જવાહરલાલ નેહરુએ કોઈવાર ગુસ્સામાં એવું કહ્યું હતું કે દરેક હિન્દુ, ગમે તેવો મોટો બુદ્ધિજીવી હોય, તેની ચામડીની અંદર હિન્દુ આસ્થાનું જ લોહી વહેતું હોય છે. ભલે તે ઉદારવાદી કે સેક્યુલર હોય. મને લાગે છે કે જવાહરલાલ પોતાના વિષે આત્મમંથન કરતા રહેતા તેમાંથી આ સત્યની શોધ કરી હશે. અંતિમ વિદાય સમયે તેમના અસ્થિ ભારતની નદીઓમાં વહેતા કરવામાં આવે એવી ઈચ્છા કરી હતી ને તે પૂરી કરવામાં આવી હતી. ઇન્દિરાજી તેના ગળામાં રુદ્રાક્ષ પહેરતા અને પુત્ર રાહુલે હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર કરાવ્યા હતા. નસીબ જોગે રાહુલ ને ચૂટણી નિમિત્તે જનોઈ પહેરવી પડી અને અયોધ્યાને બાદ કરતાં બીજા મંદિરોમાં દર્શન કરવા જતા થયા છે. એકમાત્ર રોબર્ટ વાડ્રા આમાથી બાકાત હોય તેવું લાગે છે. તેના કોંવેંટ સ્કૂલમાં ભણતા બાળકો વિષે ખબર નથી.
આ મુદ્દો ઉખેળવાનું નિમિત્ત આચાર્ય પ્રમોદ ક્રુષ્ણન છે. કોંગ્રેસમાં 1947 પહેલા તો હિન્દુ વિચારધારાને દ્રઢતાથી માનનારા ઘણા આગેવાનો હતા. પંડિત મદન મોહન માલવિયાથી રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન સુધી એવી પરંપરા રહી. સમાજવાદી અને જમણેરી એવા બે ભાગ તો હતા જ. સરદાર વલ્લભભાઈ, ડો.રાજેન્દ્રપ્રસાદ , એન.વી. ગાડગીલ વગેરે જમણેરી વિચાર સાથે જોડાયેલા હતા. સરદારે ડો. શ્યામપ્રસાદ મુખરજીએ વચગાળાની સરકારમાં કેન્દ્રિય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું ત્યારે સરદારે તેમણે કહ્યું હતું કે મારા સમર્થનમાં મોટી ખોટ પડશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર પ્રતિબંધ દરમિયમ એકનાથ રાનડે સરદારને મળવા ગયા ત્યારે તેમણે તત્કાલિન સમસ્યાઓ માટે સંઘ તેમની સાથે રહે એવી ઈચ્છા અને સલાહ આપી હતી. કારણ સ્પષ્ટ હતું, રફી એહમદ કિડવાઇ જેવા સમાજવાદી પ્રગતિશીલો, અને શેખ અબ્દુલ્લા જેવા અલગાવવાદીઑ નું નેહરૂ પર માનસિક વર્ચસ્વ હતું. સરદારે તો નવેમ્બર 1947 ના જુનાગઢ મુક્તિ સભા પછી તુરત સોમનાથ જઈને તેનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ લીધો, તેના નિર્માણમાં સરકારી પૈસો વાપરવામાં ના આવે એવો નેહરુનો અભિપ્રાય હતો એટ્લે ટ્રસ્ટ રચાયું, તેમાં મુન્શી જેવા હિન્દુ કોંગ્રેસી સામેલ રહ્યા. સોમનાથની પ્રતિષ્ઠાપના સમયે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ તેનો શુભારંભ કરવા ના જાય તેમ તત્કાલિન વડા પ્રધાન જવાહરલાલે કહ્યું, જો કે રાષ્ટ્રપતિ ગયા.
આ ઘટનાઓ કેટલાક સંકેતો આપે છે. આમ તો લિબરલ્સ, લેફટિસ્ટ, પ્રગતિશીલ, સમાજવાદી, સેક્યુલર એવી ઓળખાણો છે કે રાજકારણમાં તે ગમે ત્યાં, ગમે તે રીતે, ઘૂસી જાય છે. કોંગ્રેસમાં એક સમાજવાદી જુથ હતું, પછી થી તે સમાજવાદી પક્ષ તરીકે નવા પક્ષ તરીકે બહાર આવ્યા. લોહીયા, જયપ્રકાશ, અચ્યુત પટવર્ધન, નાથપાઈ જેવા સમર્થ નેતાઓ હોવાથી અમુક અંશે વિરોધ પક્ષ તરીકે અસરકારક રહ્યા, પણ ઇન્દિરાજી આવતા સુધીમાં તો તેઓ કોંગ્રેસી બની ગયા. સામ્યવાદીઓએ પણ એ રસ્તો લીધો.
આજે ભાજપમાં સામેલ થનારાઓ મોટેભાગે તો કોંગ્રેસમાં કે એન,સી.પી માં સત્તા ભોગવી ચૂકેલા નેતાઓ છે. તેમણે આ જમણેરી કે ડાબેરી જેવુ લેબલ મારી શકાય તેમ નથી. કોંગ્રેસ અને બીજા પક્ષોમાં પોતાનું ભવિષ્ય ના જોઈ શકનારા આવું કરે તો તેમાં નવાઈ જેવુ કશું નથી. આમાં મુખ્યમંત્રીઓ પણ જોડાયા છે. કમલનાથ તો ખેલાડી રાજકારણી છે. કાશી વિશ્વનાથ કે બાગેસ્વર બાબા પાસે વંદન કરવા જતાં કોઈ ભય લાગ્યો નહીં કે કોંગ્રેસ તેને હાંકી કાઢશે. પણ પ્રમોદ કૃષ્ણનના જવા પછી તેમના લોકોએ સૂરસૂરિયું મૂક્યું કે કમલનાથ ભાજપમાં જશે. આવું બને તો રાહુલ ની ભારત જોડો યાત્રા દરમિયાન જેમ નિતિશ કુમારે છાવણી બદલી તેવો બીજો વિસ્ફોટ થવાનો હતો. મમતા અને અખિલેશ કે કેજરીવાલ પણ થમ્સ અપ કરે તેવું વાતાવરણ થઈ ચૂક્યું છે. હમણાં ટીવી ચેનલ પર એક કોંગ્રેસ પ્રવકતા કહેતા હતા કે 2024 માં જીતશે તો કોંગ્રેસ જ, કેમ કે ભાજપમાં પણ હવે કોંગ્રેસ છે!
પણ પ્રમોદ કૃષણનની વાત જરા જુદી છે. અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા ઉત્સવમાં કોંગ્રેસ નહિ જાય એવા નિર્ણયની તેમણે આકરી ટીકા કરી, કલ્કિ ધાર્મિક સ્થાન ઉત્સવમાં વડા પ્રધાન નરેંદ્ર મોદીને બોલાવ્યા, “રાહુલ કરતાં તો મોદી જલ્દી મુલાકાત આપે છે” એમ કહ્યું. કોંગ્રેસની અંતિમ વિદાય નક્કી છે એવું કહ્યું એટ્લે કોંગ્રેસે તેમને છ વર્ષ સુધી પક્ષમાથી કાઢી મૂક્યા. હવે કોંગ્રેસમાં ધર્મ વિષે બોલનારો કોઈ સાધુ રહ્યો નથી. ભારતીય હિન્દુ વિચાર એક કેન્દ્રિય શક્તિ પુરવાર થઈ રહ્યો છે, ભાજપ. સંઘ, અને બીજા સહયોગી તેમાં મજબૂત શક્તિ પૂરી પાડી રહ્યા છે. ભારતની સામાન્ય પ્રજા અનેક આસ્થાઓ અને ઉપાસનાઓ સાથે બંધાયેલી રહી છે તેને તુષ્ટિકરણનું કે હિન્દુ વિરોધી વાતાવરણ પસંદ નથી, જે 1952 થી એક યા બીજી રીતે પોષાતું આવ્યું, રાજકીય ક્ષેત્રે તો તે હદ બહાર ગયું પરિણામે રમખાણો, અલગાવવાદ, અને ત્રાસવાદનો અનુભવ લેવો પડ્યો. વોટ બેન્ક અને તુષ્ટિ કરણને લીધે ઘણા પ્રશ્નો ગૂંચવાઈ ગયા. કશ્મીર માટે વિશેષ જોગવાઈની કલમ 370, બાંગલા દેશથી આવેલા ઘુષણખોરોથી મતદાન પર પ્રભાવ, શરિયતના નામે ત્રણ તલાક નિયમથી મુસ્લિમ મહિલાઓનું ઉત્પીડન, અને અયોધ્યા રામ મંદિર વિવાદ... આ તેના દેખીતા પરિણામો હતા. તેના ઉકેલ થી પણ એક ઐતિહાસિક ધ્રુવિકરણ થઈ રહ્યું છે. આગામી દિવસો તેના બીજા પડાવ નિરીક્ષણ બનશે.