યોગ્ય વલણ અને અભિગમથી ઘડાય છે વ્યક્તિની સજ્જતા

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 17th November 2021 04:40 EST
 

વ્યક્તિમાં આત્મવિશ્વાસ કેટલો છે તેના આધારે તેની પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ નક્કી થાય છે. જે વ્યક્તિ 'આઈ કેન'નો અભિગમ ધરાવતો હોય તેનો આત્મવિશ્વાસ વધારે હોય અને પરિણામે તેની પર્સનાલિટી થોડી આગ્રહી અને દ્રઢ હોય તેવું જોવા મળે છે. તેની સામે 'જોઈશું, થશે તો કરીશું' જેવો અભિગમ ધરાવનારનું વ્યક્તિત્વ અનિશ્ચિતતાભર્યું હોય છે. તેનામાં નિર્ણય લેવાની ક્ષમતા ધીમી હોય છે અને તેના પર અમલ પણ ધીમે ડગલે કરે છે. ત્રીજી વ્યક્તિ કે જે 'નહિ થઇ શકે'નો એટીટ્યુડ રાખતી હોય તે સરળ કામોમાં પણ વિઘ્નો શોધે છે અને કેવી રીતે કામ કરવું મુશ્કેલ છે અથવા તો અશક્ય છે તેના પર વધારે ધ્યાન આપે છે.

આ ત્રણેય પ્રકારના અભિગમ ક્યારેક વ્યક્તિમાં નિહિત હોય છે અથવા તો તે સમય જતા સંગત અને અનુભવને કારણે વિકસાવે છે. જેવો અભિગમ વિકસાવો તેવી જ ક્ષમતા ઉદ્ભવે છે તે વાત પણ સાચી સાબિત થયેલી છે. જેનામાં કામ કરી શકવાનું કોન્ફિડન્સ હોય તે કામ કરવાના તરીકા પણ શોધી કાઢે છે. કહે છે ને કે મન હોય તો માળવે જવાય તેનો અર્થ જ એ છે. જે વ્યક્તિ નેતિ નેતિ કર્યા કરે તેનામાં નકારાત્મકતા ઘર કરતી જાય છે અને પરિણામ એવું આવે છે કે તેનાથી કોઈ વાતમાં હા પડાતી જ નથી. તેની જીભ પર જાણે નનૈયો ચોંટી ગયો હોય તેમ દરેક વાતમાં પહેલા તો તેનો જવાબ ના જ હોય છે. જેને કૈંક કરવાની તમન્ના હોય તે ધીમે ધીમે પહાડ ચીરીને પણ માર્ગ કરી લે છે જયારે જેને કઈ જ ન કરવું હોય તે માર્ગમાં પડેલા પથ્થરને જોઈને નિરાશ થઇ જાય છે. એક વાર આદત પડી જાય પછી આવું અનાયાસે જ થઇ જાય છે. ત્રીજી વ્યક્તિ કે જે પોતાને વિચારીને કામ કરનાર ગણાવે છે તે પણ જો આદત અને અભિગમથી જ 'જોઈશું' કહેતી હોય તો તેમાં વિચારક્ષતિ સ્પષ્ટ જણાઈ આવે છે.
આવા અભિગમ કે માનસિકતાને આપણે આશાવાદી કે નિરાશાવાદી વલણ તરીકે પણ ઓળખાવીએ છીએ. જયારે કોઈ વાત વલણ બની જાય ત્યારે તેને બદલવું મુશ્કેલ બને છે. ચકાસીને, વિચારીને હા કહેવી, ના કહેવી કે નિર્ણય ન લઇ શકવો એ આપનો સ્વભાવ કહેવાય પરંતુ જયારે વગર વિચાર્યે હા, ના કે ખબર નહિ જેવા ઉદગારો નીકળે અને જો તે સતત એકસમાન જ નીકળે તો તે વલણ બની ગયું કહેવાય. આ વલણ અને અભિગમથી જ વ્યક્તિ પોતાની ક્ષમતા ઘડે છે. કેટલાય દાખલા છે કે પરિસ્થિતિ નહિ, પરંતુ વ્યક્તિના અભિગમથી જ યુદ્ધના પરિણામ બદલાય છે. તદ્દન અશક્ય લગતા કામ એવી વ્યક્તિઓએ કરી બતાવ્યા છે જેમને લાગતું હતું કે 'થઇ જશે' તો તેની સામે તદ્દન સરળ કહી શકાય તેવા કર્યો એવા લોકોના હાથે નિષ્ફળ ગયા છે જેઓની માનસિકતા તક નહિ પરંતુ તકલીફ જોવાની હોય. જે લોકો નિર્ણય કરવામાં કાચા રહી ગયા તેમને કારણે જીતેલી બાજીઓ હરાઈ ગઈ છે, આવેલી મોટી તકો હાથમાંથી સરી ગઈ છે.
તમને કોઈ વ્યક્તિ કામ કરવાનું કહે તો તમારો પહેલો પ્રતિભાવ શું હોય છે તે ચકાસો અને જૂઓ કે તમે પણ કોઈ નિશ્ચિત પ્રકારના વલણનો શિકાર તો નથી બની રહ્યા ને? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter