શ્રદ્ધાના સર્જક સ્વામીશ્રી

પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતી વિશેષ

- સાધુ બ્રહ્મવિહારીદાસ Tuesday 10th December 2024 12:21 EST
 
 

વિશ્વમાં એવી અનેક વ્યક્તિઓ છે, જે તર્કપ્રધાન હોય, કર્મપ્રધાન હોય છે. જે જે કર્મનું પૂજન કરે અને સ્વાનુભવને જ સત્ય માને, પરંતુ તેઓના જીવનમાં જ્યારે અણધારેલી, અકલ્પ્ય ઘટનાઓ બને છે ત્યારે તેમણે પણ શ્રદ્ધાજગતની મહત્તા અને સર્વોપરીતા સ્વીકારવી પડે છે.

પ્રથમ વિશ્વયુદ્ધની સત્યઘટના છે. રોનાલ્ડ નિક્સન નામના ઇંગ્લેન્ડના એરફોર્સ પાઈલોટની આ વાત છે. યુદ્ધ દરમિયાન રોનાલ્ડ પ્લેનમાં બેસીને પ્લેનને ટેક-ઓફ કરવાની તૈયારીમાં હતા. બીજી બાજુ, સામેથી અનેક જર્મન ફાઈટર્સ પ્લેન આવતાં હતાં. તરત એવું બન્યું કે, રોનાલ્ડનું પ્લેન સહેજ જમણી બાજુ વળીને નીચે ઉતરી ગયું. રોનાલ્ડના જે મિત્રો હતા, એમણે રોનાલ્ડની પીઠ થાબડીને કહ્યું કે ‘તું જબરદસ્ત પાઈલોટ કહેવાય. જો તેં પ્લેન ઊંચું લીધું હોત તો આપણાં બધાનાં પ્લેન આકાશમાં ગયાં હોત અને સેંકડો જર્મન ફાઈટર્સ પ્લેન આપણને બધાને મોતને ઘાટ ઉતારીને ચાલ્યા ગયા હોત, માટે તેં બધાની રક્ષા કરી.’ આ પ્રસંગ માટે રોનાલ્ડને મેડલ પણ એનાયત કરવામાં આવ્યો. રોનાલ્ડે જણાવ્યું કે ‘હું મારા પ્લેનને ઊંચે લઈ જવાનો, બીજી દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરતો હતો, પણ કોઈ બીજી શક્તિએ મને જમણી બાજુએ વાળ્યો.’ આ પ્રસંગ બાદ રોનાલ્ડના જીવનમાં આકસ્મિક પરિવર્તન આવ્યું, રોનાલ્ડ આ દૈવીશક્તિની શોધ કરતાં-કરતાં ભારત આવી પહોંચ્યા. ભારતમાં આવીને રોનાલ્ડ સાધુ બની ગયા. એમનું નામ હતું, યોગી કૃષ્ણપ્રેમ. તેઓ પાઈલોટમાંથી, બલકે, નાસ્તિકમાંથી આસ્તિક બની ગયા.
રોનાલ્ડની જેમ, જો આપણે પણ ખુદના જીવનની ઉલટતપાસ કરીએ અને પ્રામાણિકપણે સ્વીકારીએ કે, આપણા પોતાના જીવનમાં ઘણી ક્ષણોમાં, ઘણી અદશ્ય શક્તિઓ દ્વારા મદદ થઈ છે, તો આપોઆપ શ્રદ્ધા પ્રગટશે. શ્રદ્ધા શોધવા નહીં જવું પડે, અંતરમાં શ્રદ્ધાનું નિર્માણ થશે. શુદ્ધ અને પ્રામાણિક વ્યક્તિના જીવનમાં શ્રદ્ધાનું સર્જન થાય, થાય અને થાય જ. આ રીતે માણસોના જીવનમાં અનોખું પરિવર્તન શ્રદ્ધા થકી આવતું હોય છે. પછી તે અકલ્પ્ય પ્રસંગ હોય કે અકલ્પ્ય પરિસ્થિતિ હોય - ભગવાનની કૃપાથી કે સત્પુરુષોના સંગથી ઊંડો આધ્યાત્મિક અનુભવ થતો હોય છે.
બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મહાનતાની વાત વિશ્વભરના લોકો કરી રહ્યા છે. તે વાતની પાછળ માત્ર વિશ્વભરમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 1,200 મંદિરો કે 3,500 સત્સંગ કેન્દ્રો કે સંસ્થાના 1,100થી વધુ સાધુ-સંતો છે, એ વાત સાચી છે, પરંતુ આ જ કારણે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ મહાન નથી. બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ગાંધીનગર ખાતે જે સ્વામિનારાયણ અક્ષરધામ બનાવ્યું, દિલ્હી ખાતે જે વિખ્યાત અક્ષરધામનું નિર્માણ કર્યું અને સ્વામીશ્રીની પ્રેરણાથી જ અમેરિકામાં ન્યૂજર્સી ખાતે રોબિન્સવિલમાં પણ અક્ષરધામ છે અને યુએઈના અબુ ધાબી ખાતે વિશ્વ વિખ્યાત બીએપીએસ હિંદુ મંદિર છે, પરંતુ માત્ર આ જ કાર્યો તેમની મહાનતા સિદ્ધ કરતાં નહોતા. તેઓની પ્રેરણાથી અસંખ્ય સાંસ્કૃતિક ઉત્સવો થયા, 160 જેટલી માનવઉત્કર્ષની પ્રવૃત્તિઓ ચાલે છે. લાખો યુવક-યુવતીઓ કુદરતી આપત્તિઓ સમયે સ્વયંસેવક બની ખડેપગે હાજર હોય છે. માત્ર આ જ કાર્યો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મોટપ નથી, પરંતુ વિરક્ત આધ્યાત્મિક મહાપુરુષ એવા બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મહાનતા કહેવી હોય તો તે એ છે કે, ‘સ્વામીશ્રી શ્રદ્ધાનું નિર્માણ કરતા. સ્વામીશ્રી શ્રદ્ધાના સર્જક હતા.’
કોઈનું ભાંગી ગયેલું જીવન હોય કે લગ્નજીવન હોય - જો કોઈપણ સ્વામીશ્રીના શ્રદ્ધાથી દર્શન કરે, તેમની સમક્ષ વાત કરે, મળવા આવે કે પત્ર લખે તો એવા લોકોનું જીવન ફરીવાર જોડાઈ જતું, જીવંત બની જતું. આવી જ એક સત્યઘટના છે કે, ફાર્મસીમાં અભ્યાસ કરતો એક છોકરો, અભ્યાસથી કંટાળી વારંવાર આપઘાત કરવાના વિચાર કરતો હતો, તેણે અંતિમ તરણાં તરીકે, પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને પોતાની આપવીતી લખીને પત્ર મોકલ્યો. આ પત્ર જ્યારે બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ આવ્યો ત્યારે ત્યાં હાજર રહેલા મને સ્વામીશ્રીએ આજ્ઞા કરી કે, આ પત્રનો જવાબ લખો અને તે યુવાનને કહો કે ‘તું આર્કિટેક્ટનો અભ્યાસ કર.’ મને તો માત્ર લખવાનું કહ્યું હતું છતાં, સ્વામીશ્રીને નમ્રતાપૂર્વક પૂછ્યું કે ‘સ્વામીશ્રી, ફાર્મસી અને આર્કિટેક્ટ બંને સ્ટ્રીમ અલગ-અલગ છે.’ એટલે સ્વામીશ્રીએ મારી સામે જોઈને હળવેકથી કહ્યું કે ‘આ છોકરાએ જવાબ કોની પાસે માગ્યો છે? એટલે જેમ કહ્યું એમ લખી પત્ર પોસ્ટ કરી દો.’ પછી આ યુવાનને પત્ર પહોંચે છે, આ યુવાને બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજમાં અખંડ શ્રદ્ધા રાખીને વચ્ચેથી પોતાના અભ્યાસક્રમની લાઈન બદલી નાખી. ફાર્મસી છોડીને, આર્કિટેક્ટનો અભ્યાસ ખંતપૂર્વક શરૂ કરી દીધો.
હવે ચમત્કાર સર્જાય છે. આ યુવાન આર્કિટેક્ટ તો બની ગયો, પણ વર્ષ 1995માં લંડનમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો મદદનીશ આર્કિટેક્ટ બન્યો. તેની કારકિર્દી અહીં પૂરી થઈ જતી નથી, પરંતુ આ યુવાનની ગણના ઇંગ્લેન્ડના 25 નામાંકિત આર્કિટેક્ટમાં થવા લાગી. હવે તમે જ વિચાર કરો કે ક્યાં ફાર્મસી અને આર્કિટેક્ટ?! આપણે તો વિચાર કરીએ કે આમ કરાય કે નહીં? પરંતુ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે આ પ્રકારે અનેક લોકોનાં જીવનમાં અખંડ શ્રદ્ધાve બળનો સંચાર કરીને તેઓના જીવનમાં યોગ્ય વળાંક આપી એક ચમત્કાર કર્યો. તેઓનું સમગ્ર જીવન સકારાત્મક્તાથી ઓતપ્રોત અને શ્રદ્ધથી સંપન્ન બની ગયું.
ગમેતેવો મુશ્કેલીઓથી થાકેલો, હારેલો માણસ સત્પુરુષની સમક્ષ આવે ત્યારે તેઓનું જીવન પરિવર્તન થઈ જતું હોય છે. આવા પરાત્પર સંત જ્યારે બેભાન અવસ્થામાં હોય અને તેમના હૃદયને સ્પર્શ કરે છે ત્યારે પણ વ્યક્તિને આધ્યાત્મિક અનુભૂતિ થતી હોય છે. આવી જ એક વાત છે, વિશ્વભરના શ્રેષ્ઠતમ બાયપાસ સર્જન ડો. સુબ્રમણ્યમની.
અમેરિકાના ન્યૂયોર્ક-મેટહટન ખાતે બહુમાળી લેનોક્સ હિલ હોસ્પિટલમાં 1,500 ડોકટર્સ અને 5,000 પેરામેડિકલ સ્ટાફ છે. હવે ડોકટર અને નર્સની સંખ્યા આટલી હોય તો દર્દીઓની સંખ્યા તમે જાતે જ વિચારી શકો કે વધુ હોય, એ સહજ છે. જાણે એક ગામ હોય તેટલી વિશાળ આ હોસ્પિટલ છે. આ આખી હોસ્પિટલ જો કોઈ એક નામથી પ્રખ્યાત હોય, તો તે નામ છે, ડો. સુબ્રમણ્યમ્.
જોકે મૂળ ભારતીય અને વિશ્વવિખ્યાત કાર્ડિયો-થોરાસિક સર્જન ડો. સુબ્રમણ્યમ્ પોતે કર્મવાદી અને મહદ્દ્અંશે નિરીશ્વરવાદી છે. ડો.સુબ્રમણ્યમની ખાસિયત એ કે, પોતે જેનું ઓપરેશન કરે, તે દર્દીનું મુખ ક્યારેય ન જુએ. દર્દી તેમની સમક્ષ હોય ત્યારે જુનિયર ડોકટર્સ દ્વારા દર્દીને ઓપરેશન માટેની પૂર્વ તૈયારીઓ કરીને રાખવામાં આવ્યા હોય. ડો. સુબ્રમણ્યમ્ તો આવીને બાયપાસ સર્જરી કરીને બીજા અન્ય દર્દીની સર્જરી કરવા પહોંચી જાય. એવી ક્ષણે-ક્ષણ જેમને માટે કિંમતી છે, એવા આ નામાંકિત ડો. સુબ્રમણ્યમ્ દ્વારા જ વર્ષ 1998માં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું બાયપાસ ઓપરેશન થયું હતું.
આ ડોક્ટરના જીવન ઉપર ઝી ચેનલે એક કલાકની ડોક્યુમેન્ટરી બનાવી છે. તેમાં એક ઈન્ટરવ્યૂમાં ડો. સુબ્રમણ્યમે જણાવ્યું કે ‘મારા પિતાએ મને એટલું જ કહ્યું કે Son, do your duty. (પુત્ર, તું તારું કર્મ કર.) ભગવાન વગેરેની લપ્પન-છપ્પનમાં પડતો નહીં. પછી જ્યારે ડો. સુબ્રમણ્યમને પૂછાયું કે તમે દર્દીને મળો છો? તો પ્રત્યુત્તર હતો, ‘ના. હું કેવળ રિપોર્ટને મળું છું, દર્દીને નહીં.’ ત્યારબાદ બીજો પ્રશ્ન કરાયો કે ‘તમે હૃદયનું કામ કરો છો, અને હૃદય તો લાગણીનું સ્થાન છે ત્યારે તમને કેવી લાગણી થાય?’ આ પ્રશ્નનો ડો. સુબ્રમણ્યમ્ જવાબ આપી રહ્યા હતા કે ‘મને કોઈ જ લાગણી ન થાય. કોઈક વાર દયા આવે કે, બિચારું હૃદય..!’ એમ બોલતાં બોલતાં અચાનક અટકી ગયા અને જણાવ્યું કે ‘Wait a minute. Once in my whole life I had a unique experience. When I was operating Pramukhji Maharaj of BAPS... When I held his heart, there was a divine descension. The whole operating room was filled with divinity. That is my one and only experience in life.’ (‘એક મિનિટ માટે થોભો, મારી જિંદગીમાં એક વખત જ્યારે હું બીએપીએસના પ્રમુખજી મહારાજનું ઓપરેશન કરતો હતો, મેં ઓપરેટિંગ રૂમમાં તેઓનું હૃદય હાથમાં લીધું ત્યારે આખું ઓપરેશન થિયેટર દિવ્યતાથી ભરાઈ ગયું હતું.’) ત્યારથી મેં નર્સને કહ્યું છે કે ‘મારી ઓફિસમાંથી પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ હટાવવી નહીં.’ આ છે, તે ઈન્ટરવ્યૂનો એક અંશ. આમ, ડો. સુબ્રમણ્યમ્ મહદ્અંશે નાસ્તિક, તર્કપ્રધાન વ્યક્તિ, વિજ્ઞાન સિવાયની કોઈ જ વાત ન કરનારા, એટલું જ નહીં, પોતાની ઈચ્છા મુજબ કરનારા વિખ્યાત ડોકટર પણ જો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં દર્શન, સંગથી તેઓના નિઃસ્વાર્થ, નિર્મળ, શુદ્ધ અને સાત્વિક અનુભવથી શ્રદ્ધાવાન થઈ શકે એ જ શ્રદ્ધાનો ચમત્કાર છે. વ્યક્તિના વિમાનનો વળાંક બદલાય કે જીવનની દિશા બદલાય એમાં અંતે તો શ્રદ્ધાનો જ જયજયકાર છે. (પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દિ વિશેષ પ્રવચનમાંથી સંકલિત.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter