શિક્ષકોને વંદન કરીએ અને આપણા જીવનઘડતરમાં તેમના પ્રદાન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરીએ

Tuesday 08th September 2020 07:46 EDT
 
 

ભારતમાં ટીચર્સ ડે દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિનો જન્મદિવસ એટલે ૫ સપ્ટેમ્બર ૧૮૮૮. તેઓએ શિક્ષકથી રાષ્ટ્રપતિ સુધીની સફર ખેડી. તેના સન્માનમાં ભારતમાં અને જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં પણ (કદાચ) ૫ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે અને તે દિવસે આપણે શિક્ષકોને વંદન કરીએ છીએ અને તેમનો આપણા જીવનવિકાસમાં જે ફાળો છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.
શિક્ષકની ભૂમિકા આપણા સૌના જીવનમાં અનેરી છે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ દરમિયાન આપણે અનેક શિક્ષકોના જ્ઞાનથી લાભાન્વિત થઈએ છીએ. પરંતુ તે પૈકી કેટલા શિક્ષકો આપણને યાદ રહે છે? પ્રાથમિક સરેરાશ આપણે શૈક્ષણિક જીવન દરમિયાન ૩૦-૪૦ શિક્ષકોનું માર્ગદર્શન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મેળવીએ છીએ. પરંતુ શું આ દરેક શિક્ષક આપણા મન પર સકારાત્મક છાપ છોડી જાય છે? શું તેમની અસર આપણા મન પર જીવનભર અંકિત રહે છે? કેટલા શિક્ષકોની હશે, જે જીવનભર આપણા માટે પ્રેરણારૂપ બની રહે છે?
આ ઉપરાંત એક બીજો સવાલ આજે એ પણ થાય છે કે શું માત્ર શાળામાં કે કોલજમાં ફોર્મલ - અધિકૃત શિક્ષણ આપે તે જ શિક્ષક કહેવાય? આજે તો આપણે કેટલાય ઓનલાઇન પ્રોગ્રામ દ્વારા પણ શીખતાં હોઈએ છીએ. આ બધા લોકો પણ આપણા શિક્ષકો જ છે ને? જેમ કે, મોબાઈલમાં કોઈ ફંક્શન ન સમજાતું હોય તો તેના માટે યુટ્યુબ પર જઈને આપણે પાંચ મિનિટનો વીડિયો જોઈએ છીએ. તે વીડિયો દ્વારા આપણને મોબાઈલના ટેક્નિકલ ફંક્શન સમજાવનાર વ્યક્તિ આપનો શિક્ષક થયો કે નહિ? આજે DIY એટલે કે ડુ ઈટ યોરસેલ્ફ - તમારી જાતે કામ કરવાનો જમાનો છે. ઘરના નાના-મોટા કામ આપણે કેવી રીતે કરવા તે યુટ્યુબ વીડિયો જોઈને કે ગુગલ પર સર્ચ કરીને શીખીએ છીએ. આવી રીતનું પરોક્ષ શિક્ષણ પણ આપણા જીવનમાં મોટો ભાગ ભોગવે છે. મારા માટે તો આ બધા જ શિક્ષકોનું પણ મહત્ત્વ આપણે સમજવું જોઈએ.
આખરે વાત એટલી છે કે શિક્ષકોની સંખ્યા આપણા જીવનમાં મોટી હોય છે. પરોક્ષ શિક્ષણની વાત કરીએ તો તેમાં અનેકગણો વધારો થઇ જાય છે. પરંતુ આપણા માટે એ શક્ય નથી કે આપણે દરેકના પ્રત્યક્ષ રીતે સંપર્કમાં રહીને, વ્યક્તિગત સંદેશથી અભિનંદન અને કૃતજ્ઞતા પાઠવી શકીએ. તેમ છતાં જે કોઈએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણા કોઈ પણ પ્રકારના શિક્ષણમાં ફાળો આપ્યો હોય તેમનું યોગદાન વધાવવું જોઈએ.
તે પ્રયત્નરૂપે એક વખત સૌથી પહેલા જે શિક્ષક યાદ આવે તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી શકાય. આજના ડિજિટલ અને સોશ્યલ મીડિયાના યુગમાં સંપર્ક સ્થાપવો કદાચ વધારે મુશ્કેલ ન હોઈ શકે. આ વર્ષ દરમિયાન પાંચ એવા શિક્ષકોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાનો પ્રણ લઈએ અને તેમને આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. પણ યુટ્યુબ કે એવા બીજા કોઈ માધ્યમથી આપણે કઈ શીખીએ તેમનો આભાર કેવી રીતે વ્યક્ત કરવો? તેમના માટે એક સકારાત્મક કમેન્ટ કરી શકાય!
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter