હું એક દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં ઈસ્લામિસ્ટ સત્તાનો પાયો સુનિયોજિતપણે અને અવિરતપણે આગળ વધી રહ્યો હોવાનો પર્દાફાશ કરતો આવ્યો છું. શરૂઆતના દિવસોમાં જ્યારે લેબર પાર્ટી સત્તા પર હતી ત્યારે લેબર પાર્ટીના સભ્યો હું ખોટો હોવાનું કહેતા હતા તે મને યાદ છે. વાસ્તવમાં, તેઓ ઈસ્લામિસ્ટ્સ કેટલા અદ્ભૂત છે અને તેઓ જ્યુઝ, હિન્દુઓ અને શીખોના મિત્રો હોવાનું પણ ગાઈવગાડીને કહેતા રહ્યા હતા.
આ પછી તો દર વર્ષે હું આપણો દેશ અને ડાબેરી રાજકારણીઓએ કેવી રીતે ઈસ્લામિક કટ્ટરવાદીઓને વધુ મજબૂત બનતા રહેવાની છૂટછાટ આપી છે તેની ચિંતા વ્યક્ત કરતો આવ્યો છું. જ્યારે ટોરીઝ સત્તા પર આવ્યા ત્યારે પણ મેં તેમને આની જ યાદ કરાવી હતી. તેમનામાંથી ઘણાં મારા વિશ્લેષણ સાથે સહમત થતા રહ્યા પરંતુ, જ્યારે સાચી એક્શન લેવાની વાત આવી ત્યારે તેમણે પીછેહઠ કરી. હું તેમને વારંવાર કહેતો રહ્યો, મુસ્લિમ મતબેન્ક પાછળ દોટ મૂકવાની તેમની મૂર્ખતા માત્ર હાસ્યાસ્પદ જ નથી પરંતુ, તેઓ તુષ્ટિકરણ મોડમાં તેમના હાથમાં રમી રહ્યા છે. મને એક અગ્રણી ટોરી રાજકારણી સાથેની વાત યાદ આવે છે જ્યારે મેં તેમને 100 ટકાની ચોક્કસતા સાથે કહ્યું હતું કે ટોરીઝ ભલે ગમે તે કરી નાખશે, મોટા ભાગની મુસ્લિમ વોટ બેન્ક લેબરની સાથે જ રહેશે. હું ડેવિડ કેમરનને યશ આપવા માગીશ કે તેમણે ઓછામાં ઓછું. જ્યુઈશ કોમ્યુનિટી સાથે હિન્દુ, શીખ અને જૈનો માટે પણ ટોરી પાર્ટીમાં વધુ સમાવેશ થાય તેનો માર્ગ મોકળો કરી આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘણી સારી શરૂઆત હતી પરંતુ, તેનો પનો ટુંકો પડ્યો કારણકે ઈસ્લામિસ્ટ્સની પાવર નેટવર્ક્સ સામે કદી પડકાર ન સર્જી શકાયો કે તોડફોડ ન થઈ શકી. આપણે એ પણ ન જ ભૂલવું જોઈએ કે લેબર પાર્ટીની માફક ઘણા ટોરી રાજકારણીઓએ પણ પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા શ્વેત નિર્બળ બાળાઓનાં અવિરત હિંસક સેક્સ્યુઅલ દુરાચાર તરફ ધ્યાન ન આપી નજરઅંદાજ કર્યો. તેમની પાસે સત્તા હતી અને યુકેમાં એક માત્ર બ્રિટિશ કાયદાને જ ગણતરીમાં લેવાય તે માટે જનાદેશ પણ હતો. આના બદલે, તેમણે આંતરિક જૂથવાદ અને ટોરી યાદવાસ્થળીમાં તે જનાદેશને વેડફી નાખ્યો. ટોરીઝે જનરલ ઈલેક્શનમાં અભૂતપૂર્વ પરાજ્ય ચાખવો પડ્યો કારણકે એક દેશના ટોરીઝ બની રહેવાનું તેઓ ભૂલી ગયા હતા.
આ દરમિયાન, આપણી અન્ય ઘણી સંસ્થાઓમાં થયું છે તેમ લેબર પાર્ટી પર પણ ઈસ્લામિક કટ્ટરવાદીઓનો શિકંજો મજબૂત બની રહ્યો છે. સુનિયોજિત ઘૂસણખોરી-પગપેસારાના ઘણા દાયકા અને સત્તા પર બેઠેલા લોકોને લલચાવવા વિદેશી વ્યક્તિઓ મારફત બિલિયન્સ પાઉન્ડનો ઉપયોગ, અને આજે આપણે નેરેટિવ્ઝ પર અંકુશ ધરાવનારા લોકોના હાથમાં રમી રહ્યા છીએ.
• શું તમે કલ્પના કરી શકો છો કે આજે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં દરેકને ખબર છે કે પાકિસ્તાની ગ્રૂમિંગ ગેંગ્સ નિર્બળ વ્હાઈટ ગર્લ્સનાં શોષણમાં બેકાબુ છે છતાં, કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી સંપૂર્ણ વૈધાનિક પબ્લિક ઈન્ક્વાયરી શરૂ કરવામાં આનાકાની કરી રહેલ છે. મને સ્પષ્ટ કહેવા દો કે ઈન્ક્વાયરીનો ઈનકાર આ અધમ વૃતાન્તમાં આપણી સંસ્થાઓમાં કેટલાક લોકો અને લેબર રાજકારણીઓને મેળાપીપણું હોવામાંથી રક્ષણ આપવા માટે જ છે.
• શું તમે કલ્પના કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં ઈસ્લામિક કટ્ટરવાદીઓ પેલેસ્ટિની હમાસના આતંકવાદીઓના સમર્થનમાં આપણા મુખ્ય શહેરોમાં હેટ માર્ચીસ યોજી રહ્યા છે. આપણી જ પોલીસ તેમને રક્ષણ આપે છે!
• શું તમે કલ્પના કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં રાજકારણીઓ અને આપણા પબ્લિક સર્વન્ટ્સ જ્યૂઝના નરસંહારને થવા દે છે અને સમાનતાના નામે ઈસ્લામિસ્ટ્સ દ્વારા HMDનું હાઈજેકિંગ થવા દે છે.
• શું તમે કલ્પના કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં સત્તાવાર ચર્ચ સત્યની શોધ અને અશક્તો-નિર્બળોના રક્ષણ કરવાના બદલે ઈસ્લામિસ્ટ્સના તુષ્ટિકરણ પાછળ વધુ સમય વીતાવે છે.
• શું તમે કલ્પના કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં આપણી જ પોલીસ ઈસ્લામિસ્ટ્સનો પર્દાફાશ કરવાની હિંમત દર્શાવવા બદલ નાગરિકની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી કરે છે પરંતુ, ઈસ્લામિસ્ટ્સને આપણા કોમ્યુનિટી સ્થળોની પવિત્રતોનો ભંગ કરવાની છૂટ અપાય છે અને તેમના વિરુદ્ધ કોઈ એક્શન લેવાતી નથી.
• શું તમે કલ્પના પણ કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં પ્રાઈમ મિનિસ્ટર અને કઠપૂતળીઓ સમાન તેમના મંત્રીઓએ હવે ‘કાઉન્સિલ ઓન ઈસ્લામોફોબિયા’ની સ્થાપના કરી છે જેની કામગીરી ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા રચવાની છે જેને સરકારી નીતિમાં બદલી દેવાશે. આ પણ જાણી લેવું જરૂરી છે કે લેબર પાર્ટીએ ઈસ્લામોફોબિયાની ભ્રષ્ટ વ્યાખ્યા અપનાવી લીધી છે.
• શું તમે કલ્પના પણ કરી શકો છો કે આપણે એ દેશમાં રહીએ છીએ જ્યાં ‘મુસ્લિમ બ્રધરહૂડ’ અને તેમના ઘણા પ્રદર્શનો કે અભિવ્યક્તિઓને કાયદેસરતા બક્ષવામાં આવે છે અને તે પણ એવી સ્તિતિમાં કે સાઉદી અરેબિયા અને યુએઈ દ્વારા તેમને પ્રતિબંધિત જાહેર કરાયા છે!
મિડલ ઈસ્ટ વિશેના વિશ્લેષક અમજદ તાહાએ તાજેતરમાં જણાવ્યું છે કે,‘મને લાગે છે કે મિડલ ઈસ્ટમાં હશે તેના કરતાં પણ વધુ કટ્ટરવાદીઓ તમારી પાસે યુકેમાં છે.’
મારા મતાનુસાર યુકેમાં કોમ્યુનિટી સંગઠનો અને ધાર્મિક સ્થળોમાંથી કેટલાક તો કટ્ટરવાદીઓ માટે દેશના યુવાનોનું બ્રેઈનવોશ કરવા અને તેમની ભરતી કરવાના ઉછેરકેન્દ્રો સિવાય કશું નથી. કટ્ટરવાદીઓઓએ હવે યુકેમાં આવવાની જરૂર જ નથી રહી, તેઓ હવે યુકેમાં જ કટ્ટરવાદીઓ બનાવી રહ્યા છે. આ સ્લીપર સેલ્સ ઘણા થોડા સમયમાં આપણને કરડવાના જ છે.
મેં મુસ્લિમ કોમ્યુનિટીમાંથી ઘણા લોકો સાથે વાતચીત કરી છે અને તેઓ પણ ઘણા ચિંતિત છે. તેમાંથી એક વ્યક્તિએ મને કહ્યું હતું કે આ પ્રમાણે ચાલતું રહેશે તો આગામી થોડા દાયકામાં આપણે ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ ગ્રેટ બ્રિટન’ બની જઈએ તો તેને ખાસ આશ્ચર્ય નહિ થાય. મને શંકા છે કે તેમણે આમ વધુ નિરાશ થઈને કહ્યું હશે પરંતુ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ જે રીતે બ્રિટિશ સમાજના દરેક સેક્ટરમાં અવિરતપણે સત્તા હાંસલ કરવામાં લાગ્યા છે ત્યારે ભવિષ્યમાં આ સ્ટેટમેન્ટ કદાચ સાચું પડી શકે તેમ કોઈ પણ વિચારી શકે છે.
હું એક બાબતમાં તો ચોક્કસ જ છું કે લેબર પાર્ટી અને લેબર રાજકારણીઓ ઈસ્લામિસ્ટ્સના હાથમાં રમી રહ્યા છે. અને આપણી સમક્ષ ઈસ્લામિસ્ટ ટ્રોજન હોર્સ છે જે ‘મુક્ત વાણી’, ‘માનવ અધિકાર’, ‘ઈસ્લામોફોબિયા’, ‘સમાનતા અને વૈવિધ્યતા’ના ઓઠાં હેઠળ પોતાની કામગીરી કરતા રહે છે-- આ બધાની ચૂકવણી બ્રિટિશ કરદાતા કરે છે. આ દેશ ઘરઆંગણાં જ સર્જાયેલી અરાજકતામાં હવે આંખો બંધ કરીને ચાલી રહ્યો નથી, તે તો ખુલ્લી આંખે કૂવામાં પડી રહ્યો છે.