ભગવાન શિવજીને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસ (આ વર્ષે ૮ ઓગસ્ટ - ૬ સપ્ટેમ્બર)માં આપણે વૈદિક ઋષિ વશિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યંમ્બકેશ્વરની સ્તુતિ કરીએ. ૐ ત્ર્યંમ્બકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્.... અર્થાત્ ‘સુગંધવાળા (જીવનને મઘમઘતું બનાવનાર) અને રિદ્ધિ-સિદ્ધિ વધારનાર (પાલક અને પોષક) એવા ભગવાન ત્ર્યંમ્બકેશ્વર (ત્રિલોચન)નું આપણે યજન-પૂજન કરીએ. સ્તુતિ-સ્તવન કરીએ...’
ભગવાન શિવ શ્રાવણિયા મહાદેવ ગણાયા. શ્રાવણમાં પ્રકૃતિ સોળે કળાએ શણગાર સજે છે. પ્રકૃતિ તો ભગવાન શિવની દૈવી શક્તિ પાર્વતી છે. શ્રાવણમાં વર્ષાનો વૈભવ પ્રકૃતિ-સૌંદર્ય રૂપે પ્રગટે છે. વીજળીના ચમકારા હાસ્ય વેરે છે. શિવજી વાદળમાં છુપાઇને ડમરુ વગાડીને પ્રકૃતિને નચાવે છે. વરસાદની ધારાઓનું સૂરીલું સંગીત રેલાય છે. એ સંગીતમાં શિવભક્તને શિવોડહમ્ શિવોડહમનો ધીર ગંભીર નાદ સંભળાય છે.
પ્રકૃતિને આવો શણગાર સજાવનાર ‘ડિઝાઈનર’ છે કોણ? એ ડિઝાઈનર તો અદૃશ્ય રહીને પોતાની કલાગૂંથણી કરે છે. કુદરતને શણગારનાર એ ડિઝાઈનર છે મહેશ્વર. શ્રાવણ મહિનાના પહેલા દિવસે, વર્ષાનાં જલબિંદુઓમાં ભીંજાયેલ અને ભક્તિરસનો આસ્વાદ માણવા તત્પર બનેલ ભક્તના મુખમાંથી નીકળી પડે છેઃ ૐ નમઃ શિવાય.
શિવજીની દેવીશક્તિ જગદંબાની કૃપા પ્રાપ્ત થાય, તો મનુષ્યને કેવી અદ્ભુત શક્તિ મળે એનું જવલંત ઉદાહરણ મહાકવિ કાલિદાસ છે. આ કાલિદાસ મહાકવિ નહીં, પણ મહામૂર્ખ હતો! તેના જીવનની એક કથા ખૂબ જાણીતી છે. કહેવાય છે કે કાલિદાસનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. બાળપણમાં માતા-પિતા મૃત્યુ પામ્યાં, તેથી એક ભરવાડે તેનો ઉછેર કર્યો. એક દિવસ જંગલમાં તે ઝાડ પર ચઢે. ઝાડની ડાળ ઉપર બેસીને તે કુહાડીથી ડાળ એવી રીતે કાપવા લાગ્યો કે જો ડાળ કપાય તો તે પણ ડાળ સાથે નીચે કૂવામાં પટકાય! આવો તો તે મૂર્ખ હતો!
એટલામાં ત્યાંથી રાજાનો પ્રધાન પસાર થયો. એણે આ દૃશ્ય જોયું. એને વિચાર આવ્યો કે રાજાની રાજકુંવરી માટે આ જ યોગ્ય મુરતિયો છે! પ્રધાનને કોઇ કારણસર રાજા સાથે ખટકેલું. આથી એણે વિચાયું કે રાજાને પદાર્થપાઠ ભણાવવાનો આ મોકો છે. પ્રધાને છોકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું: ‘અરે યુવક! તારે રાજકુંવરી સાથે પરણવું છે?’ યુવકે પહેલાં તો ના પાડી પરંતુ પ્રધાને તેને ભોળવીને પરણવા માટે તૈયાર કર્યો. પ્રધાને તેને રાજકુંવરને શોભે તેવાં વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યાં અને શીખામણ આપતાં કહ્યું: ‘જો, તારે બની-ઠનીને રાજમહેલમાં રાજા પાસે જવાનું છે. ત્યાં જઇને શાંત-ગંભીર-ચહેરે તારે ઊભા રહેવાનું. રાજા જે પૂછે તેનો ટૂંકો ને ટચ ‘હા’ કે ‘ના’માં ઉત્તર આપવાનો.’
