વિરાસતઃ ગુજરાતનું પ્રથમ ગ્રામીણ લોકકલા સંગ્રહાલય

- પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ Wednesday 02nd April 2025 07:17 EDT
 
 

ધંધુકા તાલુકાના આકરુ ગામે ગુજરાતનું પહેલું ગ્રામીણ લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ સ્થપાયું છે, જેના સ્થાપક છે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ. લોકકળાથી લઇને લોકકલાકારોના જતન-સંવર્ધન માટે પોતાનું આયખું ખપાવી દેનાર જોરાવરસિંહજીના પ્રદાનથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. ‘ગુજરાત સમાચાર’ના માનવંતા લેખક અને સંગીત નાટક અકાદમી-નવી દિલ્હીના વાઇસ ચેરમેન જોરાવરસિંહ જાદવે આ લેખમાં તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે ખુલ્લા મૂકાયેલા આ અનોખા સંગ્રહાલયનું વિચારબીજ કઇ રીતે રોપાયુંથી લઇને આ વિચાર મૂર્તિમંત કઇ રીતે થયો તેની વાત માંડી છે.

•••

અમદાવાદ-ભાવનગર રોડ ઉપર આવેલા ધંધુકા તાલુકાના નાનકડા આકરુ ગામના ખેડૂત પિતા દાનુભાઈ જાદવ અને માતા પામબાના ખોરડે 10 જાન્યુઆરી 1940ના મારો જન્મ. ચાર ધોરણના શિક્ષણ બાદ પહેલાં ધોળકા ને પછી ગાંધીજી સંસ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ અને સેંટ ઝેવિયર્સ કોલેજમાં ગ્રેજ્યુએટ થયો. ગુજરાતની નાલંદા ગણાતી સંસ્થા ભો.જે. વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે એમ.એ. કર્યું. અભ્યાસકાળ દરમિયાન વિદ્યાભવન પરિસરમાં પ્રાચીન શિલ્પો જોયાં. શિલ્પોના દેવીદેવતા, એમનાં આયૂધો, પાળિયા, તેના પ્રતીકો અને આકાર-પ્રકારોમાં રસ પડ્યો. બસ ત્યારથી મારી સંશોધન પ્રવૃત્તિની શરૂ થઈ. એ વેળા મારા એક મિત્રના ગામના તળાવમાં ફેંકી દેવાયેલી કેટલીક ખંડિત મૂર્તિ મળી આવી તે હું લઈ આવ્યો. 1961-62માં શાહીબાગ વિસ્તારમાં મિલમાલિકોના બંગલા જોયાં. એની ડેલીઓ, કલાત્મક બારીબારણાં જોયા પછી એવું પરંપરિત ઘર બનાવવાનું દીવાસ્વપ્ન જોયું. સંનિષ્ઠ સંકલ્પ હોય તો કુદરત પણ મદદ કરે છે. મારા પિતાશ્રીએ અમારા આકરુ ગામના માટીના જૂના ઘરને તોડીને પાકું મકાન બનાવ્યું. એના કલાત્મક કોતરણીવાળા પ્રાચીન બારીબારણાં લાવીને મારા અમદાવાદના ઘરમાં લગાડી ઘરને ટ્રેડિશનલ લૂક આપ્યો. દેવગઢબારિયાના પિઠોરા ચીતરનારા કલાકારોને બોલાવી ભીંતચિત્રો દોરાવ્યા. આમ મારું નિવાસસ્થાન નાનકડા મ્યુઝિયમ જેવું બની ગયું. એ વખતે અવારનવાર કેલિકો મ્યુઝિયમ, લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ, શ્રેયસ મ્યુઝિયમની મુલાકાતો લેવાનો અવસર સાંપડ્યો.
1979માં અમે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન ટ્રસ્ટ સ્થાપી લોકકલાકારોના કાર્યક્રમો શરૂ કર્યાં. દેશ-વિદેશમાં એને પ્રસિદ્ધિ મળી પરિણામે જ્યાં જ્યાં સન્માનો થાય ત્યાં સ્મૃતિચિહ્નો- સન્માનપત્રો મળવા લાગ્યા. લોકકળા ક્ષેત્રે પ્રદાન બદલ ભારત સરકારે પદ્મશ્રીથી નવાજ્યો અમારા રાજપૂત સમાજમાં ઠેરઠેર સન્માનો થવા લાગ્યા. સન્માનોમાં મને પાઘડી, સાફા અને તલવારો મળી. એ વખતે મારા ગામની પશ્ચિમે ઊંચી ટેકરીવાળા ખેતરમાંથી દટાયેલા માટીના ચીતરેલાં વાસણ, લોટા, વાટકા વગેરે મળ્યા. એ હડપ્પન સંસ્કૃતિ જેટલા પ્રાચીન છે એવો પુરાતત્વનો અહેવાલ મળ્યો. ઉનાળાની રજાઓમાં વતનમાં જવાનું થતાં ત્યાં કાંસકા, કાંસકીઓ વેચવા માટે કાંગશિયા બાઈઓ આવતી. એમના કલાત્મક કાંસકા, કાંસકીઓ અને લિંખિયા મને ગમતા એટલું ખરીદ કરી લેતો. પરિચિત બંધાણીઓ પાસેથી કલાત્મક ચલમો માંગી લેતો. લોકકલામાં રસરુચિના કારણે ચિત્રકારોના ચિત્ર પ્રદર્શનોમાં વારંવાર જવાનું થતું ને તેઓ મને તેમનું ચિત્ર ભેટમાં આપે. મારા વેવાઈ અને લોકશૈલીના લબ્ધપ્રતિષ્ઠિત ચિત્રકાર શ્રી ખોડીદાસભાઈ પરમાર તો મારા પ્રસંગોમાં જ્યારે પણ આવતા ત્યારે કાયમ લોકશૈલીનું સુંદર ચિત્ર ભેટ આપે. શ્રી સોમલાલ શાહ, શ્રી ગજેન્દ્ર શાહ, શ્રી નટુ પરીખ, શ્રી નાગજીભાઈ પ્રજાપતિ, શ્રી અશોક પટેલ, સુરેશભાઈ સોનગરા ભેટમાં ચિત્રો મોકલી આપતા. આમ અનેક કલાત્મક ચીજવસ્તુઓ મને મળતી રહી. તો ઘણી બધી ચીજવસ્તુઓ પરંપરાથી મારા ઘરમાં હતી જ.
પંદરેક વરસ પહેલાં મને અર્પણ થયેલ કાગ એવોર્ડ લેવા મારે મજાદર જવાનું થયું. ત્યાં કાગબાપુના ઓરડામાં એમનો પલંગ, બાપુનો હોકો, એમનું પદ્મશ્રીનું સન્માનપત્ર, પુસ્તકો બધું સચવાયેલું જોયું. પાંચેક વર્ષ પૂર્વે સ્વ. હેમુ ગઢવીના દીકરા બિહારીભાઈ અને એમના ભાઈઓએ ગીત-નૃત્ય, સંગીત-નાટકના કલાકારોનો મેળાવડો એમના વતન ઢાંકણિયા (તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર)માં ‘હેમતીર્થ’માં રાખેલો. ત્યાં જવાનું થયું. દીકરાઓએ જૂના ઘરને નવો ઓપ આપીને હેમુભાઈના ગીતોના રેકોર્ડિંગ સહિતની સ્મૃતિ સાચવી હતી. એ વખતે મુખ્ય મહેમાનપદેથી પ્રવચન કરતાં મેં કહેલું કે હું પણ આવું એક મ્યુઝિયમ બનાવીશ.
પદ્મશ્રી સન્માન પછી ભારત સરકારે મને નવી દિલ્હી સ્થિત સંગીત નાટક અકાદમીના વાઈસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યો ત્યારે મને થયું કે આ બધી પ્રસિદ્ધિ અને એચિવમેન્ટ્સ તો મળ્યા પણ મારો જન્મ થયો એ વતનને શું લાભ? વતન માટે કંઈક કરવું જોઈએ એ વિચારવલોણું ચાલ્યું. ને એમાંથી મ્યુઝિયમનો વિચાર આવ્યો. મને થયું કે શહેરોમાં સંગ્રહાલયો તો ઘણાં છે પણ ગામડામાં લોકકલાનું ગ્રામીણ મ્યુઝિયમ કોઈ નથી એટલે મારા જન્મનું ઋણ ચૂકવવા વતન આકરુ (તા. ધંધુકા)માં લોકકલા મ્યુઝિયમ બનાવવાનું સ્વપ્ન જોયું.
મિત્રો, શુભેચ્છકો અને પરિવારના સભ્યોને વાત કરી. સૌએ મારા વિચારને વધાવી લીધો. એ પછી પરમ સ્નેહી અને ‘વિશાલા’ તથા વિચાર મ્યુઝિયમના સ્થાપક આર્કિટેક્ટ શ્રી સુરેન્દ્રભાઈ પટેલને વાત કરી. તો એમણે આકરુમાં પ્રાચીન હવેલી ટાઈપનું ટ્રેડિશનલ બિલ્ડીંગ બનાવી આપવાની ડિઝાઈન અને એલિવેશન તૈયાર કરી આપ્યું. આ દેશી ઘાટના મકાન માટે ટ્રેડિશનલ બારી-બારણાં, ઝાળિયાં, નેજવાં, થાંભલા, કઠેડાં આવુંબધું પણ જોઈએ. શ્રી સુરેન્દ્રભાઈ મારા દીકરા નરેન્દ્રસિંહ અને મારી સાથે નારોલમાં જૂની વસ્તુઓના વેપારીઓના ગોડાઉનોમાં લગભગ એકાદ વર્ષ સુધી ફરીને કટકે કટકે નકશીકામવાળા દરવાજા, બારીબારણાં, કબાટો ઈત્યાદિ પસંદ કરતા ગયા. એ પછી બાંધકામના શ્રી ગણેશ માંડ્યાં.
