વસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ. આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છે. જેને લઈ ગીતામાં વસંતને ફૂલોની ઋતુરાણી કહી છે. જેમ વસંતઋતુ નિસર્ગને નવપલ્લિત કરે છે તેમ માનવજીવનને શિક્ષાપત્રી નવપલ્લિત કરે છે. આ શિક્ષાપત્રીની રચના શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં મહાસુદ પંચમીના રોજ સંવત 1882માં વડતાલમાં કરી છે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સંપ્રદાયના અનુયાયીઓ માટે જ નહીં, વિશ્વપટ પર શ્વાસ લેતાં, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છે.
શિક્ષાપત્રી એટલે... શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પત્રી એટલે પોતાનો અભિપ્રાય જેનાથી અન્ય સ્થળે પહોંચાડી શકાય તે સાધન. અર્થાત્ શિક્ષાપત્રી એટલે હિતનો ઉપદેશ આપતો પત્ર - લેખ. મનુષ્યોએ પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ દેખાડી આપતું અણમોલ શાસ્ત્ર. આ શિક્ષાપત્રીના 212 શ્લોકમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને ગાગરમાં સાગર ભરી દીધો છે. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ કહે છે કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસ થાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી સંદર્ભે આશીર્વચન ઉચ્ચારતા કહ્યું છે કે, ‘આ જે શિક્ષાપત્રી છે તે અમારું સ્વરૂપ છે. માટે તેને પરમ આદર થકી માનવી. અને જે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે.’ માટે આ અમારા આશ્રિતે આ શિક્ષાપત્રીનો નિત્યે પાઠ કરવો અને જેને વાંચતાં ન આવડતું હોય તેમણે શ્રવણ કરવું અને વાંચી સંભળાવે તેવો કોઈ ન હોય તો છેવટે આ શિક્ષાપત્રીની પૂજા કરવી અને એમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે.
શિક્ષાપત્રી ગરીબોનાં નાનાં ઝૂંપડાંમાંથી માંડીને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોફ્લીયન લાયબ્રેરી સહિત સારાય વિશ્વમાં ફેલાયેલી છે. આવી અણમોલ શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટની મુલાકાતે આવેલા મુંબઈના ગર્વનર જ્હોન માલ્કમને ભેટ આપી હતી, જે આજે પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં સચવાઇ રહી છે. આજે પણ જે ભક્તો ત્યાં જઈને શિક્ષાપત્રીનાં દર્શન કરવા ઈચ્છે છે તેમને દર્શન કરાવાય છે.
આવી 212 શ્લોકની સદ્બોધિની શિક્ષાપત્રીમાંથી અહીંયા મનનીય સંસ્મરણો ચૂંટીને મૂક્યાં છે. તો આપણે તેને વાંચીએ અને તેને જીવનમાં ઉતારી કૃતાર્થ બનીએ.
• અહિંસા આદિક સદાચાર, તેને જે મનુષ્ય પાળે છે તે આલોક ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. (શ્લોક-8)
• ઝીણા એવા જૂ માંકડ, ચાંચડ આદિ કોઈ જીવ પ્રાણીમાત્રની પણ હિંસા ન કરવી. (શ્લોક 11)
• ક્રોધે કરીને અથવા કોઈ અયોગ્ય આચરણ થઇ જાય તે થકી મૂંઝાઇને પણ આત્મઘાત ન કરવો. (શ્લોક 14)
• ધર્મ કરવાને અર્થે પણ, કોઈએ ચોરનું કર્મ ન કરવું. (શ્લોક 17)
• ક્યારેય વ્યભિચાર ન કરવો તથા ભાંગ, મફર, માજમ ગાંજો એ આદિક વ્યસન તેનો ત્યાગ કરવો. (શ્લોક 18)
• જે કૃતઘ્ની હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિષે કોઈની લાંચ ન લેવી. (શ્લોક 26)
• ગાળ્યા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું. (શ્લોક 30)
• જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી હોય તથા ગુરુએ સર્વેનું અપમાન ન કરવું. (શ્લોક 35)
• વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. (શ્લોક 36)
• કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. (શ્લોક 37)
• જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. (શ્લોક 38)
• નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. (શ્લોક 63)
• ગુરુ, રાજા, અતિવૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એમનું સન્માન કરવું. (શ્લોક 69)
• ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. (શ્લોક 73)
• સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું. (શ્લોક 79)
• ભગવાનને વિષે ભક્તિ ને સત્સંગ કરવો તે બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. (શ્લોક 114)
• હરકોઈ અન્નાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને સંભાવના કરવી. (શ્લોક 131)
• પૃથ્વીને વિષે સદ્વિધાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. (શ્લોક 132)
• પોતાની મા, બેન અને દીકરી તે સંગાથે પણ આપત્કાળ વિના એકાંત સ્થળને વિષે ન રહેવું. (શ્લોક 136)
• માતા પિતા અને ગુરુ તથા રોગાતુર તેમની સેવા તે જીવનપર્યંત કરવી. (શ્લોક 139)
• અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ તથા દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહિ. (શ્લોક 175)
સહજાનંદ સ્વામી રચિત શિક્ષાપત્રી ગ્રંથનો પ્રાદુર્ભાવ થયો તેનો બીજી ફેબ્રુઆરી ને રવિવારના રોજ 200 મા મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આપણે આ ગ્રંથ જીવનમાં એકવાર અવશ્ય વાંચીએ અને આપણી જીવન કેડીને કંડારીએ.