પેલો ભરવાડ તો રાજકુમાર બનીને પહોંચી ગયો રાજા પાસે. રાજા તો એની ગંભીર મુખમુદ્રાથી અને માપસરનું બોલવાથી પ્રસન્ન થઇ ગયો અને હોંશે હોંશે પોતાની કુંવરી એની સાથે પરણાવી દીધી! ભરવાડ અને રાજકુંવરીનાં લગ્ન તો થઇ ગયાં, પણ પહેલી જ રાતે મૂર્ખ પતિનું પોત પ્રકાશી ઊઠ્યું! રાજકુંવરીની શય્યામાં પડતાં જ તે નસકોરાં બોલાવવા લાગ્યો.
રાજકુંવરી સમજી ગઇ કે આ કોઇ મહામૂર્ખ છે. રાજકુંવરીએ તેને ઘરની બહાર હડસેલી મૂક્યો. યુવક રાતના અંધારામાં રાજમહેલ પાસેના કાલીમાતાના મંદિરમાં જઇને, દ્વાર બંધ કરીને મૂર્તિ સામે ધ્યાન લગાવીને બેઠો.
એટલામાં બહારથી કાલીમાતાનું આગમન થયું. મંદિરનાં દ્વાર બંધ જોઇને એમણે બૂમ પાડી: ‘અંદર કોણ છે?’ તો અંદરથી પેલાએ સામે પૂછ્યું: ‘બહાર કોણ છે?’ બહારથી જવાબ આવ્યો: ‘હું કાલી છું.’ અંદરથી પેલાએ કહ્યું: ‘તો હું કાલીનો દાસ છું.’ - એમ કહેતો બહાર આવ્યો ને માતા કાલીનાં દર્શન થયાં!
કાલીમાતા પેલા મૂર્ખ યુવક ઉપર પ્રસન્ન થયાં. વરદાન આપ્યું: ‘આજથી તારી જીભ ઉપર સાક્ષાત્ સરસ્વતી નિવાસ કરશે.’ કાલીમાતા પાસેથી મળેલા વરદાનના પ્રતાપે તે તત્ક્ષણ શીઘ્રકવિ ‘કાલિદાસ’ થઇ ગયો.
એટલામાં પેલી રાજકુંવરીએ વિચાર કર્યો: ‘મેં પતિને મૂર્ખ માની કાઢી તો મૂક્યો, પણ લાવને એની કસોટી તો કરી જોઉં. એ કંઇ વિદ્યા જાણે છે કે નહીં?’ આવું વિચારીને તે શયનગૃહમાંથી બહાર નીકળી. સરોવરના કિનારે આવી જોયું તો પેલો યુવક સામે કિનારે બેઠો હતો.
રાજકુંવરીએ એ યુવકનું હીર પારખવા પ્રશ્ન કર્યો: અસ્તિ કશ્ચિદ્ વાગ્વિશેષઃ? (અર્થાત્ ‘તારામાં વાણીની - બોલવાની કંઇ આવડત કે વિશેષતા છે ખરી?)
પ્રશ્ન સાંભળતાની સાથે જ શીઘ્રકવિ બની ગયેલા તે યુવકના મુખમાંથી કવિતાની ધારા છૂટી. રાજકુંવરીના પ્રશ્ન-વાક્યમાં ત્રણ શબ્દો હતા: ‘અસ્તિ’ (છે), ‘કશ્ચિદ’ (કંઈ) અને ‘વાક્’ (વાણી). આ એક - એક શબ્દ લઇને, તે તે શબ્દથી શરૂ થતું એક - એક કાવ્ય તે બોલી ગયો. આમ, તેના મુખમાંથી ત્રણ કાવ્યો નીકળ્યાં: (૧) અસ્તિ - શબ્દથી શરૂ થતું ‘કુમારસંભવ’ મહાકાવ્ય, (૨) કશ્ચિદ્ શબ્દથી શરૂ થતું ‘મેઘદૂત’ અને (૩) વાક્ શબ્દથી આરંભાતું ‘રઘુવંશ’ મહાકાવ્ય. કાલિદાસના કુમારસંભવમાં શિવ-પાર્વતીના વિવાહ અને કુમાર કાર્તિકેયના જન્મની કથા છે. આવા મહાકવિને ઓળખીને, રાજકુંવરીએ તેનો પુન: પતિ તરીકે સ્વીકાર કર્યો.
ભોળાશંભુ અને તેમની દૈવી શક્તિ પાર્વતી (કાલી)ની કૃપા મેળવવા પેલા મૂર્ખ યુવકની જેમ ભોળા-નિષ્કપટ બનવું પડે.
શ્રાવણ માસના આ પવિત્ર દિવસોમાં ભગવાન શિવની સ્તુતિનું આપણે ગાન કરીએ.
શ્રાવણના પહેલા દિવસે ભક્તિરસનો આસ્વાદ માણવા તત્પર બનેલા જીવને શિવનું સ્મરણ અવશ્ય થાય અને તેના મુખમાંથી નીકળી પડે.
ગિરીશં ગણેશં ગલે નીલવર્ણમ્
ગવેન્દ્રાધિ રૂઢં ગુણાતીતરૂપમ્
ભવં ભાસ્વરં ભસ્મના ભૂષિતાંગમ્
ભવાનીકલત્રં ભજે પંચવક્ત્રમ્
શ્રાવણ માસ પર્વે આપ સહુને ૐ નમઃ શિવાય...
ભારતભૂમિમાં બિરાજતાં ૧૨ જ્યોર્તિલિંગ અને ૧૨ ઉપજ્યોર્તિલિંગ
દેવાધિદેવ મહાદેવ ભારતભૂમિમાં ૧૨ જ્યોર્તિલિંગ સ્વરૂપે બિરાજે છે તેમ ચારે દિશાએ ૧૨ ઉપજ્યોર્તિલિંગ રૂપમાં પણ બિરાજે છે. પવિત્ર શ્રાવણ પર્વે ૧૨ જ્યોર્તિલિંગ અને તેના ઉપજ્યોર્તિલિંગનું નામ-સ્મરણ.
૧) સોમનાથ - તેનું ઉપજ્યોર્તિલિંગ છે અંતકેશ્વર - ભરૂચ નજીક.
૨) મલ્લિકાર્જુન - તેનું ઉપજ્યોર્તિલિંગ છે રૂદ્રેશ્વર - હિમાલયમાં.
૩) મહાકાલ - તેનું ઉપજ્યોર્તિલિંગ છે દુગ્ધેશ્વર - નર્મદા કિનારે.
૪) ઓમ અમલેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે કર્મમેશ્વર - બિન્દુ સરોવર.
૫) કેદારેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે ભૂતેશ્વર - હિમાલયમાં.
૬) ભીમશંકર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે ભીમેશ્વર - પૂના નજીક.
૭) વિશ્વનાથ - તેનું ઉપજ્યોર્તિલિંગ છે અવિમુક્તેશ્વર - કાશીમાં.
૮) ત્ર્યંબકેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે બિલેશ્વર - બરડા ડુંગરમાં.
૯) વૈદ્યનાથ - તેનું ઉપજ્યોર્તિલિંગ છે મહાબળેશ્વર - ગૌકર્ણ તીર્થમાં.
૧૦) નાગેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે ભૂતેશ્વર - ઉજ્જૈન નજીક.
૧૧) રામેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે ગુપ્તેશ્વર - પુષ્કર નજીક.
૧૨) ધુષ્મેશ્વર - તેનું ઉપજ્યોર્તિલિંગ છે વ્યાઘેશ્વર - હિમાલયમાં.
-----------------