ઝવેરભાઈ ૧૮૯૮માં લીમડીના દીવાન બન્યા. ૧૯૨૮ સુધી દીવાન રહ્યા. બરાબર ૩૦ વર્ષ દીવાન તરીકે નિષ્ઠાપૂર્વક રાજ્યની સેવા કરી. તેઓ નોકરીમાંથી ૭૯ વર્ષની વયે નિવૃત્ત થતાં તેમને પેન્શન મળતું હતું. તેમની નિવૃત્તિ પછી રાજ્યની નીતિરીતિ બદલાઈ. ઝવેરભાઈને ન ગમે તે રીતે રાજ્યનો વહીવટ ચાલવા લાગ્યો. આના વિરોધમાં તેમણે એવા રાજ્યના પૈસા લેવાનું સામે ચાલીને લેવાનું બંધ કર્યું. ત્યારે કંઈ દેશી રાજ્યોમાં લોકશાહી ન હતી. રાજા અને દીવાન મળીને પોતાને ગમતી રીતે વહીવટ કરે, એમાં નિવૃત્ત દીવાનને માથું મારવાનું ના જ હોય. દીવાન નિવૃત્ત હોય પછી રાજાએ તેમને પૂછવાનું પણ ના જ હોય. છતાં ઝવેરભાઈની નીતિમત્તાનાં ધોરણ ઊંચા હતાં. એ પૈસાના પૂજારી ન હતા. ન ગમતા વહીવટવાળા રાજ્યના પૈસા લેવાનું એમને ના ગમ્યું અને સ્વેચ્છાએ પેન્શન છોડ્યું.
ઝવેરભાઈ ૧૮૪૯માં જન્મ્યા. વીરસદ ત્યારે ગાયકવાડી ગામ. ત્યારે સમગ્ર ચરોતરમાં એકલા નડિયાદમાં જ હાઈસ્કૂલ હોવાથી ત્યાં ભણીને મેટ્રિક થયા. તે જમાનામાં ભણતર ઓછું હોવાથી ભણેલાને તરત નોકરી મળતી હોવાથી મહેસૂલ ખાતામાં નોકરી મળી. કૂનેહ અને નિષ્ઠાથી બઢતી મળતાં મામલતદાર થયા અને પછી ખેડાના ડેપ્યુટી કલેક્ટર થયા. ૪૮ વર્ષે પેન્શન સહિત નોકરીમાંથી છૂટા થયા. તેમની કૂનેહ અને પ્રામાણિકતા વખણાતી.
છોટાઉદેપુરના રાજાએ તેમને દીવાન બનાવ્યા. થોડા સમયમાં રાજાનું અવસાન થતાં, વારસદાર સગીર હોવાથી તેમને વહીવટદાર બનાવ્યા. આ પછી વાંસદાના દીવાન થયા. ત્યાંથી લીમડીના દીવાન બન્યા.
લીમડીના ઠાકોર જશવંતસિંહનું અવસાન થતાં વારસદારોનો રાફડો ફાટ્યો. તેથી વારસદાર નક્કી ના થાય ત્યાં સુધી સરકારે ઝવેરભાઈ દીવાનને વહીવટદાર નીમ્યા.
ઠાકોર દોલતસિંહજી સાથે ઝવેરભાઈને મનમેળ હતો. આથી ઠાકોરસાહેબે પોતાની દીકરી સાથે સખી તરીકે ઝવેરભાઈની પુત્રી ભક્તિબાને સમય પસાર કરવા અને ભણવાની સગવડ કરી. ભક્તિબાને દીકરી માની પરણાવવા જેવા થયાં ત્યારે તેમના માટે યોગ્ય પાત્ર શોધવામાં રસ લીધો. ઢસા, રાય અને સાંકળીના યુવા જાગીરદારનું સૂચન એમણે જ કર્યું અને પછી ભક્તિબાને જોવા, મળવા તેમણે પોતાને ત્યાં બોલાવ્યા. કન્યાદાન પણ તેમણે કર્યું. પહેરામણી આપી અને પછી દર વર્ષે કપડાં માટે રાજ્ય તરફથી નિયત રકમ મળે તેમ ગોઠવ્યું.
ઝવેરભાઈને પોતાની દીકરીનું લગ્ન ઠાઠમાઠથી કર્યું. જેમાં ભારતની વડી ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઝવેરભાઈએ આઝાદીની લડતમાં ભાગ લીધો ન હતો પણ તેમનાં પુત્રી ભક્તિબા અને તેમના પતિ દરબાર ગોપાળદાસે ભાગ લીધેલો. જેલમાં પણ ગયેલાં. જમાઈએ આવું કરવા જતાં સૌપ્રથમ તેમનું રાજ્ય ગુમાવ્યું હતું.
ઝવેરભાઈના પુત્ર હરિભાઈ ભરુચ નજીક ઝાડેશ્વરમાં રહેતા. તેમણે સત્યાગ્રહની લડતોમાં ભાગ ભજવેલો અને આર્થિક રીતે મદદ કરી હતી. હરિભાઈને વડી ધારાસભામાં પ્રમુખ એવા વિઠ્ઠલભાઈ પટેલ સાથે મૈત્રીનો સંબંધ હોવાથી વિઠ્ઠલભાઈ જીવ્યા ત્યાં સુધી મુંબઈમાં હરિભાઈના બંગલામાં રહ્યા હતા. હરિભાઈને શ્રીઅરવિંદ સાથે સંપર્ક હતો.
નીતિમત્તાનાં ઊંચા ધોરણોવાળા નિર્લોભી, સમાજસુધારક, ધર્મનિષ્ઠ તથા પરોપકારી એવા ઝવેરભાઈ અમીન મહાત્મા ગાંધી કરતાંય ૨૦ વર્ષ મોટા હતા. તેમના પોતાના જમાના વિચારો કરતાં તે ઘણા આગળ પડતા અને દેશી રાજ્યોના દીવાનોમાં નોખી ભાત પાડતા હતા.