લગાતાર ત્રણ વર્ષની કામગીરી પછી મ્યુઝિયમનું મકાન તૈયાર થયું ને ‘વિરાસત’ નામાભિધાન કર્યું. ‘વિરાસત’ના ઈન્ટિરિયરની કામગીરી ગુરુ ડિઝાઈન સ્ટુડિયોના સંચાલકો જવનિકા જાદવ અને નરેન્દ્રસિંહે સંભાળી લીધી. આ ભગીરથ કાર્યમાં કેનેડાસ્થિત મારા દીકરી-જમાઈ સુપ્રિયા અને ભરતસિંહ, રાજકોટસ્થિત દીકરી જમાઈ અશ્વિનભાઈ અને રાજકુમારી, ભાવનગરમાં વસતાં અમૂલ પરમાર અને રાજશ્રીદેવીએ રસ લઇને ગોઠવણીમાં ખૂબ મદદ કરી. ભાઈ અશોક સોનગરાએ ગ્લાસ પેઈન્ટિંગ તૈયાર કરી આપ્યા. દેવગઢબારિયાના ચિતારાઓએ દિવાલ પર પીઠોરાના ચિત્રો દોરી આપ્યાં. ભાવનગરના અશોક પટેલ અને મિત્રોએ ‘વિરાસત’ને ચિત્રોથી ચાર ચાંદ લગાડી દીધા.
અને આ રીતે તૈયાર થયેલા સંગ્રહાલયમાં મારું છ દસકાનું એચિવમેન્ટ મૂકાયું. તેમાં હડપ્પનકાળના અને કચ્છના કલાત્મક વાસણોના પ્રાચીન નમૂના, જાત જાતની પાઘડીઓ, વિખ્યાત ચિત્રકારોએ ભેટ આપેલાં લોકકલાના અલભ્ય ચિત્રો, મોગલકાળથી માંડીને જૂના રાજવીઓના સિક્કાઓ, મોરલી અને ડાકલાં જેવા પ્રાચીન વાદ્યો, ત્રાંબાકૂંડીઓ, ગંગાજળિયા લોટા, દીપલક્ષ્મીઓ, ઘંટડીઓ, દીવડીઓ, ધાતુના પોપટ, વિવિધ આકાર-પ્રકારના તાળાં, કલાત્મક સૂડીઓ, લોકરમકડાં, હાથીના અંકુશ, તલવાર, કટારીઓ, સિસમના કલાત્મક કાંસકા-કાંસકીઓ, લિંખિયા, મોતીભરતના ચોપાટ, લોટા, વીંઝણા, વિધવિધ ઘાટની ચલમો, દરિયાઈ અલભ્ય શંખો ઉપરાંત મારા લખેલા 115 જેટલા લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકલાના પુસ્તકોની લાયબ્રેરી સાથે ઓડિટોરિયમ પણ બનાવ્યું. જેમાં ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે જોડાયેલા ભારતભરના લોકકલાકારો કાર્યક્રમો રજૂ કરી તેવી વ્યવસ્થા છે.
આ રીતે ભારતીય કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું ગુજરાતનું પ્રથમ ગ્રામીણ મ્યુઝિયમ ‘વિરાસત’ તૈયાર થયું અને 17 નવેમ્બરના રોજ ગુજરાતના માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આકરુ ગામના પ્રજાજનોને અર્પણ કરી ગુજરાતની જનતા માટે ખૂલ્લું મૂકાયું. શૈક્ષણિક મૂલ્ય ધરાવતા આ મ્યુઝિયમને નિહાળવા માટે શાળાઓ, ગ્રામજનો અને કલાપ્રેમીઓનો અવિરત પ્રવાહ ચાલુ છે. એનું સંચાલન ગુજરાત લોકકલા ફાઉન્ડેશનને સોંપાયું છે.
આપ સહુ પણ માદરે વતનની મુલાકાતે આવતા જ હશો. ગુજરાત પ્રવાસ દરમિયાન આપને પણ ‘વિરાસત’ની મુલાકાતે પધારવા આમંત્રણ છે. અમદાવાદ-ભાવનગર રોડ ઉપર બાવળા, બગોદરા અને ધંધૂકા પછી તગડી ગામેથી માત્ર 5 કિમીના અંતરે આ મ્યુઝિયમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter