મા દુર્ગાની આરાધના અને સાધનાનું પર્વ છે નવરાત્રિ. આ પર્વની પૂર્ણાહુતિના અંતિમ ચરણમાં ઉજવાતું એક અન્ય પર્વ એટલે વીરતા અને વિજયનાં વધામણાંનું મહાપર્વ વિજયાદશમી. આ તહેવાર આસો સુદ દશમ (આ વર્ષે 24 ઓક્ટોબર)ના દિવસે ઊજવવામાં આવે છે, જે ‘દશેરા’ તરીકે પણ જાણીતું છે.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચાલેલી સાધના, આરાધના અને શક્તિ-ભક્તિનું સમાપન આ દિવસે થાય છે. સર્વધર્મ સમભાવથી સાથે હળીમળીને લોકો સુલેહ, સંપ અને શાંતિપૂર્વક આ ઉત્સવને મનાવે છે. નવરાત્રિપર્યંત સ્થાપિત મા જગદંબાના સ્થાન સમક્ષ માની આરાધના અંતર્ગત વિવિધ પ્રકારનાં હોમ હવનાદિ મંગલ કાર્યો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ઠેર ઠેર યોજવામાં આવે છે, જેમાં સૌ સાનંદ સહભાગી બને છે. શક્તિસ્વરૂપ જગદંબાના સાંનિધ્યમાં પવિત્ર ભૂમિ પર વાવવામાં આવેલા જવારાનું વિધિવત્ વિસર્જન કરી નદી કે અન્ય જળાશયમાં પધરાવવામાં આવે છે.
રામાયણની કથા હિંદુ ધર્મ-સંસ્કૃતિમાં સર્વવિદિત છે. તેનાં મુખ્ય ત્રણ પાત્રો રામ, લક્ષ્મણ અને સીતા આજે પણ લોકહૃદયમાં પ્રસ્થાપિત છે એવી પ્રતીતિ આ પર્વની ઉમંગભેર થતી ઉજવણી જોઇને થાય છે. રામાયણની કથા અનુસાર લંકાનો રાજા રાવણ માતા સીતાજીનું હરણ કરી ગયો. પછી તો રાવણ સાથે દસ દિવસ સુધી ભયંકર યુદ્ધ ખેલાયું. જેમાં રાવણપુત્ર મેઘનાદ, ભાઈ કુંભકર્ણ અને સમગ્ર સેનાપતિઓ સહિત રાજા રાવણ પણ અંતે દશેરાના દિવસે હણાયો. ભગવાન શ્રીરામે લંકેશ દશાનનને હણીને વિજય પ્રાપ્ત કર્યો હતો તેની ખુશાલીમાં લોકો આ તહેવાર ઊજવે છે અને રાવણના પૂતળાનું દહન પણ આ જ સંદર્ભમાં કરવામાં આવે છે.
આ તહેવારના સંદર્ભમાં કેટલીક પૌરાણિક વાતો પણ સંકળાયેલી છે. તદાનુસાર, રાક્ષસ રાજા મહિષાસુર અતિ બળવાન, જે લોકોને ત્રાસ આપતો હતો. તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેનું મોત થાય જ નહીં. તેણે શકિત - અમરતાના મદમાં ત્રણેય લોકમાં ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. બધા લોકો ભગવાન શિવજી પાસે ગયા ને બધી વાત કરી, ત્યારે શિવજીએ પોતાના ત્રીજા નેત્રની શક્તિ વડે આદ્યશક્તિ મા જગદંબાને ઉત્પન્ન કર્યાં જેમણે સતત નવ દિવસ સુધી આ અતિ બળવાન માયાવી રાક્ષસ સામે જુદી જુદી રીતે યુદ્ધ કર્યું અને અંતે દસમા દિવસે રાક્ષસ રાજા મહિષાસુરને મારીને લોકોને તેના ત્રાસમાંથી ઉગાર્યા ત્યારે લોકોએ આનંદમાં આવીને આ ઘટનાના સંદર્ભમાં ઉત્સવ મનાવ્યો અને આ વિજયને આસુરીશક્તિ પરના દૈવીશક્તિના મહાવિજય તરીકે માની મહાપર્વ ઊજવ્યું જે ‘વિજયાદશમી’ કે ‘દશેરા’ તરીકે પ્રચલિત છે.
બીજા એક અર્થ મુજબ જોઈએ તો વિજયાદશમી સદ્પ્રેરણાનું પર્વ છે. માનવીની અંદર દશ આસુરી તત્ત્વો ક્રોધ, કામ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, આળસ, દંભ અને કુદૃષ્ટિ રહેલા હોય છે તે આપણે સહુ જાણીએ છીએ. આ દશ પ્રકારનાં આસુરી તત્ત્વો પર વિજય મેળવવાની એક સદ્પ્રેરણા આ પર્વ આપણને આપે છે. વિજય હંમેશાં સત્યનો જ થાય છે. માટે જ વિજયાદશમી સત્યના વિજય અને અસત્યના અંતનું પણ પર્વ મનાય છે.
દશેરા પર્વને અતિ શુભ માનવામાં આવે છે કેમ કે આ તહેવાર અધર્મ પર ધર્મનો, અંધકાર પર પ્રકાશનો અને અહંકાર પર સારપનો વિજય છે. તે સત્ય અને ધર્મના વિજયનો ઉત્સવ છે. પહેલાંના જમાનામાં રાજાઓ પોતાના શસ્ત્રગારમાં રાખવામાં આવેલાં શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરતાં હતા. પરંપરા અનુસાર આજે પણ ક્ષત્રિયો વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજા કરે છે. કારીગર વર્ગ પોતાની રોજીરોટી માટેનાં ઓજારોની પૂજા કરી પોતાના ઇષ્ટ દેવ પાસે કુશળતાની યાચના કરે છે.
ભગવાન શ્રીરામે સીતાજીને મુક્તિ અપાવવા ખેલેલા યુદ્ધ પૂર્વે આ દિવસે શમીના વૃક્ષનું પૂજન કરેલું. પછીથી લંકાપ્રવેશ કર્યો હતો. પાંડવો બાર વર્ષનો ગુપ્તવાસ પૂર્ણ કરી એક વર્ષનો વધુ ગુપ્તવાસ સેવવા વિરાટ રાજાને ત્યાં ગયા ત્યારે તેમણે શમી વૃક્ષ પરથી સંતાડેલાં શસ્ત્રો બહાર કાઢી આ દિવસે તેની પૂજા કરી હતી. તેમનાં હથિયારોની શમી વૃક્ષે જ રક્ષા કરી હતી. આજે લોકો તેમનાં નવાંજૂનાં વાહનોને શણગારી કંકુ-અક્ષત-પુષ્પ અને પુષ્પમાળા થકી તેનું પૂજન કરી જાણે કે શક્તિ સ્વરૂપે યંત્રની પૂજા કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતભૂમિમાં અનેક રાજા, મહારાજાઓએ આ પુનિત પર્વના દિવસે વિજયમુહૂર્તમાં કૂચ કરીને હિંદુ ધર્મ-રાજ્ય-રાષ્ટ્રનું રક્ષણ કર્યું હતું.
આ મંગલમય દિવસે લોકો શુભ માંગલિક કાર્યોનો શુભારંભ કરે છે. મકાનો, દુકાનો, ઓફિસ કે વ્યાપારી સંકુલોની ઉદ્ઘાટન વિધિ-મંગલ પ્રારંભ આ દિવસે ઠેર ઠેર થતો જોવા મળે છે અને સર્વત્ર આનંદ, ઉમંગ અને ઉલ્લાસથી આ તહેવારને લોકો મનભરીને મનાવે છે.
કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ ઉત્સવ ભિન્ન ભિન્ન પદ્ધતિથી ઊજવાય છે. ઘણી જગ્યાએ તેની ઉજવણી દશ-દશ દિવસ સુધી દિવસ-રાત ચાલે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો આ દિવસો દરમિયાન ત્યાં રામલીલાનો ખેલ થાય છે તો અન્ય જગ્યાએ રાવણના પૂતળાનું દહન કરાય છે. ભારતના કેટલાક પ્રદેશોમાં દશેરાને કૃષિના ઉત્સવ તરીકે પણ માનવામાં આવે છે. આ સમયમાં નવું અન્ન પાકીને તૈયાર થઈ ગયું હોય છે. દશેરાના સમય દરમ્યાન વર્ષાઋતુ સમાપ્ત થઈ જાય છે અને ધાન્ય કોઠારોમાં રાખી શકાય તેવાં થઈ ગયાં હોવાથી ખેડૂત ઉત્સવ ઊજવે છે.