પૈસાને પરમેશ્વર માનનારા લોકો પૈસા મેળવવા ન્યાય, સંબંધ, નીતિ, જવાબદારી કે પ્રામાણિકતા નેવે મૂકે છે. આઝાદી પછીના ભારતમાં ઝડપથી પૈસાદાર થવાનો રસ્તો રાજકારણ છે એમ માનનાર ઘણા છે ત્યારે યાદ આવે છે ૧૯મી સદીના કેટલાક નીતિમાન રાજકારભારીઓ. વીરસદના ઝવેરભાઈ અમીન આવી વિરલ વ્યક્તિ હતા.
ઝવેરભાઈ અમીન વાંસદાના દીવાન બન્યા. વાંસદા છોડીને લીમડીના દીવાન બન્યા. તેમની કૂનેહ, નીતિ અને ચીવટની ખ્યાતિ દેશી રાજ્યોમાં ફેલાઈ ગઈ હતી. લીમડીના ઠાકોર જશવંતસિંહજીને સારા દીવાનની જરૂર હતી. તેમણે સામે ચાલીને ઝવેરભાઈ અમીનને પત્ર લખીને દીવાન થવા આમંત્રણ મોકલ્યું. તેઓ દીવાન બન્યા અને લીમડી ગયા.
વાંસદાના રાજવીને પણ એમની જરૂર હતી તેથી એમનો સલાહકાર તરીકેનો દરજ્જો વાંસદાના રાજવીએ ચાલુ રાખ્યો. આને કારણે દર મહિને નિયમિત રીતે તેઓ લીમડીમાં ઝવેરભાઈને વેતન તરીકેની રકમ મોકલતા. વાંસદાના રાજા ઝવેરભાઈ અમીનની સલાહ લઈને રાજ્ય ચલાવતા. આ પછી થોડાં વર્ષમાં રાજવી પોતે જ પોતાની સૂઝ પ્રમાણે રાજ ચલાવતા અને જરૂર પડે ત્યારે બીજા સલાહકારોની સલાહ લેતા. આમ છતાં કામ હોય તો જ ઝવેરભાઈને અમીનને પૂછતા. આમ છતાં વાંસદા રાજ્ય નિયમિત પૈસા મોકલતું રહ્યું.
ઝવેરભાઈને થયું, ‘હવે વાંસદાનું કામ મારે કરવાનું રહ્યું નથી છતાં પૈસા મોકલે છે. મારાથી અણહક્કનું ના લેવાય...’ ઝવેરભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતા હતા. વાંસદાના દીવાન હતા ત્યારે તેમણે ભગતજી મહારાજને ખાસ આમંત્રણ આપીને વાંસદા તેડાવીને રાખ્યા હતા. સ્વામિનારાયણ શિક્ષાપત્રીના સિદ્ધાંતોમાં એમને શ્રદ્ધા હતી. ઝવેરભાઈએ પત્ર લખીને વાંસદાના રાજવીને હવેથી વેતન ન મોકલવા વિનંતી કરી. આવા એ નિર્લોભી અને શીલવાન હતા.
ઝવેરભાઈ પરણ્યા હતા આણંદના દિવાળીબાને. દિવાળીબાનું મોસાળ ડભોઉ ગામમાં હતું. તેમને મોસાળનો પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતો હતો. આને કારણે દિવાળીબામાં તે શ્રદ્ધા આવી. પ્રસન્ન દામ્પત્યના પરિણામે ઝવેરભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા થયા. વીરસદ ગામમાં પોતાના રહેઠાણની જમીન તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનાવવા આપી દીધી.
સ્વામિનારાયણ સંપ્રદાયની અસરથી તે પરોપકારી બન્યા. લીમડીમાં બંધાવેલો ‘ઝવેરીયો’ કૂવો હજુ ચાલુ છે. ઝવેરભાઈ નમ્ર અને મિલનસાર હતા. લીમડીના રાજ્યની માલિકીની જમીન તેમણે રાજવી જશવંતસિંહજી મારફતે સારંગપુરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવા આપી હતી. વીરસદમાં દવાખાનું અને પુસ્તકાલય કરવામાં તે આગેવાન હતા. તેમને સમાજ સુધારામાં રસ હતો. એ દીવાન બન્યા ત્યારથી જ વીરસદ ગામમાં ત્યારના અંગ્રેજી ત્રણ ધોરણની શાળા તે પોતાના ખર્ચે ચલાવતા. ત્રણ ધોરણ એટલે પાંચ, છ અને સાત. આના કારણે વીરસદમાં શિક્ષણ વધ્યું. ૧૯૨૭માં વીરસદ કેળવણી મંડળ સ્થપાયું. તેના પ્રમુખ ઝવેરભાઈ બન્યા.
વીરસદના લોકો ભારતનાં અનેક નગરોમાં અને પરદેશમાં ફેલાયા તેનાં અનેક કારણોમાં એક ઝવેરભાઈએ વીરસદમાં શરૂ કરેલી શિક્ષણની સરવાણી. તેમનાં માતા હરખાબાનું અવસાન થતાં તેમણે વીરસદમાં હરખાબા વ્યાયામશાળા કરી પછીથી તેનું સંચાલન વીરસદ કેળવણી મંડળે કરવા માંડ્યું. તે જમાનામાં બારમા-તેરમાના રિવાજો હતા. ગરીબ માણસો, ઘર, જમીન કે ઢોર વેચીને ય કરતા. હરખાબાના મરણ વખતે પોતે આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં સમાજ સુધારાના ભાગરૂપે બારમું ન કર્યું. (વધુ આવતા સપ્તાહે)