ભારતીય બંધારણ સભામાં નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે બ્રિટિશ ઈન્ડિયાના વિભાજનના વિરોધની કોંગ્રેસની નીતિ છતાં ભાગલાને કેમ સ્વીકાર્યા એની વાત સુંદર અને ગૌરવપૂર્ણ શબ્દોમાં મૂકી છેઃ ‘મોહમ્મદ અલી ઝીણાને તો આખું પંજાબ અને આસામના સિલહટ સહિતના આખા બંગાળને પાકિસ્તાનમાં ભેળવવું હતું, પણ અમે બંગાળ અને પંજાબના ભાગલા કરાવીને છિન્નભિન્ન પાકિસ્તાન આપ્યું અને એમણે સ્વીકારવું પડ્યું.’
પાકિસ્તાની મૂળનાં અમેરિકાનિવાસી ઈતિહાસકાર અયેશા જલાલ પણ લખે છે કે ઝીણાને તૂટેલુંફૂટેલું પાકિસ્તાન સ્વીકાર્યા વિના છૂટકો નહોતો. નેતાજી સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝ અને બંગાળના એ વેળાના મુસ્લિમ લીગી પ્રીમિયર હુસૈન શહીદ સુહરાવર્દીએ અલગ બંગાળ દેશ માટે ચલાવેલી ઝુંબેશમાં હિંદુ મહાસભાવાદી નેતા ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને બીજા કોંગ્રેસી હિંદુ બંગાળી આગેવાનોએ ફાચર મારીને પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળનું સર્જન કરાવ્યું. કોલકાતા સાથેના બંગાળના ઝીણાના સ્વપ્નનને ચકનાચૂર કર્યું.
પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ ઢાકા સાથે મુસ્લિમ બહુલ પૂર્વ બંગાળ પૂર્વ પાકિસ્તાન બન્યું. કોલકાતા સાથેનું હિંદુ બહુલ પશ્ચિમ બંગાળ ભારત સાથે ભળ્યું. પશ્ચિમમાં આખ્ખેઆખ્ખું પંજાબ ઝીણાએ ગપચાવવું હતું. ભગવાન રામના બે પુત્રોમાંથી લવના નામ સાથે જોડાયેલું લાહોર તો પાછું શીખ મહારાજા રણજિત સિંહની રાજધાની પણ હતું. પંજાબના પશ્ચિમ ભાગમાં મુસ્લિમોની વસ્તી વધુ હતી. જોકે, લાહોર સહિતના પંજાબમાં શીખો અને હિંદુઓ મોટા ભાગની સંપત્તિના માલિક હતા એટલું જ નહીં, પૂર્વ પંજાબમાં શીખો અને હિંદુઓની બહુમતી હતી. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકનું જન્મસ્થળ નાનકાના સાહબ પણ પશ્ચિમ પંજાબમાં આવતું હતું.
આખેઆખું પંજાબ પાકિસ્તાન સાથે જોડવા માટે ઝીણાએ શીખોના ૧૯૨૦માં સ્થપાયેલા અકાલી દળ તથા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (એસજીપીસી)ના પ્રભાવી અગ્રણી માસ્ટર તારાસિંહ સહિતનાને લલચામણી ઓફરો ખૂબ કરી, પણ તારાસિંહ સહિતનાને ઝીણાની આંખમાં રમતાં સાપોલિયાંનો અણસાર મળી ગયો હતો. આમ પણ મુઘલ શાસકોએ શીખ ધર્મગુરુઓ અને પ્રજા સાથે જે ખેલ ખેલ્યા હતા એ પછી મુસ્લિમોનો ભરોસો બેસે કઈ રીતે?
પાકિસ્તાન ઠરાવનો શીખો થકી વિરોધ
બ્રિટિશ ઈન્ડિયામાં અંગ્રેજ શાસકો સાથે શીખોનો ઘરોબો હોવાની છાપ છતાં અંગ્રેજ હાકેમોએ જ નહીં, કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પણ શીખો સાથે વિભાજન વેળા દગોફટકો જ કર્યો. એ વેળાની હિંદુ પાર્ટી ગણાતી કોંગ્રેસના સુપ્રીમ કમાન્ડર મહાત્મા ગાંધી તો કોંગ્રેસને તમામ ધર્મોની જ નહીં, દલિતોની પણ પ્રતિનિધિ લેખવાનું પસંદ કર્યું હતું. બીજી ગોળમેજી પરિષદમાં ડો. બાબાસાહેબ આંબેડકરને કરોડો દલિત ભારતીયોના નેતા માનવાનો મહાત્માએ ઈનકાર કરી દીધો હતો. ડો. આંબેડકરને બદલે એમણે ઝીણા સાથે સંતલસ કરવાનું પસંદ કર્યું હતું. એટલે ભાગલા વખતે કોંગ્રેસ અને મુસ્લિમ લીગને જ પ્રાધાન્ય મળતું રહ્યું.
જોકે, શીખોના નેતા માસ્ટર તારાસિંહે મુસ્લિમો માટેનું પાકિસ્તાન અપાવાનું હોય તો અમને શીખોનું અલગ રાજ્ય ખપે છે એવું સુણાવ્યું એટલે વાઈસરોય લોર્ડ વેવેલે તારાસિંહને શીખોના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ૧૯૪૬ની સિમલા પરિષદમાં તેડાવ્યા. તારાસિંહ અને તેમના સમર્થકોએ માર્ચ ૧૯૪૦માં મુસ્લિમ લીગે ‘પાકિસ્તાન ઠરાવ’ કર્યો ત્યારે મે ૧૯૪૦માં અકાલ તખ્ત ખાતે શીખોના અધિવેશનનું આયોજન કરીને પાકિસ્તાન તો ધોળાધર્મે પણ રચાય નહીં એવી ભૂમિકા સ્પષ્ટ કરતાં શપથ લેવડાવ્યા હતા. કોંગ્રેસ તો છેક એપ્રિલ ૧૯૪૨ લગી પાકિસ્તાન ઠરાવ અંગે કોઈ સ્પષ્ટ ભૂમિકા લઈ શકી નહોતી.
જવાહરલાલ નેહરુ વચન આપી ફરી ગયા
સપ્ટેમ્બર ૧૯૪૬માં વચગાળાની સરકારમાં જોડાવવા માટે શીખોને મનાવી લેવાના પંડિત જવાહરલાલ નેહરુએ પ્રયાસ આદર્યા ત્યારે તારાસિંહે પોતાના સાથી સરદાર બલદેવસિંહને એ સરકારમાં જોડાવાની સંમતિ આપતાં નેહરુ કનેથી પંજાબના સ્વાયત્ત સુબાનું વચન લીધું હતું. બલદેવસિંહ સંરક્ષણ મંત્રાલયના અખત્યાર સાથે સરકારમાં જોડાયા તો ખરા પણ નેહરુએ વચન પાળ્યું નહીં. ઊલટાનું સરદાર તારાસિંહની ઈજ્જતના ધજાગરા કર્યાં. પાછળથી નેહરુ-પુત્રી ઈંદિરા ગાંધીએ પણ પંજાબ સૂબાની રચના વખતે રાજધાની ચંદીગઢ આપવા અને હરિયાણા શીખ બહુલ વિસ્તારો પંજાબમાં મૂકવાના વચનને ફોક કર્યું. તેમણે શીખોના આક્રોશનાં દુષ્પરિણામ ભોગવવાં પડ્યાં.
નેહરુની જેમ જ ઈંદિરા ગાંધીએ વડા પ્રધાન તરીકે માસ્ટર તારાસિંહની નેતાગીરીને નાબૂદ કરવાનાં છળકપટ ચલાવ્યાં. ૧૯૬૬માં પંજાબની રચના તો થઈ પણ તારાસિંહને નેહરુ તથા ઈંદિરાએ આપેલા વચન અધૂરાં રહ્યાં. તેમણે જમ્મુ-કાશ્મીર જેવો ખાસ ૩૭૦ કલમ સમકક્ષ બંધારણીય દરજ્જો અપેક્ષિત માન્યો ત્યારે તારાસિંહને ‘રાષ્ટ્રદ્રોહી’, ‘દેશદ્રોહી’ ગણાવીને જેલમાં ઠાંસવામાં પણ સરકારે પાછું વળીને જોયું નહીં. ૨૨ નવેમ્બર ૧૯૬૭ના રોજ માસ્ટર તારાસિંહનું નિધન થયું. એમના સાથી રહેલા સંત ફતેહસિંહ સામે એમને મતભેદ થાય એવી કોશિશો પણ સરકાર તરફથી થતી રહી. ૩૦ ઓક્ટોબર ૧૯૭૦ના રોજ ફતેહસિંહનું પણ નિધન થયું.
આતંકવાદ અને હિંસાચાર
એ પછી પંજાબ આતંકવાદના માર્ગે ખાલિસ્તાનની માગણી કરતાં હિંસક અથડામણોમાં અટવાતું રહ્યું. ૧૯૮૪માં પવિત્ર સુવર્ણ મંદિરમાં કોંગ્રેસી નેતાઓ જ્ઞાની ઝૈલસિંહ અને દરબારાસિંહે પોષેલા સંત જરનેલ સિંહ ભિંડરાંવાલેના હિંસક પ્રભાવને તોડવા લશ્કર મોકલવું પડ્યું. એના પ્રત્યાઘાત રૂપે વડાં પ્રધાન શ્રીમતી ગાંધીની જ નહીં, લશ્કરી વડા રહેલા જનરલ એ. એસ. વૈદ્યની પણ હત્યા કરવામાં આવી. પંજાબી સૂબાની રચનાના પાંચ દાયકા પછી પણ ચંદીગઢ રાજધાની તરીકે એને સોંપાયું નથી. ચંદીગઢ આજે પંજાબ, હરિયાણા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની સંયુક્ત રાજધાની છે.
નવાઈ તો એ વાતની છે કે જે સંઘ-જનસંઘ પંજાબી સૂબાની રચનાનો વિરોધ કરતો રહ્યો એના નવઅવતાર ભાજપ સાથે પંજાબમાં અકાલી દળે દસ વર્ષ રાજ કર્યું. અત્યારે ફરી ત્યાં કોંગ્રેસનું શાસન સ્થપાયું છે.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૫ એપ્રિલ ૨૦૧૭, વેબલિંકઃ http://bit.ly/2pllFE4)