અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે. અમદાવાદમાં આ પર્વે (20 જૂને) 146મી રથયાત્રા નીકળશે તો ઓડિશાના પુરીમાં તો જગન્નાથજી નગરચર્યાનો સિલસિલો સૈકાઓ પુરાણો છે.
દેશવિદેશમાં વિખ્યાત જગન્નાથપુરીની રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળે છે. તેના કારણે તેને ‘ઘોષાયાત્રા' પણ કહે છે. આ રથયાત્રાની પૂર્વતૈયારીઓ પુરીમાં સંપૂર્ણ વર્ષ દરમિયાન ચાલતી રહે છે. એક ખાસ સંપ્રદાય રથનિર્માણમાં કાર્યરત રહે છે. વૈશાખ માસની શુકલ પક્ષની ત્રીજથી અહીં રથનું વિધિવત્ નિર્માણ આરંભાય છે.
યાત્રામાં સૌથી વિશાળ રથ ભગવાન શ્રી જગન્નાથજીનો હોય છે. આ રથની ઊંચાઇ 13.5 મીટર જેટલી હોય છે. જેમાં 832 જેટલા કાષ્ઠના નાનામોટા ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ રથમાં લાલ તેમજ પીળા રંગનો ઉપયોગ થાય છે. કહેવાય છે કે રંગીલા રણછોડને લાલ અને પીળો રંગ અતિપ્રિય છે. આ રથના સારથિ દારુકાજી છે. બલભદ્રજીના રથનાં 14 પૈડાં નિશ્ચિત છે તેમજ રથની ઊંચાઇ 13.2 મીટર તથા તેનું આવરણ લાલ તથા ભૂરા રંગનું છે. તેઓના સારથિ મતાલી છે. તો સુભદ્રાજીના રથની ઊંચાઇ 12.9 મીટર તેમજ તેનું આવરણ લાલ અને શ્યામ રંગનું કરવામાં આવે છે. તેઓના સારથિ અર્જુન છે.
અષાઢી બીજે પ્રાતઃ મુહૂર્તમાં ‘ખીચડા’ના નૈવેદ્ય બાદ જગન્નાથજી, બલભદ્રજી તથા સુભદ્રાજી પોતપોતાના રથમાં બિરાજમાન થાય છે, તેને પહિન્દ વિધિ કહે છે. બિરાજમાન થયા બાદ ધર્મ-કર્મમાં ગરીબ-અમીરની ભેદરેખાને ભૂંસવાના એક પ્રતીકસમી વિધિ કે જેમાં પુરીના રાજા રથ ઉપર ચંદન, જળ અને ફૂલોના સંચાર કરતાં કરતાં સોનાનાં ઝાડુ વડે સ્વયં રથયાત્રાનો માર્ગ સાફ કરે છે. ત્યારબાદ ગગનભેદી જયઘોષ સાથે રથને ખેંચવામાં આવે છે. આમ વાજતેગાજતે રથયાત્રાનો ઉલ્લાસભર્યા ભક્તિભાવના વાતાવરણમાં શુભારંભ થાય છે.
પ્રાતઃ કાળથી આ રથયાત્રાનો પ્રારંભ થયા બાદ મંથર ગતિએ વિધિવત્ આગળ વધતી રથયાત્રાના ત્રણેય મહારથને ખેંચવા અનેક શ્રદ્ધાળુઓ જોડાય છે અને સમગ્ર પુરીમાં જાણે કે ધન્યતા અને અહોભાવનો મહાસાગર હિલ્લોળા લે છે. દર્શનાર્થીઓ ભાવુક બની જગન્નાથજીને હૃદયપૂર્વક આવકારે છે. દેશ-વિદેશમાંથી આવતા લાખો દર્શનાર્થીઓનાં હૃદયમાં રથયાત્રા એક અનન્ય ભાવસભર અનુભૂતિનો અનુભવ કરાવી દે છે. આમ ત્રણેય રથ સૂર્યાસ્ત સુધી માત્ર ત્રણ કિમી જેટલું અંતર કાપી ગુંડિચાવાડી પહોંચે છે. જ્યાં તે સંપૂર્ણ એક સપ્તાહ સુધી સ્થાયી થાય છે. જ્યાં જગન્નાથજીનાં માસીના ઘરે રોકાઇને વિશિષ્ટ વાનગીઓ મનભરીને આરોગે છે. અહીં પણ જગન્નાથજીના મંદિરની માફક પૂજા-અર્ચના થાય છે અને જનસમુદાય દર્શનાર્થે પધારે છે.
અષાઢ સુદ દસમના દિવસે અહીંથી પુનઃ રથયાત્રા પરત ફરે છે, પરંતુ આ સમગ્ર માર્ગમાં પૂર્ણ દિવસ વીતી જતાં રાત્રિ તેઓ દ્વાર પાસે જ રથમાં જ પસાર કરે છે અને પ્રાતઃ કાળે અગિયારસે ભવ્ય પૂજાવિધિ બાદ સુવર્ણ વસ્ત્ર પરિધાન કરીને તેઓ મંદિરમાં પ્રવેશે છે. પ્રથમ મોટાભાઇ બલભદ્રજી, બાદમાં સુભદ્રાજી અને અંતે જગન્નાથજીની પધરામણી થાય છે, પરંતુ શ્રી જગન્નાથજી માટે પ્રવેશવું સહેલું નથી, કારણ કે તેઓનાં ધર્મપત્ની લક્ષ્મીજી કોપાયમાન છે, કારણ કે પ્રભુ તેમની નણંદ અને જેઠ સાથે યાત્રાએ નીકળ્યા છે અને સ્વયં લક્ષ્મીજીને ભૂલી ગયા હોય છે. આ એક રસપ્રદ વિધિ છે. યાત્રાના અષાઢી બીજના આરંભ બાદ લક્ષ્મીજી તો ગુસ્સાના કારણે અષાઢી પાંચમે જગન્નાથ મંદિર ત્યજીને ગુંડીચા મંદિર તરફ ગુસ્સાભેર ચાલી ગયા હોય છે અને ફરી થોડી નારાજગી સાથે પાછાં પધારે છે.
જ્યારે ખુદ તેઓના પતિ પરમેશ્વર યાત્રાની પૂર્ણાહુતિ કરીને પરત પધારે છે તો નારાજ થયેલાં લક્ષ્મીજી તેઓ માટે મુખ્ય સિંહદ્વાર ખોલતાં નથી અને રિસાઇને બેસી જાય છે ત્યારે સ્વયં જગન્નાથજી પત્નીને મનાવવા માટે કેટકેટલી ભેટસોગાદો અને મીઠાં વચનો બોલીને કાલાંવાલાં કરે છે. આખરે લક્ષ્મીજી માની જાય છે અને ગુસ્સો ત્યજીને હૃદયપૂર્વક આવકારીને મંદિરમાં પ્રવેશવા કહે છે. આમ, બારસે પ્રભુને ‘અધરપણા’ ભોગ ધરાવવામાં આવે છે અને તેરસે પ્રભુ નિજમંદિરમાં પ્રવેશ કરે છે. આમ સમગ્ર રથયાત્રાની અહીં પૂર્ણાહુતિ થાય છે.
અમદાવાદીઓનું મહામૂલું પર્વ
રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે. 145 વર્ષ પુરાણી આ રથયાત્રાની પરંપરા પણ હવે તો અમદાવાદની એક આગવી ઓળખ બની ગઇ છે. તેનાં દર્શનાર્થે શ્રદ્ધાસભર લાખો લોકો જોડાય છે અને સમગ્ર અમદાવાદ જાણે અહોભાવનો મહાસાગર બને છે. જગદીશ મંદિરના મહંત નરસિંહદાસજીના નેતૃત્વમાં ઈ. સ. 1878ની અષાઢી બીજની વહેલી સવારે રથયાત્રાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થયો હતો.
વરસોવરસથી પરંપરાગત નીકળતી રથયાત્રામાં કેસરી ઉપરણાં અને ફણગાવેલા મગ અને જાંબુના પ્રસાદના વિતરણનો અનોખો મહિમા જોવા મળે છે. જેની પાછળ પણ વિશેષ મહત્ત્વ સમાયેલું છે. કૌરવો પાંડવોની દ્યૂતક્રીડાને લીધે જ્યારે દ્રૌપદીનાં ચીર હરાયાં હતાં ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની લાજ રાખવા 999 ચીર પૂર્યાં હતાં તેમ નારીનાં સન્માન અને ગૌરવની ગાથા જાળવવા માટે કેસરી ઉપરણાંનો પ્રસાદ વહેંચવામાં આવે છે. તો વળી ધાર્મિક ગ્રંથોમાં સચોટ ઉલ્લેખ છે કે વૃંદાવનમાં રાસલીલા પછી ઠાકુરજી પોતે ગોપીઓને માલપૂઆનો પ્રસાદ આપતા અને પોતે રાધાજી સાથે માલપૂઆ આરોગતા. આથી જ પુરીના અને અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરમાં ભગવાનને કાંસાના વાસણમાં ‘સંપુટ’ ભોગ ધરાવવામાં આવે છે.
રથયાત્રાના દિવસે વહેલી પરોઢે ઓમ્ જય જગદીશ હરે...ના ગગનચુંબી જયનાદ અને ઘંટનાદ સાથે આરતીનો શુભારંભ થાય છે. ત્યારબાદ ડ્રાયફ્રૂટ ખીચડી, દહીં, કોળા-ગવારફળીના શાકના મંગલભોગ બાદ જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીને પોતપોતાના રથમાં વિધિવત્ બિરાજમાન કરાય છે. આ રીતે શરૂ થયેલી રથયાત્રા સવારના સાત વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિરેથી નીકળી ખમાસા, આસ્ટોડિયા ચકલા, રાયપુર ચકલા, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલ, આંબેડકર હોલ સરસપુર ચાર રસ્તાથી વિરામ સ્થળે પહોંચે છે. અહીંયાં ભાવતાં ભોજનિયાં જમી થોડોક વિરામ લીધા બાદ તાજા થયેલા રથયાત્રીઓ આગળની પરિક્રમા શરૂ કરે છે. સરસપુરથી કાલુપુર સર્કલ, જોર્ડન રોડ, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર રંગીલા ચોકી, આર. સી. હાઇસ્કૂલ, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, માણેકચોક, દાણાપીઠ ગોળલીમડા, ખમાસા થઇને ભગવાનના રથો નિજમંદિરમાં પરત ફરે છે.
રથયાત્રા સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ
પવિત્ર નૈમિષારણ્યમાં શૌનક ઋષિ સુતજીને તીર્થક્ષેત્રના વિષયમાં જે પ્રશ્નો પૂછ્યા તેના વળતા ઉત્તરમાં સુતજી જગન્નાથ ક્ષેત્ર વિશે જણાવતા હતા. જેમાં છઠ્ઠા અધ્યાયમાં જણાવ્યા મુજબ બ્રહ્માજીએ વૈશાખ સુદ આઠમે કાષ્ઠમય મૂર્તિની સ્થાપના ગુરુવારે શુભ નક્ષત્રમાં કરી, એ સમયે પ્રભુ જગન્નાથજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને પ્રસન્નતાપૂર્વક કહ્યું, ‘હું અહીં બ્રહ્માના બે પરાર્ધ સુધી આ તીર્થક્ષેત્રમાં વાસ કરીશ. હે રાજા, જેઠ સુદ પૂનમે મારો જન્મ ઉત્સવ ઊજવવો અને એ જ દિવસથી પંદર દિવસ સુધી મંદિર બંધ રાખી અષાઢ સુદ બીજના દિવસે રથોત્સવ ઊજવવો.' આ ઉક્તિ મુજબ ભક્તો અષાઢી બીજે ભગવાનનો રથોત્સવ ઊજવે છે.
બીજી માન્યતા એવી છે કે દ્વારિકાપુરીમાં યાદવોનાં છપ્પન કુળ વસતાં હતાં. યાદવો વ્યભિચારી બન્યા. અંતમાં યાદવ કુળનો નાશ થયો. ભગવાન શ્રીકૃષ્ણને અસહ્ય લાગી આવતાં તેઓ ગામબહાર વૃક્ષ નીચે બેઠા. એ સમયે પારધીના બાણે વીંધાઇ ગયા. કૃષ્ણની ચિતા ખડકાઇ. બલભદ્ર-સુભદ્રાએ પણ તેમાં ઝંપલાવ્યું. એ સમયે મૂશળધાર વર્ષા થઇ. ત્રણેય દેહ તણાઇને પુરીના દરિયાકિનારે આવ્યા. ત્યાંના રાજાએ ત્રણેય દિવ્ય દેહને પાટાપીંડી કરીને સુસજ્જ કરી નગરજનોનાં દર્શનાર્થે રથમાં બિરાજમાન કરી રથયાત્રા કાઢી આ દિવસ અષાઢ સુદ બીજનો હતો. ત્યારથી શ્રદ્ધાળુઓ ત્રણેય મૂર્તિને રથમાં બિરાજમાન કરી રથોત્સવ ઊજવે છે.
ત્રીજી માન્યતા એવી પણ છે કે ભગવાનને આંખનો રોગ (કંજક્ટિવાઇટિસ) થયેલો. આ દરમિયાન ભક્તોને દર્શન ન આપી શક્યા. આંખનો રોગ મટી જતાં પોતે મોટાભાઇ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થઇને નગરજનોને, ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને પોતાના મોસાળ જનકપુર (ગુંડીચા) આરામ કરવા માટે પધાર્યા. આની યાદમાં અષાઢી બીજે રથયાત્રા નીકળે છે. એવું પણ કહે છે કે, ભગવાન શ્રીકૃષ્ણને મામા કંસનું મથુરા પધારવા આમંત્રણ મળે છે. એ સમયે શ્રીકૃષ્ણ ભાઇ-બહેન સાથે રથમાં સવાર થઇને મથુરા પધારે છે. એ પ્રસંગની યાદમાં પણ રથયાત્રા ઊજવાય છે.
ચોથી માન્યતા એવી છે કે કૃષ્ણની રાણીઓ માતા રોહિણી પાસેથી શ્રીકૃષ્ણની રાસલીલાની કહાની સાંભળવા ઇચ્છા વ્યક્ત કરે છે. એ વખતે માતા રોહિણીને એવું લાગે છે કે કનૈયાની રાસલીલા, ગોપીલીલા, બહેન સુભદ્રા ન સાંભળે તો સારું, માટે માતા રોહિણી બહેન સુભદ્રાને બંને ભાઇઓની સાથે રથમાં બેસાડીને મોકલી આપે છે. એ સમયે ત્યાં નારદજી પ્રકટ થયા અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી કે આપ ત્રણેય ભાઇબહેન આ જ રીતે દર વર્ષે રથયાત્રાના સ્વરૂપમાં પ્રયાણ કરી ભક્તોને દર્શન આપી તેઓને ધન્ય કરો અને મોક્ષના અધિકારી બનાવો. આમ, રથયાત્રા નિમિત્તે વિવિધ કથાઓ પ્રચલિત છે.