વિરાસત, ધરોહર અને પ્રગતિની યાત્રા

મારી નજરે

- સી.બી. પટેેલ Thursday 02nd January 2025 01:13 EST
 
 

જ્યારે નવા વર્ષનો આરંભ થાય તેવા સમયે સમગ્ર સમાજમાં થોડા થંભી જઈને ભૂતકાળ પર ચિંતન કરવાની અને નવા વર્ષમાં ભવિષ્ય માટે આયોજનો કરવાની સાર્વત્રિક પરંપરા ચાલતી આવે છે. આ રિવાજ કાંઈ નવો નથી. આપણા પૂર્વજો પોતાના જીવનને સુધારવા, વધુ સારી માનસિકતા કેવળવા અને વ્યાપક કલ્યાણની ઈચ્છા સાથે ગુફાઓ અને જંગલોથી બહાર આવ્યા, ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. તેઓ જીવનને વધુ બહેતર બનાવવાના માર્ગો શોધવા સતત પોતાના વિકાસનું મૂલ્યાંકન કરતા રહ્યા હતા.
આ ચિંતન અને દૂરદર્શિતાની ભાવના સાથે હું આપણા તમામ વાચક બિરાદરોને આ વર્ષના શરૂઆતના દિવસોનો લાભ લેવા અને ખાસ કરીને તમારા સહુના રોજબરોજના વાંચનમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસનો ઉમેરો કરવા અનુરોધ કરું છું. ભૂતકાળ તરફ દૃષ્ટિ કરવા થોડો સમય ફાળવજો અને તમે અને તમારા પૂર્વજોએ કેટલી પ્રગતિ સાધી છે તેની કદર કરજો તેમજ આપણે જેને ભવિષ્ય કહીએ છીએ તેના તરફની યાત્રામાં તમારા પરિવારો માટે ઉજ્જવળ ભાવિ અને તમારા પોતાના સુવર્ણસમા વર્ષોને કંડારવામાં લાગેલા સામૂહિક પ્રયાસોને પણ બિરદાવજો.
વિરાસતના નિર્માણનો આ ખયાલ ભારતના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના શબ્દો સાથે સુસંગત છે જે તેમણે સુપ્રસિદ્ધ ફિલ્મનિર્માતા રાજ કપૂરને તેમની 100મી જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ અર્પતા ઉચ્ચાર્યા હતા. તેમણે ફિલ્મ શ્રી 420ના ગીતના અમર શબ્દો ‘હમ ના રહેંગે, તુમ ના રહોગે, ફિર ભી રહેગીં નિશાનિયાં’ને યાદ કરીને રાજ કપૂરને સ્વપ્નદૃષ્ટા ફિલ્મનિર્માતા અને સાંસ્કૃતિક રાજદૂત તરીકે ઓળખાવ્યા હતા. વરસતા વરસાદમાં સમુદ્રકિનારે છત્રી હેઠળ રાજ કપૂર અને નરગીસ ઊભાં રહ્યાં છે તે હૃદયસ્પર્શી દૃશ્ય ભવિષ્ય વિશેની મહેચ્છાઓ અને વારસો છોડી જવા વિશે અનંત સંદેશાનું પ્રતીક બની રહેલ છે.
આ જ ભાવના સાથે અમે અર્થસભર બની રહે તે પ્રકારની ‘સોનેરી સ્મરણયાત્રા -- Along the Memory Lane’ સંદર્ભે કામ કરી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ એક ટીમ તરીકે માત્ર અમારા વિશે જ નથી, આ તમારા બધા- અમારા મૂલ્યવાન વાચકો, સમર્થકો અને શુભેચ્છકો સાથે સહિયારી યાત્રા સંબંધે છે. અમારી ઓળખસમાન સીમાચિહ્નો અને સંસ્મરણો વિશે ચિંતન-મનન, જાળવણી અને ઊજવણી માટેનો સામૂહિક પ્રયાસ છે.
ભારતે તેની યાત્રામાં સાચી રીતે મહત્ત્વપૂર્ણ વળાંક લીધો છે. આઝાદીના ગત 75 વર્ષો નોંધપાત્ર પરિવર્તનના સાક્ષી બની રહ્યાં છે. આ માત્ર ભૌતિક માળખા-ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત નથી, પરંતુ આપણી સામૂહિક માનસિકતા અને મહત્ત્વાકાંક્ષાઓમાં પણ પરિવર્તનો આવ્યાં છે. ભારતનો વૈશ્વિક દરજ્જો વધુ પ્રભાવશાળી બન્યો છે અને સૌથી ઘેરો બદલાવ આપણી યુવાન પેઢીમાં નજરે પડે છે. તેમની સોય હવે સંસ્થાનવાદી ભૂતકાળ પર ચોંટીને રહી નથી. આના બદલે આજના ભારત, ગતિશીલ, પોતાની જ ભવિતવ્યતાને ઘડતા વિકસિત રાષ્ટ્ર પર જ તેમનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે. તેમનો આત્મવિશ્વાસનો ઘંટારવ આપણા દેશની અંદર જ નહિ, વિશ્વભરના ભારતીય ડાયસ્પોરામાં ગુંજી રહ્યો છે. ભારતીયોએ વિશ્વના લગભગ દરેક ખૂણામાં પોતાની અમીટ છાપ છોડી છે અને દરેક દેશમાં નાના મોટાં જોશીલા સમુદાયોની રચના કરી છે. નિશ્ચિતપણે આ બાબત ભારતની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવાની સ્થિતિસ્થાપકતા અને તેના લોકોની અસીમિત ક્ષમતાને પ્રદર્શિત કરે છે. હું મક્કમપણે માનું છું કે આપણા દરેક પાસે વધુ હાંસલ કરવાની અને બહેતર યોગદાન આપવાની ક્ષમતા છે, માત્ર વ્યક્તિગત સ્વરૂપે જ નહિ પરંતુ, એક સમુદાય અથવા ડાયસ્પોરા તરીકે પણ સામૂહિક ક્ષમતા છે. આપણે સાથે મળીને, આપણી અંગત યાત્રાઓ અને આપણા પારિવારિક વારસાઓ વિશે ચિંતન કરી શકીએ અને તેમાંથી શક્તિ અને શાણપણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીમાં ઘણા લોકો સમૃદ્ધ થયા છે, કેટલાક નોંધપાત્રપણે સમૃદ્ધ છે પરંતુ, એ વાત પણ સાચી છે કે આશરે 15 – 20 ટકા ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે. આનું કારણ છૂપા સંઘર્ષો હોય અથવા દેખીતા સંજોગો પણ હોઈ શકે, આ લોકો ઓછી આવકના ગ્રૂપમાં આવે છે જ્યાં નાણાકીય મર્યાદાઓ અને સમગ્રતયા કલ્યાણ ગાઢપણે સંકળાયેલા રહે છે. આમ છતાં, જેઓ સફળતાના શિખરે છે, જેમાંના ઘણાને જાણવાનું સૌભાગ્ય મને સાંપડ્યું છે તેઓ સંગીન રીતે જાહેર કલ્યાણની ભાવના ધરાવે છે. તેઓ માત્ર પોતાના સંબંધિત ક્ષેત્રોમાં જ શ્રેષ્ઠતા ધરાવતા નથી પરંતુ, ઉદારપણે પોતાના અનુભવો બધા સાથે વહેંચે છે અને તેમના સખાવતી પ્રયાસો થકી સમાજને નોંધપાત્ર યોગદાન આપે છે. અન્યોના જીવનને સુધારવા તેઓ જે વિપુલ સ્રોતો સમર્પિત કરે છે તે ખરેખર પ્રેરણાદાયી છે.
મારા જીવનના સાડા છ વર્ષ ગાળ્યા છે તેવા ટાન્ઝાનિયા અને 58થી વધુ વર્ષથી રહું છું તેવાં અહીં ઈંગ્લેન્ડમાં પણ કાળજી અને સહિયારાપણાની લાક્ષણિકતાનો સાક્ષી રહ્યો છું ત્યારે હું વિશ્વાસ-શ્રધ્ધા સાથે કહી શકું છું કે ઉદારતાની આ ભાવના ભારતીય ડાયસ્પોરાની વ્યાખ્યા કરે છે. વિશ્વભરમાં ભારતીયોએ શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને પ્રોફેશનોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની સાથોસાથ પરોપકાર, કળા, સંસ્કૃતિ તેમજ ભારતના વૈશ્વિક પ્રભાવને અનેકગણો વધારતા અન્ય સોફ્ટ પાવર્સમાં પણ મહારત દર્શાવી છે. જો હું એમ કહું કે આપણે કોમ્યુનિટી તરીકે સફળતા હાંસલ કરી રહ્યા છીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. આ તો મહાયાત્રા, વધુ મહાન સિદ્ધિઓ તરફની કૂચનો આરંભ જ છે.
તો, મારા આદરણીય વડીલો અને પ્રિય વાચકો, મને નમ્રપણે પૂછવા દોઃ તમે જ્યારે તમારી જીવનયાત્રા વિશે મનન કરી રહ્યા હો ત્યારે તેની કથામાં તમે બધાને સહભાગી બનાવવા ઈચ્છો તેવું કોઈ પ્રકરણ છે ખરું? તમારા અનુભવોને ભારતની બહાર સૌથી વધુ લવાજમી ગ્રાહકો ધરાવતા સૌથી મોટા ડાયાસ્પોરિક પબ્લિકેશન ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પાનાઓ મારફત અન્યોને પ્રેરણા આપવા વહેતા કરો. આપણે સાથે મળીને આપણા સહભાગી વારસા અને સિદ્ધિઓને ઉજવવાની સાથોસાથ અન્યોન્યને ઊંચે ઉઠાવવાનું નિરંતર ચાલુ રાખીએ.
હું કહું છું તેનો વિશ્વાસ કરજો, અમારી પહોંચ અમારી હાર્ડ કોપીઝથી ઘણી આગળ વિસ્તરેલી છે. ઈન્ટરનેટની સુવિધા સાથેના કોઈને પણ સુલભ્ય અમારી ઓનલાઈન એડિશનની મદદથી અમારું કન્ટેન્ટ વિશ્વભરના વાચકો સુધી પહોંચે તેની અમે ચોકસાઈ રાખીએ છીએ. આ ઉપરાંત, આપણો સોનેરી સંગત પ્રોગ્રામ ઉત્કૃષ્ટતાનો માપદંડ બની ગયો છે જે દર ગુરુવારે 3PM યુકેના સમય મુજબ પ્રસારિત કરાય છે અને યુટ્યૂબ પર પણ પ્રાપ્ય
છે. આ પ્લેટફોર્મ્સ અમને કોઈની પણ સાથે અને કોઈ પણ સ્થળે ઈચ્છુકો સમક્ષ સમાચારો અને મંતવ્યો પહોંચાડવાની સુવિધા આપે છે.
કહેવત સમજાવે છે તેમ જ્ઞાન એ શક્તિ છે અને અમારી સફળતા અનેકના સામૂહિક પ્રયાસોનો પુરાવો છે. હું અમારી આ સિદ્ધિ માટે અમારા વફાદાર વાચકો, લવાજમી ગ્રાહકો, એડવર્ટાઈઝર્સ, સ્પોન્સર્સ, પેટ્રન્સ તેમજ ટીમ ABPLના સભ્યોનો ઋણી છું. મને એ સ્વીકાર કરતા ગર્વ થાય છે કે અમારી વર્તમાન પ્રતિષ્ઠાને હાંસલ કરવામાં સંખ્યાબંધ વ્યક્તિઓ, પરિવારો અને બિઝનેસીસે અસામાન્ય યોગદાન સાથે મદદ કરી છે. આની સાથે જ મારે ભારે હૃદય સાથે નોંધવું પડે છે કે એક સમયે સફળ રહેલા કેટલાક વ્યક્તિઓ અને પરિવારોએ વર્ષો દરમિયાન, પીછેહઠ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે. તેમની કહાણીઓ આપણને જીવનની અપ્રત્યાશિત પ્રકૃતિ અને વિપરીત સંજોગોમાંથી પાર ઉતરવા આવશ્યક સ્થિતિસ્થાપકતાની યાદ અપાવે છે. વ્યક્તિઓનો નામોલ્લેખ નહિ કરીએ પરંતુ, એ વાસ્તવિકતા દુઃખદ છે કે કેટલાક પરિવારોએ કેટલાંક ગંભીર ખોટા નિર્ણયો, જુગાર, માદક દ્રવ્યોનો ઉપયોગ અથવા ગુનાઈત પ્રવૃત્તિ જેવાં કારણોસર કરુણાંતિકાઓનો સામનો કરવો પડ્યો છે.
સારા નસીબે આવા કેસીસ ઘણાં ઓછાં છે પરંતુ, તેમનું અસ્તિત્વ તો છે જ. અમારો સંસ્મરણોનો પ્રોજેક્ટ આવી કમનસીબ ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત નહિ કરે આમ છતાં, આપણી કોમ્યુનિટીના અનુભવોના વ્યાપક નકશીદાર પોતના ભાગરૂપે તેમની હાજરીને અમે સ્વીકારીએ છીએ. અમારા લેખકો અને પત્રકારોની ટીમે સભાનતાપૂર્વક આ ઈનિશિયેટિવને રચનાત્મક અને વિધેયાત્મક રાખવાનું પસંદ કર્યું છે. આ સંસ્મરણો સિદ્ધિઓની ઊજવણી, (સ્મૃતિગ્રંથ)માં ભૂતકાળમાંથી પ્રેરણા મેળવવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ કંડારવાના સંદર્ભે છે.
વર્ષ 2025ની 5 મેના દિવસે આપણા મુખ્ય સાપ્તાહિકોમાં એક ગુજરાત સમાચાર સમર્પિત સેવાના 53 વર્ષ ગૌરવ સાથે પૂરાં કરશે. આ દીર્ઘ અને અર્થપૂર્ણ યાત્રા અસંખ્ય વ્યક્તિઓ, પરિવારો અને બિઝનેસીસના અવિરત સપોર્ટ થકી શક્ય બની છે. આ સીમાચિહ્ન માત્ર ઊજવણીની પળ નથી પરંતુ, ચિંતન-મનનની પણ તક છે, અમે આપણી કોમ્યુનિટી, વાચકો અને સમાજ માટે ભાવિ યાત્રા ખેડીશું ત્યારે ભૂતકાળમાંથી શીખવાની પળ છે. આપણે સાથે મળીને વારસાનું નિર્માણ કર્યું છે તેને સન્માનવા અને આગળના યાત્રાપથના પાયાઓને મજબૂત બનાવવાની આ સોનેરી તક છે. હું આપ સહુ (અમારા મૂલ્યવાન લવાજમી ગ્રાહકો)ને તમારા અંગત નિરીક્ષણો, તમારા પોતાના પરિવાર વિશે કે અન્ય કોઈ વિશે હોય, 700થી 800 શબ્દોના લખાણને 2025ના જાન્યુઆરીના અંત સુધીમાં મોકલી આપવા નિમંત્રિત કરું છું. આ લખાણોની કાળજીપૂર્વક સમીક્ષા કરવા તેમજ અમારા આગામી સોવેનીરમાં સમાવવા 10 પ્રોફાઈલ્સ પસંદ કરવાની પેનલમાં ત્રણ પ્રતિષ્ઠિત મહાનુભાવની નિયુક્તિ કરી જ દેવાઈ છે.
આ ઉપરાંત, ઈસ્ટ આફ્રિકા અને યુકેમાં આપણી કોમ્યુનિટીને તેની ઓળખ આપનારા કેટલાક નોંધપાત્ર પરિવારો સંબંધિત વિસ્તૃત અભ્યાસ અને વિવરણો પર કામ કરી રહ્યા છીએ. આ એવા પરિવારો છે જેમણે ભારતની બહાર સમૃદ્ધ બિઝનેસ સામ્રાજ્યો સ્થાપવા માટે તદ્દન તળિયેથી શરૂઆત કરી હતી. તેમના સંતાનો, ગ્રાન્ડચિલ્ડ્રન અને તેમની ચોથી પેઢીએ પણ તેમના વારસાને યુકે, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમિરાત જેવા દેશો અને મધ્ય પૂર્વમાં આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું છે.
હું અમારા તમામ વાચકો, લવાજમી ગ્રાહકો, એડવર્ટાઈઝર્સ તેમજ આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને અન્ય સંસ્થાઓના વડીલો અને સર્વિસ પ્રોવાઈડર્સ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. તમે બધાએ સાથે મળીને વિશ્વભરમાં ભારતીયોનું નામ ઊંચે લઈ જવામાં, તેને ભવ્યતા બક્ષવામાં અને આદરપાત્ર બનાવવામાં મદદ કરી છે.
હું તમને અને તમારા સ્નેહીજનોને નૂતન વર્ષનાં વધામણાં પાઠવું છું.
આપણે બધા જેને ગૌરવપૂર્વક ઘર તરીકે ગણાવીએ છીએ તેવા આ ક્રિશ્ચિયન દેશમાં આપણે જે પ્રકારે સ્વતંત્રતા, તક અને સમાવેશીતાની લાગણીઓને માણીએ, અનુભવીએ છીએ તેને બિરદાવવાની તક પણ ઝડપી લઈએ. આ તહેવારોની મૌસમની ઉષ્મા આપણને આપણી પોતાની પરંપરાઓને ઉજવવાની યાદ અપાવવાની સાથોસાથ બહુસાંસ્કૃતિક સમાજ તરીકે આપણને સાંકળી રાખતા એકતા, દયા અને આદરના સહિયારાં મૂલ્યોની પણ યાદ અપાવે છે.
આ નવું વર્ષ આપણા સહુ માટે ખુશી, સમૃદ્ધિ અને સારું આરોગ્ય લાવે અને અને આપણે સહુ સાથે મળીને આપણી કોમ્યુનિટીનું બંધન મજબૂત બનાવવા, આપણી સહિયારી વિરાસતને સન્માનવા તેમજ ઉત્કૃષ્ટતા અને માનવતાની મશાલને આગળ લઈ જવા ભાવિ પેઢીને પ્રેરણા આપવાનું કાર્ય કરતા રહીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter