ગઈકાલે અને આજે રાજવી પરિવારો કે ધનકુબેરો પોતાના માટે પોતાના ઈષ્ટદેવનું મંદિર બનાવે એ નવાઈ ન હતી. આવું મંદિર પરિવાર કે મર્યાદિત લોકો માટે પૂજાનું સ્થાન બનતું. અમેરિકામાં એક ગુજરાતી ખેડૂતે શિવમંદિર સર્જ્યું છે. પોતાના ૩૭૫ એકરના ફાર્મમાં એક ભાગમાં તેમણે પોતાના માટે શિવ મંદિર બનાવ્યું છે. બનાવ્યું પોતાના માટે પણ સૌના ઉપયોગ માટે ખૂલ્લું મૂક્યું છે.
મંદિર છે શિખરબંધ અને આધુનિક સગવડોથી ભરેલું. મંદિરમાં કોઈ પગારદાર પૂજારી નથી. બનાવનાર પોતે જ નિયમિત પૂજા અને આરતી કરે છે. મંદિરમાં બબ્બે રાજ્યમાં વસતા ભારતીય હિંદુઓ આવે છે. મંદિર છે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં. એટલાન્ટાથી આશરે સવા બસ્સો માઈલ દૂર મોલ્ટ્રી નામના ગામમાં છે. જોકે, ગામ પણ પંદર માઈલ દૂર. મોલ્ટ્રી જ્યોર્જિયામાં, પણ ફ્લોરિડા રાજ્યની સરહદ નજીક. આથી મંદિરમાં ફ્લોરિડા અને જ્યોર્જિયા બંને રાજ્યના લોકો આવે છે. નજીકમાં ક્યાંય હિંદુ મંદિર નથી આને કારણે શનિ, રવિ અને તહેવારોના દિવસોમાં દર્શનાર્થીઓ વધુ આવે છે.
મંદિરના સ્થાપના દિવસે અખાત્રીજે મંદિરમાં ૨૫૦થી ૩૦૦ માણસોને શાકાહારી ગુજરાતી ભોજન જમવાનું મળે છે. આવી જ રીતે શિવરાત્રિ ધામધૂમથી ઊજવાય છે. ગણેશ ચતુર્થી, રામનવમી, જન્માષ્ટમી અને શ્રાવણ માસના બધા સોમવાર ઊજવાય છે. વૈરાગ્યપ્રિય સ્મશાનવાસી શિવના મંદિરમાં ગણપતિ, હનુમાન, અંબાજી, રાધાકૃષ્ણ, રામ વગેરેના ફોટા છે તેથી બધા હિંદુઓને રસ પડે અને પોતે માનતા હોય તેની પૂજા કરે. મંદિરમાં સુંદર શિવલિંગ છે.
મંદિર હોય તો ફંડફાળા હોય જ - પછી મંદિરનું ટ્રસ્ટ હોય કે ખાનગી માલિકી હોય. એક કે બીજા નિમિત્તે આવનાર દાન આપે તેવા સીધા કે આડકતરા પ્રયત્નની નવાઈ નથી - પછી ભારતમાં હોય કે દુનિયાના બીજા દેશમાં. અહીં ક્યારેય ફંડફાળાની અપીલ થતી નથી. મંદિરની પેટીમાં ઈચ્છા થાય તે નાખે. તહેવારમાં આવનાર બધા ભક્તોને મંદિર જમાડે છે. ૬૦થી ૮૦ માઈલ દૂરથી આવનાર એમની રીતે પૂજા અને ભક્તિ કરે છે. દૂરથી આવનાર ફાર્મના કુદરતી વાતાવરણમાં ભક્તિ સાથે પિકનિકનો આનંદ અનુભવે.
મંદિરના જરૂરતમંદ વ્યક્તિને ઈશ્વરની સાક્ષીએ લગ્ન કરવાની સગવડ છે. ૫૦૦ માણસ બેસી શકે તેવો સભાખંડ છે. મંદિરમાં મંડપ, મોંયરું, ચંદરવો છે. રસોઈ બનાવવાના અને જમવાના વાસણો છે. જમવા માટે બેસવા ટેબલ-ખુરશીની વ્યવસ્થા છે. કોઈ પણ ચીજનું ભાડું લેવાતું નથી. જેને સ્વેચ્છાએ આપવું હોય તે મંદિરની પેટીમાં મૂકે. શરમાવીને કે ઉઘરાવીને કોઈની પાસેથી પૈસા લેવાતા નથી.
મંદિર માટે કોઈ ફંડફાળો લેવાનો નહીં. સામે ચાલીને કોઈ આપે તો કહેવામાં આવે, મંદિરની પેટીમાં જે મૂકવું હોય તે મૂકવું. કોઈ કહે, ‘મંદિરમાં આવું કર્યું હોય તો સારું. અમે પૈસા આપીએ...’ સ્થાપક એવા પૈસા પણ ના લે અને પોતાના ખર્ચે કરી નાંખે. ગુજરાતમાં એક જ જગ્યાએ દાન-ભેટ લેવાતું નથી અને તે છે વીરપુરમાં સંત જલારામનું મંદિર. અમેરિકામાં આવું કરનાર, આ મંદિરના સ્થાપક છે રાજુ દરબાર. મૂળ નામ છે રાજેન્દ્રસિંહ રાઉલજી. આણંદ પાસે ભરોડાના મૂળ વતની અને રાજવી પૂર્વજોના વંશજ. આ બધી ઓળખ હવે રહી નથી એકમાત્ર ઓળખ રહી છે રાજુ દરબાર.
