પવિત્ર શ્રાવણ માસનું આગમન (આ વર્ષે 5 ઓગસ્ટથી) થઈ રહ્યું છે. આપણે સહુ જાણીએ છીએ કે શ્રાવણ માસમાં શિવ ઉપાસનાનું ખૂબ મહત્ત્વ છે. શ્રાવણ માસ એટલે વર્ષાઋતુ. પ્રભુ શિવને શ્રાવણ માસના અધિષ્ઠાતા દેવ ગણીએ છીએ. શ્રાવણના ઉપાસ્ય દેવ ગણીએ છીએ. આ પવિત્ર માસમાં વિભિન્ન પ્રકારથી પૂજા-ધાર્મિક ઉત્સવ, શિવ ઉપાસના થાય છે. ખાસ કરીને આ માસમાં પવિત્ર નદીઓમાં સ્નાનનું મહત્ત્વ પણ એટલું જ છે.
ઘણા શ્રદ્ધાળુઓ સૂર્યોદય પહેલાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો નિયમ રાખે છે. જ્યાં નદી, તળાવ, ઝરણા ઉપલબ્ધ ન હોય ત્યાં શ્રદ્ધાળુઓ સૂર્યોદય પૂર્વે પોતાના ઘરમાં જ અતિ પવિત્ર સ્નાન કરવાનો નિયમ રાખે છે. ઘણી મહિલાઓ આખા શ્રાવણ માસ દરમિયાન મનોકામના પૂર્તિ અર્થે પવિત્ર સ્નાન અને ઉપવાસનો નિયમ રાખે છે. કુંવારી કન્યાઓ ભવિષ્યના સુખી દાંપત્યજીવન માટે સ્નાન, ઉપવાસ, શિવપૂજા, જાગરણ જેવા નિયમો ધારણ કરે છે. વિવાહિત સ્ત્રીઓ પતિ અને પરિવારની મંગલકામના માટે નિત્ય શિવમંદિર જઈને શિવજીને અભિષેક કરવાનો નિયમ રાખે છે. આ રીતે સમગ્ર ભારતવર્ષમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી શ્રાવણ માસ ઊજવાય છે.
વિશેષ રૂપથી જોઈએ તો, દેશભરનાં શિવાલયોમાં સદાશિવનો પવિત્ર અભિષેક, બિલ્વ અભિષેક, રુદ્રાભિષેક, રુદ્રી, હોમાત્મક રુદ્રી જેવા પવિત્ર પૂજન-અર્ચન કાર્યોનાં આયોજનો થાય છે. આખા માસ દરમિયાન દરેક શ્રદ્ધાળુઓનાં ઘરમાં, શિવાલયોમાં શિવમહિમ્ન સ્તોત્ર, શિવતાંડવસ્તોત્ર, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવચાલીસા જેવા પવિત્ર સ્તોત્રોનો ગુંજારાવ રણક્યા કરે છે. જ્યાં જુઓ ત્યાં શિવ... ઘરમાં, દુકાનોમાં, ઓફિસોમાં, શિવાલયોમાં, સામાજિક સંસ્થાઓમાં તમામ જગ્યાએ શિવ... શિવ... શિવ... છે. પવિત્ર શ્રાવણ માસને અને ધન્ય છે શ્રદ્ધાળુઓની શિવભક્તિને.
આપણને એક વિચાર એ પણ આવે કે સદાશિવને શ્રાવણ માસનું કામ અતિ પ્રિય છે અને અન્ય દિવસ કરતાં આ માસની પૂજાભક્તિથી અતિ પ્રસન્ન કેમ છે?
ભગવાન શિવને શ્રાવણ માસ અતિપ્રિય છે તેનું કારણ અને તેના પાછળની કથા ખૂબ સુંદર છે.
દક્ષના પુત્રી માતા સતીએ જીવનની તમામ ચીજવસ્તુનો ત્યાગ કરીને ઘણા વર્ષો સુધી શ્રાપિત જીવન જીવ્યાં. ત્યાર બાદ ઘણા સમય વીત્યા બાદ સતીએ બીજા જન્મમાં હિમાલય રાજાના ઘરે પુત્રી પાર્વતીના રૂપમાં અવતાર લીધો. હિમાલય પુત્રી પાર્વતી શિવજીને મનોમન વરી ચૂકી હતી. શિવજીને પતિના રૂપમાં પામવા માટે ખૂબ જ આકરી અને કઠોર તપશ્ચર્યા કરી અન્ન-જળનો ત્યાગ કરી સતત અગ્નિની વચ્ચે રહીને શિવને પામવા માટે આકરું તપ કર્યું. પાર્વતીએ જે આકરી તપશ્ચર્યા કરી એ સમય શ્રાવણ માસ હતો. પાર્વતીની આકરી તપશ્ચર્યા જોઈ સદાશિવ અતિ પ્રસન્ન થયા અને પાર્વતીની ઇચ્છા મુજબ પાર્વતીને શિવજી પ્રાપ્ત થયા. ભગવાન સદાશિવને ખૂબ જ આકરા અને લાંબા વિરહ બાદ પુનઃ પોતાની ભાર્યા સાથે મિલન થયું. આ કારણથી સદાશિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે.
માતા પાર્વતી શ્રાવણ માસમાં શિવને વરી ચૂક્યાં, શિવને પ્રસન્ન કરી પતિના રૂપમાં મેળવ્યા તેમાંથી પ્રેરણા લઈને આપણા સમાજની કુંવારી કન્યાઓ ખાસ આ શ્રાવણ માસમાં પાર્વતી સહિત સદાશિવની ઉપાસના કરે છે અને સારો પતિ મેળવવા માટે નિત્ય શિવાલય જઈ શ્રાવણ માસમાં જલાભિષેક અને દૂધાભિષેક કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. મા પાર્વતી અને સદાશિવ પાસે પોતાના ભવિષ્યના ભરથારની માગણી કરે છે. કુંવારી કન્યાઓ ઇચ્છે છે કે જે રીતે માતા પાર્વતીને આ માસમાં શિવજી પ્રસન્ન થયાં તે રીતે આપણા સહુની પણ મનોકામના પૂર્ણ કરે. આવી ભાવનાથી પૂજા-પાઠ, અભિષેક, રુદ્રી વગેરે શ્રદ્ધાપૂર્વક કરીને ધન્ય બને છે.
બીજી એક વાત એ પણ છે કે સદાશિવને શ્રાવણ માસમાં આ ધરતી ઉપર વિચરણ કરી પોતાના સસુરાલમાં પધાર્યા હતા. ત્યાં તેનું અભિષેક, મહાઅભિષેક દ્વારા સ્વાગત સન્માન થયું હતું. એટલે જ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સહુ શિવાલયે જઈ શિવલિંગ ઉપર જલાભિષેક, દૂધાભિષેક અને પંચામૃત અભિષેક કરીએ છીએ. શિવજીને જલાભિષેક અતિ પ્રિય એ માટે છે કે સમુદ્રમંથન વખતે હળાહળ ઝેર ગ્રહણ કર્યું હતું તેની પીડાથી બચાવવા દેવતાઓએ શીતલ જળનો અભિષેક સદાશિવ ઉપર કર્યો હતો.
એક માન્યતા એવી પણ છે કે આ સમયમાં સૃષ્ટિના પાલનકર્તા શ્રીહરિ ચાર માસ દરમિયાન ક્ષીરસાગરમાં જતા રહે છે. સંપૂર્ણ સૃષ્ટિ સદાશિવને આધીન બની જાય છે. તેથી સૃષ્ટિકર્તાને પ્રસન્ન કરવા હેતુ શ્રદ્ધાળુઓ શિવ ઉપાસના, દાન-પૂણ્ય વગેરે કરે છે. ખાસ ચોમાસાની અનરાધાર વર્ષામાં શિવજીને પોતાના વિષ કષ્ટથી ખૂબ જ રાહત લાગે છે. તેથી આ શ્રાવણ માસ સદાશિવને અતિ પ્રિય છે અને ખાસ આ સમયમાં કરેલા અનુષ્ઠાન, જપ-તપ, દાન-પૂણ્ય અનેક ગણા થાય છે.
આ પવિત્ર શ્રાવણ માસમાં નિત્ય શિવાલય જઈને શીતલ જળથી તામ્રપાત્રથી અભિષેક કરવાથી શિવ પ્રસન્ન થાય. વિશેષમાં શિવજીને અતિપ્રિય બિલીપત્ર છે. શ્રાવણ માસમાં નિત્ય બિલ્વપત્ર ચડાવવાથી, પંચામૃત અભિષેક કરવાથી, કાળા અને સફેદ તલ વડે અભિષેક કરવાથી, ધતૂરાનાં ફૂલ અને આકડાનાં ફૂલ ધરાવવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ અથવા એકટાણું જમીને પણ આપણા શરીરને ઉપાસના યોગ્ય બનાવીને સદાશિવની ઉપાસના કરી શકીએ. જો આખો માસ ઉપવાસ કે એકટાણું ન થઈ શકે તો શિવને પ્રિય એવી તિથિ ચૌદસ, અગિયારસ, પ્રદોષ કાળ, સોમવાર, પૂનમ અને અમાસ આ તિથિમાં ખાસ ઉપવાસ કે એકટાણું કરીને શિવ ઉપાસના તેમજ મૃત્યુંજયના જપ પાઠ કરીને શ્રાવણ માસમાં શિવને પ્રસન્ન કરી શકીએ. તો આવો સહુ પવિત્રતાથી, પરિવાર સાથે શિવજીને પ્રસન્ન કરવાનો નમ્ર પ્રયાસ કરીને આપણા જીવનને ધન્ય બનાવીએ. ૐ નમઃ શિવાય...