શરદબાબુની ખ્યાત નવલકથા છે, “પથેર દાબી”. 1927માં તે બંગાળી ભાષામાં પ્રકાશિત થઈ અને તુરત તેના પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ જાહેર કરી દીધો. એક નવલકથા આવડા મોટા સામ્રાજ્યને, જેનો સૂરજ ક્યારેય આથમતો નહોતો એટલા દેશોમાં વર્ચસ્વ હતું, તેને આ 350 પાનાની નવલકથાથી શું ભય લાગ્યો હશે?
હમણાં આ નવલકથાના નામ વિષે ચર્ચા ચાલી છે. બંગાળી સિવાયની ભાષાઓમાં આ નવલકથાના અનુવાદો થયા છે, તેમાં નવલકથાના નામનો અનુવાદ થયો છે, ‘પથનો દાવેદાર’. હવે તેના વિષે હિન્દીમાં શરદ-ગ્રંથાવલિના સંપાદક વિમલ મિશ્રની નોંધ આવી છે કે, ભાઈ, ખરું નામ છે પથનો દાવો. જે રસ્તા પર જવાનો તેનો અધિકાર છે તે. બંગાળીમાં દાવેદાર માટે ‘દાબિદાર’ શબ્દ છે, એટલે કે દાવેદાર.
શરદબાબુએ ‘પાથેર દાબિદાર’ નવલકથા લખી જ નહોતી. જે લખી તે ‘પથેર દાબી’. અર્થાત્ કોઈ બીજાના રસ્તાનો દાવો કરવો એ નહિ પણ જે માર્ગ પર પોતાનો પરંપરાથી અધિકાર છે તે રસ્તો.
જ્યારે આ નવલકથા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે સુભાષચંદ્ર બોઝે લખ્યું હતું: પહેલાં ‘પલાસેર યુદ્ધ’, પછી ‘આનંદમઠ’ ‘ચંદ્રશેખર’ અને હવે ‘પથેર દાબી’! સરકારની પાસે કોઈ નૈતિક બળ હોતું નથી, સંગીનોની છાયામાં જ આવાં કૃત્યો કરે છે. પણ તેથી શું? સ્વાધીન વિચાર થોડો સમાપ્ત થઈ જાય છે? ઇતિહાસ તેનો ઘસીને ઇનકાર કરે છે. સત્તા તો જશે, પથેર દાબી રહેશે.
વાત તો સાચી હતી તેમની. 1927થી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી, અને 1975-76ની ઇમરજન્સી લાગી ત્યારે - તે સમયે શરદ જન્મશતાબ્દી ઉજવાઇ રહી હતી - પણ અસંખ્ય ભાવકોને માટે ગૃહદાહ કે દેવદાસ નહિ, ‘પથેર દાબી’ વધુ નજદીક અને પ્રેરક રહી.
તેના પ્રકાશનની પણ રસપ્રદ કહાણી છે. બંગબાની નામે સામયિકના તંત્રી હતા, રામાપ્રસાદ મુખર્જી. એક વાર શરદબાબુને તેમણે કહ્યું કે મારા સંયિકને માટે એક ધારાવહી નવલકથા જોઈએ છે. તમે આપશો? શરદબાબુએ થોડીવાર માટે ચૂપ રહીને પછી પોતાના ટેબલના ખાનામાંથી સાત-આઠ પાનની થોકડી કાઢીને બોલ્યા, ‘આ એક ભીષણ રચના છે, તમે છાપશો?’
મુખર્જી બંધુઓ બંગાળના સિંહ તરીકે જાણીતા હતા. આશુતોષ મુખર્જી અને પછી શ્યામાપ્રસાદ મુખરજી, રામા પ્રસાદ મુખર્જી. તેમણે તો હા પડી અને 1923ના ફેબ્રુઆરી મહિનાથી પોતાના સામાયિકમાં પ્રકાશિત કરવા માંડી. ચોવીસ હપ્તામાં પ્રકાશિત થઈ. કોઈકવાર વિલંબ પણ થાય. દરેકના દિલોદિમાગમાં તેની કથા અને પાત્રો છવાઈ ગયા, સવ્યસાચી, ભારતી, સુમિત્રા, નવ તારા, અપૂર્વ, નીલકાંત, રામદાસ તલવલકર... સ્વતંત્રતાના લડાયક પથને પોતાનો માનીને આમાંના કેટલાંક પાત્રો ચાલ્યા, કેટલાંક નિર્બળ પુરવાર થયા. કેટલાકના મતે સવ્યસાચી રાસબિહારી બોઝના જ્વલંત ક્રાંતિકારી વ્યક્તિત્વનું સ્વરૂપ હતું.
જેવી આ નવલકથા પુસ્તક સ્વરૂપે આવી કે તેના પર પ્રતિબંધ આવ્યો. લોકોએ છૂપી રીતે, તે સમયના એકસો રૂપિયામાં મેળવ્યું. પોતાનો વિપ્લવનાયક મળી ગયો હતો લોકોને!
એક વાર પ્રકાશકે શરદબાબુને પુસ્તકની હસ્તપ્રત પર કૈંક લખીને હસ્તાક્ષર આપવા આગ્રહ કર્યો. પ્રતિબંધિત નવલકથા વિષે જ્યારે શરદચંદ્રે રવીન્દ્રનાથ ટાગોરને જણાવ્યું તો તે પણ વિરોધ કરવા તૈયાર થયા નહિ અને કહ્યું હતું કે આપણે જે લખીએ તેના પરિણામોની ખબર હોવી જોઈએ. આ પ્રતિબંધને તે રીતે લેવો જોઈએ.
શું લખે શરદબાબુ પોતાની આ કેદી કૃતિ વિશે? ભરાયેલા કંઠે રામાપ્રસાદને કહ્યું, ‘શું લખું, ભાઈ?’
બે મિનિટ પછી કલમ ચાલી. જન્મકુંડળી દોરી. જન્મસમય લખ્યોઃ
‘15 સપ્ટેમ્બર, 1876 આસો વદ બારસ. શુક્રવારની સાંજ.
પછી એક શબ્દ: મૃત્યુ.
અને આડા હાંસિયામાં -
‘કશું જ લખી ના શક્યો. શરત. જ્યેષ્ઠ 9. 1333.’
‘પથેર દાબી’નો બીજો ભાગ પૂરો કરી ના શકું તો મારા દેશની બીજી કોઈ વ્યક્તિ તે કામ કરશે.’
શરદબાબુએ એક નાનકડી કવિતા પણ લખી:
જે ફૂલ ના ફૂટી તે ઝરિલ ધરણી તે
જે નદી મરુ પથે હારાલ ધારા,
જાનિ હે તાઓ, હયનિ હારા.
સાહિત્યના ફલક પર બહુ ઓછા પાત્રો વિરાજિત થઈ જાય છે, જેને ભાવકનું ચિત્ત વર્ષો સુધી જાળવી રાખે છે. સવ્યસાચી હતા તો મૂઠીભર ક્રાંતિકારી ટોળીના નાયક. વિપ્લવભૂમિ બ્રહ્મદેશ. અર્થાત્ મ્યાંમાર અને બર્મા. અહીં જ લોકમાન્ય તિલકને છ વર્ષ કારાવાસ થયો હતો, અહીં જ સોહનલાલ પાઠકને ફાંસી મળી હતી. બ્રિટિશ સેનાના ભારતીય સૈનિકો - એક નહિ, 200ને – ગોળીથી ઠાર મારવામાં આવ્યાં હતા, અહીં જ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજના 31,000 સૈનિકો યુદ્ધ કરીને આહુતિ પામ્યા હતા, અત્યારે આવો જ પ્રતિરોધ આંગ-સેન-સુ-કી કરી રહી છે, વિશ્વશાંતિનું નોબેલ પારિતોષિક તો મળ્યું છે, પણ ઘરઆંગણે સૈનિકી શાસનની હિંસા વચ્ચે રહે છે!
રવીન્દ્રનાથે ‘ઘરે બાહીરે’ નવલકથામાં એક મલીન ક્રાંતિકારનું પાત્ર દોર્યું છે, તેનાથી વિપરીત એક ઉદ્દાત, સંવેદનશીલ, વિપ્લવને સાચા સ્વરૂપે સમજનાર અને સમજાવનાર નાયક તે સવ્યસાચી. એ સમજે છે માણસના મનને, તેની અપાર ક્રિયા-પ્રતિક્રિયાને. જય અને પરાજયને. તેના સંકલ્પને. આસપાસની મૂઢ પ્રજાને... તેની વચ્ચેનું જીવન. આજે અહીં તો કાલે બીજે. રંગૂનથી નીકળતી વેળાએ
પોતાના સાથી સ્વજનોની વિદાય લે ત્યાં આ કથા પૂરી થાય છે. પણ ખરેખર પૂરી થાય છે? ના. તેનો અનુભવ લગભગ 100 વર્ષ પછી આજે પણ થશે.