વિશ્વના તમામ ક્ષેત્રોમાં નારીશક્તિનો દબદબો

શ્રીમતિ રુચિ ઘનશ્યામ Wednesday 10th March 2021 06:57 EST
 
 

આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. દરેક સમાજને વિકાસ સાધવા, આગળ વધવા નારીઊર્જાની જરુર પડે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સ્ત્રીઓ દ્વારા ભજવાતી મહત્ત્વની ભૂમિકાની કદર કરવાની તક પૂરી પાડે છે. ભારતમાં સ્ત્રીઓ યુગોથી સમાજમાં મહત્ત્વની ભૂમિકાઓ ભજવતી આવી છે. પ્રાચીન ભારતીય ડહાપણ અને તત્વજ્ઞાન ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદુષી નારીઓનાં જ્ઞાનથી સમૃદ્ધ થયાં હતાં. પ્રાચીન સંસ્કૃત ભાષાના કેટલાક ઋગવેદી શ્લોક -ઋચાઓની રચના પણ મૈત્રેયી દ્વારા કરાયેલી છે. નારી દાર્શનિકો તેમના પુરુષ સમકક્ષો સાથે ગહન ચર્ચાઓ પણ કરતી હતી અને મોટા ભાગે વિજેતા પણ બનતી હતી. મધ્યયુગીન અને અર્વાચીન ભારતીય ઈતિહાસમાં તત્વજ્ઞાનના વ્યાપક ફલક પર સ્ત્રીઓની અમૂલ્ય ઉપસ્થિતિ રહી છે.

સમયાંતરે, દહેજ, સતીપ્રથા અને વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ જેવી નકારાત્મક રીતરસમો સમાજમાં સ્ત્રીઓનાં સ્થાન બાબતે અવરોધક બની રહી હતી. સુધારાવાદી રાજા રામ મોહન રાયે સતીપ્રથા (પતિની ચિતા સાથે સ્ત્રીઓના અગ્નિસ્નાન) વિરુદ્ધ જોરદાર આંદોલન ચલાવ્યું અને તત્કાલીન ભારતના ગવર્નર જનરલે આ પ્રથાને ગેરકાયદે જાહેર કરી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ સ્ત્રીઓના શિક્ષણ અને સશક્તિકરણના ઉદ્દેશ્યને ઉત્તેજન આપ્યું હતું. પોતાના પતિ સાથે મળી પૂણેમાં ગર્લ્સ સ્કૂલ ખોલનારાં સાવિત્રીબાઈ ફૂલે નોંધપાત્ર સુધારાવાદી મહિલા હતાં.

સ્ત્રીઓની બહાદૂરી અને વહીવટી કુશાગ્રતાની નોંધ પણ ઈતિહાસે લીધી છે. ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ ૧૮૫૭માં બ્રિટિશ શાસન સામેના યુદ્ધ માટે રાષ્ટ્રીય નાયિકાનું બિરુદ ધરાવે છે. કર્ણાટકના કિટ્ટુરની રાણી કિટ્ટુર ચેન્નામ્મા અને અવધના સહશાસક બેગમ હઝરત મહાલ પણ બ્રિટિશ સામે સશસ્ત્ર યુદ્ધો લડ્યાં હતાં. ભોપાલની બેગમો પણ તેમના સમયમાં માર્શલ આર્ટ્સમાં તાલીમબદ્ધ હોવાં સાથે ગણનાપાત્ર શાસકો હતાં. રાણી અહલ્યાબાઈ હોલ્કર માત્ર બહાદૂર યોદ્ધા જ નહિ, પ્રખ્યાત વહીવટકાર પણ હતાં.

આધુનિક ભારતના ઈતિહાસમાં પણ મહિલાઓ તેમની અનોખી સિદ્ધિઓ સાથે સમાજમાં ઝળકી ઉઠી છે. ભારતને મહિલા પ્રાઈમ મિનિસ્ટર અને મહિલા રાષ્ટ્રપ્રમુખ પણ મળેલાં છે. સ્વતંત્ર ભારતમાં નહિલાઓ લગભગ દરેક ક્ષેત્રમાં ઝળકી છેઃ પાર્લામેન્ટના નીચલા ગૃહમાં સ્પીકર્સ, મિનિસ્ટર્સ, ચીફ મિનિસ્ટર્સ, ગવર્નર્સ, એમ્બેસેડર્સ, એડમિનિસ્ટ્રેટર્સ, કાયદાના પાલનકર્તા, વિજ્ઞાનીઓ અને શિત્રણશાસ્ત્રીઓ, ડોક્ટર્સ, અને એન્જિનીઅર્સ તેમજ કળાકારો. મહિલાઓ આર્મીમાં છે, વિમાન ઉડાવે છે અને લાઈબેરિયામાં મુશ્કેલ ત્રિભેટા પર વિશ્વના સૌપ્રથમ સંપૂર્ણ નારી પોલીસ યુનિટ તરીકે પણ શ્રેઠ પ્રદર્શન કર્યું છે.

ભારતીય સ્ત્રીઓએ બિઝનેસ જગતમાં આગવી અને અગ્રણી ગ્લોબલ બ્રાન્ડ્સનું સર્જન કર્યું છે. કિરણ મજૂમદાર-શોએ ભારતની અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડની સ્થાપના કરી છે અને ભારતમાં સ્વનિર્મિત સૌથી ધનવાન મહિલા ગણાય છે, શાહનાઝ હુસૈન હર્બલ બ્યૂટી કેર મૂવમેન્ટની પ્રણેતા છે અને ભારતના આયુર્વેદિક જ્ઞાનને વિશ્વ સુધી પહોંચાડનારી ગ્લોબલ બ્રાન્ડનું સર્જન કર્યું છે. મહિલાઓનું પ્રતિનિધત્વ ન હોય તેવાં કોઈ પણ ક્ષેત્રની ઓળખ કરવી મુશ્કેલ છે.

વિશ્વતખતા પર પણ ભારતીય મૂળની મહિલાઓએ કેડી કંડારી છે. યુએસ વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને એટર્ની જનરલ સુએલા બ્રેવરમાન રાજકારણમાં નેતૃત્વ કરી રહ્યાં છે. ‘નાસા’ના પર્સીવેરન્સ રોવર યાને મંગળ ગ્રહ પર ઉતરાણ કર્યું ત્યારે ડો. સ્વાતિ મોહનનો મધુર અવાજ તમામ લોકોના કર્ણપટ પર ગુંજી ઉઠ્યો હતો. અવકાશમાં જનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા કલ્પના ચાવલાએ વિજ્ઞાનમાર્ગે શોધમાં જીવન ગુમાવ્યું હતું. ૨૦૦૩માં સ્પેસ શટલ કોલંબિયા દુર્ઘટનામાં જીવન ગુમાવનારા સાત અવકાશયાત્રી સભ્યોમાં તેઓ એક હતાં.

આટલા રચનાત્મક અને અકલ્પનીય યોગદાન પછી પણ જ્યારે સ્ત્રી વિરુદ્ધ હિંસક અપરાધ આચરવામાં આવે છે ત્યારે સમગ્રતયા સમાજ માટે પીડાનું કારણ બને છે. સ્ત્રીઓને શારીરિક, નાણાકીય અને ભાવનાત્મક રીતે સશક્ત બનાવવાથી જ આવાં અપરાધો નાબૂદ કરી શકાશે.

વડા પ્રધાન મોદીએ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ (save the girl child, educate the girl child) અભિયાન આદર્યું છે. મિનિસ્ટર સ્મૃતિ ઈરાની અનુસાર નાના એન્ટ્રેપ્રીન્યોર્સને રુપિયા એક મિલિયનની લોન આપતી મુદ્રા લોન યોજના અંતર્ગત ૭૫ ટકા વહેંચણી સ્ત્રીઓના ફાળે આવી હતી. સમગ્ર વિશ્વમાં આવા અને આ પ્રકારના પ્રયાસો સમાજમાં સ્ત્રીઓના દરજ્જાને સુધારવામાં યોગદાન આપી શકે છે. વિશ્વભરમાં મહિલાનાં સશક્તિકરણને સુધારવામાં હજું ઘણું કરવાનું બાકી રહે છે. બહુપાંખિયા અભિગમની આવશ્યકતા છે. કાયદાનું પાલન કરાવનારાઓએ સ્ત્રીઓનું રક્ષણ કરવામાં વધુ કડકાઈ દર્શાવવી પડશે, કાયદાના કડક અમલપાલન અને સમયસર ન્યાય અપાય તે પણ મહત્ત્વનું છે. માનસ પરિવર્તન શાળામાંથી જ થવું જરુરી છે. સમાજના વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓની હાજરીનું પ્રમાણ વધારાય તે મદદરુપ બનશે. વિશ્વભરમાં સ્ત્રીઓ ગૌરવ અને સલામતી સાથે જીવન જીવી શકે તે માટે પુરુષ અને સ્ત્રી, સમગ્ર સમાજના પ્રયાસો આવશ્યક છે!

આંતરરાષ્ટ્રીય મહિલા દિનના અભિનંદન!

(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter