એક સપ્તાહ કરતાં પણ ઓછાં સમયમાં વિશ્વ કેટલું બદલાઈ જાય છે. સ્વાભાવિક રીતે જ હું સીરિયામાં પ્રેસિડેન્ટ બશર અલ-અસાદની સરમુખ્યારશાહીના પતનનો ઉલ્લેખ કરું છું. ઘટનાક્રમ ઉખેળાતો જાય છે તેમ વિવિધ પંડિત બિરાદરો તેમની વિશેષ ટીપ્પણીઓ કે નીરિક્ષણો સાથે મેદાનમાં આવી જાય છે. મોટા ભાગના પોતાને મધ્ય પૂર્વીય રાજકારણના નિષ્ણાતો તરીકે જાહેર કરે છે. જોકે આપણે ભૂતકાળમાં જોયું, અનુભવ્યું છે તેમ સત્ય તો મોટા ભાગે કાંઈ અલગ જ હોય છે. મીડિયા કોમેન્ટેટર્સ અને હવે તો સોશિયલ મીડિયાના મિયાં મીઠ્ઠુઓ સામૂહિક પીરસણ માટે સંખ્યાબંધ ગરમાગરમ વાનગીઓ તળવામાં લાગી જશે. આથી, હું તો સામે ચાલીને જાહેરાત કરવા માગું છું કે મારો આજનો લેખ અણિશુદ્ધ અટકળ જ છે.
મેં મારી જાતને સૌપ્રથમ પ્રશ્ન કર્યો કે અત્યારે શા માટે? મારો મતલબ છે કે 29 વર્ષ સુધી હાફીઝ અલ-અસાદ સત્તા પર હતા, તે પછી 2000માં તેના પુત્ર બશર અલ-અસાદે સત્તા સંભાળી તે સમયથી જ સીરિયામાં આવી અરાજકતા ચાલી જ રહી હતી. છેલ્લા 14 વર્ષથી સીરિયામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું અને હવે ગણતરીના દિવસોમાં જ આપણે જોયું કે ‘બળવાખોરો’એ સત્તા બથાવી લીધી છે. પશ્ચિમ દ્વારા ઉપયોગમાં લેવાતો ‘બળવાખોરો’ શબ્દ ખરેખર રસપ્રદ છે. મને વ્યાખ્યા આપવા દો કે તેઓ હકીકતમાં કોણ છે, તેઓ ઈસ્લામિસ્ટ આતંકવાદીઓ છે. પશ્ચિમ દ્વારા તેમના ત્રાસવાદ અને તેમની ક્રૂરતાનું વ્હાઈટવોશિંગ પણ રસપ્રદ છે. પશ્ચિમ પાસે તેમના બેવડા રાજકીય એજન્ડામાં બંધબેસતી થાય તેવી ટર્મિનોલોજી ઉભી કરવાનો ઈતિહાસ છે.
ચોક્કસપણે આપણી સમક્ષ અમેરિકામાં જોરદાર ભૂકંપનું દૃશ્ય પણ છે જ્યાં પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરી મહિનામાં પ્રમુખપદ સંભાળવા ફરી આવી ગયા છે. તો આ ઉખળી રહેલા ઘટનાક્રમ સાથે તેને કશો સંબંધ હશે? માત્ર સંયોગ? કે પછી કોઈ મોટો ગેમ પ્લાન હશે?
આપણે જાણીએ છીએ કે ટ્રમ્પે જાહેરાત કરી જ દીધી છે કે યુક્રેન-રશિયા યુદ્ધનો ઝડપી ઉકેલ આવી જવાની તેમની અપેક્ષા છે. વોલોદિમીર ઝેલેન્સ્કીને આ ગમે કે ના ગમે તો પણ આ થઈને રહેવાનું છે. ઝેલેન્સ્કીએ દીવાલ પરનું લખાણ વાંચી લીધું છે; રશિયા સાથેના મતભેદો મીટાવવા અને શાંતિ કાજે પ્રદેશો છોડી દેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નહિ રહે. પુતિન નવી લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) સ્થાપીને વિજય હાંસલ કરી લેશે જે પશ્ચિમ માટે ખરેખરી રેડ લાઈન બની રહેશે કે તેઓ હવે નાટો-NATO નું વિસ્તરણ નહિ કરી શકે અન્યથા પરિણામો ભોગવવાના રહેશે. લોકો કદાચ ભૂલી ગયા હશે પરંતુ, વાસ્તવમાં દાયકાઓ અગાઉ પશ્ચિમે જ મિખાઈલ ગોર્બાચેવને વચન આપ્યું હતું કે જો મોસ્કો જર્મન એકીકરણ અને ‘શીતયુદ્ધ’નો અંત લાવવા સંમત થાય તો તેઓ નાટોનું વિસ્તરણ નહિ કરે.
યાદ રાખજો કે આ સમજૂતીનો ભંગ પશ્ચિમે જ કર્યો હતો. તેઓ યુક્રેનને સમર્થન આપે છે અને રશિયા સામેનું યુદ્ધ જીતી રહ્યા છે તેવા પ્રચારથી પોતાના જ નાગરિકોની આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કરતા રહી બિલિયન્સ ડોલર્સને વેડફી નાખ્યા પછી સમજાયું છે કે ખરેખર તો તેઓ જ હારી રહ્યા છે. તેમને બહાર નીકળવાનો માર્ગ જોઈતો હતો અને રશિયાને પણ તે જોઈતું હતું કારણકે આ ગાંડપણે તેના સ્રોતો પણ ખલાસ કરી નાખ્યા છે. આપણે નિહાળી રહ્યા છીએ તે યુગો પુરાણી કૂટનીતિ છે, એક હાથે લો અને બીજા હાથે પાછું આપો.
એમ જણાય છે કે યુક્રેનના કેટલાક વિસ્તારોનું બલિદાન એ રશિયાને સીરિયામાંથી બહાર નીકળવા, પશ્ચિમ સમર્થિત ‘બળવાખોરો’ને આગેકૂચ કરવા દઈ સીરિયા પર કબજો મેળવવા કરાયેલી ચૂકવણી છે. આમ કરીને, એક જ પગલામાં તેમણે ઈરાનિયન સ્થાપિત હિતોને અસ્થિર બનાવી દીધા છે. મિડલ ઈસ્ટમાં સુન્ની તબક્કો ગતિ પકડી રહ્યો છે ત્યારે શિઆ એન્ટરપ્રાઈઝ પર નિયંત્રણ આવી જશે.
આપણે ભૂલવું ન જોઈએ કે મિડલ ઈસ્ટમાં બધા જ બળવાખોરો ઈસ્લામિસ્ટ આતંકવાદીઓ છે. મિડલ ઈસ્ટમાં બધી જ સરમુખત્યારશાહીઓ ઈસ્લામિસ્ટ છે અને શિયા હોય કે સુન્ની, તમામ ઈસ્લામિસ્ટ્સ એકબીજાનો ખાતમો બોલાવવા અને અન્ય ધર્મોના લોકોને ખતમ કરી નાખવાનો ઈરાદો ધરાવે છે. સીરિયામાં ક્રિશ્ચિયનો પર અત્યાચાર વિશે સાંભળીએ તેવા દિવસો કાંઈ દૂર નથી! સીરિયા માટે લિટમસ ટેસ્ટ ઘણો સરળ છે, જો બળવાખોરો સત્તા પર આવે તે દેશ માટે સારું હોય તો લાખો સીરિયન નિર્વાસિતો તેમના દેશમાં પરત ફરવા દોટ લગાવશે. જોકે, આમ થશે તેમ મને લાગતું નથી.
આપણે ઈઝરાયેલની જીઓ-પોલિટિકલ પોઝિશન વિચારીએ ત્યારે ચિત્ર આગળ વધે છે. શિઆ અથવા સુન્નીના પ્રયાસો ગમે તે હોય, ઈઝરાયેલનો સિક્કો રણકતો જ રહેવાનો છે. તેણે પેલેસ્ટેનિયન હમાસની ત્રાસવાદી સત્તાને વેરવિખેર કરી નાખી છે તેમજ લેબેનોનમાં ઈરાનના હેઝબોલ્લાહ એન્ટરપ્રાઈઝમાં જોરદાર ગાબડાં પાડી દીધાં છે.
યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, ઈજિપ્ત જેવા દેશો સુનિશ્ચિત કરે છે કે તેઓ યોગ્ય પક્ષે રહે. યુએઈ આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને ફાઈનાન્સનું નર્વ સેન્ટર બની રહ્યું છે, સાઉદી અરેબિયા વિશ્વના એનર્જી સપ્લાયર બની રહેવાના બદલે ઝડપથી આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સેન્ટર બનવા આગળ વધી રહ્યું છે, ઈજિપ્ત તેની હોલિડે ડેસ્ટિનેશનની ભવ્યતા જાળવી રહ્યું છે અને આ પાર્ટીમાં પાછળથી પ્રવેશેલું જોર્ડન આ બધો ખેલ બગડી ના જાય તેવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે. કતાર જેવા દેશો પાસે કલ્પના પણ ન થાય તેટલા નાણા છે. ત્રાસવાદને તેમનું સમર્થન જાણીતું છે. હવે પ્રાદેશિક રાજકારણના દબાણ હેઠળ તેઓ ક્યાં તો નાટ્યાત્મક બદલાવ લાવશે અથવા બાહ્ય બળો દ્વારા વિખેરી દેવાશે તે હવે સમયનો જ પ્રશ્ન છે.
કેટલાક લોકો સવાલ કરશે કે હવે આપણે ધારી શકીએ કે લિબિયા, ઈરાક, યેમેન, સુદાન હવે ગટરભેગાં થયેલા છે અને આગામી દાયકાઓ સુધી તેમાં જ રહેશે. તેનો ઉત્તર છે, હા.
અને આ બધી અરાજકતામાં તુર્કીનું સ્થાન ક્યાં છે? તેને ઈયુનો હિસ્સો બનવાની ઈચ્છા છે અને ખિલાફત સ્થાપીને ઈસ્લામિક દેશોના લીડર બનવાની પણ મહેચ્છા છે. અત્યારના સંજોગોમાં અસાદની સરમુખત્યારશાહીના પતનથી તેને ભારે ફાયદો થયો છે.. આમ છતાં, રેસેપ તાયિપ એર્ડોગેનને સાચી સલાહ અપાઈ હશે કે વર્તમાન કટોકટીના સમયમાં તેણે રાબેતા મુજબના લવારા કરવાથી દૂર રહેવું જોઈએ અને પોતાને અથવા તુર્કીને નવાં લક્ષ્ય બનવા દેવાં ન જોઈએ!
શું આ બધી જ અણિશુદ્ધ અટકળો છે? મને લાગે છે કે સમય જ સાચું કહશે!