દશેરા એટલે વિજયનું પર્વ. ન્યાય અને નૈતિકતાના આ તહેવારનું સાચું મૂલ્ય આપણે રાવણના અભિમાનનું દહન કરીને અને રામના સત્ય અને શાંતિ જેવાં પદચિહ્નો પર ચાલીને કરવું રહ્યું. આ એવું પર્વ છે જેમાં અહંકાર પર આદર્શનો વિજય, અસત્ય પર સત્યનો વિજય ખાસ મહત્ત્વ ધરાવે છે. નવરાત્રીની ધામધૂમથી ઉજવણી પછી છેલ્લા દિવસે એટલે કે દશમા દિવસે ભગવાનના વિજયના પ્રતીકરૂપે ઉત્સવ મનાવાય છે. આસો સુદ દશમ દશેરા અથવા વિજ્યાદશમી તરીકે ઓળખાય છે. નવરાત્રીના દિવસો દરમિયાન માની શક્તિ મેળવી આપણામાં રહેલા દસ આંતરિક વિકારો નાબૂદ કરી જીવનમુક્તિ મેળવવાનો ઉત્સવ એટલે વિજ્યાદશમી.
ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને વિજય મેળવ્યો તેને આપણે ત્યાં દશેરા તરીકે ઉજવાય છે. ભગવાન શ્રીરામે રાવણ તથા અસુર કુળનો સંહાર કરી લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. લંકાધિપતિ રાવણની વૃત્તિ આસુરી હતી. રાવણ ભલે વિદ્વાન, બાહોશ બ્રાહ્મણ હતો, પણ રાક્ષસી વૃત્તિને તે છોડી શકતો ન હતો. આખરે રામ દ્વારા તેનો કરુણ અંજામ આવ્યો. વિજ્યાદશમીનો દિવસ એ રાવણની દમનનીતિની સમાપ્તિનો દિવસ છે. અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું રહ્યું તેમ કહીને આપણે અભિમાની લોકોને સારા રસ્તે વાળવાના પ્રયતનો પણ કરીએ છીએ. રાવણના અહંકારનું પતન તે જગતના ઉદ્ધારનો દિવસ હતો તેમ પણ કહી શકાય. આપણે ત્યાં કહેવત છે કે ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’. રાવણની દુર્બુદ્ધિને કારણે જ તેનો વિનાશ થયો હતો. અન્યાય સામે, અનિષ્ઠનો સંહાર જગતના કલ્યાણ માટે જ થયો હતો. વિજ્યાદશમીના દિવસે રાવણ અને કુંભકર્ણનાં પૂતળાંઓનું દહન કરાય છે તે પ્રતીકાત્મક છે. ભગવાન રામનો વિજય એ રાવણની હાર હતી. વિભીષણ રાવણની આ વૃત્તિમાં નારાજ હતો અને તેણે રામના શરણે જવા રાવણને સમજાવ્યો પણ હતો. પણ લંકાપતિ રાવણ જેનું નામ એ રામનું શરણ લે શેનો! રાવણે સિતાનું હરણ કર્યું તે જ તેનો મોટો અપરાધ હતો.
રાવણને દશાનન કહ્યો, તે વાત માત્ર કાલ્પનિક છે. રાવણમાં દશ માથા જેટલી બુદ્ધિ હતી. મંદોદરી કે જે મયપુત્રી હતી તે રાવણ ઉપર મોહિત થઈ હતી. રાવણના વ્યક્તિત્વ સમક્ષ તે કાળની મહાન જાતિઓ અને વિભૂતિઓ નતમસ્તક થઈને નમતી હતી. પ્રભુભક્તિના અનેક પ્રકારો છે. જુદા જુદા ભક્તો જુદી જુદી રીતે પ્રભુભક્તિ કરીને તરી ગયા છે. રાવણે રામની સાથે શત્રુતા કરી હતી. છેવટે તે શ્રી રામને શરણે જઈને રામને હાથે જ મરાઈને મોક્ષ પામ્યો હતો. પ્રભુ રામ જગતના ઉદ્ધારક હતા. રાવણ સામે ભગવાન રામનો વિજય આવશ્યક અને અનિવાર્ય હતો. પ્રભુ રામે રાવણના ભાઈ વિભીષણનો રાજ્યાભિષેક કરીને તેને લંકાનગરી સુપરત કરી હતી. શ્રીરામની ઉદારતા ભારતીય સંસ્કૃતિ-સભ્યતાનો માનવતાવાદી આદર્શ ધર્મ દર્શાવે છે.
લંકેશ રાવણ તપસ્વી, શક્તિશાળી, બુદ્ધિમાન અને પરાક્રમી હતો. પરંતુ તે અતિશય લોભી, અભિમાની હતો. તેણે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો હતો. બ્રાહ્મણ કુળમાં જન્મ અને તપસ્વી ઋષિનો પુત્ર હોવા છતાં તે દાનવરાજ બન્યો, કારણ કે તેની બુદ્ધિ દસ વિકારોમાં ફસાયેલી હતી. એટલે જ સમસ્ત બ્રહ્માંડમાં બ્રહ્મા અને દેવી સરસ્વતી પછી ચારેય વેદ મુખપાઠ ભણનારો રાવણ દશ માથાંવાળા દુરાચારી તરીકે પ્રસિદ્ધ થયો. વાસ્તવમાં કોઈ વ્યક્તિ દસ માથાંવાળી સંભવી શકે નહીં, પરંતુ અહીં આ દસ માથાનો સંદર્ભ રાવણમાં રહેલા દસ વિકારો છે એમ સમજવું. આ દસ વિકારો ક્યા? (1) કામ, (2) ક્રોધ, (3) લોભ, (4) મોહ, (5) અહંકાર, (6) ઈર્ષા, (7) રાગદ્વેષ, (8) આળસ, (9) દુરાચાર અને (10) વ્યભિચાર.
આ વિકારો તો આપણામાં પણ વત્તેઓછે અંશે હોય છે. આ એ જ દસ વિકારો છે જે માણસને જન્મ-જન્માંતર દુઃખી કરે છે. શાંતિથી જીવવા દેતા નથી ને મર્યા પછી નિરાંતે ઠરવા નથી દેતા. આ વિકારોનું સામુહિક નામ એટલે જ રાવણ. આથી જ તો દર વર્ષે આપણે દશેરાના દિવસે રાવણના નિમિત્તે આ વિકારોનું દહન કરીએ છીએ. આ દશેરાએ આપણે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જીવનમુક્તિ મેળવેલા માટે પરમ પિતા પરમાત્માના સાંનિધ્યમાં આપણા જીવનમાંથી વિકારો અને આંતરિક મલિનતાને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લઈએ.
તહેવારનો મર્મ વર્તમાન સંદર્ભે
• વિજ્યાદશમી એ નવ દિવસના શક્તિપર્વની ઉજવણીનું અંતિમ ચરણ છે. શક્તિની ઉપાસના કર્યા પછી કશું પણ પરાક્રમ દાખવવું આવશ્યક ગણાય. આથી વિજ્યાદશમીનો તહેવાર સીમોલ્લંઘન વડે ઉજવાય છે. આધુનિક સમયમાં ભૌગોલિક સીમા ઓળંગવી તો અશક્ય છે પરંતુ વ્યક્તિગત ક્ષમતામાં નવી આવડત અને નવા કૌશલ્યનો ઉમેરો કરીને આધુનિક અર્થમાં સીમોલ્લંઘન ઊજવી શકાય.
• ભારતીય વ્યવસ્થા મુજબ નવરાત્રીના દિવસોમાં ખેતપેદાશોની લણણી થઇ ચૂકી હોય ત્યારે નવી ઊપજનાં ધાનની નૈવેદ્ય તરીકે ચકાસણી પણ કરવાની પરંપરા છે.
• વિજ્યાદશમી એ વિજય સાથે વણાયેલો તહેવાર હોઈ આ પર્વે રથ અને શસ્ત્રાસ્ત્રોની પૂજા કરવાની પરંપરા પણ પ્રચલિત છે. આધુનિક સમયમાં રથની અવેજીમાં વાહનો અને શસ્ત્રોની અવેજીમાં વ્યવસાયનાં સાધનોનું પૂજન કરીને આ પરંપરાનું પાલન થાય છે.
નવમું નોરતું
- શશિકાંત દવે, ટૂટીંગ, લંડન
માડી વસમી આજ વિદાય નવમું નોરતું છે
માડી વસમી લાગે જુદાઈ નવમું નોરતું છે
માડી વસમી આજ વિદાય નવમું નોરતું છે
માડી ઘણો કર્યો કિલ્લોલ નવમું નોરતું છે
માડી પધારો ગબ્બર ગોખ નવમું નોરતું છે
માડી વસમી આજ વિદાય નવમું નોરતું છે
માડી લળી લળી લાગું પાય નવમું નોરતું છે
માડી મળશું આવતી સાલ નવમું નોરતું છે
માડી વસમી આજ વિદાય નવમું નોરતું છે
માડી ‘શશિ’ કરે એક આશ નવમું નોરતું છે
માડી સમરે કરજો સહાય નવમું નોરતું છે
માડી વસમી આજ વિદાય નવમું નોરતું છે
•••