શ્રાવણ એટલે ભક્તિનું ભાથું ને તહેવારો ભરપૂર

મારે પણ કંઇક કહેવું છે...

- ધરતી શર્મા ‘ધરી’, ભુજ Sunday 25th August 2024 04:40 EDT
 
 

શ્રાવણ મહિનો આવે એટલે.. તહેવારો ભરપૂર આવે, વાતાવરણ ભક્તિમય અને મનમોહક બની જાય છે. ભક્તિનું ભાથું લઈને આવે છે શ્રાવણ મહિનો - રક્ષાબંધન, જન્માષ્ટમી સાતમ-આઠમનો મેળો વગેરેની... આખું વર્ષ રાહ જોવાતી હોય છે.
સાતમ-આઠમ આવે એટલે.... મોજીલું મન સુંદર સ્વપ્ન સજાવવા લાગે. મેળામાં ફરવા જવા હૈયુ હિંડોળે ચઢે. નાના હોઈએ ત્યારે તો જીવનમાં બસ હરવુંફરવું ને જલસા કરવાના હોય. એમાંય ગામડાંનું જીવન એટલે... આખી જિંદગી જાણે રોજે રોજ મોજે મોજ.
ગામડાંગામમાં તો નાના-નાના ઉત્સવ પણ મોટા તહેવારો બની જાય છે. મેળામાં જવા માટે આખાંય ફળિયાનાં લોકો મિત્રો, કાકા-કાકી, ભાઈ-ભાભી બધાં સાથે મળીને જતાં. એકસાથે ટ્રેકટરમાં બેસીને ભેગાં જવાની મોજ, દોસ્તોની સાથે મોજ મસ્તી કરતાં કરતાં, નીતનવી વાતો, નીતનવાં ગીતો સાથે પંથ ક્યારે કપાઇ જતો ખબર જ ન પડે.
દુરથી ઊંચી ઊંચી ચકડોળ દેખાય એટલે... એ...એ... મેળો આવી ગયો...ની બુમાબુમ સાથે ટ્રેક્ટરમાંથી ઠેકડો મારી પહેલાં કોણ ઉતરશે એવી શરત લાગતી. પહેલી દોટ રમકડાંની દુકાન તરફ જતી પછી હિંચકા, નાની-મોટી ચકડોળ, ચિચોડામાં બેસવાં પડાપડી થાતી, અને થોડું થોડું કરીને નાસ્તાની અનેક લારીવાળાઓને કમાણી કરાવી આપતાં ને ઉપરથી આઇસ્ક્રીમ તો ખરી જ. મેળામાં રમકડાંની સાથે નીતનવી ચીજવસ્તુઓ જોવા મળતી, અને આ બધી વસ્તુઓ ને રમકડાંથી આખોય થેલો ભરાઈ જતો. ખરેખર, મેળાની મોજથી તન- મન પ્રફુલ્લિત થઈ જતું, સૌની સાથે મેળાની રંગત વધુ રંગીન બની જતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter