ઈન્ડોનેશિયાનો સૌથી ગીચ વસતિવાળો મોટો ટાપુ તે જાવા. જાવા સાથે ગુજરાતનો હજારો વર્ષ જૂનો સંબંધ. કહેવત વપરાતી ‘જે કોઈ જાવા જાવે તે પાછો ના આવે, આવે તો પરિયાંના પરિયાં ખાવે એટલું તે લાવે.’
જાવામાં હીરા અને કાપડના વેપારમાં ગુજરાતીઓ જાણીતા છે. ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તાની અંદાજે એક કરોડની વસતિમાં ૨૫,૦૦૦ જેટલા ભારતીય છે. આમાં ગુજરાતીઓની સંખ્યા માંડ ૫૦૦ જેટલી હશે. આ બધામાં એકમાત્ર ગુજરાતી ઉદ્યોગપતિ છે રાકેશ મહેતા.
સમગ્ર ઈન્ડોનેશિયામાં ભાતભાતના ઉદ્યોગો છે. સંખ્યાબંધ ઉદ્યોગોમાં ધુમાડો કાઢવા મોટી મોટી ચીમનીઓ હોય. ઈન્ડોનેશિયામાં ખનીજ તેલનું ઉત્પાદન ખૂબ થાય તેથી તે અહીં સસ્તુ છે. આથી ઉદ્યોગો વિકસ્યા છે. રાકેશભાઈની કંપની છે પોલીલાઈન ઈસ્ટમર એશિયા. આ કંપની ચીમનીને કાટ ના લાગે તે માટે ચીમનીઓમાં રબર લાઈનિંગ કરે છે. પાઈપોમાં પણ લાઈનિંગ કરી આપે. લાઈનિંગ કરે તો લીકેજ ના થાય. આ ઉપરાંત એસિડથી ખવાણ ના થાય તેવી ઈંટો, ટાઈલ્સ, રિવેટ - બોલ્ટ વગેરેની મજબૂતી વધારનાર સામાન વેચે છે. ફેક્ટરીમાં ભોંયતળિયાની જાળવણી માટે આગથી કોંક્રિટ સલામત રહે તેવું લાઈનિંગ કરવામાં કંપનીની નામના છે.
રાકેશભાઈની કંપનીમાં ૧૫૦ જેટલા કર્મચારીઓ છે. ૬૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં તેમની ફેક્ટરી કામ કરે છે. ૭૨ મીટર કરતાં ઊંચા કુતુબમિનારથી પણ દોઢી ઊંચાઈ ધરાવતી ચીમનીઓનું કામ કંપની કરે છે. દૂધ, તેલ, ડીઝલ, વગેરેનાં મોટાં મોટાં કન્ટેનરોમાં લીકેજ ના થાય તે માટે લાઈનિંગ કરાવવાનું કામ તેમની ફેક્ટરીમાં આવે, પણ ચીમનીમાં લાઈનિંગનું કામ હોય તો ત્યાં જ જવું પડે. ચીમનીઓ કંઈ એકલા જાકાર્તાની આસપાસ ના હોય. દેશમાં બીજા ટાપુઓ પર દૂર દૂર હોય. આવું હોય ત્યારે તે પોતાના વિશ્વાસુ, હોંશિયાર અને જવાબદારીભેર કામ કરનારા ટેક્નિશિયનને મોકલે. રાકેશભાઈ તેમના માણસો સાથે દર વખતે જતા નથી. રાકેશભાઈ મોટાં મોટાં દાન આપીને, યશ લેવા માટે ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવું કરતાં નથી. એના બદલે જેને કારણે રોટલો કમાય છે તેમને સારો પગાર, સગવડો અને પ્રેમ આપે છે. રાકેશભાઈ શિક્ષકની જેમ પોતાના માણસોને ઘડે છે. કામની ટેકનિક શીખવે છે. એમને કદી એમ નથી લાગતું કે માણસો તૈયાર થઈને બીજે જતા રહેશે. પોતાના માણસોને તે એવી રીતે ઘડે છે કે કાલે પોતે ના હોય તો પણ માણસોને કામ મળે અને ભૂખે ના મરે.
એમની ફેક્ટરી ઘરથી ૬૦ માઈલ દૂર છે. જાકાર્તા એક કરોડની વસતિનું નગર. વાહનો ખૂબ એટલે ટ્રાફિકજામ થઈ જાય. આથી રાકેશભાઈ ફેક્ટરી પર ક્યારેક જ જાય. ફોનથી કામ પતાવે. કોમ્પ્યુટરના વીડિયોથી કારખાનાની રજેરજ વિગતો જૂએ અને જરૂર પડ્યે સૂચનાઓ આપે. આમ ઘેર બેઠાં જ ૧૫૦ માણસોના કામવાળી ફેક્ટરી ચલાવે છે.
રાકેશભાઈના પિતા ચંદ્રકાંતભાઈ આયુર્વેદિક ડોક્ટર. તેઓ સેવાભાવી હતા. મુંબઈના ગરીબ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા તેથી રાકેશભાઈ નાનપણથી ખેંચમાં ઊછર્યાં. મુંબઈમાં ભણીને ૧૯૭૯માં ૨૦ વર્ષની વયે કેમેસ્ટ્રી અને ફિઝીક્સ સાથે ગ્રેજ્યુએટ થયા. એસ. એલ. માણેકલાલની કંપનીમાં મુંબઈમાં લેબોરેટરી ટેક્નિશ્યન બન્યા. અહીં રબરનો ટેસ્ટ કરાતો. કંપનીએ તેમને રબર ટેકનોલોજીમાં અભ્યાસ માટે લંડન મોકલ્યા. પછી તેમને ૧૯૭૯માં ઈન્ડોનેશિયામાં કંપનીના રબર પ્લાન્ટ પ્રોડક્શન પર મોકલ્યા. તેમણે ૧૯૯૯ સુધી નોકરી કરી. આ પછી ૨૦૦૦માં તેમણે પોતાની કંપની કરી. તેમાં મોટું રોકાણ જોઈએ. જૂના ગ્રાહકોએ એડવાન્સમાં વિશ્વાસે પૈસા આપ્યા અને કંપની જામી.
રાકેશભાઈ સ્વભાવે નમ્ર, બીજાને મદદ કરવા તત્પર અને પોતાના વ્યવસાયમાં નિષ્ણાત છે. તેમના સંબંધો જાકાર્તામાં વસતા બીજા ભારતીયો સાથે મૈત્રીભર્યાં છે. આયુર્વેદમાં ડોક્ટર પત્ની હર્ષાબહેનના સાથથી સંબંધોનો પથારો વધ્યો છે.