલી હતી.
હું એક બાબત સ્પષ્ટપણે જણાવીશ કે સંઘ અને ભાજપ, બંનેએ ભારતના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તથા દેશના રાજકીય, સામાજિક, અને સાંસ્કૃતિક ફલકના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. RSS લાંબા સમયથી સામાજિક પહેલો અને રાષ્ટ્રવાદી વિચારધારાઓ પાછળ ડ્રાઈવિંગ ફોર્સ સ્વરૂપે કાર્યરત છે જ્યારે ભાજપએ વિવિધ પ્રકારે દેશને સફળતાપૂર્વક આગળ દોર્યો છે અને આર્થિક વૃદ્ધિ, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક પ્રતિષ્ઠામાં યોગદાન આપ્યું છે.
આમ છતાં, નેતાઓ અને પ્રતિનિધિઓ દ્વારા કરાતા બેજવાબદાર નિવેદનો બંને સંગઠનોએ હાંસલ કરેલી પ્રગતિનું નીચાજોણું કરાવે છે. આના કારણે સમાજમાં અનાવશ્યક વિભાજનો સર્જાય છે, આ સંગઠનોની છબીને નુકસાન પહોંચાડે છે તેમજ તેઓ જેના માટે ખડા છે તે ઉદ્દેશને નબળો પાડે છે. બંને સંગઠનોએ સહકાર સાથે સહઅસ્તિત્વ જાળવી રાખે તેની તાતી જરૂર છે.