વિજય રૂપાણી સરકારના ૧૮૨૫ દિવસઃ સત્તાના ૫ વર્ષ પૂર્ણ કરનાર ચોથા મુખ્ય પ્રધાન

Wednesday 04th August 2021 04:59 EDT
 
 

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજયના એવા ચોથા મુખ્ય પ્રધાન બન્યા છે કે જેઓએ શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અગાઉ સૌથી લાંબુ ૧૨ વર્ષનું શાસન નરેન્દ્ર મોદીએ કર્યું છે. તેમના અગાઉ માધવસિંહ સોલંકી અને હિતેન્દ્ર દેસાઇએ પણ પાંચથી વધુ વર્ષ શાસનધૂરા સંભાળી છે. ગુજરાતની ગાદી પર શાસન કરનારા ૧૬ મુખ્ય પ્રધાન પૈકી ચાર મુખ્ય પ્રધાન એવાં છે કે જેમણે શાસનના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. વિજય રૂપાણીએ ૭મી ઓગસ્ટ ૨૦૧૬માં મુખ્ય પ્રધાન તરીકેના શપથ લીધા હતા. બુધવારે - સાતમી ઓગસ્ટે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે.

મોદી નેતૃત્વના ૪૬૧૦ દિવસો
ગુજરાતમાં જે મુખ્ય પ્રધાનોએ ૧૮૨૫ દિવસો કે તેથી વધુ શાસન કર્યું છે તેઓએ પાંચ વર્ષ સુધીનું શાસન કર્યું હોવાનું કહેવાય છે. રાજયમાં સૌથી વધુ ૪૬૧૦ દિવસ સુધી નરેન્દ્ર મોદીએ શાસન કર્યું છે. એ પહેલાં માધવસિંહ સોલંકીએ ૨૦૪૯ દિવસ અને હિતેન્દ્ર દેસાઇએ ૨૦૬૨ દિવસનું શાસન કર્યું છે. વિજય રૂપાણી બુધવારે શાસનના પાંચ વર્ષ એટલે કે ૧૮૨૫ દિવસનું શાસન પૂર્ણ કરશે, એ સાથે તેઓ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલનો રેકોર્ડ પણ તોડશે. કેશુભાઇએ રાજયમાં ૧૫૩૩ દિવસ સુધી શાસન કર્યું છે. રૂપાણીએ શાસનમાં ૧૨ મુખ્ય પ્રધાનને પાછળ છોડ્યાં છે.
રૂપાણીને અસ્થિર કરવાના પ્રયાસો
વિજય રૂપાણીને શાસનકાળના પાંચ વર્ષ દરમિયાન વિપક્ષે જ નહીં, પક્ષના અંદરના નેતાઓએ જ ઘેરવાનો પ્રયાસ કર્યા છે, પરંતુ તેઓ ચૂપચાપ શાસનધૂરા સંભાળી રહ્યા છે. દર છ - આઠ મહિને એટલે કે અત્યાર સુધીમાં આઠથી નવ વખત વાયરો તેમને બદલવાની વાતો લઇને ઉડ્યો છે, પરંતુ તેઓ આજેય મુખ્ય પ્રધાનપદે યથાવત્ છે. તેઓ કયારેય આવી વાતોથી વિચલિત થયા નથી. આ તેમની રાજકીય કુનેહ કહો કે પાકટતા કહો કે સૂઝબૂઝ દર્શાવે છે. રૂપાણીને બદલીને મનસુખ માંડવિયા મુખ્ય પ્રધાન બને છે તેવી અટકળો સચિવાલય સહિત રાજયભરમાં ચાલતી રહી છે, પરંતુ હાઇકમાન્ડનો રૂપાણી પરનો વિશ્વાસ વધતો જ રહ્યો છે અને તેઓ દિન-પ્રતિદિન મજબૂત થતાં રહ્યાં છે.
વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાઇ હતી, જેમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી. બેઠકો ઓછી હતી પરંતુ જો જીતા વોહી સિકંદરની જેમ શાસન તો ભાજપનું આવ્યું હતું. હવે ૨૦૨૨નો વિધાનસભા ચૂંટણીજંગ પણ તેમના જ નેતૃત્વમાં લડાશે તેવી જાહેરાત થઇ ચૂકી છે. આગામી ચૂંટણીમાં ભાજપ વિજયી બન્યો, અને ફરી એક વખત વિજય રૂપાણીએ રાજ્યની શાસનધૂરા સંભાળી તો તેઓ માધવસિંહ સોલંકીનો ૨૦૧૯ દિવસના શાસનનો અને હિતેન્દ્રભાઇ દેસાઇના ૨૦૬૨ દિવસના શાસનનો રેકોર્ડ તોડશે.
સૌથી ટૂંકું શાસન દિલીપ પરીખના નામે
ગુજરાતમાં શાસન કરનારા મુખ્ય પ્રધાનોની કુલ સંખ્યા ૧૬ થાય છે, જે પૈકી નરેન્દ્ર મોદીએ જેટલા વર્ષ શાસન કર્યું છે તેટલા વર્ષ હવે ભાગ્યે જ કોઇ મુખ્ય પ્રધાન કરી શકે તેમ છે. મોદીએ સતત ૧૨ વર્ષ શાસન કર્યું છે. તેમના પછીના ક્રમે હિતેન્દ્રભાઇ દેસાઇ અને માધવસિંહ સોલંકી આવે છે.
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાએ ૧૨૩૮ દિવસ, બળવંતરાય મહેતાએ ૭૩૩ દિવસ, ઘનશ્યામ ઓઝાએ ૪૮૮ દિવસ, ચીમનભાઇ પટેલે ૧૬૫૨ દિવસ, બાબુભાઇ પટેલે ૧૨૫૩ દિવસ, અમરસિંહ ચૌધરીએ ૧૬૧૮ દિવસ, છબીલદાસ મહેતાએ ૩૯૧ દિવસ, કેશુભાઇ પટેલે ૧૫૩૩ દિવસ શાસન કર્યું છે. એવી જ રીતે સુરેશ મહેતાએ ૩૩૪ દિવસ, શંકરસિંહ વાઘેલાએ ૩૭૦ દિવસ, દિલીપ પરીખે ૧૨૮ દિવસ અને આનંદીબહેન પટેલે ૮૦૮ દિવસ શાસન કર્યું છે. શંકરસિંહ વાઘેલાએ સ્થાપેલી રાજપા (રાષ્ટ્રીય જનતા પાર્ટી)માં સંજોગોએ જેમને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા તે દિલીપ પરીખનું શાસન સૌથી ઓછું છે.
રૂપાણી નિખાલસ અને કર્મઠ નેતા
ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજય રમણિકલાલ રૂપાણી સ્વભાવે નિખાલસ અને કર્મઠ નેતા છે. વિધાનસભામાં તેઓ પશ્ચિમ રાજકોટ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. બીજી ઓગસ્ટ ૧૯૫૬માં બર્મા દેશના રંગૂનમાં જન્મેલા વિજયભાઇ પરિવાર સાથે ૧૯૬૦માં બર્મા છોડીને ગુજરાતમાં રહેવા આવી ગયા હતા.
વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સક્રિય કાર્યકર્તા તરીકે રાજનીતિમાં ઝૂકાવ્યું હતું, ત્યારપછી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયા હતા. ૧૯૭૧થી તેઓ ભાજપના કાર્યકર્તા છે. કટોકટી દરમ્યાન ૧૯૭૬માં તેઓ ભાવનગર અને ભૂજની જેલમાં બંદી બન્યા હતા. તેઓ ૧૯૭૮થી ૧૯૮૧ સુધી સંઘના પ્રચારક રહ્યાં છે.
પહેલા કોર્પોરેટર બન્યા અને પછી મેયર
૧૯૮૭માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ૧૯૯૬થી ૧૯૯૭ સુધી રાજકોટના મેયરપદે રહ્યાં છે. ગુજરાતમાં જયારે કેશુભાઇ પટેલ મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમની સરકારમાં રૂપાણીને ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૬માં તેઓ ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમના ચેરમેન બન્યા હતા. ૨૦૦૬થી ૨૦૧૨ સુધી તેઓ રાજયસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ૧૯મી ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ઓગસ્ટ ૨૦૧૪માં વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા કર્ણાટકના રાજયપાલ બન્યા ત્યારે હાઇકમાન્ડે રૂપાણીને રાજકોટની બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. શરૂઆતમાં તેઓ વાહન વ્યવહાર, જળ પુરવઠો, શ્રમ-રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાન બન્યા હતા. ૭મી ઓગસ્ટ ૨૦૧૬ના રોજ વિજય રૂપાણીએ પ્રથમવાર ગુજરાતના મુખ્ય પ્રધાનપદે શપથ લીધા હતા.

ગુજરાતના ૧૬ મુખ્ય પ્રધાન અને તેમનો શાસનકાળ

• ડો. જીવરાજ મહેતા - ૧૨૩૮ દિવસ
• બળવંતરાય મહેતા - ૭૩૩ દિવસ
• હિતેન્દ્ર દેસાઈ – ૨૦૬૨ દિવસ
• ઘનશ્યામ ઓઝા - ૪૮૮ દિવસ
• ચીમનભાઈ પટેલ – ૧૬૫૨ દિવસ
• બાબુભાઈ પટેલ – ૧૨૫૩ દિવસ
• માધવસિંહ સોલંકી - ૨૦૪૯ દિવસ
• અમરસિંહ ચૌધરી - ૧૬૧૮ દિવસ
• છબીલદાસ મહેતા - ૩૯૧ દિવસ
• કેશુભાઈ પટેલ – ૧૫૩૩ દિવસ
• સુરેશ મહેતા - ૩૩૪ દિવસ
• શંકરસિંહ વાઘેલા - ૩૭૦ દિવસ
• દિલીપ પરીખ – ૧૨૮ દિવસ
• નરેન્દ્ર મોદી - ૪૬૧૦ દિવસ
• આનંદીબહેન પટેલ – ૮૦૮ દિવસ
• વિજય રૂપાણી - ૭ ઓગસ્ટ ૨૦૨૧થી...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter