સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને દેશવાસીઓ આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ નામના આ લોખંડી પુરુષે દેશની સ્વતંત્રતાની લડતમાં તો મહત્ત્વનો ફાળો આપ્યો જ, પરંતુ તેથીય વિશેષ યોગદાન એ રહ્યું કે અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. તેમના દૃઢ મનોબળ અને હિમાલય જેવા અડગ સ્વભાવના કારણે તેઓ ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે.
સરદાર વલ્લભભાઇ પટેલનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં જ્યારે તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ તેમની સફળ વકીલાત દરમ્યાન મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે 1934 અને 1937ની ચૂંટણીમાં પક્ષને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
‘આ સમયના હીરો છે વલ્લભભાઈ’
સરદાર પટેલના શાસન દરમિયાન ભારતનું ક્ષેત્રફળ - પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હોવા છતાં - સમુદ્રગુપ્ત (ચોથી શતાબ્દી), અશોક (ઈસવી પૂર્વે 250 વર્ષ) અને અકબર (16મી શતાબ્દી)ના જમાનાના ભારતના ક્ષેત્રફળ કરતાં પણ વધુ હતું. સરદાર પટેલના મૃત્યુ પહેલાં અને પછી નેહરુને છ વખત કોંગ્રેસ અધ્યક્ષ બનાવાયા હતા, જ્યારે સરદારને 1931માં એક જ વાર કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. એ દરમિયાન મૌલાના આઝાદ અને મદનમોહન માલવિય જેવા નેતાઓ બે કે તેથી વધુ વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. સરદાર પટેલની અધિકૃત જીવનકથાના લેખક રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ ‘1928માં બારડોલીના ખેડૂત આંદોલનમાં સરદારની ભૂમિકા બાદ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ મોતીલાલ નેહરુએ મહાત્મા ગાંધીને એક પત્રમાં લખ્યું હતું કે આ સમયના હીરો વલ્લભભાઈ છે તેમાં કોઈ શંકા નથી. આપણે તેમના માટે એક કામ કરી શકીએ કે તેમને કોંગ્રેસના અધ્યક્ષ બનાવીએ. કોઈ કારણસર એવું ન થાય તો આપણી બીજી પસંદ જવાહરલાલ હોવા જોઈએ.’
રાજમોહન ગાંધી લખે છેઃ ‘પટેલ વિરુદ્ધ નેહરુના વાદ-વિવાદમાં નેહરુની તરફેણમાં એવી દલીલો કરાતી હતી કે નેહરુ કરતાં ઉંમરમાં સરદાર 14 વર્ષ મોટા છે, તેઓ યુવાવર્ગમાં નેહરુ જેટલા લોકપ્રિય નથી. નેહરુનો રંગ ગોરો હતો અને તેઓ દેખાવમાં આકર્ષક લાગતા હતા, જ્યારે સરદાર ગુજરાતી ખેડૂત પરિવારમાંથી આવતા હતા અને થોડા ચૂપ રહેતા બળવાન પુરુષ લાગતા હતા.’ તેમને કાળી-ધોળી મૂછો હતી, જે બાદમાં તેમણે કઢાવી નાખી હતી. તેમના માથા પર નાના વાળ હતા. આંખોમાં થોડી રતાશ હતી અને ચહેરા પર થોડી કઠોરતા દેખાતી હતી. નેહરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો, પણ એ દરમિયાન તેમની મુલાકાત થઈ હતી કે કેમ તેનો કોઈ રેકર્ડ મળતો નથી.
‘...તો બધું વિખેરાઇ ગયું હોત’
સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું તો દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટેના પ્રયાસોનું પ્રશંસનીય નેતૃત્વ કર્યું હતું. સરદારે 565 રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું ઝડપ્યું. અને તેને સાકાર પણ કર્યું.
તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વે ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય કરાવ્યો. ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક સરદારનું આજના ભારતના નિર્માણમાં પાયારૂપ યોગદાન છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. સરદાર પટેલના એક જીવનકથાકાર પી.એન. ચોપડાએ તેમના પુસ્તક ‘સરદાર ઓફ ઇન્ડિયા’માં રશિયન વડાપ્રધાન નિકોલાઈ બુલગાનિનને એવું કહેતા ટાંક્યા છે કે ‘તમારું ભારતીયોનું શું કહેવું! તમે રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાંઓને વિખેરી નાખ્યાં.’ બુલગાનિન માનતા હતા કે સરદાર પટેલની આ સિદ્ધિ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી હતી.
વિખ્યાત લેખક એચ. વી. હડસને લોર્ડ માઉન્ટબેટનને એવું કહેતા ટાંક્યા છે કે ‘નેહરુને નવા ગૃહ મંત્રાલયના વડા ન બનાવવામાં આવ્યા એ સારું થયું.... નેહરુ ગૃહપ્રધાન બન્યા હોત તો બધું વિખેરાઈ ગયું હોત, એ કહેવામાં મને જરાય સંકોચ નથી. યથાર્થવાદી પટેલે એ કામ બહુ સારી રીતે કર્યું હતું.’
એક ‘હા’ અને હૈદરાબાદ ઓપરેશનનો આદેશ
એક જમાનામાં ભારતીય સૈન્યના નાયબ વડા અને આસામ તથા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી ચૂકેલા એસ.કે. સિંહાએ તેમની આત્મકથા ‘ચેન્જિંગ ઇન્ડિયા - સ્ટ્રેઈટ ફ્રોમ હાર્ટ’માં એક કિસ્સો નોંધ્યો છેઃ ‘એક વખત જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો હતો કે સરદાર પટેલ તેમને તુરંત મળવા ઈચ્છે છે. કરિઅપ્પા એ સમયે કાશ્મીર પ્રવાસે હતા. તેઓ તરત દિલ્હી પહોંચ્યા અને પાલમ એરપોર્ટથી સીધા ઔરંગઝેબ રોડ પર આવેલા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. હું પણ તેમની સાથે હતો.’
એસ.કે. સિંહા લખે છેઃ ‘હું વરંડામાં તેમની રાહ જોતો હતો. જનરલ કરિઅપ્પા માત્ર પાંચ જ મિનિટમાં બહાર આવ્યા પછી તેમણે મને કહ્યું હતું કે સરદાર પટેલે તેમને બહુ સામાન્ય સવાલ પૂછ્યો હતો કે આપણા હૈદરાબાદ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો ખરા? તેનો જવાબ કરિઅપ્પાએ એક જ શબ્દ ‘હા’માં આપ્યો હતો અને એ બેઠક પૂરી થઈ ગઈ હતી.’
એસ.કે. સિંહા લખે છેઃ ‘વાસ્તવમાં એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરમાં પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ, ઝીણા ધમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો તેની સામે ઊભા થઈ જશે. જોકે કરિઅપ્પા સાથેની ટૂંકી બેઠક પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઓપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો હતો અને એક જ સપ્તાહમાં હૈદરાબાદ ભારતનું એક અંગ બની ગયું હતું.’
... તો પછી સરદારની ઉપેક્ષા કેમ?
સરદારની જીવનકથાના લેખક રાજમોહન ગાંધીએ ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને ટાંકીને લખ્યું છેઃ ‘આજે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું બહુ મોટું યોગદાન છે, તેમ છતાં આપણે તેમની ઉપેક્ષા કરીએ છીએ.’
‘પટેલ - અ લાઇફ’ નામના આ પુસ્તકમાં ખુદ રાજમોહન ગાંધીએ લખ્યું છેઃ ‘આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્વની ભૂમિકા ભજવી હતી.’
‘આ શાસનતંત્ર ભારતીય ઇતિહાસમાં ગાંધી અને નેહરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં કંજૂસાઈ કરે છે.’ સરદારની આવી ઉપેક્ષાનો અંદાજ એ હકીકત પરથી મેળવી શકાય કે સુનીલ ખિલનાનીના વિખ્યાત પુસ્તક ‘ધ આઇડિયા ઓફ ઇન્ડિયા’માં નેહરુનો ઉલ્લેખ 65 વખત આવે છે, જ્યારે સરદારનો ઉલ્લેખ માત્ર 8 વાર કરવામાં આવ્યો છે.
એવી જ રીતે રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફટર ગાંધી’માં સરદારનો ઉલ્લેખ 48 વખત કરવામાં આવ્યો છે, પણ તેની સરખામણીએ નેહરુનો ઉલ્લેખ તેના કરતાં ચાર ગણાથી વધુ એટલે કે 185 વખત કરવામાં આવ્યો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન
આજે આપણે લોખંડી પુરુષની 150મી જન્મ જયંતી ઉજવવાના આરે છીએ ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના ઉલ્લેખ વગર વાત અધૂરી જ રહેશે. 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મજયંતીએ કેવડિયા કોલોની ખાતે તેમની વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુંઃ ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે તે વાતનો આનંદ છે.
વડા પ્રધાને 31 ઓક્ટોબરે સરદાર પટેલ જન્મજયંતી - રાષ્ટ્રીય એકતા દિને કેવડિયા કોલોની નજીક, નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરીકંદરાના સાંનિધ્યમાં સરદાર પટેલની આભને આંબતી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વડા પ્રધાને ઇતિહાસના સુવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર પટેલે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરાસત આપણને સોંપી છે તેને પૂરી તાકાતથી સાચવવાની સાથે ભાવિ પેઢીમાં પણ સરદારના સંસ્કાર ઉતારવા પુરુષાર્થ કરવો પડશે. સરદાર કહેતા કે દરેક ભારતીયએ ભૂલવું પડશે કે તે કઇ જાતિ કે વર્ગનો છે. તેણે તો માત્ર તે ભારતીય છે એટલું જ યાદ રાખવું પડશે.