રાજુભાઈ બીએસ.સી. થઈને સહાધ્યાયી અને પોતાના જ ગામના અમેરિકાસ્થિત મિત્ર ચંદુભાઈ પટેલ (સીઝેડ)ને કારણે ૧૯૭૦માં અમેરિકા આવ્યા. ફિલાડેલ્ફિયામાં મેડિકલ પ્રોડક્ટ્સનાં સાધનો બનાવતી યહૂદીની માલિકીની એક કંપનીમાં ક્લાકના એક ડોલર અને દશ સેન્ટથી નોકરીની શરૂઆત કરી. સતત મહેનત અને પ્રામાણિકતાથી વિશ્વાસ પ્રાપ્ત કરીને અંતે ત્યાં જ વાર્ષિક ૮૦,૦૦૦ ડોલરના પગારની મેનેજરની જોબ મેળવી. આ વખતે તેમણે સંખ્યાબંધ ગુજરાતીઓને નોકરી આપી. નોકરી કરતા ગુજરાતીઓ માટે નજીકના બ્રિસ્ટોલ ગાર્ડન નામના એપાર્ટમેન્ટ સંકુલમાં રહેવાનું શોધ્યું. આજે તે વિસ્તારમાં મોટા ભાગની વસતી ગુજરાતીઓની છે.
૧૯૮૨માં ફિલાડેલ્ફિયામાં ફાર્મ રાખ્યું. નોકરીની સાથે એ ફાર્મમાં કામ કરે અને કરાવે. તેમાં ભારતીય પ્રકારના શાકભાજી પકવે. પેક કરીને વેચે. સાથે પિતા દીપસિંહ બધું સંભાળે. આ પછી ૧૯૮૭માં ફ્લોરિડામાં ફાર્મ રાખ્યું. બે જગ્યાએ પહોંચી ના વળાય માટે ૧૯૯૦માં નોકરી છોડી અને ખેતીમાં પડ્યા. અંતે એ બંને ફાર્મ વેચીને વળી ૧૯૯૬માં જ્યોર્જિયાના મોલ્ટ્રીમાં ૩૭૫ એકરનું ફાર્મ લીધું. જેમાં એમણે શિવ મંદિર કર્યું. આ ફાર્મમાં થતાં શાકભાજીના સ્થળ પર થતા વેચાણમાંથી દર રતલે ૨૫ સેન્ટ એ મંદિરની દાનપેટીમાં નાંખે છે. દર્શનાર્થીઓ પેટીમાં નાખે એ અલગ. વર્ષ દરમિયાન થતી રકમનો એ શિવકાર્યમાં ઉપયોગ કરે છે. શિવ એટલે કલ્યાણ.
વતનમાં એમની પાસે ખૂબ મોટું મકાન - હવેલી છે. જમીન પણ છે. પોતે પગારદાર દરજી કુટુંબ રાખે છે. પેલી શિવ મંદિરની પેટીની રકમમાંથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ગણવેશ માટે કાપડ ખરીદે છે. દરેક વર્ષે આસપાસના ગામોની બે-ચાર શાળા પસંદ કરે. ત્યાં દરજી પહોંચી જાય. બાળકોનું માપ લે. દરેક બાળકને બે જોડ માપ લઈને સીવેલો ગણવેશ વિનામૂલ્યે આપે. આવી રીતે દર વર્ષે શાળા બદલે જેથી વધુ લાભાર્થી સંતોષાય.
શિવભક્ત રાજુ દરબારે ચારુતર વિદ્યામંડળને પિતાના નામે દાન આપ્યું છે. ભરોડાની પ્રાથમિક શાળામાં પ્રાર્થના મંદિર બાંધી આપ્યું છે. બાજીપુરા ગામમાં પ્રાથમિક શાળાનું અદ્યતન મકાન બાંધી આપ્યું છે અને ત્યાં ૨૦ કોમ્પ્યુટર આપ્યાં ઉપરાંત શીખવવા માટે શિક્ષકનો પગાર પણ આપે છે. ભરોડા ગામની શાળામાં પાંચમાંથી બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને નોટો પૂરી પાડે છે. એમના દાનની અને મદદની યાદી ઘણી લંબાવી શકાય તેમ છે. શિવભક્તિ અને શિવકાર્યમાં મસ્ત રાજુ દરબારની ઉદારતા અને અમેરિકામાં ભારતીય શાકભાજીના ઉત્પાદન ક્ષેત્રે કરેલી પહેલ અને અખતરાએ તેમની નામના વધારી છે.